KukDanu KukDeKuk! - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કૂકડાનું કૂકડેકૂક!

KukDanu KukDeKuk!

સોમાભાઈ ભાવસાર સોમાભાઈ ભાવસાર
કૂકડાનું કૂકડેકૂક!
સોમાભાઈ ભાવસાર

        એક હતો કૂકડો. એની પડોશમાં એક પોપટ રહે. પોપટ કાશીએ જઈ આવેલો ને ભણીગણીને પંડિત થયેલો. રોજ વહેલી સવારે રામ નામ પઢે ને પઢાવે. સૌ એને માનપાન આપે.

        પોપટને જોઈ કૂકડાને થયું કે હું ય કાંઈ પોપટથી કમ નથી. પોપટ જો કાશીએ જઈ ભણીગણીને પંડિત થઈ શકે તો હું કેમ ન થઈ શકું? હું ય કાશીએ જઈને પંડિત થઈ આવું ને વહેલી સવારે રામ નામ પઢું, પઢાવું ને સૌનાં માનપાન મેળવું. માબાપ પાસે કૂકડાએ તો કાશી જવાની વાત કરી. માબાપે કૂકડાને આશિષ આપીને વિદાય કર્યો.

        કૂકડો તો ઊપડ્યો કાશીએ અને ગંગાકિનારે જઈ એક આશ્રમમાં દાખલ થયો. રોજ વહેલી સવારે સૌ શિષ્યો જાગે ત્યારે કૂકડો પણ જાગે ને નાહી-ધોઈને સૌ પૂજાપાઠ કરવા તૈયાર થઈ જાય તેમ કૂકડો પણ તૈયાર થઈ પાઠપૂજા કરે. સૌ મંત્ર બોલવા માંડે પણ કૂકડાભાઈને મંત્ર ના આવડે એટલે ગણગણવા માંડે ને પોતાને આવડે છે એવો ડોળ કરે.

        એક મહિનો થયો, બે મહિના થયા, ત્રણ મહિના થયા. કૂકડો તો આશ્રમમાં રહે છે ને સૌનું જોઈને સૌ જેમ કરે તે પ્રમાણે કરે છે.

        એવામાં એક વાર એમને ઘેરથી કાગળ આવ્યો કે તમને કાશી ગયે ત્રણ મહિના થઈ ગયા છતાં તમારો કાગળ કેમ નથી? બીજાઓના તો એમને ઘેર કાગળ આવે છે ને તો શું શીખ્યા છે તે લખે છે, તો તમે પણ શું શીખ્યા છો તે તરત અમને લખી મોકલો.

        કાગળ વાંચી કૂકડાભાઈ તો વિચારમાં પડી ગયા. કૂકડાભાઈને થયું, હવે ઘેર લખવું શું? પોતે અહીં આવીને કેટલું શીખ્યા’તા એની તો એમને ખબર હતી એટલે એને વિષે તો શું લખે? અને કદાચ લખે કે અમે તો આટલુ આટલું શીખ્યા છીએ, પણ ઘરે જાય અને ન આવડે તો?

        છેવટે કૂકડાભાઈએ વિચાર કર્યો કે શું શીખ્યા ને કેટલું શીખ્યા એને વિષે ન લખવું. પણ આટલું લખવું કે :

વહેલી પરોઢે જાગીએ
ગુરુને પગે લાગીએ,
કૂકડેકૂક’ કરીએ છીએ
ગંગાતીરે ફરીએ છીએ.

        આથી માબાપના મનને એમ થશે કે કૂકડા પર ગુરુની મહેરબાની છે અને હમણાં કૂકડેકૂકનો મંત્ર શીખે છે.

        અને બન્યું પણ એમ જ. કૂકડાનો કાગળ એના ઘરના લોકોએ વાંચ્યો ત્યારે એમના આનંદનો પાર ના રહ્યો. એમને થયું ઓહો, કૂકડો વહેલો ઊઠતો થઈ ગયો! અહીંયાં તો કૂકડો સાંજ પડે સૂઈ જતો તે દિવસ થાય તો ય નહોતો ઊઠતો, અને ત્યાં કેટલો બધો વહેલો ઊઠે છે! એ તો લખે છે કે :–

વહેલી પરોઢે જાગીએ
ગુરુને પગે લાગીએ

        આની પરથી લાગે છે કે એના ગુરુની એના ઉપર ખૂબ કૃપા હશે અને ‘કૂકડેકૂકનો’ મંત્ર એથી જ એને આપ્યો હશે. આહ! કૂકડો કેવો ય મોટો પંડિત થઈ ગયો હશે!

