Bhola Bhabha - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભોળા ભાભા

Bhola Bhabha

રમણલાલ સોની રમણલાલ સોની
ભોળા ભાભા
રમણલાલ સોની

    ભોળા ભાભાને એક સાધુ મળી ગયા. ભોળા ભાભાની સેવાથી પ્રસન્ન થઈ સાધુએ એમને એક વીંટી આપી : ‘કહ્યું વીંટી મારી મા, વીંટી મારો બાપ!’ કહી તમે વીંટીની પાસે જે માગશો તે મળશે. બંગલો માગો તો બંગલો ને રાજપાટ માગો તો રાજપાટ મળશે. પણ વીંટી પાસે એક જ વખત માગી શકાશે.’

    ભોળા ભાભાએ ઘેર આવી ભોળી પટલાણીને વીંટીની વાત કરી કહ્યું : ‘શું માગશું વીંટી પાસે? બંગલો માગશું?’

    ભોળી પટલાણી કહે : ‘બંગલા કરતાં બળદિયો માગો તો કંઈ કામનું! એમ કરો, દશવીસ એકરનું ખેતર માગી લોને!’

    ભોળા ભાભા કહે : ‘ખેતર તો આપણે જરી વધારે મહેનત કરીશું તો જાતે કમાઈ લેશું! વીંટી પાસે તો એવું કંઈ માગવું જે બીજી રીતે મળે તેવું ન હોય!’

    ભોળીએ કાનની બૂટ પકડી કહ્યું : ‘વાત તો ખરી! વીંટી પાસે એક જ વખત માગવાનું છે, તો પૂરો વિચાર કરીને માગવું. સારા કામમાં ઉતાવળ નહિ સારી! હાસ્તો, સારા કામમાં ઉતાવળ નહિ સારી!’

    આમ વીંટીનો કશો ઉપયોગ થયો નહિ, ભાભાની આંગળીએ જ એ રહી.

    એ વર્ષે પટેલ-પટલાણીએ ખેતરમાં ખૂબ કામ કર્યું. ખેતરમાં સરસ પાક થયો, ને સારી કમાણી થઈ. બે બળદ નવા લીધા.

    ભોળી પટલાણી કહે : ‘આવું આપણી મહેનતથી મળતું હોય પછી વીંટીની પાસેથી માગીને લેવામાં વીંટીનું માન શું?’

    ભાભાએ કહ્યું : ‘અને આપણું યે માન શું?’

    બીજે વર્ષે પણ તેમણે કેડ બાંધીને કામ કર્યું. સારો પાક થયો. કમાણી પણ થઈ. વીસ એકરની નવી જમીન લેવાઈ. ભાભા કહે : ‘ભોળી, જમીન પર કૂવો નથી – કૂવો માગશું વીંટી પાસે?’

    ભોળી પટલાણી કહે : ‘કૂવો તો જોજોને, આપણી જ મહેનતથી થઈ જશે. વીંટી પાસે તો કંઈ એવું માગવું – હં, અત્યારે કંઈ સૂઝતું નથી. તો ઉતાવળે શી છે? કહું છું, સારા કામમાં ઉતાવળ નહિ સારી!’

    બીજે વર્ષે ખેતરમાં કૂવો પણ થઈ ગયો. બળદ માટે નવાં ઢાળિયાંય થયાં. પટલાણી કહે : ‘જોયું? આટલું તો આપણાં કાંડા-બાવડાંના જોરે થયું. વીંટી પાસે આવું માગ્યું હોત તો આપણું શું માન રહેત?’

    ભાભીએ કહ્યું : ‘ઘરનું માલણ તૂટી ગયું છે, મેડી સમરાવવી છે – એ માગશું વીંટી પાસે?’

    પટલાણી હસી પડી, કહે : ‘માગવાની એવી ઉતાવળ શી છે? કહું છું, સારા કામમાં ઉતાવળ નહિ સારી!’

