Balraja - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

    કાલે સવારે રાજ્યાભિષેક થવાનો છે. બાલરાજા પોતાના સુંદર ઓરડામાં એકલો બેઠો છે. દરબારીઓ બધા થોડી જ વાર પહેલાં તેને પ્રણામ કરીને રાજ્યના શાસ્ત્રીજી પાસે આવતી કાલે ભરાનારા દરબાર વિષે માહિતી મેળવવા ગયા હોવાથી બાલરાજા કિનખાબના વિરામાસન ઉપર પડ્યો હતો. તેની આંખો વ્યાકુળ લાગતી હતી ને મોં ભયથી સહેજ ઉઘાડું દેખાતું હતું. શિકારીઓ પાસેથી કોઈ હરણ નાસી છૂટ્યું હોય એવો એ લાગતો હતો.

    થોડા દિવસ પર તો તે ભરવાડનો પુત્ર હતો ને ઘેટાં ચરાવતો હતો. એ વખતે એને ખબર પણ ન હતી કે પોતે રાજાની એકની એક કુંવરીનો પુત્ર હતો.

    એમ કહેવાતું હતું કે એક ગરીબ કલાકારે પોતાની અદ્ભુત વાંસળીથી રાજકુમારીનું દિલ જીત્યું હતું અને છૂપી રીતે તેમણે લગ્ન પણ કરી લીધાં હતાં; પરંતુ બાળકનો જન્મ થયો કે એક અઠવાડિયામાં તો તેને એક દરબારી જોડે કોઈ ખેડૂતને ઘેર મોકલી દેવામાં આવ્યો. આ દરબારી હજુ બાળકને લઈને ખેડૂતને ઘેર પહોંચી તેનું બારણું ઠોકતો હશે ત્યાં તો અહીં રાજમહેલમાં બિચારી રાજકુમારી આ આઘાતને લીધે – કે પછી કોઈ હળાહળ ઝેરની અસરથી – મૃત્યુ પામી. તેના શબને ગામ બહાર એક એકાંત સ્થળે લઈ જવામાં આવ્યું. તે જ સ્થળે થોડા દિવસ પર એક ખૂબસૂરત પરદેશી યુવાનનું શબ પણ લાવવામાં આવ્યં હતું. એમ કહેવાતું હતું કે આ યુવાનના હાથ બાંધેલા હતા અને તેના શરીર પર ઘા હતા!

    આ વાત ખરી હોય કે ખોટી, પણ એટલું તો ખરું જ કે વૃદ્ધ રાજાને પોતાના મૃત્યુ સમયે પસ્તાવો થયો હશે કે શું, તે એણે પોતાની કુંવરીના બાળકને તેડાવ્યો ને ઉમરાવો સમક્ષ તેને રાજા ઠરાવ્યો.

    બાલરાજા મહેલમાં દાખલ થયો ત્યારથી જ બધાને લાગ્યું કે સુંદર ચીજો પાછળ એ ઘેલો છે. એને માટે કીમતી પોશાક તૈયાર હતો એ જોઈને એનાથી આનંદનો ઉદ્ગાર નીકળી ગયેલો, ઝટપટ પોતાનાં ભરવાડનાં કપડાં કાઢી નાખી તેણે સુંદર પોશાક પહેરી લીધેલો. રાજસભા વગેરે દમામી શિષ્ટાચારોથી એ કંટાળતો ને સભા પૂરી થાય કે તરત જ જલદી જલદી તેનો ભવ્ય દાદર ઊતરી નીચે જતો રહેતો અને પછી એક પછી એક બધા ખંડમાં ફરી વળી અંદરના શણગાર જોઈ પ્રફુલ્લિત થતો.

    ખંડેખંડમાં ફરીને તેમાંની વસ્તુઓ નિરાંતે નીરખ્યા કરવી એ એને મન તો લાંબી લાંબી રસભરી મુસાફરી જેવું હતું. કોઈ વાર નાના નાના હજૂરિયાઓ તેની સાથે સાથે ફરતા, પણ ઘણુંખરું તો એ એકલો જ ફરતો. જાણે એને ખબર પડી ગઈ ન હોય કે કલાનું રહસ્ય એકાંતમાં જ સારી રીતે સમજાય છે, ને જ્ઞાનદેવીની માફક કલાદેવીને પણ એકાન્તવાસી ભક્ત પર વધારે પ્રીતિ હોય છે.

    રાજમહેલમાં એને વિષે ઘણી વાતો ઊડતી. કહેવાતું કે એક વાર ગામનો વૃદ્ધ નગરશેઠ નાગરિકો તરફથી નજરાણું આપવા આવ્યો ને જોયું બાલરાજા તો એક નવા સુંદર ચિત્રની આગળ ઘૂંટણીએ પડેલા હતા. જાણે ચિત્રોને નયનોથી પી જતા ન હોય!

    એક વાર તો કલાકોના કલાકો સુધી શોધતાં મહેલમાં ક્યાંય બાલારાજાનો પત્તો જ ન લાગ્યો. અંતે મહેલના છેક ઉપરના એક નાના ઓરડામાં એક અમૂલ્ય રત્ન તરફ મુગ્ધ નજરે રહેલા રાજા નજરે પડ્યા!

    પથ્થરનો પુલ બંધાવતાં નદીના પટમાંથી મળી આવેલી એક મૂર્તિ રાજમહેલમાં હતી. તેના કપાળ ઉપર ચુંબન કરતા તે એક વાર દેખાયા હતા.

    અને એક રાત્રે રાજમહેલના બાગમાંના રૂપેરી પૂતળા પર ચાંદની પડતી હતી તે જોવામાં તેણે આખી રાત ગાળી હતી.

