રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક હતો શેઠ. મોટો વેપારી ગણાતો. એના જેવો વેપારી એ વખતે કોઈ ન મળે. લાખો રૂપિયાનો વેપાર કરે. નોકરચાકરનો પાર નહીં. ઘરમાં અઢળક પૈસો. ધમધોકાર વેપાર ચાલે. શેઠ જથ્થાબંધ માલ ખરીદે છે અને વેચે છે. ઘણો નફો મળે છે.
શેઠ દયાળુ પણ એવો જ. ગરીબ દુખિયાને આંગણેથી પાછું ન વાળે. જેને અનાજ જોઈએ તેને અનાજ આપે. કપડાં જોઈએ તેને કપડાં આપે. કોઈને કડવું વેણ ન કહે. ગામ પરગામ એની સારી આબરૂ બંધાઈ ગઈ હતી. લોકો એને માન આપતા.
શેઠને ચાર દીકરા. ચારેય ભણીગણીને હોશિયાર થઈ ગયેલા. વેપારમાં પણ ઉસ્તાદ. ચારે ભાઈ સંપીને રહે. કામકાજ કરે અને આનંદ કરે.
શેઠ ઘરડો થયો. તેણે ચારે દીકરાને બોલાવ્યા અને કહ્યું : ‘જુઓ બેટા! હું હવે ઘરડો થયો છું. મોત ક્યારે આવશે, એ કહી ન શકાય. હવે તો હું સાજોમાંદો રહું છું.’
મોટો દીકરો બોલ્યો : ‘એમાં તમે શા માટે મૂંઝાઓ છો? અમે સારામાં સારા વૈદોને બોલાવીશું. તમારી ચાકરી કરીશું. તમારો વાળ પણ વાંકો નહીં થવા દઈએ.’
શેઠ કહે : ‘ના, એથી હું જીવી નહીં શકુ. એની મને ચિંતા પણ નથી. ચિંતા છે મારા ધનની.’
બીજો બોલ્યો : ‘એમાં શાની ચિંતા? અમે ચારેય ભાઈઓ સરખે ભાગે વહેંચી લઈશું. લડીશું નહીં કે કજિયો કરીશું નહીં.’
શેઠ કહે : ‘ના, એ વિષે પણ મને દુઃખ નથી. પણ મારે મારું ધન વેડફી નાખવું નથી. તમે પાછળથી ધનનો ગેરઉપયોગ કરો, તો મારી આબરૂ ડૂબી જાય.’
બધા છોકરા બોલ્યા : ‘તમે કહેશો તેમ અમે કરીશું.’
શેઠ કહે : ‘મારી દોલતના મારે ભાગ નથી પાડવા. એકને જ એ દોલત આપવી છે.’
છોકરાઓએ એ વાત પણ કબૂલ કરી.
શેઠ કહે : ‘તમારા ચારમાંથી જે મારી ઇજ્જત સાચવીને વધારી શકે એવો હશે, તેને દોલત આપીશ.’
છોકરાઓએ આ વાત પણ કબૂલ રાખી,
ફરીને શેઠ કહે : ‘એ માટે તમારે પરીક્ષા આપવી પડશે. જે પાસ થશે, તેને દોલત મળશે.’
ભલે, ભાઈ ભલે. છોકરાઓને કોઈ વાતની ના નહોતી.
શેઠે હવે ખુલાસો કરતાં કહ્યું : ‘તમે ચારેય જુદા જુદા દેશમાં જાઓ. ત્યાં એક એક વરસ રહો. ત્યાં રહીને એવું કંઈ કામ કરો, કે લોકોમાં તમારી આબરૂ વધે. જેની આબરૂ સૌથી સારી હશે તેને મારી દોલત આપીશ.’
છોકરાઓ ડાહ્યા હતા. કબૂલ થયા.
એક દિવસે ચારેય છોકરાઓ ચાલી નીકળ્યા. ચારેય જુદી જુદી દિશાએ ગયા.
મોટો છોકરો પૂર્વ દિશામાં ગયો. તેણે એક મોટા શહેરમાં દુકાન ખોલી. મોટો વેપાર શરૂ કર્યો. પૈસા પણ સારા કમાવા લાગ્યો. પૈસાદાર તરીકે એની આબરૂ ખૂબ ફેલાઈ. શહેરના મોટા મોટા અમલદારો અને શેઠિયાઓ સાથે દોસ્તી થઈ. તેમને ભોજન માટે નિમંત્રણ આપે. સંગીતના જલસા ગોઠવે. એથી એનું નામ ખૂબ જાણીતું થઈ ગયું.