    બીજાં બે વર્ષમાં તો પટેલે મેડીબંધ નવું મકાન બનાવ્યું. મસ્ત ધોરી આવ્યા, દુઘાળાં નવાં ઢોર આવ્યાં, નવાં ખાતરપાણી આવ્યાં, નવાં ઓજારો આવ્યાં! દીકરા મોટા થઈ હવે ખેતીના કામમાં મદદ કરતા હતા, તેથી ભાભાને ઘણી રાહત થઈ હતી.

    આમ બે દશકા વીતી ગયા. એક દિવસ ભાભા કહે : ‘ભોળી, હવે વીંટીની પાસે કંઈ માગી લઈએ તો સારું!’

    પટલાણી કહે : ‘તો માગોને! હું ક્યાં ના કહું છું!’

    ભાબો કહે : ‘શું માગશું? આપણી પાસે શું નથી? હળ છે, બળદ છે, ખેતર છે, કૂવો છે, પાણી છે, કામ કરે એવા દીકરા છે. શું માગશું, કહે!’

    ભોળી પટલાણી કહે : ‘માગી માગીને આવું માગવું છે? આમાં જાદુથી માગવા જેવું શું છે? માંગવું તો કંઈ એવું માગવું –’ વળી એ ગૂંચવાઈ ગઈ. કહે : ‘કહું છું, સારા કામમાં ઉતાવળ નહિ સારી!’

    પટેલે કહ્યું : ‘હાસ્તો! હાસ્તો! હું પણ એ જ કહું છું.’

    આમ બીજાં કેટલાંક વરસ વીતી ગયાં. પટેલ-પટલાણી હવે ઘરડાં થયાં. વળી એક વાર જાદુઈ વીંટીની વાત નીકળી. પટેલ કહે : ‘ભોળી, આ વીંટીની પાસે શું માગશું?’

    ભોળી પટલાણી કહે : ‘હવે આપણને શાની ખોટ છે તે? જેને ખોટ હોય તે માગે! મારે તો કંઈ માગવું નથી. વીંટી પાસે માગ્યું હોત તો આપત એના કરતાં ઘણું વધારે આપણે આપણી મહેનતથી પેદા કર્યું છે. વીંટીમાં જાદુ હશે તેના કરતાં આપણાં કાંડાં-બાવડાંમાં વધારે જાદુ છે એ તો આપણે નજરે જોયું!’

    ‘તો પછી વીંટી પાસે માગવું શું?’ ભાભાએ કહ્યું.

    ભોળી પટલાણીએ કહ્યું : ‘મને એક વાત સૂઝે છે. આખી જિંદગી આપણે આપણાં કાંડા-બાવડાંના જોર પર જીવ્યાં છીએ ને ઊજળાં રહ્યાં છીએ. એવાં ને એનાં ઊજળાં રહીને આપણે મરીએ એવું એની પાસે માગીએ. આપવાની એનામાં તાકાત હોય તો એટલું આપે!’

    પટેલને આ વાત ગમી ગઈ. એમણે વીંટીને હથેળીમાં લઈ કહ્યું : ‘વીંટી, મારી મા, વીંટી મારા બાપ, આપ તો એટલું આપ કે અમારાં કાંડાં-બાવડાંના જોરે અમે જેવાં ઊજળાં રહીને જીવ્યાં છીએ એવાં ઊજળાં રહીને શાન્તિથી મરીએ!’

    પછી ભાભો કહે : ‘હવે કામ ફત્તે! જમરાજાને કહું છું કે તું કાલ આવતો હોય તો આજે આવ અને આજ આવતો હોય તો અબઘડી આવ! હું તૈયાર છું!’

    ‘હું નહિ, આપણે!’ પટલાણીએ પટેલની ભૂલ સુધારી.

    ભાભાએ કહ્યું : ‘હવે આ વીંટીનું કામ શું છે? હવે એ જાદુઈ રહી નથી.’

    ‘દઈ દો કોઈ બ્રાહ્મણને! રાજી થશે ને આશીર્વાદ દેશે!’ ભોળી પટલાણીએ કહ્યું.

    ભોળા ભાભાએ વીંટી એક બ્રાહ્મણને દઈ દીધી.

સ્રોત

  • પુસ્તક : રમણલાલ સોનીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 73)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2023