    જાતજાતની કીમતી ચીજો એને બહુ વહાલી હતી, એને એવી ચીજો મેળવવા માટે એણે કેટલાયે વેપારીઓને પરદેશ મોકલી દીધા હતા. કેટલાકને મિસર દેશમાંથી લીલો વૈદૂર્ય મણિ લાવવા મોકલેલા. આ રત્ન માત્ર ત્યાંના પુરાતન રાજાઓની કબરોમાંથી જ મળે છે ને ચમત્કારિક હોય છે. કેટલાકને ઈરાનથી રેશમી ગાલીચા ને રંગીન માટીનાં વાસણ લેવા મોકલી દીધા ને કેટલાકને કાશ્મીરમાંથી હાથીદાંતના કોતરકામના નમૂના અને બારીક ઊનની શાલ લાવવા, તથા દક્ષિણમાંથી ચન્દ્રકાન્ત મણિ, નીલમના બાજુબંધ, સુખડની કોતરણી અને મીનાકારી કામ લાવવા મોકલ્યા.

    પણ સૌથી વધારે ઉમંગ એને પોતાના રાજ્યાભિષેક વખતે પહેરવાના પોશાકનો હતો, – કસબનો ભરેલો જામો, માણેકથી જડેલો મુકુટ, મોતીનો હાર ને ઝૂલવાળો રાજ્યદંડ. અત્યારે – રાજ્યાભિષેકની આગલી રાત્રે – એના મનમાં એ જ વિચારો આવતા હતા. પોશાકની ભાત વગેરે તો એને ઘણા મહિના અગાઉથી બતાવવામાં આવ્યાં હતાં અને પસંદ પડ્યા પછી જ એણે હુકમ આપેલો કે વણકરોએ રાતદિવસ એની પાછળ મહેનત કરીને વખતસર એ તૈયાર કરી આપવો અને મુકુટ તથા રાજ્યદંડ માટેનાં મોતી અને રત્નો માટે પણ એણે આખી પૃથ્વી ફરી વળીને કીમતીમાં કીમતી નંગ શોધી લાવવાની આજ્ઞા કરી હતી.

    અત્યારે તેનાં મનશ્ચક્ષુ સમક્ષ પોતાની મૂર્તિ ખડી થઈ; – જાણે રાજાના પોશાકમાં પોતે હોય, રાજ્યતિલક કરાવતો હોય... ને એ વિચાર કરતાં એના મોં પર સ્મિત પ્રસરી રહ્યું, આંખો આનંદથી ચમકી ઊઠી.

    થોડો વખત આમ પડી રહ્યા પછી બાલરાજા ઊઠ્યો ને પલંગને એક પડખે અઢેલીને ઊભો રહી ખંડમાં ચોતરફ નજર ફેરવવા લાગ્યો. ભીંત ઉપર મૂર્તિમંત કળા જેવા કસબી પડદા લટકાવેલા હતા. એક ખૂણામાં અકીક અને પીરોજાથી જડેલું એક કબાટ હતું. તેના ઉપર વૅનિસિયન કાચના પ્યાલા અને શિવધાતુનું એક સુંદર ચલાણું હતું. પલંગ ઉપરની રેશમી ચાદર પર ફૂલ ભરેલાં હતાં, તે જાણે નિદ્રાદેવીના હાથમાંથી ભૂલમાં સરી પડ્યાં હોય એમ લાગતું. પલંગ પર હાથીદાંતના દાંડાવાળુ મખમલનું છત્ર હતું અને એની ટોચ ઉપરનાં શાહમૃગનાં પીંછાં દરિયાનાં ધોળાં ફીણની પેરે છેક ઓરડાની રૂપેરી છત સુધી પહોંચતાં. એક મેજ પર યાકૂત રત્નનો વાટકો પડ્યો હતો.

    બારીની બહાર નજર કરતાં મંદિરનો ભવ્ય ઘૂમટ બીજાં બધાં ઘરોની વચ્ચે, ફૂલીને ઊંચે ચડેલા એક પરપોટા જેવો દેખાતો હતો, ને નદીકિનારા પરના મહેલના ઓટલા ઉપરથી થાકેલા ચોકીદારોનાં આમથી તેમ પડતાં પગલાંનો ધીમો પડછંદ સંભળાતો હતો. દૂર કોઈ વાડીમાં બુલબુલ બોલતું હતું; બારીમાંથી માલતીનાં ફૂલની આછી મીઠી સુવાસ આવતી હતી.

    કાળાભમ્મર જેવા વાળ બાલરાજાએ કપાળ પરથી જરા ઊંચા લીધા ને હાથમાં એક વીણા લઈ તેના પડદા પર ધીમે ધીમે આંગળી ફરવા દીધી. થોડી વારે એની આંખનાં પોપચાં ધીમેશથી ઢળી ગયાં ને આખા અંગમાં એક જાતનું ઘેન ચડી ગયું. સૌંદર્યનો ચમત્કાર ને જાદુ એણે આજ સુધીમાં કદી પણ આટલા બધા આનંદથી અનુભવ્યાં નહોતાં.

    મધરાત થઈ એટલે હજૂરિયાઓએ આવી તેનાં કપડાં બદલાવ્યાં, હાથ પર ગુલાબજળ છાંટ્યું ને તકિયા પર ફૂલ વેર્યાં. એ લોકો ગયા ને થોડી જ ક્ષણમાં બાલરાજા ઊંઘી ગયો.

    એને સ્વપ્ન આવ્યું.

    એને લાગ્યું કે પોતે એક લાંબા, નીચા છાપરાવાળા કાતરિયામાં ઊભો હતો. આસપાસ વણવાની પુષ્કળ સાળો અવાજ કરતી હતી. ભીંતમાંની નાનકડી જાળીમાંથી દિવસનું આછું અજવાળું આવતું હતું. એ અજવાળામાં વણકરોની વાંકી વળી ગયેલી આકૃતિઓ દેખાતી. કપડાં વીંટાળવાનાં જાડાં લાકડાંની પાસે ફિક્કાં મોંવાળાં માંદલાં બાળકો જકડાઈને બેઠેલાં હતાં. કાંઠલો ચાલે એટલે એ લોકો સાળને ઊંચી કરતા ને કાંઠલો અટકે એટલે નીચી કરીને તાંતણા ઠીક કરતા. તેમના ચહેરા ભૂખમરાથી કૃશ થઈ ગયેલા ને ગરીબડા લાગતા. તેમના લોહી વગરના સુક્કા હાથ કામ કરતાં હાલતા ને ધ્રૂજી જતા. પાસે જ કેટલીક મુડદાલ જેવી સ્ત્રીઓ બેઠી બેઠી ભરત ભરતી હતી. આખી જગ્યામાં એક જાતની દુર્ગંધ પ્રસરેલી હતી. હવા ખરાબ ને ભારે હતી ને ભીંતો ભેજને લીધે લૂણો ખાઈ ગઈ હતી.