        કૂકડાનાં માબાપ તો જ્યાં જાય ત્યાં કૂકડાની પંડિતાઈની વાતો કરે, ને એની હોશિયારીનું વર્ણન કરે.

        એમ કરતાં કરતાં એક વર્ષ, બે બર્ષ એમ બાર વર્ષ થઈ ગયાં અને કૂકડાનો કાશીથી પાછા ફરવાનો સમય થવા આવ્યા.

        માબાપને તો થવા લાગ્યું કે ક્યારે કૂકડો ઘેર આવે ને એની પંડિતાઈ જોવા મળે. છેવટે દિવસ આવ્યો ને કૂકડો ઘેર આવ્યો. માબાપે તો કૂકડાનાં ઓવારણાં લીધાં. કૂકડે બડાઈ મારવામાં કમી ના રાખી. એણે તો પોતાનાં બણગાં ફૂંકવા જ માંડ્યાં, પણ એમ ક્યાં સુધી ચાલે?

        પોપટ તો રોજ સવારે પહેલો ઊઠે ને રામનામ પઢે ને પઢાવે. કૂકડાને તો પોતાને જ નામ પઢતાં આવડે નહિ તો પછી પઢાવવાની તો વાત જ કેવી? એ તો કૂકડેકૂક, કૂકડેકૂક કરે.

        લોકોને થયું, કૂકડો આ શું શીખી આવ્યો છે? આ કૂકડેકૂક તે ક્યા ભગવાનનું નામ? લોકોએ આવી કૂકડાને પૂછ્યું, “કૂકડાભાઈ, તમે રામનામ તો પઢતા નથી. તમે તો કૂકડેકૂક કરો છો. તો એ કૂકડેકૂક કોણ? એવો મંત્ર કેવો?”

        કૂકડો બોલ્યો : “એની તમને હમણાં ખબર નહિ પડે, પણ કૂકડેકૂક કરશો ને એનો મંત્ર ભણશો ત્યારે જ એની ખબર પડશે.”

        લોકોએ કૂકડાના કહેવા મુજબ કૂકડેકૂક કરવા માંડ્યું. પણ તો ય કાંઈ ખબર પડી નહિ એટલે ફરીથી કૂકડાને જઈ કહ્યું : “કૂકડાભાઈ, અમે તો કૂકડેકક કર્યું તો ય કાંઈ ખબર ન પડી!”

        કૂકડો કહે : “એમ કાંઈ એકદમ ખબર ન પડે. એ તો મારી જેમ બાર વરસ કરો ત્યારે ખબર પડે.”

        લોકો બોલ્યા : “પણ કૂકડાભાઈ, પોપટ તો એમ કહેતો નથી!”

        કૂકડો બોલ્યો : “તે પોપટ શેનો કહે? એનો રામનામનો મંત્ર એટલો સહેલો છે કે એની તરત ખબર પડે, અમારો કૂકડેકક મંત્ર કાંઈ એવો સહેલો નથી કે જેને તેને આવડી જાય!”

        કૂકડાને આવી શેખાઈ કરતો જોઈને કેટલાકને થયું કે કાશીએ જઈને આ કાંઈ શીખી આવ્યો નથી પણ ઢોંગ કરતો લાગે છે, એટલે સૌએ કાશીએ જઈને કૂકડાએ શું કર્યું ને શું શીખી આવ્યો તેની તપાસ કરી. કૂકડાભાઈની પોલ પકડાઈ ગઈ ને હતા તેમ થઈ ગયા. કોઈ એમની પાસે આવે નહિ ને જાય નહિ. એ તો હતા તેવા એકલા જ રહ્યા. પણ બાર વર્ષ કાશીમાં રહીને સવારે વહેલા ઊઠવાની ટેવ તો પડી તે પડી જ. કૂકડાભાઈ રોજ સવારે વહેલા ઊઠે છે ને એકલા કૂકડેકૂક કરે છે. લોકો સમજી ગયા છે કે એમાં કાંઈ માલ નથી, એટલે કોઈ એમનો મંત્ર સાંભળવા જતું નથી અને કૂકડાભાઈ એકલા ‘કૂકડેકૂક! કૂકડેકૂક!’ કર્યા જ કરે છે. તમે કૂકડાભાઈને એ રીતે કૂકડેકક કરતા સાંભળ્યા છે?

સ્રોત

  • પુસ્તક : કલગી (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સર્જક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : ભારતી સાહિત્ય સંઘ
  • વર્ષ : 1940