રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅમારી પડોશમાં એક ભાઈ રહે. નામ તેમનું જમનાદાસ. એમને એક ખાસ ટેવ. વાતવાતમાં શરત લગાવવાની. ‘લાગી ગઈ શરત’ ‘બોલો લગાવવી છે દસ-દસની?’ ‘આ વાત પર સો-સોની શરત.’ આવાં વાક્યો વાતવાતમાં બોલતા. એટલે બધાં એમને ‘શરતભાઈ’ કહે. અમે નાનાં ભૂલકાંઓ ‘શરતકાકા’ કહેતા. આ બાબતમાં જરાયે ખોટું પણ ન લગાડે. મોડર્ન બ્રેડની જેમ એમનું એ ઉપનામ આખા ગામમાં પ્રચલિત થઈ ગયેલું.
એક દિવસની આ વાત છે. અમે બધા મિત્રો શેરીના નાકે લખોટીઓ રમતા હતા. ત્યાં શરતકાકા આવી ચડ્યા.
‘મને રમાડો.
‘તમારાથી ન રમાય.’ રાકેશ બોલ્યો.
‘કેમ ન રમાય?’
‘તમે મોટા છો.’ સંજુએ કહ્યું.
‘તોય રમવું છે.’
‘તમને રમતાં ન આવડે. હારી જાઓ.’ મેં ચોખવટ કરી.
‘મને સરસ રમતાં આવડે છે. પપ્પુ, હું તારા જેવડો હતો ને ત્યારે તો બધાને હરાવી દેતો.’ શરતકાકા બોલ્યા.
‘એ તો એ દિવસો ગયા. પણ... હવે તમે ન જીતી શકો.’ મેં કહ્યું.
‘ચાલ, લગાવવી છે શરત?’ શરતકાકા બોલ્યા : ‘હું તને હરાવી દઉં તો?’
શરતકાકા સીધી શરત પર આવી ગયા. મને મારા પર વિશ્વાસ હતો. બધાય છોકરાઓમાં હું રમવામાં પાક્કો હતો. ઘણો દૂરથી લખોટી તાકી શકતો. દૂરથી લખોટી હીકીને ગબીમાં પાડી દેતો. પાડવામાં પ્રથમ નંબર મારો રહેતો. પદું દેનારને ખૂબ પીદાવતો. ને જ્યારે લખોટીઓ કૂંડાળામાં મૂકી બહાર કાઢવાની રમત રમતા ત્યારે સૌથી વધુ લખોટી મારે ભાગે આવતી!
શરતકાકાને અમે કદી લખોટી રમતાં જોયા ન હતા. એમને લખોટી પકડતાંય આવડતી હશે કે કેમ તે વિશે પણ અમને શંકા હતી.
‘પપ્પુ, ચાલ લગાવ શરત. આપણે બે રમીએ. જે હારે તે દસ રૂપિયા આપે.’ શરતકાકા બોલ્યા.
જો હું હારું તો દસ રૂપિયા ક્યાંથી લાવું? તે પ્રશ્ન મોટો હતો. શરતકાકા તો મોટા માણસ એટલે દસ રૂપિયા ગજવામાંથી કાઢીને ટપ દઈને આપી દે.
‘શરતકાકા’ હું બોલ્યો : ‘દસ રૂપિયા હું ક્યાંથી લાવું? ના એવી શરત નહિ.’
‘તો પછી જો સાંભળ. હું હારું તો દસ રૂપિયા આપું. ને જો તું હારે તો દસ લખોટી મને આપે. હવે તો શરત બરાબર ને?’
‘હા બરાબર.’ હું આનંદમાં આવી ગયો. દસ લખોટી તો હું સહેલાઈથી આપી શકીશ.
અમારી રમત અટકી પડી. સૌ ભેરુઓએ પોતપોતાની લખોટીઓ ઉપાડી લીધી. સંજુએ એક લખોટી શરતકાકાને આપી. ને અમારી રમત શરૂ થઈ.
રમત આ પ્રમાણેની હતી.