    બાલરાજા એક વણકર પાસે ગયો ને તેને નીરખવા લાગ્યો. વણકરે કરડાકીથી એના સામું જોઈને પૂછ્યું, ‘કેમ અહીં આવ્યો છે? અમારા માલિક તરફથી જાસૂસી કરવા આવ્યો છે?’

    ‘તમારો માલિક એટલે કોણ?’ બાલરાજે પૂછ્યું.

    ‘મારો ધણી?’ વણકરે કડવાથી કહ્યું, ‘એ પણ મારી માફક છે તો મનુષ્ય જ. અમારા બે વચ્ચે ફેર એટલો જ છે કે એ સુંદર કપડાં પહેરે છે ને હું ચીંથરાં પહેરું છું. હું ભૂખથી પીડાંઉં છું ને એ વધારે ખાવાથી પીડાય છે.’

    ‘દેશ તો સ્વતંત્ર છે અને તું કાંઈ કોઈનો ગુલામ નથી.’ બાલરાજાએ કહ્યું.

    વણકરે જવાબ આપ્યો, ‘લડાઈના વખતમાં જેમ બળવાન હોય તે નિર્બળને ગુલામ બનાવી છે, તેમ શાંતિના વખતમાં તવંગરો ગરીબને ગુલામ બનાવે છે. અમારે જીવવા માટે કામ કરવું પડે છે અને એ લોકો અમને મહેનતના પ્રમાણમાં એટલું થોડું આપે છે કે અમે ભૂખે મરીએ છીએ. અમે તેમને માટે રાતદિવસ મહેનત કરી તૂટી મરીએ ત્યારે બટકું રોટલો માંડ પામીએ ને લોક પોતાના ભંડારમાં સોનાના ઢગ કરતા જાય. અમારાં બાળકો કમોતે કરમાઈ જાય ને અમારાં વહાલાંનાં મોં ભયાનક ને ક્રૂર દેખાય. કપડાં વણીએ અમે, પણ પહેરે બીજા. અનાજ વાવીએ અમે, પણ અમારે જ ઘેર અનાજના સાંસા હોય, અમે કેદી જ છીએ, જોકે અમારી સાંકળો અદૃશ્ય છે; અમે ગુલામો જ છીએ, જોકે લોકો અમને સ્વતંત્ર કહે છે!’

    ‘આ બધાંને પણ શું એવું જ છે?’

    ‘હા, બધાંયને.’ વણકરે જવાબ આપ્યો : ‘નાનાંમોટાં, સ્ત્રીપુરુષ, બાળવૃદ્ધ – સૌને. વેપારીઓ કસી કસીને અમારો દમ કાઢી નાખે છે ને અમારે એમનું કહ્યું કરવું જ પડે છે. સંત-સંન્યાસીઓ માળા ફેરવતા ફેરવતા પાસે થઈને ચાલ્યા જાય છે, પણ કોઈને અમારી દરકાર નથી. અમારી અંધારી શેરીમાં ભૂખથી પીડિત આંખોવાળી ગરીબાઈ ફેરા ફરે છે ને એની પાછળ જ કલંકિત મુખવાળું પાપ ભમતું ફરે છે. રોજ સવારના પહોરમાં દરિદ્રતા અમને ઊંઘમાંથી જગાડે છે ને રાત્રે શરમ અમારી સાથે સૂએ છે, પણ આ બધાંની તને શી પડી છે? તું કંઈ અમારા જેવો દુઃખી નથી લાગતો. તારો ચહેરો તો સુખની દીપ્તિથી ચમકતો જણાય છે!’ આમ કહીને તેણે એક ઘુરકિયું કરી મોં ફેરવી લીધું ને કાંઠલો સાળમાં નાખી પાછો કામે લાગ્યો. બાલરાજાએ જોયું કે કાંઠલામાંનો તાર સોનેરી છે.

    તેના અંતરમાં જાણે ફડકો પડ્યો ને ધીમેથી પેલા વણકરને તેમે પૂછ્યું, ‘આ કોનો પોશાક તમે વણો છો?’

    ‘આ પોશાક તો બાલરાજાને અભિષેક વખતે પહેરવાનો છે.’ તેણે જવાબ આપ્યો; ‘પણ તારે એ બધાની શી પંચાત છે?’

    બાલરાજાથી એક ઝીણી ચીસ પડાઈ ગઈ. એ જાગી ગયો ને જોયું તો પોતે પોતાના પલંગમાં જ હતો ને બારીમાંથી મધુરંગી ચંદ્ર દેખાતો હતો.

    ફરીથી બાલરાજા ઊંઘી ગયો ને ફરીથી એને સ્વપ્ન આપ્યું.

    એને લાગ્યું કે પોતે એક મોટા વહાણના તૂતક પર સૂતો છે ને સો ગુલામો હલેસાં પર મથી મથીને વહાણ ચલાવે છે. એની પાસે શેતરંજી પર વહાણનો માલિક બેઠો છે. એ વાને કાળો છે, માથે લાલ પાઘડી પહેરી છે, કાનમાં રૂપાની ભારે કડીઓ પહેરેલી હોઈ કાનનાં વેહ મોટાં થઈ એની બૂટ નીચે લબડે છે. એના હાથમાં હાથીદાંતનાં નાનકડાં ત્રાજવાં છે.

