
રંકા કઠિયારાનો ધંધો કરતો હતો; પણ પૈસા કમાવાના હેતુથી એ લાકડાં કાપવા જતો હતો એમ ભાગ્યે જ કોઈ કહી શકે. પોતાની આજીવિકા માટે ઓછામાં ઓછાં અમુક અન્નવસ્ત્રની તો દરેકને જરૂર પડે છે. દરેક જણે જાતે જ મહેનતમજૂરી કરીને એ મેળવી લેવાં જોઈએ એમ રંકા માનતો. એટલે જ એ જંગલમાં જઈ, લાકડા કાપી લાવી, ભારો વેચતો ને પોતાનું ગુજરાન ચલાવતો. એનો બાકીનો બધો વખત ભગવાનના નામનું રટણ કરવામાં જતો. એ લાકડાં કાપતો હોય ત્યારે પણ એનું હૃદય તો ભગવાનના નામની રટણા કર્યા કરતું.
રંકાની સાધુતાની લોકો ઉપર ઊંડી છાપ પડી હતી. લોકો એને ઘણું માન આપતા ને એને જાત જાતની ચીજો આપવા આવતા. માગે તો એ વૈભવમાં રહે એટલું દ્રવ્ય આપી જતાં લોકો પોતાને ધન્ય માને એમ હતું, પણ રંકા એ લેવાની નમ્રતાપૂર્વક ના પાડતો. પોતાની મહેનતમજૂરી પર જ એ ગુજરાન ચલાવતો ને ઉત્તમ ચારિત્ર્યભર્યું જીવન જીવતો હતો. સાદામાં સાદી રીતે રહેવામાં એને સાચા વૈભવનાં દર્શન થતાં. કોઈ કંઈ પણ અર્પણ કરવા આવે તો એને કહેતો કે પ્રભુના નામરૂપી સ્પર્શમણિને પામ્યા પછી માટીના ઢેફાની કોઈ ઇચ્છા કરે ખરું કે? એમ કહી, આવનારને પણ એ પ્રભુના માર્ગે વાળી દેતો.
આમ લોકો રંકાને માટે બીજું તો શું કરી શકે? પણ એણે કાપી આણેલાં લાકડાંનો ભારો ખરીદવા માટે ભારે પડાપડી થતી. સૌ કોઈ એના ભારામાંના પ્રત્યેક લાકડાને પવિત્ર સમજતા ને એના બદલામાં વધુમાં વધુ દામ આપવા ઇચ્છા રાખતા. પણ રંકાએ ભારો વેચવા બાબતમાં પણ એક નિયમ રાખ્યો હતો. પોતે ઊંચકી શકે એટલાં વધુમાં વધુ લાકડાં એ કાપી લાવતો ને એના ખરીદનાર પાસેથી પોતાને અનિવાર્ય હોય એટલાં ઓછામાં ઓછાં દામ એ માગતો. આવા નિઃસ્પૃહી સાધુજનને મદદ કરવાની ચાહના રાખનાર લોકો કેવળ લાચારી જ અનુભવતા.
રંકાની પત્ની વંકા પણ પતિને બધી રીતે અનુકૂળ હતી. પતિની સાથે એ પણ જંગલમાં જઈ લાકડાંનો ભારો લઈ આવતી. દુનિયાના ક્ષણિક વૈભવ ભોગવવા કરતાં પતિને પગલે ચાલવામાં એને વધુ આનંદ આવતો હતો. ગામની સ્ત્રીઓને કોઈ વાર થતું, ‘આ વંકાને આમ ગરીબાઈમાં જ રહેવું ભલું ગમે છે!’ પણ વંકાનો ચહેરો તો જ્યારે જુઓ ત્યારે હસતો જ હોય. પતિની સેવામાં ને ભગવાનની ભક્તિમાં તલ્લીન રહેતું એનું મન ક્ષુદ્ર વસ્તુઓમાં લોભાય એમ ન હતું. લાકડાંના ભારા વેચવાથી જરૂર પૂરતું મળી રહેયું હતું અને ઈશ્વરભજનમાં દિવસો વીતતા હતા. રંકા પોતાને આવી પતિપરાયણ પત્ની મળવા બદલ પ્રભુને પાડ માનતો. વંકા પોતાને આવો પ્રભુપરાયણ પતિ મળ્યો હતો તે બદલ પ્રભુનો આભાર માનતી. પતિપત્ની બન્ને પૂરાં સુખી હતાં.
