Indubala - Children Stories | RekhtaGujarati

                આજે તો ઇન્દુબાલાએ રેશમી ફરાક પહેર્યું હતું ને માથામાં ફૂલ નખાવ્યાં હતાં, છતાં એ ચિંતાતૂર હતી.

 

                આમ તો ઇન્દુબાલા હસમુખી હતી. એ રમે કૂદે ને મઝા કરે. ભાગ્યે જ એના મોઢા પર આવી ચિંતા હોય.

 

                 પણ આજે તો એ ખરેખરી ચિંતાતૂર હતી.

 

                 મેં એને પાસે બોલાવીને પૂછ્યું :

 

                ‘કેમ બહેન! તું ઉદાસ શાથી છે?’

 

                ‘આજે જરા એવું થયું છે.’ ઇન્દુ બોલી : ‘હેં સુમનબહેન! બાએ એવું કેમ કહ્યું હશે?’

 

                ‘પણ બાએ શું કહ્યું તે તો કહે.’ મેં એને બરડે હાથ ફેરવતાં જણાવ્યું.

 

                ‘બાએ મને રેશમી ફરાક પહેરાવ્યું.’ ઇન્દુ બોલી. ‘માથું ઓળ્યું, લટ ગૂંથી, ફૂલો નાખ્યાં ને કહ્યું : ‘ઇન્દુ! આજે ફરાક મેલું ન કરતી. સંભાળીને ફરજે. ફરાક જરા પણ મેલું થશે તો સાંજે ખાવા નહિ આપું.’

 

                ‘એમ છે કે! તો સંભાળીને રમજે.’

 

                ‘તે સુમનબહેન! રેશમી કપડાં ધોવામાં વધારે મહેનત પડતી હશે?’ ઇન્દુએ પૂછ્યું.

 

                ‘ના બહેન, એવું નથી પણ એના ધોવાના વધારે પૈસા પડે છે.’ મેં કહ્યું.

 

                ‘તેથી જ બાએ એવું કહ્યું હશે.’

 

                મેં એને એક ચોપડી આપી. એમાં માણસજાત સૌથી પહેલાં કેવાં કપડાં પહેરતી ને તેનો કેવી રીતે વિકાસ થયો તેનાં મઝાનાં ચિત્રો હતાં.

 

                ઇન્દુબાલા એ ચિત્રો જોવા લાગી.

 

                શરૂઆતનાં ચિત્રોમાં જૂના જમાનાનાં માણસો ચામડાનાં કપડાં પહેરતાં તે હતું, તે પછી ઝાડની છાલનાં વસ્ત્રોવાળાં ચિત્ર હતા.

 

                ‘સુમનબહેન! માણસજાત ક્યારે રેશમી કપડાં પહેરતાં શીખી હશે?’ ઇન્દુબાલાએ પૂછ્યું.

 

                ‘આટલો ગાઝ પૂરો કરીને કહું. એ વાત ખૂબ મઝાની છે.’ મેં કહ્યું.

 

                હું શી રીતે ગાઝ કરતી હતી તે એણે ધ્યાન દઈને જોયું.

 

                ગાઝ પૂરો થયો એટલે મેં વાતની શરૂઆત કરી.

 

                ઘણા જૂના વખતની એ વાત છે. એ વખતે ચીન દેશમાં એક કુંવર રહેતો હતો. એનું નામ ‘કુંવર યેમ વુ.’

 

                એક દહાડો કુંવર યેમ વુ ઘણો જ ચિંતાતૂર થઈને બેઠો હતો. એને તો ચેન પડતું ન હતું. એની રત્નજડિત ગાદી પણ એને ગમતી ન હતી. એ તો બેઠો બેઠો પોતાની દાઢી પસવારતો હતો.