    ગુલામોએ માત્ર અકેક ટૂંકું વસ્ત્ર જ પહેરેલું છે. બબ્બે ગુલામોને સાથે બાંધેલા છે. તેમના ઉપર મધ્યાહ્નનો સૂર્ય ધખી રહ્યો છે ને પરસેવેથી નીતરતાં તેમનાં શરીર પર કાળા હબસીઓ વારેવારે ચાબુકથી ફટકા મારે છે. પોતાના સૂકા હાથ લંબાવી લંબાવીને તેઓ ભારે હલેસાં વડે પાણી કાપે છે. હલેસાંના છેડા આગળથી ખારા પાણીની છાલકો ઊડી આ બધું જોતી જોતી અદૃશ્ય થાય છે.

    છેવટે વહાણ ઉપસાગર જેવા એક ભાગમાં આવ્યું ને ત્યાં તેમણે સમુદ્રનાં તળિયાં તપાસવા માંડ્યાં. કિનારા તરફથી મંદ પવન આવ્યો ને તૂતક તથા સઢ લાલ રેતીથી છવાઈ ગયાં. એટલામાં કિનારા પર ત્રણ આરબો જંગલી ગધેડા પર બેસીને આવતા જણાયા અને તેમણે વહાણવટીઓ તરફ નાના ભાલા ફેંકવા માંડ્યા. વહાણના માલિકે આ જોઈને એક રંગીન તીર કાઢ્યું ને કમાન પર ચડાવી સડસડાટ કરતું એક આરબ તરફ ફેંક્યું. આરબ ઊછળીને દરિયાનાં મોજાંમાં પડ્યો ને તેના સાથીઓ નાસી ગયા. તેમની પાછળ પીળા રંગના બુરખાવાળી એક સ્ત્રી ઊંટ પર બેસીને ગઈ. તે થોડી થોડી વારે દરિયામાં પડેલા આરબ તરફ પાછું વળી વળીને જોતી હતી.

    પછી તેમણે લંગર નાખ્યું ને સઢ સંકેલી લીધા. હબસીઓ દોરડાંની નિસરણી લાવ્યા. તેને છેડે સીસાના મોટા ગઠ્ઠા બાંધેલા હતા. માલિકે તે નિસરણીના એક બાજુના છેડા વહાણ સાથે મજબૂત બાંધી દીધા ને સીસાના ગઠ્ઠવાળી બાજુ દરિયામાં નાખી. હબસીઓએ સૌથી નાના ગુલામને પકડ્યો. તેનાં નાક ને કાનમાં મીણ ભર્યું ને તેની કમરે મોટો પથરો બાંધ્યો. તે બાપડો બીતે પગલે નીચે ઊતરવા માંડ્યો ને દરિયામાં ગરક થઈ ગયો.

    તે ડૂબ્યો હતો ત્યાં થોડા પરપોટા થયા. બીજા ગુલામો બાજુએથી નીચા વળીને કંઈક જોવા લાગ્યા. વહાણના આગલા ભાગમાં એક માણસ અટક્યા વગર ઢોલ વગાડ્યા જ કરતો હતો. એ ઢોલના અવાજથી રાક્ષસી માછલીઓ ગભરાતી એમ માન્યતા હતી. થોડી વાર પછી દરિયામાં પડેલો ગુલામ હાથમાં એક સુંદર મોતી લઈ પાણીની બહાર આવ્યો અને નિસરણીને વળગીને હાંફતો ઊભો. હબસીઓએ તેની પાસેથી મોતી લઈ લીધું ને તેને પાછો પાણીમાં ધકેલ્યો. આ દરમિયાન બીજા ગુલામો તેમનાં હલેસાં પર માથાં મૂકીને ઊંઘતા હતા. વારંવાર પેલો ગુલામ પાણીમાંથી બહાર આવતો ને દરેક વખતે એકેક સુંદર મોતી લેતો આવતો. માલિક તેનું વજન કરીને લીલા ચામડાની એક નાનકડી કોથળીમાં મૂકી દેતો.

    બાલરાજાએ બોલવાનો પ્રયત્ન કર્યો, પણ એની જીભ જાણે કે તાળવે જ ચોંટી ગઈ ને એના હોઠ હાલ્યા જ નહિ. એવામાં હબસીઓ અંદર અંદર કચકચ કરવા માંડ્યા ને ખોટા મણકાની એક માળા માટે તકરાર કરવા લાગ્યા.

    થોડી વારે પેલો મોતી કાઢનારો ગુલામ છેલ્લી વખત બહાર આવ્યો. આ વખતે તેના હાથમાં એક અમૂલ્ય મોતી હતું. એનો ઘાટ પૂર્ણ ચંદ્ર જેવો હતો અને દેખાવે તે પ્રાતઃકાળના તારા જેવું શ્વેત હતું; પરંતુ ગુલામનું મોં બિલકુલ ફિક્કું દેખાતું હતું. એ તૂતક ઉપર પડ્યો ને એના નાક ને કાનમાંથી લોહી ધસારાબંધ વહેવા લાગ્યું. છોડીક ક્ષણ એ તરફડ્યો ને પછી નિશ્ચેતન થઈ પડ્યો. હબસીઓએ બેદરકારીથી તેની સામે જોઈ પોતાના ખભા હલાવ્યા ને તેના શબને દરિયામાં ફેંકી દીધું.

    વહાણનો માલિક તો હસ્યા જ કરતો હતો. તેણે હાથ લાંબો કરીને પેલું અમૂલ્ય મોતી લઈ લીધું ને પોતાને કપાળે અડાડીને બોલ્યો કે, ‘આખરે બાલરાજાના રાજ્યદંડને લાયક મોતી નીકળ્યું ખરું.’ અને તેણે હબસીઓને લંગર ઉપાડી લેવાની નિશાની કરી.

    વહાણના માલિકનાં વચન સાંબળતાં જ બાલરાજાથી ચીસ પડાઈ ગઈ. જાગી ઊઠી એણે બારીમાંથી જોયું તો ઝાંખા પડતા તારાઓને પડકવા ઉષા હાથ લંબાવતી હતી.