કહે છે કે એક વેળા નારદમુનિ ત્રિલોકમાં ફરતા ફરતા આ બંને રહેતા હતા ત્યાં આવી પહોંચ્યા. રંકાવંકાની કીર્તિની સુવાસ તો ક્યારનીય એમના સુધી પહોંચી ગઈ હતી, પણ આ દંપતીનાં પ્રત્યક્ષ દર્શન એમણે કર્યાં ન હતાં. એ ક્ષણની ઝંખના કરતા કરતા એ એમની ઝૂંપડીએ જઈને ઊભા રહ્યા. અંદર નજર કરે છે તો ફાટીતૂટી ચટાઈ ને જરૂર પૂરતાં માટીનાં વાસણ સિવાય બીજો કંઈ જ સરસામાન નથી. અનાજ ભરવાની કોઠી સરખી નથી. વધેલી રસોઈ ઢાંકવાને શીંકું સરખું લટકતું નથી.
મુનિ ઝૂંપડીમાંથી બહાર નીકળી ગામની ભાગોળે જઈ રંકાવંકાની પ્રતીક્ષા કરતા ઊભા રહ્યા. સાંજ પડી ગઈ હતી. થોડી જ વારમાં રંકાવંકા માથા પર લાકડાંના મોટા ભારા ચડાવી પાછાં ફરતાં જણાયાં. એમના સાધુતાભર્યા પવિત્ર ચહેરા અને માથાં પર લાકડાંના ભારા જોઈ મુનિને ઘણું દુઃખ થયું. ‘રોજ રોજનું અનાજ આમ વેચાતું લાવીને ગુજરાન ચલાવતાં લાગે છે. આખો દહાડો કાળી મજૂરી કરે ત્યારે પેટપૂર અનાજની કિંમતનાં લાકડાં કાપી લાવે. જે ભગવાનનું નામ સરખું લેતાં નથી તે લોક કેવાં સુખી છે? ને આ બિચારાં ભગવાનને આશરે ચાલે છે ત્યારે એમને આમ ભારા ઊંચકવા પડે છે. વાહ, ભગવાન, તમારો ન્યાય પણ અજબ છે!’
નારદમુનિને ભગવાન પર ચીડ ચડી આવી. તરત એ રંકાવંકા પાસે જઈ બોલ્યા, ‘જે ભગવાન તમને રોટલાની પણ સરળતા આપતો નથી એની પાછળ તમે શા માટે આમ ગાંડાં બની રહ્યાં છો?’
રંકા કહે, ‘મુનિ મહારાજ, અવિનય ક્ષમા કરજો. પણ ભગવાનના નામ સિવાય બીજા કશામાં અમારું મન નથી. પછી ભગવાન બીજું કાંઈ પણ અમને શા માટે આપે? અમને એ ડગાવતો નથી એ જ એની અમારા પર મોટી દયા છે.’
નારદ મુનિ જુએ છે તો રંકા કહે છે એ જ ભાવ વંકાના મુખ પર પણ તરવરી રહ્યો હતો. છતાં એમના હૃદયનું સમાધાન થયું નહીં. આવાં સાધુજનને પોતાનો વ્યવહાર ચલાવવા આટઆટલું કષ્ટ ઉઠાવવું પડે એ તે કેવું? એ તો ગયા સીધા ભગવાન પાસે.
એમના ચહેરા પરનો ભાવ જોઈને ભગવાન વાત કળી ગયા ને મુનિને આવકાર આપી હસતાં હસતાં પૂછ્યું, ‘મુનિ, આજ કંઈ રોષમાં હો એમ જણાય છે.’
નારદ બોલ્યા, ‘પ્રભુ તમને ખરે જ ગુણની કદર નથી. હરિશ્ચંદ્ર, રતિદેવ, શિબિ, અંબરીષ, પાંડવો સરખા ભક્તોને તમે પારાવાર દુઃખનો અનુભવ કરાવ્યો છે ને જેઓ તમારું નામ સરખું લેતા નથી એમને તમે લીલાલહેર કરાવો છો એ તે કેવું?’