 

                રાજમહેલને બારણે લટકાવેલી રૂપાની ઘંટડીઓ પવનથી હાલતી ને મધુર રણકાર થતો તે પણ એને ગમતો ન હતો. રંગબેરંગી દીવાઓનો પ્રકાશ પણ એને આનંદ આપતો ન હતો.

 

                કુંવર યેમ વુ ઊઠ્યો. એણે રત્નજડિત પાવડી પહેરી અને ખટ ખટ કરતો બાગમાં ગયો. એના મહેલની આજુબાજુ મઝાનો બાગ હતો. એમાં કેટલાંક નાનાં-નાનાં પણ ઘણાં જૂનાં ઝાડ હતાં.

 

                કુંવર યેમ વુ જતો હતો ત્યાં એની નજર જાડા માતેલા કીડા ઉપર પડી. એ ધીમે ધીમે ચાલતો હતો. કુંવરે એને ઉપાડી લીધો ને શેતૂરના ઝાડ પર મૂક્યો.

 

                ‘આપની દયા માટે હું ઘણો આભારી છું.’ પેલા કીડાએ કુંવરને કહ્યું. ‘આજે આપની તબિયત બરાબર નથી કે શું?’

 

                એ સાંભળીને કુંવરને નવાઈ લાગી. એક કીડો, એના જેવા રાજકુંવરની ખબર પૂછે એ અજબ જેવું હતું.

 

                ‘જરા એવું જ છે.’ કુંવરે કહ્યું.

 

                ‘આપની ચિંતાનું કારણ જણાવશો?’ કીડાએ આગ્રહ કર્યો.

 

                ‘એક મોટો ગૂંચવાડો ઊભો થયો છે ને તેનો ઉકેલ જડતો નથી.’ કુંવરે કહ્યું.

 

                ‘એવો તો શો ગૂંચવાડો છે? જરા ખુલાસેથી કહો તો મારાથી બનતી મદદ હું કરું.’ કીડાએ જણાવ્યું.

 

                ‘વાત એમ છે’ કુંવર યેમ વુએ કહેવા માંડ્યું, ‘થોડા દહાડા પછી રાજકુમારી મે હ્યુની વરસગાંઠ આવે છે. મહારાજા વાંગ લીંગે જાહેર કર્યું છે કે વરસગાંઠની ભેટ તરીકે જે કુંવર સારામાં સારો પોશાક રાજકુંવરીને ભેટ આપશે તેની સાથે એને પરણાવીશું. હવે એવો પોશાક શાનો કરાવવો કે જેની બરોબરીમાં બીજો કોઈ આવી ન શકે!’

 

                ‘તમે કંઈ વિચાર્યું છે?’

 

                ‘હીરા, મોતી ને પરવાળાંનો પોશાક મેં કરાવ્યો પણ એ તો ભારે કઠણ હતો. રાજકુંવરીને એ ખૂંચે. ફૂલોનો પોશાક મઝાનો થયો પણ એ કરમાઈ ગયો. આમ હોવાથી શું કરવું તેની ચિંતામાં હું છું.’

 

                ‘આપને રેશમનો પોશાક કરવાનો વિચાર નથી આવ્યો?’ કીડાએ પૂછ્યું.

 

                ‘રેશમ! રેશમ શુ છે? મેં એનું નામ પણ સાંભળ્યું નથી.’ કુંવર બોલી ઊઠ્યો.

 

                ‘એ હું સમજાવું. આ ઝાડ જોયું? એ અમને ઘણું વહાલું છે. એનું નામ શેતૂર. એનાં પાન અમને ઘણાં ભાવે છે. પેલાં અમારાં ઈંડાં. એ રાઈના દાણા જેવાં છે. એમાંથી અમારાં નાજુક બચ્ચાં નીકળે છે. એ છઠ્ઠે, દસમે અને તેવીસમે દહાડે ચામડી બદલે છે. પછી એ ખાવાનું બંધ કરે છે ને શેતૂરની ડાળખીએ વળગી કોશેટો શરૂ કરે છે. એ પોતાની આજુબાજુ બહુ જ બારીક અને સુંદર તાર વીંટાળે છે.’ એમ કહી કીડાએ કુંવરને એક કોશેટો આપ્યો.