    અને ફરીથી તે ઊંઘી ગયો ને ફરીથી તેને સ્વપ્ન આવ્યું. એને લાગ્યું કે પોતે એક ઘોર વનમાં ભટકે છે. આસપાસ વિચિત્ર જાતનાં ફળ અને સુશોભિત પરંતુ ઝેરી ફૂલવાળાં ઝાડ છે. ભયંકર અજગરો અહીંતહીં ફૂંફાડા મારે છે. ચળકતા લીલા પોપટ ચીસો પાડતા એક ડાળ પરથી બીજી ડાળ પર ઊડે છે. બાફ મારતી માટીમાં મોટા મોટા કાચબા ઊંઘે છે અને ઝાડોમાં ભરાયેલા વાંદરા ને મોર ચોમેર કકળાણ મચાવે છે.

    દૂર ને દૂર જંગલમાં એ ચાલ્યો. છેવટે જંગલ પૂરું થવા આવ્યું. ત્યાં એણે ઘણાં માણસોને એક સુકાઈ ગયેલી નદીનો પટ ખોદતા જોયા. જાણે કીડીનો મોટો રાફડો ફાટ્યો હોય એટલાં બધાં માણસો એ નદીની ભેખડ આગળ હતાં. તેઓ ખૂબ ઊંડું ને ઊંડું ખોદ્યે જતા હતા અને અંદર ને અંદર પેસતા જતા હતા. કેટલાક મોટા મોટા ત્રિકમ વડે ખડકો તોડતા હતા, કેટલાક કોદાળીઓ વડે રેતીમાં ઊંડું ઊંડું ખોદતા હતા, કેટલાક ઝાડનાં મૂળિયાં ખોદી નાખતા હતા. બધા જ હોકારા પાડી પાડીને એકબીજા સાથે કંઈક વાત કરતા હતા ને જલદી જલદી કામ કરતા હતા. એક પણ જણને નિરાંત નહોતી.

    એક અંધારી ગુફામાંથી લોભ અને મૃત્યુ તેમની તરફ નિહાળતા હતા. મૃત્યુએ કહ્યું, ‘મને હવે થાક લાગ્યો છે. આ બધાં માણસોમાંથી ત્રીજા ભાગ જેટલાં મને આપ અને મને જવા દે.’ પરંતુ લોભે માથું ધુણાવ્યું ને કહ્યું કે, ‘એક બધાં તો મારા નોકરો છે.’ મૃત્યુએ પૂછ્યું, ‘તારા હાથમાં આ શું દેખાય છે?’ લોભે કહ્યું, ‘અનાજના ત્રણ દાણા; પણ એનુ તારે શું કામ છે?’ મૃત્યુએ કહ્યું, ‘મને એમાંનો એક આપી દે. હું મારી વાડીમાં એ વાવીશ. એક જ આપ. પછી હું જતો રહીશ.’ પણ લોભે ચોખ્ખી ના પાડી અને પોતાનો હાથ લૂગડા નીચે સંતાડી દીધો.

    અને મૃત્યુ હસ્યું. તેણે એક ચલાણું લઈને તે પાણીના એક ઝરણમાં મૂક્યું ને તેમાથી કૉલેરા જન્મ્યો. તે પેલા કામ કરનારા મનુષ્યોની વચ્ચેથી ચાલ્યો ગયો અને તેમાંના ત્રીજા ભાગનાં માણસો મૃત્યુ પામ્યાં. કૉલેરાની પાછળ એક ધોળું વાદળું હતું ને બે બાજુએ ઝેરી પાણીના સર્પ હતા.

    પોતાનાં ત્રીજા ભાગનાં માણસોને આમ મરી ગયેલાં જોઈને લોભે છાતીફાટ રુદન શરૂ કર્યું ને મૃત્યુ જોડે ઝઘડવા લાગ્યો કે, ‘તેં મારા નોકરોને શીદ મારી નાખ્યા? નીકળ અહીંથી. તાર્તર દેશના પર્વતોમાં લડાઈ ચાલે છે અને બંને પક્ષના રાજાઓ તને બોલાવે છે, ત્યાં જા ને? અફઘાનોએ કાળા બળદને યજ્ઞમાં હોમ્યો છે અને લડાઈ માટે કૂચ કરી દીધી છે. તેમનાં ભાલાં ને તલવારો યુદ્ધની તરસથી ખણખણે છે; ત્યાં જા. અહીં મારી ખીણમાં તારું શું દાડ્યું છે? જા નીકળ અહીંથી.’

    મૃત્યુએ કહ્યું, ‘મને અનાજનો એક દાણો નહિ આપે ત્યાં સુધી હું જવાનો નથી.’

    પણ લોભે મુઠ્ઠી મજબૂત વાળી દઈ દાંત બીડ્યા : ‘એ તો હરગિજ બનવાનું નથી.’

    મૃત્યુએ હસીને એક કાળો પથ્થર લીધો. તે જંગલમાં ફેંક્યો ને એક ઝેરી છોડની વાડમાંથી તાવ નીકળ્યો. તેણે અગ્નિની જ્વાળાનાં કપડાં પહેર્યાં હતાં. તે પણ પેલાં માણસોની વચ્ચે થઈને ચાલ્યો ગયો ને જેમને જેમને તેણે હાથ લગાડ્યા તે બધાં મરી ગયાં.તાવના પગ નીચેનું ઘાસ પણ કરમાઈ ગયું.

    લોભ આ જોઈને ધ્રૂજી ઊઠ્યો. તેણે પોતાના વાળ પીંખ્યા ને કલ્પાંત કર્યું કે, ‘ઓ ક્રૂર પિશાચ! તું અહીંથી નીકળ. હિંદના મોટા ભાગમાં દુકાળ વર્તે છે ને સમરકંદમાં પાણીનું ટીપુંયે નથી : ત્યાં જા. મિસરમાં પણ વરસાદ નથી પડ્યો. રણમાંથી તીડોએ આવીને પાક બધો બગાડી મૂક્યો છે ને નાઈલના પટ સુક્કા પડ્યા છે : ત્યાં તારી જરૂર છે. જા, બાપુ જા, ને મારાં આટલાં માણસોને રહેવા દે.’

    પરંતુ મૃત્યુએ કહ્યું કે, ‘તું અન્નનો એક દાણો નહિ આપે ત્યાં સુધી હું નહીં જાઉં.’ અને લોભે પણ જક્કે ભરાઈને કહ્યું કે, ‘એ તો હું તને આપવાનો જ નથી.’