‘એ બધી તો જાણીતી વાતો છે. અત્યારે મને એ કહી સંભળાવવાનું કંઈ કારણ?’
‘કારણ છે રંકાવંકા, શ્વાસે શ્વાસે તમારું નામ લઈ, હાથે કરીને એ દુઃખમાં પડી રહ્યાં છે. કોઈ અપૂર્વ ભાવથી ઘેલાં બનીને એ તમારા નામને રટી રહ્યાં છે, ત્યારે તમને એમની કંઈ જ પડી નથી. જંગલમાં જઈને લાકડાંનો ભારો કાપી લાવે છે. ત્યારે લૂખો રોટલો ખાવા પામે છે. એમની ઝૂંપડીમાં નજર કરો તો નરી દરિદ્રતા!’
‘તો એમને માટે હું શું કરું એમ તમે ઇચ્છો છો?’
‘એ મને પૂછવાનું હોય? એમને જે આપો તે ઓછું છે. વધુ નહીં તો એમની દરિદ્રતાને તો હરો જ.’
‘નારદ, એવાંને આપવા માટે તો બ્રહ્માંડના અનંત કોટિ વૈભવો પણ ઓછા પડે. લોકો મને લક્ષ્મીનો પતિ કહે છે, પરંતુ જ્યારે આવાં નિઃસ્પૃહ સંતજનોને કંઈક આપવાનો હું વિચાર કરું છું ત્યારે મારી નિર્ધનતાનો મન સાચો અનુભવ થાય છે. એમને કંઈ પણ આપવું એ મારી શક્તિ બહારની વાત છે.’
‘તમારી આ શબ્દચાલાકીથી પેલાં બિચારાંના ઘરમાં મશરૂની તળાઈઓ ને ભાવતાં ભોજન નહીં થઈ જાય, પ્રભુ!’
‘નારદ, જેમને નામસ્મરણ સિવાય બીજું કંઈ જ ખપતું નથી એમને હું પણ શું આપી શકવાનો હતો?’
‘ટૂંકમાં એમ કહોને કે તમારે હજુ પણ એમની વધારે પરીક્ષા કરવી છે.’
‘નારદ, એમની પરીક્ષા હવે બાકી નથી રહી. મારા પ્રેમમાં મસ્ત બનેવાં રંકાવંકા જ્યારે લાકડાં કાપવા જતાં હોય છે ત્યારે એમના પ્રેમમાં ઘેલો બનેલો હું એમની પાછળ પાછળ ચાલુ છું; એ હેતુથી કે એમના ચરણની ઊડતી રજ મને સ્પર્શે અને હું પવિત્ર થાઉં.’
‘ભગવાન, વાતો તો તમે સારી કરી શકો છો. પણ એ બિચારાંનો વ્યવહાર શાંતિથી નભે એવું કંઈ કરી આપો તો ઠીક.’ નારદ બોલ્યા.
ભગવાન હસીને કહે, ‘તમારો આગ્રહ છે, તો ચાલો, આપણે એમની પાસે જઈ. એમને મારે શી મદદ કરવી એ તમે જ મને બતાવજો. બાકી મેં તો મારી નિર્ધનતા જાહેર કરી જ દીધી છે.’
નારદ મુનિ સાથે ભગવાન પૃથ્વી પર આવ્યા. તે સમયે રંકાવંકા લાકડાં કાપવા જઈ રહ્યાં હતાં. નિર્દોષ ભાવભર્યા ચહેરા, પવિત્ર આંખો, સ્થિર ગતિ ને દિવ્ય પ્રકાશ, જાણે સાક્ષાત્ સાધુતા જ માનવ આકાર ધારણ કરીને ચાલી રહી છે! રંકાના ખભા પર કુહાડો છે. પાછળ ચાલી રહેલી વંકાના ખભે ભારા બાંધવાનાં દોરડાં છે. જોઈને જ ભગવાને એમને હૃદયથી અભિનંદન આપી દીધાં.
