રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોરાતના બે વાગ્યા હશે. પવને મધુમાલતીને કાનમાં આવીને કંઈક કહ્યું. અને મધુમાલતી ધ્રૂજી ઊઠી. તેણે ઝૂકીને ગુલાબના છોડને કહ્યું અને ગુલાબ અકળાઈ ઊઠ્યો. વાત સાંભળીને મોગરો તો મૂંઝાઈ જ ગયો. સૂરજમુખીના છોડે આ વાત સાંભળી ત્યારે તે રોઈ ઊઠ્યો. તળાવની કમલિનીઓ આ વાત સાંભળીને માથું કૂટવા માંડી.
શી હતી એ વાત?
રાતરાણી પણ એ વાત સાંભળીને અકળાઈ ઊઠી અને બોલી, ‘પણ મારે હવે સૂઈ જાવું છે. હું થાકી ગઈ છું.’ પણ એ હવે સૂઈ નહીં શકે. તેને બગીચાનું ધ્યાન રાખવા માટે બીજા 12 કલાક જાગવું પડશે. કારણ કે હવે ગુલાબની કળીઓ કે મોગરાની કળીઓ ખીલી શકશે નહીં. ગુલછડી પણ ગભરાઈ ગઈ. તેનેય હવે સૂઈ જવું હતું પણ કોઈ જાગે તો પોતે સૂઈ શકે ને? કમલિની એટલે કમળનો છોડ. તેની ઉપર કમળો ઊઘડશે નહીં. કારણ કે સવારે સૂરજ ઊગવાનો નથી. કારણ કે પૂર્વ દિશાની ચાવી પવને ખોઈ નાખી છે. એક પહાડ ઉપરથી બીજા પહાડ ઉપર તે ઠેકડો મારવા ગયો, ત્યાં વચમાં વહેતી નદીમાં પૂર્વ દિશાનું તાળું ખોલવાની ચાવી પડી ગઈ. હવે શું થાય? સવાર પડશે ત્યારે છૂટશું, આવું વિચારતો કમળમાં પુરાયેલો ભમરો આ વાત સાંભળીને ડૂસકે ચડી ગયો.
કાચબાઓ અને દેડકાઓથી આ સહેવાયું નહીં. કોઈ મુશ્કેલીમાં હોય તો મદદ તો કરવી જ જોઈએ ને? કાચબાઓ અને દેડકાઓ કહે, ‘અમે નદીમાં પડીને ચાવી શોધી લાવીએ.’ અને તેઓ નદીમાં પેઠા. પણ ત્યાં તેમણે નાની-નાની માછલીઓ પાસે સાંભળ્યું કે એક મોટી માછલી આ ચાવીને ગળી ગઈ છે. અને હવે તો એ ક્યાંયની ક્યાંય ભાગી ગઈ હશે. કદાચ નદીમાંથી હવે દરિયામાં પેસી ગઈ હશે. કાચબાઓ અને દેડકાઓ બોખ જેવું મોડું લઈને પાછા ફર્યા. સૌ નિરાશ થઈ ગયાં.
સવારના સાડા પાંચ થવા આવ્યા. વહેલા ઊઠવાની ટેવવાળા લોકો જાગ્યા. તેમણે આ જાણ્યું ત્યારે તેઓ કંપી ઊઠ્યા. કહેવા લાગ્યા, ‘અરેરે! સૂરજ ન ઊગે તો-તો ભૂંડું થાય. નહીં વાદળાં બને, નહીં વરસાદ આવે અને જંતુઓ ફેલાશે. રોગચાળો ફાટી નીકળશે.’
ખેડૂતો કકળી ઊઠ્યા, ‘વરસાદ વિના વાવેલું ઊગશે નહીં. અને ઊગેલા કોંટા સૂરજ વિના પીળા પડી જઈ મરી જશે. રામ-રામ-રામ! સૂરજદેવ વિના તો નહીં ચાલે.’
પક્ષીઓમાં પણ ફફડાટ પેઠો. ચકલીએ ચકલાને કહ્યું, ‘હવે આપણે શું કરીશું? બચુડિયાં જાગીને ખાવા માગશે ત્યારે અંધારામાં ચણ શોધવા ક્યાં જાશું?’ કાગડા જેવો કાગડોય ચિંતા કરવા લાગ્યો.