    મૃત્યુ ફરી હસ્યું. તેણે પોતાને મોઢે હાથ અડાડીને સિસોટી વગાડી અને એક સ્ત્રી હવામાંથી ઊડતી ઊડતી આવી. તેના કપાળ પર ‘મરકી’ એમ લખેલું હતું ને તેની આજુબાજુ ગીધનું ટોળું ઊડતું હતું. મરકીએ પેલી ખીણ ઉપર આવીને પોતાની પાંખ પ્રસારી ને એકેએક માણસ મરી ગયું!

    આ જોઈ લોભ ચીસો પાડતો જંગલમાં ભાગી ગયો. મૃત્યુ પણ પોતાના લાલ ઘોડા પર બેસીને ચાલ્યું ગયું. તેની ગતિ પવન કરતાંયે વધારે હતી.

    ખીણમાંના નરકાગારમાંથી વિચિત્ર જાતનાં બિહામણાં પ્રાણી નીકળ્યાં ને શિયાળવાં હવા સૂંઘતાં સૂંઘતાં રેતીમાં આમથી તેમ ફરવા લાગ્યાં.

    બાલરાજાની આંખમાં આંસુ આવ્યાં ને તેણે પૂછ્યું, ‘આ માણસો બધાં કોણ હતાં? ને તેઓ ખોદી ખોદીને શું શોધતાં હતાં?’

    કોઈકે જવાબ આપ્યો, ‘એક નાનકડા રાજાને મુકુટ માટે તેઓ માણેક શોધતા હતા.’

    બાલરાજા ચમક્યો ને બોલનાર તરફ ફર્યો. એક નાનકડો સંન્યાસી હાથમાં રૂપાની આરસી લઈને ઊભો હતો. બાલરાજાનું મોં ઊતરી ગયું ને ગભરાતાં ગભરાતાં તેણે પૂછ્યુ, ‘ક્યા રાજા માટે?’

    સંન્યાસીએ કહ્યું, ‘આ આરસીમાં જો, દેખાશે.’ બાલરાજાએ પોતાનું મોં તેમાં જોયું ને ચીસ પાડીને જાગી ઊઠ્યો. સૂર્યનો પ્રકાશ ઓરડામાં આવતો હતો ને બાગનાં ઝાડ પરથી પક્ષીઓનો કલરવ સંભળાતો હતો.

    એટલામાં રાજ્યના ઉમરાવો ઓરડામાં આવ્યા ને તેને નમ્યા. હજૂરિયાઓ તેનો કસબી પોશાક લાવ્યા ને મુકુટ તથા રાજ્યદંડ બાજઠ પર મૂક્યા.

    બાલરાજાએ તે તરફ જોયું. ત્રણે ચીજો અલૌકિક સૌન્દર્યભરી હતી. આટલું સુંદર કામ અગાઉ એણે કદી જોયું નહોતું. પણ એને પોતાનાં સ્વપ્નો યાદ આવ્યાં ને એણે ઉમરાવોને કહ્યું, ‘આ ગોજારી ચીજોને અહીંથી લઈ જાઓ; મારે નથી જોઈતી.’

    દરબારીઓ આ સાંભળી હસવા લાગ્યા. તેમણે માન્યું કે રાજા મશ્કરી કરે છે.

    પણ એણે ફરીથી ભાર દઈને કહ્યું કે, ‘આ ચીજો મારી નજર આગળથી દૂર લઈ જાઓ. ભલે આજ મારા રાજ્યાભિષેકનો દિવસ રહ્યો; હું એ પહેરવાનો નથી. મારો આ કસબી જામો શોકની સાળ પર દુઃખે વણ્યો છે, આ માણેક લોહીથી રંગાયેલું છે અને આ મોતી મૃત્યુએ મેળવ્યું છે.’ ને તેણે પોતાનાં ત્રણે સ્વપ્નો એમને કહી સંભળાવ્યાં.

    દરબારીઓ આ સાંભળીને અચંબાથી એકબીજા તરફ જોવા લાગ્યા ને અંદરઅંદર ધીમે ધીમે કહેવા લાગ્યા, ‘રાજા તે કંઈ ગાંડા થઈ ગયા છે? સ્વપ્નું તે વળી સ્વપ્નું જ, બીજું શું? એ કંઈ ખરા બનાવો છે કે એના પર લક્ષ અપાય? અને જેઓ આપણે માટે કામ કરે છે તેમના જીવનની વળી આપણે શી પંચાત? એમ કંઈ જેટલી વાર અન્ન ખાઈએ તેટલી વાર ખેડૂતને યાદ કરવા બેસાય?’

    એક ઉમરાવે બાલરાજાએ કહ્યું, ‘મહારાજ, આવા અશુભ વિચારો આપના મનમાંથી કાઢી નાખો ને આ જામો તથા મુકુટ પહેરી લો. રાજાનો પોશાક આપે નહિ પહેર્યો હોય તો લોકો જાણશે કેવી રીતે કે આપ જ રાજા છો?’

    બાલરાજાએ તેના સામું જોયું ને બોલ્યો, ‘ખરેખર, તો લોકો મને નહિ ઓળખે?’

    ઉમરાવે કહ્યું, ‘ના મહારાજ.’

    રાજાએ કહ્યું, ‘હું તો જાણતો હતો કે રાજા તો ચહેરા ઉપરથી જ દેખાઈ આવે; પરંતુ તેમાં મારી ભૂલ હશે. ગમે તેમ, પરંતુ હું તો રાજમહેલમાં જે વેષે દાખલ થયો એ જ વેષે રાજ્યાભિષેક કરાવવા જઈશ.’

    તેણે બધા ઉમરાવોને રજા આપી; માત્ર એક નાના હજૂરિયાને જ પાસે રાખ્યો. પછી તે ઠંડા પાણીથી નહાયો અને એક રંગીન પેટી ઉઘાડીને તેમાંથી પોતાનો ભરવાડનો પોશાક કાઢીને પહેરી લીધો, ને હાથમાં ડાંગ લીધી.

