Patalkuve Paani - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પાતાળકૂવે પાણી

Patalkuve Paani

મેહુલ મંગુબહેન મેહુલ મંગુબહેન
પાતાળકૂવે પાણી
મેહુલ મંગુબહેન

    ઉનાળો શરૂ થતાં જ સુંદરવનનું વાતાવરણ પાણીની અછતને લીધે ગમગીન બનવા માંડયું હતું. બીજાં બધાં પ્રાણીઓનું કામ તો જેમ તેમ ચાલી જતું હતું, પરંતુ ખરી મુસીબત તો હિપ્પી હાથીને હતી. તળાવ સાવ સુકાઈ ગયું હતું અને સુંદરવનના અવાડામાં ટેન્કર દ્વારા આવતું પાણી પણ પૂરતું ન હતું.

    બીજા હાથીઓ અને મોટાં પ્રાણીઓ સસલાં, હરણ, વાંદરાં વગેરે જેવાં નાનાં પ્રાણીઓને ધમકાવીને સૌથી પહેલાં અવાડાનું પાણી પી જતાં હતાં, પણ હિપ્પી એવું કદી ન કરતો. પાણીની તંગી હોવાને લીધે, બીજાં પ્રાણીઓને પાણી મળી રહે તે માટે તેણે આંતરે દિવસે જ પાણી પીવાનું નક્કી કર્યું. ચારે બાજુ પાણીની મસમોટી આફત વચ્ચે આંતરે દિવસે પાણી પીવાનો હિપ્પી હાથીનો આ પ્રયાસ બહુ નાનો હતો.

    સુંદરવનમાં પાણીની સમસ્યાના ઉકેલ માટે વડવાઓએ બનાવેલો એક પુરાણો પાતાળકૂવો હતો, પણ તે ઘણાં વર્ષોથી પુરાઈ ગયો હતો અને તે ક્યાં હતો તેની પણ કોઈને ખબર નહોતી.

    પાણીની અછતને લીધે હિપ્પીની તબિયત લથડી રહી હતી. હવે તે જોરથી બોલી પણ શકતો ન હતો.

    હિપ્પીની હાલતથી તેનો દોસ્ત ઝોરો બાજ બહુ જ દુ:ખી હતો. હિપ્પીને મદદરૂપ થવા માટે તેણે એક નુસખો વિચાર્યો. તેણે કાપડનો એક ટુકડો શોધ્યો. તે દૂર ગામમાં જઈ ટુકડાને પાણીમાં પલાળતો અને પછી તેને પંજામાં ભરાવી પાછો ઊડી આવતો. હિપ્પી આ ભીનો ટુકડો મોંમાં રાખીને બેસી રહેતો. હિપ્પી અને ઝોરો બંનેને ખબર હતી કે ઉનાળો હજી ઘણો લાંબો ચાલવાનો છે અને ખાલી ટુકડો ભીનો કરવાથી કામ નહીં ચાલે. છેવટે જંગલની તરસ છિપાવવા તેમણે પૂર્વજોએ બનાવેલા પુરાણા કૂવાને શોધવાનું નક્કી કર્યું.

    બેઉ જણા રોજ સવારે નીકળી પડતા અને આવતાં-જતાં દરેકને પૂછતાં,

    “પાણી ક્યાં છે, ક્યાં છે પાણી?”  ઘણાં પ્રાણીઓ તેમને તરસથી છકી ગયેલા માની હસી કાઢતાં, તો ઘણાં, “અમારી મજાક કરો છો?” તેમ કહીને ઠપકો આપતાં.

    આમ ઘણા દિવસ ચાલ્યું. હિપ્પી અને ઝોરોને પાકો વિશ્વાસ હતો કે સુંદરવનમાં એવું કોઈક તો હશે જ કે જેને પાતાળકૂવાની ખબર હશે અને તે તેનો રસ્તો બતાવશે.

    એક દિવસ ઝોરો અને હિપ્પી જંગલ ફરીને થાકીને બેઠા હતા. એટલામાં એક કાચબો ત્યાંથી નીકળ્યો. ઝોરો અને હિપ્પી બેઉ બરાબર થાકેલા હતા. તેમને એમ કે આ નાનકડા કાચબાને વળી કૂવાની શું ખબર હશે? બેઉ જણા પડ્યાં પડયાં ધીમેથી બોલ્યા,

    “પાણી ક્યાં છે, ક્યાં છે પાણી?”

    સાંભળીને કાચબો તરત જ બોલ્યો, “દાદા-દાદીની વાણી છે, પાતાળકૂવે પાણી છે.”

    કાચબાની વાત સાંભળીને તરત જ હિપ્પી અને ઝોરો ઉત્સાહમાં આવી ગયા. કાચબાએ સવાસો વર્ષ પહેલાં પડેલા ભયંકર દુકાળની અને વડવાઓએ બનાવેલા પાતાળકૂવાની આખી વાત બેઉને કહી અને કૂવાની જગ્યા પણ શોધી આપી.

    પછી તો આ વાત આખા જંગલમાં ફરી વળી. બધાં પ્રાણીઓ ભેગાં થયાં અને વડવાઓએ બનાવેલો કૂવો ગાળીને ફરીથી સજીવન કર્યો. કારમા દુષ્કાળના વર્ષમાં આખા સુંદરવનને નવજીવન મળ્યું.

સ્રોત

  • પુસ્તક : સુંદરવનની વાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સર્જક : મેહુલ મંગુબહેન
  • પ્રકાશક : રીડજેટ પબ્લિકેશન
  • વર્ષ : 2015