સવારના છ થવા આવ્યા. પણ અંધારુંઘોર! કૂકડાભાઈ કહે, ‘ચાવી તો હવે મળે એમ નથી. તેથી પૂર્વનાં બારણાં ખૂલશે નહીં. અને તેથી સૂરજનો રથ હવે આવી શકશે નહીં. પણ મને એક આઈડિયો સૂઝે છે. પૂર્વ દિશામાં જઈને જોશથી બે બારણાંની વચમાં મારેલા તાળા પાસે ઊભો-ઊભો કૂકડે...કૂક એમ જોશથી સૂરજદાદાને પોકાર પાડું. મારા આ કૂકડે-કૂકનો જાદુ અજમાવી જોઈએ.’ બધાં કહે, ‘હા, હા, શું કામ નહીં? એવુંય કરી જુઓ.’
અને કૂકડાએ પૂર્વ દિશામાં જઈને બે બારણાંની વચ્ચે લગાવેલા તાળા પાસે ઊભા-ઊભા કૂકડે...કૂક એમ જોશથી પોકાર પાડ્યો. બારણાં થોડાં ધ્રૂજ્યાં. સૌ મલકાઈ ઊઠ્યાં. કૂકડાએ ફરીથી કૂકડે...કૂક કર્યું અને પૂર્વ દિશાની પારથી બે હાથીઓ દોડી આવ્યા. એમણે બારણાંને ધક્કો મારીને આગળિયો તોડી નાખ્યો. બારણાં ખૂલી ગયા. અને કૂકડાની કલગી જેવું લાલ-લાલ ઉપરણું ઝુલાવતાં-ઝુલાવતાં સૂરજદેવ પધાર્યા. બધાં રાજી-રાજી થઈ ગયાં.
કિરણનો હાથ લાંબો કરી ગુલાબની કળીઓને ગાલે ટપલી મારીને સૂરજે કહ્યું, ‘એઈ, ઊઠો.’ અને કળીઓ આંખો ચોળવા લાગી અને ઘડીની વારમાં ફૂલ બનીને મઘમઘવા માંડી. કિરણનો હાથ લાંબો કરી સૂરજદાદાએ મોગરાની કળીઓની મુઠ્ઠીઓ ઉઘાડી નાખી. તળાવની કમલિનીઓની કમળકળીઓને એક ચૂંટકી ખણીને સૂરજે કહ્યું, ‘એઈ, ઊઠો.’ અને કળીઓ કમળ બની ગઈ. એટલે એમાંથી ગુન-ગુન-ગુન કરતો ભમરો બહાર નીકળીને બોલ્યો કે ‘સૂરજદાદા કી જય’. સૂરજમુખીએ ઊંચું જોઈને સ્મિત કર્યું. જાસુદે વાંકા વળી નમસ્કાર કર્યા. મધુમાલતી નાચી ઊઠી. કૌરવ-પાંડવ વેલની મોટા-મોટા કળા જેવી કળીઓ જામલી-જામલી મલકી ઊઠી અને સુગંધનો દરિયો લહરાયો. રાતરાણીને અને ગુલછડીને નિરાંત થઈ ગઈ, ‘હાશ, આખો બાગ હવે જાગી ગયો છે. હવે અમે આરામ કરીએ, તો વાંધો નથી.’ અને બંને નિરાતે સૂઈ ગયાં.
બસ, ત્યારથી કૂકડો રોજ સવારે કૂકડે-કૂક બોલે છે અને પૂર્વ દિશા ખૂલે છે અને સૂરજદાદા પધારે છે. હવે નથી આગળા કે હવે નથી તાળાં. કૂકડાભાઈ કૂકડે...કૂક બોલે અને સૂરજદેવ પૂર્વમાં પ્રગટ થાય.
જે દિવસે સૂરજદાદા કૂકડાના કૂકડે-કૂકથી ઊગ્યા તે દિવસનું નામ રવિવાર પડ્યું. રવિ એટલે સૂરજ. અને લોકોએ તે દિવસે રજા રાખી અને સારું-સારું ભોજન રાંધી ખાધું. બોલો ‘કૂકડે-...કૂક.’
અકાફીએ વાર્તા પૂરી કરી. એટલે ટીલુબહેને ભંજુભાઈના કાનમાં કહ્યું કે, ‘તે દિવસનું નામ કૂકડવાર રાખવું જોઈતું હતું. કૂકડવાર. કૂકડે...કૂક.’
પછી ભંજુભાઈએ ટીલુબહેનને કાનમાં કહ્યું કે, ‘કાલે કૂકડવાર છે. મારી મમ્મી પૂરણપોળી બનાવવાની છે. એટલે તું મારે ઘરે જમવા આવજે. કૂકડે...કૂક...’
સ્રોત
- પુસ્તક : રક્ષાબહેન દવેની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 74)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2023