    પેલો બાળ હજૂરિયો તેના તરફ આશ્ચર્યચકિત નયને જોઈ રહ્યો ને બોલ્યો, ‘મહારાજ, આપને જામો ને રાજ્યદંડ તો છે, પણ મુકુટ ક્યાં?’

    બાલરાજાએ અગાસી પરના જંગલી વેલાને કાપી લીધો ને માથા પર વીંટ્યો. ‘આ મારો મુકુટ.’ તેણે કહ્યું, ને એવો પોશાક પહેરી તે રાજમહેલના ભવ્ય ખંડમાં ગયો.

    બધા એની મશ્કરી કવા લાગ્યા. એકે કહ્યું કે, ‘મહારાજ, લોકો તો પોતાના રાજાને જોવાને આતુર થઈ રહ્યા છે ને આપ તો તેમને ભિખારીના રૂપમાં દર્શન દો છો.’ કેટલાક ઉમરાવ ખૂબ ગુસ્સે થયા ને કહેવા લાગ્યા કે ‘આ તો આપણા રાજ્યને લજવે છે. એ આપણો રાજા થવાને લાયક નથી.’ પણ બાલરાજાએ કોઈને જવાબ જ ન દીધો ને જલદી જલદી દાદર ઊતરીને બહાર ઘોડો ઊભો હતો તેના પર બેસી મંદિર તરફ ચાલ્યો. પેલો નાનો હજૂરિયો એની પાછળ દોડતો હતો.

    પ્રજાજનો પણ મશ્કરી કરવા લાગ્યા, કે ‘જો, આ રાજાનો મશ્કરો ચાલ્યો!’

    બાલરાજાએ ઘોડો ઊભો રાખ્યો ને કહ્યું, ‘ના હું ખુદ રાજા છું.’ એમ કહી તેણે પોતાનાં ત્રણે સ્વપ્નો સૌને કહી સંભળાવ્યાં.

    લોકોના ટોળામાંથી એક માણસ આગળ આવી કડવાશથી બોલ્યો, ‘મહારાજ, આપને એટલી ખબર નથી કે તવંગર લોકોની મોજમજામાં જ અમારી ગરીબોની કમાણી છે? આપના ભપકાથી અમારું પોષણ થાય છે. આપનાં વ્યસનોથી અમને પૈસા મળે છે. કોઈ ક્રૂર શેઠને માટે તનતોડ મહેનત કરવી પડે એ લાગે તો કડવું, પણ કોઈને જ માટે મહેનત કરવાની ન હોય તે તો એથીયે કડવું ને? કેમ કે પછી ખાઈએ શું? માટે આપ આપના રાજમહેલમાં પધારો અને આપનો કીમતી પોશાક ધારણ કરો. અમારું દુઃખ અમારે માથે, એમાં આપને શું?’

    બાલરાજાએ કહ્યું, ‘પણ ગરીબ ને તવંગર મૂળે તો એકબીજાના ભાઈઓ જ છે ને?’ એટલું કહેતાં તેની આંખમાં આંસુ આવી ગયાં. લોકોની મેદની વચ્ચે થઈ એણે ઘોડો આગળ ચલાવ્યો. પેલા હજૂરિયાને બીક લાગી એટલે એ તો ત્યાંથી જ પાછો જતો રહ્યો.

    મંદિરના મુખ્ય દ્વાર આગળ બાલરાજા આવ્યો, ત્યાં સૈનિકોએ તલવાર ધરીને તેને રોક્યો અને કહ્યું, ‘મહારાજા સિવાય બીજા કોઈને પણ આ રસ્તે જવાની છૂટ નથી.’

    બાલરાજાનું મોં ક્રોધથી લાલચોળ થઈ ગયું. તેણે કહ્યું, ‘હું જ બાલરાજા છું.’ ને તલવારોને હડસેલી તે અંદર દાખલ થયો.

    રાજ્ય-પુરોહિત તેને આમ ભરવાડના વેશમાં આવતો જોઈને આશ્ચર્યથી તેની પાસે ગયો ને કહ્યું, ‘બેટા, આ તે કાંઈ રાજાનો પોશાક છે? કયા મુકુટથી હું તારો રાજ્યાભિષેક કરું? ને તારા હાથમાં કયો રાજ્યદંડ ધરાવું? તારે મન આ તો ખુશીનો દિવસ હોવો જોઈએ, તેને બદલે આમ કેમ?’

    બાલરાજાએ કહ્યું, ‘જે પોશાક દુઃખ તૈયાર કરે તે આનંદ પહેરે?’ ને પછી એણે પોતાનાં ત્રણે સ્વપ્નોની વાત કરી.

    પુરોહિતે તે સાંભળી ભમ્મર ચડાવીને કહ્યું, ‘બેટા, હું તો વૃદ્ધ માણસ છું; મારા જીવનની હવે તો સંધ્યા આવી. મને ખબર છે કે આ સંસારમાં ઘણાંયે ખરાબ વાનાં બને છે. ક્રૂર લૂંટરાઓ પર્વત પરથી બાળકોને લઈ જાય છે ને પછી પઠાણ લોકોને વેચી દે છે; ભયંકર સિંહ તાકીને બેસી રહે છે ને ઊંટોની વણજાર આવે છે તેના પર કૂદી પડીને ઊંટોને મારી નાખે છે; ખેતરોમાં જંગલી જનાવરો આવીને પાકનો નાશ કરે છે અને શિયાળવાં આવીને સુંદર બગીચા અને દ્રાક્ષવેલાઓનો કચ્ચરઘાણ વાળી નાખે છે; ચાંચિયાઓ દરિયાકિનારા ઉજ્જડ કરી મૂકે છે, માછીમારોની જાળો તોડી નાખે છે ને તેમનાં વહાણ બાળી મૂકે છે; ગામથી દૂર રક્તપીતિયા લોકો વાંસનાં બનાવેલાં ઝૂંપડાંમાં રહે છે તેમને કોઈ અડકતું સરખુંયે નથી; કંગાળ ભિખારીઓ શહેરમાં ભટકે છે ને કૂતરાં સાથે ખાવાના ભાગ પાડે છે; આ બધું કાંઈ હતું ન હતું થવાનું છે? તું કાંઈ ઓછો જ રક્તપીતિયાંને તારા પલંગ ઉપર લાવીને સુવડાવાનો છે? કે ભિખારીને તારી સાથે જમવા બેસાડવાનો છે? ભયાનક સિંહ કે જંગલી ડુક્કર કાંઈ તારા હુકમ માનવાનાં? જે મહાન પ્રભુએ આ બધાં દુઃખ ઉત્પન્ન કર્યાં છે તે તારા કરતાં તો વધારે ડાહ્યો હશે ને? માટે હું તો તારું આ વલણ વખાણતો નથી. મહેલમાં પાછો જા અને પ્રફુલ્લિત થઈ રાજાને લાયક પોશાક પહેરી પાછો અહીં આવ. સોનાના મુકુટથી હું તારો રાજ્યાભિષેક કરીશ અને મોતીનો રાજ્યદંડ તારા હાથમાં આપીશ. તારાં સ્વપ્નોનો તો હવે વિચાર જ ન કરતો. આ સંસારનો આખો ભાર એક જણથી ઝિલાય નહિ, તેમ જ સંસારનું દુઃખ એક જ હૃદય સહન ન કરી શકે.’