દૂરથી લખોટીઓ હીકવાની. ગબીમાં પાડી પહેલો પોઇન્ટ મેળવવાનો. પછી બબ્બે વેંત ભરી સામેના ભેરુની લખોટીને તાકવાની. તમે લખોટી તાકો એટલે એક પોઇન્ટ તમને મળે. વચ્ચેવચ્ચે ગબીમાં નાખીને પણ પોઇન્ટ મેળવી શકાય. પણ એક સાથે સળંગ બે વાર ગબીમાં ન પાડી શકાય. હા, સળંગ બે વાર, ત્રણ કે ચાર વાર, અરે! ગમે તેટલી વાર ભેરુની લખોટીને તાકી શકાય. ને પોઇન્ટ મેળવી શકાય. છેલ્લો પોઇન્ટ તાકીને જ કરવો પડે. આ રીતે જે પ્રથમ પચીસ પોઇન્ટ કરી લે તે જીત્યો ગણાય. હારનારે જીતનારને પદું આપવું પડે.
રમત શરૂ થઈ. પ્રથમ પોઇન્ટ મને મળ્યો. સૌ છોકરાંઓએ ‘હુર ર રે...’ કરી બૂમ પાડી.
એટલે શરતકાકા બોલ્યા :
‘અરે! મારો વારો આવવા દો. હું પણ ઉપરાપરી ચારપાંચ પોઇન્ટ કરી લઉં છું કે નહીં?’
શરતકાકાને એક પણ તક આપ્યા વગર મેં દસ પોઇન્ટ કરી લીધા. શરતકાકાનો વારો આવ્યો. તેમની લખોટી પકડવાની રીત અજબ હતી. તેમણે હાથના પંજા વડે લખોટી પકડી ગબી તરફ ફેંકી. પણ ઘણા સમયથી લખોટી પકડેલી નહિ એટલે ગબીમાં ન પડી. ફરી સૌએ બૂમાબૂમ કરી મૂકી. ફરી મારો વારો આવ્યો.
ફરી મેં પાંચ પોઇન્ટ મેળવી લીઘા. હજી શરતકાકાએ ખાતું પણ ખોલાવ્યું ન હતું! શરતકાકા હારી જવાના તેમાં મને શંકા ન રહી.
મને શરતકાકાની થોડી દયા આવી. એટલે મેં હાથે કરીને તાકવાનો ઘા ચૂકવ્યો. સૌ છોકરાં નવાઈ પામ્યાં. મારી લખોટી દૂર જઈને પડી. શરતકાકાની લખોટી ગબીની નજીક પડી ને તેમણે લખોટીને ગબીમાં નાખી પ્રથમ પોઇન્ટ મેળવ્યો. ફરી સૌએ હોહા કરી મૂકી.
શરતકાકાના પાંચ પોઇન્ટ થયા ત્યાં સુધીમાં મારે 24 પોઇન્ટ થઈ ગયા. જીતવામાં હવે એક જ પોઇન્ટ બાકી રહ્યો હતો. અને તે પોઇન્ટ તેમની લખોટીને તાકીને મેળવવાનો હતો.
શરતકાકાએ પોતાની લખોટીને ગબીને કિનારે ગોઠવી. દરેક ભેરુ રમત રમતાં આવું કરવા જ લલચાય છે, કારણ કે લખોટીને સહેજ વાગતાં તે ગબીમાં જ પડે ને આપણને એક પોઇન્ટ અનાયાસ મળી જાય.
દૂરથી ગબીના કિનારે રહેલી શરતકાકાની લખોટીનું નિશાન લીઘું. લખોટી છોડી. બધાંઓને મનમાં એમ જ થઈ ગયું કે મારા 25 પોઇન્ટ થઈ ગયા. ને તેથી બધાંએ બૂમો પાડી મને પ્રોત્સાહિત કર્યો.
પણ આ શું? મારી અને શરતકાકા બંનેની લખોટી જઈ પડી ગબીમાં. મારા 25 પોઇન્ટ બળી ગયા. બધાં છોકરાંઓનાં મોં પડી ગયાં. શરતકાકા ખુશ થયા. ઘડીભર હું પણ અવાક્ બની ગયો.
આ રમતમાં એક આ પણ નિયમ હતો. જો 25મો પોઇન્ટ મેળવવા જતાં લખોટી ગબીમાં પડી જાય તો તે 25 પોઇન્ટ બળી જાય – નાશ પામે અને પ્રથમ પોઇન્ટથી ફરી ગણતરી શરૂ થાય.
શરતકાકા મારાથી ખાસ આગળ નહોતા. એમના સાત પોઇન્ટ અને મારે એક જ પોઇન્ટ હતો. હું હિંમત ન હાર્યો. મને જીતવાની પૂરેપૂરી આશા હતી.