નારદ કહે, ‘તમારા ભક્તોની આવી દશા જોવા છતાં તમારા મુખ પર દુઃખનો ભાવ સરખો જણાતો નથી એ તમારી નિર્દયતા તો હદ કરે છે.’
ભગવાન કહે, ‘તો કહો, આમને આપણે શું આપીશું?’
નારદ કહે, ‘પ્રભુ, એમને એટલું સુવર્ણ તો આપો જ કે એમની આજીવિકાનો પ્રશ્ન ઊકલી જાય.’
ભગવાન કહે, ‘ભલે. એમના માર્ગમાં સુવર્ણ મહોરોથી ભરેલી એક થેલી મૂકું છું. જુઓ હવે શું થાય છે તે.’
એમ માર્ગ વચ્ચે સોનામહોરોથી ભરેલી થેલી મૂકી ભગવાન અને મુનિ શું બને છે એની રાહ જોતા અદૃશ્યપણે ઊભા રહ્યા.
આગળ રંકા હતો, પહેલી એની નજર થેલી પર પડી. થેલીનું મોઢું ઉઘાડું હતું. જુએ છે તો અંદર સોનામહોરો છે. વંકા થોડેક પાછળ હતી, એ જોઈ રંકા તરત જ થેલી પર ધૂળ વાળવા મંડી ગયો. જેમ બને તેમ જલદીથી થેલી ઢાંકી દેવી જોઈએ એવો એનો પ્રયત્ન સ્પષ્ટપણે જણાઈ આવતો હતો.
‘એ શું કરી રહ્યા છો?’ વંકાનો અવાજ સંભળાયો. તે ઝડપથી પાસે આવી. ‘શાના પર ધૂળના ઢગલા કરી રહ્યા છો?’
‘અહીં સોનામહોરોની થેલી પડેલી છે. એને ધૂળ વડે ઢાંકી રહ્યો છું.’
‘કેમ, પાછા વળતાં એને ઘેર લઈ જવાનો વિચાર રાખ્યો છે કે શું?’
‘મારું મન સોનામહોરો જોઈ લોભાઈ જાય એવું છે એમ જ તેં શું ધારી લીધું, વંકા?’
‘તો પછી થેલીને તમે આમ શા માટે ઢાંકતા હતા એ મને કહો.’
‘મને થયું કે ક્યાંક તારી નજર થેલી પર પડે ને તું એને ઉપાડવા લલચાઈ જાય તો? એના પર તારી નજર સરખી ન પડે તો સારું, એમ વિચારી હું એના પર ધૂળ વાળી રહ્યો હતો.’
સાંભળીને વંકા હસી પડી.
‘વાહ રે! ધૂળને તે વળી ધૂળ વડે ઢાંકવાની હોય? આટલા સમયથી તમારા ચરણની રજ સેવું છું તે શું નકામી ગઈ? રામનામની સમૃદ્ધિ પામ્યા પછી આપણે મેળવવાનું શું બાકી રહ્યું છે કે આપણું મન બીજા કશામાં ચોંટે?’
રંકા કહે, ‘વંકા, હું મહોરોને સુવર્ણ રૂપે ઓળખું છું, જ્યારે તું તો એને ધૂળ રૂપે જુએ છે. તું તો મારા કરતાં પણ ચડી ગઈ.’
થેલીને ત્યાંની ત્યાં જ પડી રહેવા દઈ દંપતી આગળ ચાલ્યાં.
ભગવાન કહે, ‘જોયું, નારદ, સુવર્ણને ને માર્ગમાંની ધૂળને જે સમાન ગણે છે એમને આપણે શું આપી શકવાના હતા?’
નારદ કહે, ‘કંઈ નહીં તો પ્રભુ, એમને લાકડાંનો એક્કેક ભારો તો કાપી આપો. એમની એટલી મહેનત બચશે તોયે ઘણું છે.’
રંકા ને વંકા ચાલતાં ચાલતાં એક જગાએ થોભ્યાં.
વંકા, હું હવે લાકડાં કાપવા માંડું. તું ભેગાં કરવા માંડ. ત્યાં વંકાની નજર સામેના વૃક્ષ તરફ પડી.