બીજો છોકરો ઉત્તર દિશામાં ગયો. તે એક રાજા પાસે ગયો અને પોતાની હકીકત કહી નોકરી માગી. રાજાએ તેને નાની નોકરી આપી. એ ઘણો હોશિયાર હતો. હોશિયારી અને મહેનતથી રાજાને ખુશ કરી દીધો. વધતાં વધતાં રાજાનો વડો વજીર બની ગયો. એથી એનુંયે નામ આખા દેશમાં જાણીતું થઈ ગયું.
ત્રીજો છોકરો દક્ષિણ દિશામાં ગયો. તેણે એક શહેરમાં જમીન ખરીદી. સારા સારા કારીગરોને બોલાવ્યા. એક મંદિર બંધાવવા માંડ્યું. ખૂબ પૈસા ખર્ચીને મોટું મંદિર બંધાવ્યું. મંદિર ઘણું જ સુંદર થયું. લોકોમાં એથી એનું નામ ભક્ત તરીતે જાણીતું થઈ ગયું. હજારો લોકો મંદિરમાં દર્શન કરવા આવવા લાગ્યા. બધા શેઠના એ છોકરાનાં વકાણ કરવા લાગ્યા.
સૌથી નાનો છોકરો પશ્ચિમ દિશામાં ગયો. તેણે શાહુકારી ઠાઠ ફેંકી દીધો. કીમતી કપડાં કાઢી નાખ્યાં. સાદા કપડાં પહેર્યાં. કેટલીક દવાઓ ખરીદી. એક પેટીમાં દવાઓ ભરી. એક મોટી ઝોળી લીધી. તેમા ચણા ને ગોળ ભર્યા. નાનાંમોટાં કપડાં સિવડાવીને એક પોટલું બાંધ્યું. પછી એણે તો આખા ગામ્ ફરવાનું શરૂ કર્યું. સૂરજ ઊગે ત્યારથી તે આથમતાં સુધી ગામમાં ફરે. શેરીએ શેરીએ જાય. કોઈ માંદું હોય તેને દવા આપે. કોઈ ભૂખ્યું હોય તેને ચણા ને ગોળ આપે. કોઈની પાસે કપડાં ન હોય તો કપડાં આપે. જે કોઈ દુઃખી હોય તેને મદદ કરે. એમ કરતાં ઉનાળો આવ્યો. તેણે એક પરબ માંડી. સવારે ગામમાં ફરે અને બપોરે પરબે બેસે. તરસ્યાંને પાણી પાય. કોઈની પાસેથી પાઈપૈસો ન લે. પ્રેમથી બધાની સેવા કરે. એક વરસમાં તો એણે હજારો દુખિયાં લોકોને મદદ કરી. કેટલાંયે ગામડાંમાં રખડીને લોકોની સેવા બજાવી. એથી એનું નામ ખૂબ જાણીતું થઈ ગયું. લોકો એને “દયાળુ દાતા” કહેવા લાગ્યા.
એક વરસ પૂરું થયું. દરમ્યાન વાણિયા શેઠની તિબયત કંઈક સુધરી હતી.તે પૂર્વ દિશામાં ગયા. મોટા છોકરા પાસે જઈને જોયું, તો એ તો મોટો વેપારી બની ગયો છે. એનું નામ મોટા શેઠ તરીકે ખૂબ વખણાય છે. શેઠે તો એ જોઈને ડોકું ધુણાવ્યું.
બીજા છોકરા પાસે ગયો. એ તો દીવાન બન્યો છે. લોકો એનું નામ સાંભળીને પાઘડી ઉતારે છે. શેઠ ડોકું ધુણાવીને ત્યાંથી પણ આગળ ચાલ્યો.
ત્રીજા છોકરા પાસે ગયો. એનું નામ તો બધા લોકો જાણે છે. એણે બંધાવેલું મંદિર ખૂબ પ્રસિદ્ધ છે. લોકો એને ભક્ત ગણે છે. શેઠ ત્યાંથી આગળ ચાલ્યો.
