રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપિન્ટુના તેજસકાકાએ પિન્ટુને એક રૂપિયો આપ્યો. પિન્ટુ હરખાતો-હરખાતો દુકાને ગયો. પહેલાં તો પિન્ટુભૈએ ચૉકલેટ લેવાનો વિચાર કર્યો, પણ દુકાન આગળ ફુગ્ગા લટકતા જોઈ પિન્ટુનો વિચાર બદલાયો. ‘ના, ના, ચૉકલેટ નથી ખાવી. આજે તો બસ ફુગ્ગો લઈશ.’
ને પિન્ટુભૈએ સરસ મજાનો ગુલાબી રંગનો ફુગ્ગો લીધો. દુકાનદારે ફુગ્ગો આપતાં પહેલાં ફુલાવીને ચકાસી લીધો કે તે કાણો તો નથી ને! ને પછી ઓટલે ઊભાઊભા પિન્ટુભૈયે પણ ફુલાવી જોયો ને પછી હવા કાઢી, ગજવામાં મૂકી રાજી થતોથતો ઘરના રસ્તે પડ્યો.
રસ્તામાં તેને ચિન્ટુ મળ્યો. પિન્ટુએ ચિન્ટુને ફુગ્ગો બતાવ્યો. ચિન્ટુનેય ફુગ્ગો ગમ્યો.
ચિન્ટુ કહે, ‘પિન્ટુ, જરા ફુલાવીને બતાવ ને!’
ને પછી પિન્ટુએ ફુગ્ગાને મોંમાં મૂકી હવા ભરી ફુલાવ્યો. ફુગ્ગો તડબૂચ જેવો મોટો થયો. ચિન્ટુએ ફુગ્ગા પર હળવેથી હાથ ફેરવી જોયો. ફુગ્ગાભૈને પણ આ ગમ્યું. પિન્ટુએ પણ હળવે રહી હાથ ફેરવ્યો. ફરી ચિન્ટુએ હાથ ફેરવ્યો. ને ફુગ્ગાભૈ રાજીના રેડ થઈ ગયા. ફરી ચિન્ટુએ હાથ ફેરવ્યો ને ફરી પિન્ટુએ. ચિન્ટુને મજા પડી. એ જોઈ પિન્ટુ હરખાયો. પિન્ટુને હરખાતો જોઈ ફુગ્ગાભૈ પણ હરખાયા.
ને પછી હવા કાઢી સૂ ઉઉઉ... ને ફુગ્ગાભૈ હતા એવડા નાના થઈ ગયા. પિન્ટુએ પંપાળીને તેને ગજવામાં મૂકી દીધો.
પિન્ટુ ઘરે આવ્યો. તેની મોટી બહેન ફોરા લેસન કરતી હતી. પિન્ટુ તેની પાસે જઈ ઉભડક પગે બસી ગયો. ફોરાએ ત્રાંસી નજરે પિન્ટુ સામે જોયું. પિન્ટુ મલકાયો.
ફોરા બોલી : ‘હં... બેય ચૉકલેટ એકલો ખાઈ ગયો, કેમ?’
આ સાંભળી પિન્ટુ હસ્યો ને બોલ્યો : ‘ના, દીદી, આજે ચૉકલેટ નથી લીધી, પણ...’
આમ કહી પિન્ટુએ ધીમે રહી ફુગ્ગો બહાર કાઢ્યો. એ જોઈ ફોરાએ લેસન અધૂરું મૂક્યું. ફોરા બોલી : ‘લાવ, પિન્ટુ, મને એક વાર ફુલાવવા દે ને!’
પિન્ટુ કહે, ‘આપું તો ખરો, પણ મોટો ન ફુલાવતી નહિતર...’
ને ફોરાએ ફુગ્ગાને મોંમાં મૂકી હવા ફૂંકી, ધીરેધીરે ફુગ્ગાભૈ મોટા ને મોટા થતા ગયા. ફોરા ખુશ થતી હતી, પરંતુ પિન્ટુભૈ અકળાતા હતા. રખેને... ફુગ્ગો ફૂટી જશે તો? એટલે તે ‘બસ દીદી હવે...’ આમ રટણ કરવા લાગ્યો. પણ ફુગ્ગાને તો આ ગમતું હતું. એને કહેવાને મન થઈ ગયું કે, પિન્ટુભૈ ચિંતા ના કરો. મારું કદ કેવડું મોટું છે તે તમે જુઓ તો ખરા!
મોટા તડબૂચ જેવડો ફુગ્ગો જોઈ ફોરા રાજી થઈ. તેણે ફુગ્ગા પર હાથ ફેરવ્યો ને બોલી : ‘સરસ છે હોં’ ને અચાનક એના હાથમાંથી ફુગ્ગો છટકી ગયો. ફુગ્ગો છેક અધ્ધર ગયો ને પૂછી સૂ... ઉઉઉ કરતો નાચવા લાગ્યો. ફોરા ને પિન્ટુને આ જોવાની બહુ મજા પડી.
છેવટે ફોરા બોલી, ‘પિન્ટુ, જા. તું એકલો રમ. હજી મારે ઘણું લેસન બાકી છે.’