    બાલરાજાએ જવાબ આપ્યો, ‘ઈશ્વરના મંદિરમાં આવાં વાક્યો તમે શું જોઈને બોલો છો?’ આટલું કહી પુરોહિતની દરકાર કર્યા વિના તે મૂર્તિની સન્મુખ જઈને તેની આગળ ઘૂંટણીએ પડ્યો. રત્નજડિત મૂર્તિની પાસે સોનાની દીવીઓ પ્રકાશતી હતી અને ધૂપનો ધુમાડો ફેલાતો હતો. બાલરાજાએ માથું નમાવ્યું અને પૂજારીઓ દૂર જતા રહ્યા.

    એટલામાં બહારથી ખૂબ અવાજ આવવા માંડ્યો અને થોડી વારમાં તો હાથમાં ઉઘાડી તલવાર ને ભાલા લઈ ઉમરાવો અંદર ધસી આવ્યા. તેમણે બૂમ પાડી, ‘ક્યાં છે પેલો સ્વપ્નદ્રષ્ટા? ભિખારીના વેશવાળો એ રાજા ક્યાં છે? અમારા રાજ્યને લજાવનારો ક્યાં ગયો એ? અમારા પર રાજ્ય કરવાને એ લાયક નથી. એનો તો જાન લેવો જોઈએ.’

    બાલરાજા તો માથું નમાવીને સ્વસ્થપણે પ્રાર્થના જ કર્યા કરતો હતો. પ્રાર્થના પૂરી થઈ ત્યારે એ ઊભો થયો ને ઉદાસ અંતઃકરણે ઉમરાવો તરફ ફર્યો.

    મંદિરની રંગીન બારીમાંથી સૂર્યનો પ્રકાશ તેના ઉપર પડ્યો અને સૂર્યકિરણો તેના શરીર ઉપર એવી રીતે ગોઠવાયાં કે જાણે સોનેરી તારનો જામો જ એણે પહેર્યો હોય. સૂકી ડાંગ લીલી થઈ ગઈ ને તેના ઉપર મોતી કરતાંયે વધારે શ્વેત ને સુંદર પુષ્પ ઊગી નીકળ્યાં. જંગલી વેલા પર રક્તવર્ણાં ગુલાબ ઊગ્યાં અને માણેક કરતાંયે તે વધારે સુંદર દેખાવા લાગ્યાં. મોતી કરતાંયે ચળકતાં શ્વેત ફૂલ ને તેની રૂપેરી દાંડી એવો એનો રાજ્યદંડ, અને માણેકથીયે ઘેરા રક્તવર્ણના ગુલાબનાં ફૂલ ને સોનેરી પાંદડાં એવો એનો રાજ્યમુકુટ બની રહ્યો.

    રાજાને લાયક જ પોશાકમાં એ ત્યાં ઊભો હતો અને મૂર્તિમાંથી અદ્ભુત દૈવી પ્રકાશ નીસરતો હતો. પૃથ્વીના મહાનમાં મહાન રાજાને શોભે એવા પોશાકથી એ દીપતો હતો. આખું સ્થળ પ્રભુમય બની રહ્યું. દેવોની નાની મૂર્તિઓ પણ જાણે જીવન્ત હોય તેમ હાલતી રહી.

    રાજાનો સુંદર પોશાક ધારણ કરી એ ઊભો હતો. વાજિંત્રો એની મેળે વાગવા માંડ્યા, ઢોલવાળાઓ ઢોલ વગાડવા માંડ્યા, શરણાઈઓ ફૂંકાવા લાગી અને રાજ્યગોર મંત્રોચ્ચાર કરવા લાગ્યા.

    પ્રજા દિઙ્મૂઢ થઈ ગઈ અને તેને ચરણે નમી રહી. ઉમરાવોએ શરમથી ભોંઠા પડી તલવારો મ્યાન કરી દીધી ને એને ચરણે પડ્યા. રાજ્યપુરોહિતનું મોં ફિક્કું પડી ગયું, એના હાથ ધ્રૂજવા લાગ્યા અને ‘મારા કરતાં કોઈ મહાન વ્યક્તિએ તારો રાજ્યાભિષેક કર્યો છે’ એમ કહીને તેને ઘૂંટણીએ ઢળી પડ્યો.

    અને બાલરાજા મૂર્તિ આગળથી ખસ્યો ને પ્રજાની મેદની વચ્ચેથી મહેલ તરફ ચાલ્યો; પરંતુ તેના મોં તરફ કોઈ આંખ સરખી પણ ઊંચી કરી શક્યું નહિ, કેમ કે એનું વદન દૈવી દીપ્તિથી ઓપતું હતું.

સ્રોત

  • પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 126)
  • સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
  • વર્ષ : 2020