નાના છોકરા પાસે આવ્યો. એનું નામ તો ગામડે ગામડે ને શહેરમાં જાણીતું. જે તેનું નામ સાંભળે, તે આશીર્વાદ દે. એ તો દુખિયાંનો બેલી છે, ભગવાનનો માણસ છે એમ બધા કહે.
ચારેય દીકરાઓને લઈને શેઠ તો ઘેર પાછા આવ્યા.
મોટો જાણે, કે મારી તો શેઠ તરીકે ખૂબ આબરૂ વધી છે. મને જ દોલત મળશે.
બીજો જાણે, કે હું તો રાજાનો દીવાન બન્યો છું. મારી તો ખૂબ આબરૂ. મને જ દોલત મળશે.
ત્રીજો જાણે, કે દોલત તો મને જ મળશે. હું તો ભક્ત ગણાયો. મેં કેવું દેવમંદિર બંધાવ્યું, લોકોને ભક્ત બનાવ્યા.
નાનાને મનમાં કંઈ ન મળે. એ તો દોલત મળે તોય ઠીક અને ન મળે તોય ઠીક, એમ જ માને છે.
શેઠે ચારે દીકરાને બોલાવ્યા. પછી બોલ્યો :
જો, મોટાએ વેપારી બનીને દોલત મેળવી, એમાં કંઈ આબરૂ નથી. મરી જાય એટલે એને કોઈ યાદ નહી કરતું. માટે મોટાને મારી દોલત નહીં મળે.
મોટાનું મોં વીલું થઈ ગયું.
પછી કહે : ‘બીજો રાજાનો દીવાન બન્યો, એથી લોકોમાં જાણીતો થયો. પણ એ કંઈ સાચી આબરૂ ન કહેવાય. દીવાનને પાછળથી તો લોકો ગાળો જ દેતાં હોય. સત્તા આવવાથી કંઈ સાચી આબરૂ નથી મળતી. માટે એનેય મારી દોલત નહિ મળે.’
બીજાનું મોં પડી ગયું.
શેઠ બોલ્યા : ‘પૈસા ખરચીને દેવમંદિર બંધાવ્યું. એથી લોકોએ બંધાવનારનું નામ જાણ્યું, પણ એ મંદિરથી લોકોને કંઈ ફાયદો ન થયો. લોકો તો બીજે મંદિરે પણ જતા હતા, અને તે વિના અટકી ન પડત. થોડા વખત પછી એનું નામ લોકો ભૂલી જવાના. માટે એનેય નહિ મળે.’
તે બાપડો પણ ઝાંખો પડી ગયો.
છેવટે શેઠ બોલ્યા : ‘સાચી આબરૂ તો આ નાને છોકરે મેળવી છે. એણે લોકોની સેવા કરી. એણે દુખિયાનાં દુઃખ ભાંગ્યાં. એનું નામ તો લોકોના દિલમાં લખાઈ ગયું. પ્રેમથી લોકો યાદ કરે છે. તમે ત્રણેએ તો પૈસાથી અને સત્તાથી આબરૂ મેળવી. પૈસા ન હોય અને સત્તા પણ ન હોય, ત્યારે એ આબરૂ પણ ન હોય. સેવા કરીને મેળવેલી આબરૂનો નાશ નથી થતો. નાનો છોકરો મરી જાય, તોપણ એનું નામ બધાં યાદ રાખવાના. માટે મારી દોલત નાનાને આપું છું.’
નાનો છોકરો ઊભો થયો. તેણે પિતાજીના પગમાં માથું મૂક્યું. હાથ જોડીને કહ્યું
‘પિતાજી! મારે એ બધી દોલત નથી જોઈતી. અમને ચારે ભાઈઓને સરખે ભાગે વહેંચી આપો.’
શેઠ બોલ્યો : ‘ધન્ય છે! ધન્ય છે!’
પેલા ત્રણેય છોકરાઓનાં મોં વીલાં થઈ ગયાં હતાં. દોલતમાં ભાગ મળવાનું સાંભળીને તે સૌ રાજી થઈ ગયા.
નાનાને તો દિલગીરી પણ નથી અને આનંદનો ઊભરો પણ નથી.
સ્રોત
- પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 166)
- સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
- વર્ષ : 2020