આમ કહી ફોરા લેસનમાં પરોવાઈ ગઈ. પિન્ટુભૈએ ફરી ફુગ્ગો સાચવીને ગજવામાં મૂકી દીધો. તેને હથેળી વડે પંપાળ્યો. ફુગ્ગાભૈ તો ફરી પાછા રાજીના રેડ.
ત્યાંથી પિન્ટુભૈ મેડા પર ગયા. ત્યાં હીંચકામાં બેસી હીંચ્યા. હીંચતા જાય ને એકલા-એકલા ગાતા જાય :
‘સરસ મજાનો મારો છે ફુગ્ગો,
તડબૂચ જેવડો મારો છે ફુગ્ગો.’
મમ્મીએ બૂમ પાડી એટલે નાસ્તો ખાવા નીચે ગયા. પછી તે શેરીમાં મિત્રો જોડે રમવા દોડી ગયા.
આ બધામાં પિન્ટુભૈ ફુગ્ગો ફુલાવવાનું ભૂલી ગયા. ગજવામાં બેઠાબેઠા ફુગ્ગાભૈ અકળાતા હતા. તેમને ગજવું જેલ જેવું લાગતું હતું.
રમીરમીને પિન્ટુભૈ થાક્યા. તે દૂર પાણી પર જઈને બેઠા. લાગ જોઈ ફુગ્ગાભૈ બોલ્યા : ‘પિન્ટુભૈ, તમે મને ભૂલી ગયા?’
અવાજ સાંભળી પહેલાં તો પિન્ટુભૈ ચમક્યા. આ કોણ બોલ્યું?
‘એ તો હું ફુગ્ગો’ ફુગ્ગાભૈ ફરી બોલ્યા.
પિન્ટુ કહે, ‘હા બોલો, શું કહેતા હતા?’
‘તમે મને ભૂલી ગયા?’
‘ના, રે. તમને કેવી રીતે ભૂલું?’
‘તો હવે મને ઝટ ગજવાની અંધારી કોટડીમાંથી બહાર કાઢો ને ફુલાવો. મને અહીં નથી ગમતું!’
ગજવે બેઠા ફુગ્ગાભૈને ફૂલવાનું મન થાય
ફૂલી ફૂલીને ઊંચે ઊંચે ઊડવાનું મન થાય.
પિન્ટુભૈએ ફુગ્ગાભૈને બહાર કાઢ્યા. ફુગ્ગાભૈ રાજીના રેડ થઈ ગયા ને પછી બોલ્યા, ‘પિન્ટુભૈ, આજ તો હું કહું એવડો મોટોમોટો મને ફુલાવો હોં. મારે બહુ મોટા થવું છે.’;
ને પિન્ટુભૈ તો ફુગ્ગામાં હવા ભરવા લાગ્યા. માપનો ફુલાવી કહે, ‘બસ હવે?’
એટલે ફુગ્ગાભૈ કહે, ‘ના પિન્ટુભૈ, હજુ વધારે હવા ભરો.’
પિન્ટુભૈએ ફુગ્ગાને ચેતવતાં કહ્યું, ‘ફુગ્ગાભૈ, બહુ ફૂલવામાં માલ નથી હોં.’
પણ માને તો ફુગ્ગાભૈ શેના! એ તો મોં મચકોડીને કહે, ‘એમ કહો ને કે તમે વધારે હવા ભરી શકતા નથી.’
ને નાછૂટકે પિન્ટુભૈએ વધારે હવા ભરી.
પણ આ શું? ફુગ્ગાભૈએ તો ચીસ પાડી : ‘પટાક...’ ફુગ્ગાભૈનું શરીર ફાટી ગયું. બધી હવા બહાર નીકળી ગઈ. ફુગ્ગાભૈનું શરીર લબડી પડ્યું.
ફુગ્ગાભૈએ તો ભેંકડો તાણ્યો. હીબકાં ભરવા લાગ્યા. આ જોઈ પિન્ટુભૈને દયા આવી ગઈ. તેમણે ફુગ્ગાના ફાટલા શરીર પર હળવેથી હાથ ફેરવ્યો ને કહ્યું : ‘છાના રો ફુગ્ગાભૈ, એમાં શું રડવાનું? હોય એ તો. હું તો ના પાડતો હતો પણ તમે ના માન્યા.’
પણ ફુગ્ગાભૈ તો રડતા જ જાય. છેવટે પિન્ટુ કહે, ‘ફુગ્ગાભૈ, જે બહાદુર હોય તે ન રડે. સમજ્યા કે?’
ને પિરન્ટુના બોલની જાદુઈ અસર થઈ. ફુગ્ગાભૈ ચૂપ થઈ ગયા. પછી પિન્ટુભૈ ફુગ્ગો મોંમાં મૂકી, અંદર હવા ખેંચી નાની પોપટી (ફુગ્ગો) બનાવી. તે પછી હથેળીમાં લઈ ઘસવા લાગ્યા.
ફુગ્ગાભૈ રાજીરાજી થઈ ચીસાચીસ કરવા લાગ્યા.
સ્રોત
- પુસ્તક : નટવર પટેલની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 25)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2023