હું હિંમત રાખી, ધીરજપૂર્વક રમવા લાગ્યો. થોડી વારમાં તો હું આગળ નીકળી ગયો. એટલું જ નહીં પણ મારા જ્યારે ફરી 24 પોઇન્ટ થયા ત્યારે શરતકાકાના પંદર જ પોઇન્ટ હતા. ફરી શરતકાકાનું મોં કાળું પડી ગયું ને બધાં છોકરાંઓનાં મોં ફૂલ જેમ ખીલી ઊઠ્યા.
‘પપ્પુ, તું જબરો તાકોડી નીકળ્યો. જીતી જવાનો હોં!’ શરતકાકા બોલ્યા.
‘હાસ્તો વળી. હારે એ બીજા.’ મેં કહ્યું.
ફરી લાગ મળતાં શરતકાકાએ પ્રથમ વારની જેમ જ ગબીના કિનારે લખોટી રાખી. પણ આ વખતે હું સાવધ હતો. બધાં છોકરાંઓએ મને આ રીતે ન તાકવાની સલાહ આપી. પણ હું ડરી જાઉં તેવો ન હતો. કાંડામાં હતું તેટલું જોર કરી આંગળી ખેંચી લખોટીનો ઘા કર્યો ને ઘા બરાબર લાગ્યો. 25 પોઇન્ટ થઈ ગયા.
પણ એક નવાઈની વાત બની. શરતકાકાની લખોટીના બે ડાસલાં થઈ ગયાં હતાં!
શરતકાકા હાર્યા ને હું જીત્યો.
મોટા હાર્યા ને નાના જીત્યા.
‘શરતકાકા, લાવો દસ રૂપિયા.’ મેં ખુશ થતાં કહ્યું.
‘શરતકાકા, ને મારી લખોટી પણ.’ સંજુએ કહ્યું. શરતકાકા કે લખોટીથી રમતા હતા તે સંજુની હતી.
‘હા ભાઈ હા. આપું છું. પણ મારી પાસે લખોટી નથી.’ શરતકાકાએ સંજુને કહ્યું.
‘કાકા, બચુભાની દુકાને પાંચિયાની એક મળે છે. પાંચિયો આલો, લઈ આવું.’ સંજુ બોલ્યો.
‘ને મારા દસ રૂપિયા આપો.’ મેં કહ્યું.
‘પપ્પુ, આવડી મોટી શરત ન હોય. કંઈક ઓછું કર.’ શરતકાકા દયામણા મોંએ બોલ્યા.
‘સારું જાવ પાંચ રૂપિયા આપો.’ હું દયા ખાતો હોઉં તેમ કહ્યું.
‘ના હજી ઓછા કર.’ શરતકાકા બોલ્યા. ને પછી રૂપિયો કાઢી મને આપતાં બોલ્યા : ‘લે આ રૂપિયો લઈ લે.’
‘ના શરતકાકા.’
‘લઈ લેને ભાઈ. પ્રેમથી આપું છું.’
બધાઓએ મને રૂપિયો લઈ લેવા સમજાવ્યો.
‘પણ એક શરતે?’ મેં કહ્યું.
‘શી?’ શરતકાકાએ પૂછ્યું.
‘બધાંયને એક-એક લખોટી ભેટ આપો તો.’
‘હા શરતકાકા’ બધા બોલ્યા.
‘સારું ભાઈ. તમે કેટલા જણ છો?’
‘દસ જણ.’ સંજુ બોલ્યો. લાવો પચાસ વત્તા પાંચ બરાબર પંચાવન પૈસા એટલે અગિયાર લખોટીઓ લઈ આવું.’
શરતકાકાએ સંજુને પૈસા આપ્યા. સંજુ લખોટીઓ લઈ આવ્યો. બધાંને એક-એક લખોટી આપી.
શરતકાકા મને કહે : ‘પપ્પુ તું રૂપિયાનું શું કરીશ?’
‘કેમ, આમ પૂછો છો?’
‘જો પપ્પુ, તું એમાંથી લખોટીઓ લાવજે ને રમજે. ભણવાનું તો ખરું જ. પણ રમતેય રમવાની હોં. રમતમાં હોશિયાર હોય છે તે ભણવામાંય હોય છે.’
કેવા મજાના હતા શરતકાકા! અમને શરતકાકા બહુ ગમતા. આવા કાકા કોને ન ગમે?
(‘બહાદુર બંટી’માંથી)
સ્રોત
- પુસ્તક : નટવર પટેલની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 71)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2023