‘અરે, જુઓ તો કદી નહિ ને આજે જ કોઈ બીજાં બે જણ અહીં લાકડાં કાપવા આવ્યા જણાય છે. બે ભારા બાંધી, આમ મૂકીને ક્યાં ગયાં હશે?’
રંકા જુએ છે તો સામેના વૃક્ષ નીચે બે ભારા બાંધેલા તૈયાર પડ્યા છે.
‘બીજા કોઈની રોજીમાં આપણે દખલરૂપ ન થઈ પડીએ એટલા માટે તો આપણે રોજ આટલે દૂર સુધી લાકડાં કાપવા આવીને છીએ. હવે અહીં પણ કોઈ આવવા માંડ્યું. માટે આપણે હવેથી કોઈ બીજા ઠેકાણે જવું તે જ યોગ્ય છે.’
એમ વિચાર કરી બેઉ જણ ત્યાંથી આગળ ચાલ્યાં.
ભગવાન કહે, ‘નારદ, પ્રાણીમાત્ર પર જેમના હૃદયમાં અપાર દયા છે એવા સમૃદ્ધ આત્માવાળાંને હું કંઈ જ આપી શકું તેમ નથી. કાષ્ઠનો એક ભારો પણ નહીં.’
નારદ કહે, ‘હવે તો મોડું પણ ઠીક ઠીક થયું છે. એ બિચારાં જોઈતાં લાકડાં ક્યારે કાપી રહેશે ને ક્યારે રોટલો પામશે? ફરી એક વાર પ્રયત્ન કરી જુઓ, પ્રભુ!’
ભગવાને બીજા એક વૃક્ષ હેઠળ પાછા બે ભારા ગોઠવી દીધા.
‘વંકા, અહીં પણ કોઈ કઠિયારાએ બે ભારા બાંધી મૂકેલા જણાય છે. ચાલો, કોઈ બીજી જગા શોધી કાઢીએ.’
એમ બંને જણ જંગલમાં આગળ વધતાં ગયાં. ભગવાન જેમ જેમ ભારા ગોઠવતા ગયા તેમ તેમ તેઓ તે તે સ્થળને તજતાં ગયાં. છેવટે નમતો પહોર થવા આવ્યો.
વંકા કહે, ‘આજે હવે આમ ખાલી હાથે પાછાં ફરીએ એ જ ઠીક છે. સૂરજ પણ આથમી જવા આવ્યો છે. ઘણું મોડું થઈ ગયું.’
રંકા કહે, ‘વંકા, કાલથી આપણે જરા વહેલાં નીકળીશું ને અહીં દૂર સુધી આવીને જ લાકડાં કાપીશું, જેથી બીજાં કોઈ લાકડા કાપનારને અડચણ ન થાય.’
એમ એ દિવસે બંને જણ ખાલી હાથે પાછાં ફર્યાં ને કંઈ રોજી મળી નહિ એટલે પ્રભુભજન કરતાં, ભૂખ્યાં પેટે સૂઈ રહ્યાં.
ભગવાન બોલ્યા, ‘નારદ, મને તમે બોલાવી લાવ્યા તેનું પરિણામ શું આવ્યું તે તમે જોયું ને? આવતી કાલથી હવે લાકડાં કાપવા એ લોકોને વધારે દૂર જવું પડશે. આવાં નિઃસ્પૃહી સાધુજનોને તમે નિર્ધન કહો છો? નિર્ધન તો હું છું કે મારી પાસે એમને આપવા જેવું કંઈ નથી. બ્રહ્માંડભરના અપાર વૈભવ એમની શ્રદ્ધા ને ભક્તિ આગળ તુચ્છ છે. નારદ હું ખરે જ નિર્ધન છું.’
નારદ બોલ્યા, ‘નિર્ધન કોઈ નથી. તમારા વડે એ સધન છે ને એમના વડે તમે સધન છો. પારસમણિને પામનારાં માટીના ઢેફાને શાનાં પકડે? તમને અને તમારા ભક્તોને સમજવામાં મારી ભૂલ થઈ હતી, પ્રભુ! મને માફ કરો.’



સ્રોત
- પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 231)
- સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
- વર્ષ : 2020