 

                ‘કેવો મુલાયમ, બારીક ને નરમ તાર છે!’ કુંવર તાર જોઈને બોલ્યો.

 

                ‘ત્રણ અઠવાડિયાંમાં કીડો એ બનાવે છે. પછી બાજુનો છેડો કાતરીને એ બહાર આવે છે. તે વખતે એને પાંખો ફૂટી હોય છે ને એ કીડામાંથી ફૂદું થઈ ગયો હોય છે. એ આમતેમ થોડું થોડું ઊડે છે.’

 

                ‘પણ એમાં રાજકુમારીના પોશાક માટેનું રેશમ ક્યાં આવ્યું?’ કુંવરે પૂછ્યું.

 

                ‘પેલા કોશેટોના તાંતણા ઉકેલી લેવાય તે રેશમ. જો એને વણકરો વણે અને કાપડ બનાવે, તો એ ભારે મુલાયમ હશે ને એનો ચળકાટ હીરા ને મોતી જેવો હશે. એ નાના સરખા કોશેટોમાંથી આઠસોથી બારસો વાર જેટલો લાંબો રેશમનો તાર નીકળશે.’ કીડાએ સમજાવ્યું.

 

                કુંવરે કીડાનો આભાર માન્યો ને પોતાના માણસોને કોશેટો એકઠા કરવા હુક્મ આપ્યો અને જોતજોતામાં હજારો કોશેટો એકઠા થયા.

 

                એમાંથી તાર કાઢવામાં આવ્યા ને એનું વણકરોએ નરમ હાથે કાપડ વણ્યું.

 

                એ ભારે મુલાયમ હતું. એનો ચળકાટ મોતીને પણ ઝાંખા પાડે એવો હતો.

 

                એ જોઈ કુંવર રાજીરાજી થઈ ગયો!

 

                પછી તો એ કાપડમાંથી રાજકુમારી માટે સુંદર પોશાક તૈયાર થઈ ગયો. બરાબર વખતસર એ તૈયાર થઈ ગયો અને તે લઈને કુંવરે યેમ વુ મહારાજ પાસે ગયો.

 

                મહારાજ વંગ લીંગે એ જોયો. એમની અજાયબીનો પાર ન રહ્યો. એમણે રાજકુમારીને બતાવ્યો.

 

                એ જોઈને રાજકુમારી પણ રાજીરાજી થઈ ગઈ. એની બરોબરી કરે એવો પોશાક બીજા કોઈનો ન હતો એટલે ભારે ધામધૂમથી મહારાજા વાંગ લીંગે રાજકુમારી મે હ્યુને કુંવર યેમ વુ સાથે પરણાવી.

 

                પેલા સુંદર પોશાકમાં રાજકુમારી મે હ્યુ એવી તો શોભતી હતી કે એને જોઈને સૌ કોઈ અજાયબીમાં ગરકાવ થતું હતું કે એવો મનોહર પોશાક કુંવર યેમ વુ ક્યાંથી લાવ્યો હશે!

 

                રાજકુમારી મે હ્યુએ પોશાકનો ભેદ કુંવર પાસેથી મળવ્યો ને ચીનના લોકોને તે બતાવ્યો.

 

                તે દહાડાથી ચીનમાં શેતૂરનાં ઝાડ ખૂબ કાળજીથી ઉછેરાય છે. રેશમની વાત આવી છે.

 

                ‘એમ છે!’ ઇન્દુ બોલી. ‘હવે મારા રેશમી ફરાકની હું કાળજી રાખીશ. બાને ઠપકો આપવા વખત નહિ આવવા દઉં.’

સ્રોત

  • પુસ્તક : નાગરદાસ ઈ. પટેલની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2013