MurKHManDal - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મૂર્ખમંડળ

MurKHManDal

રમણલાલ ના. શાહ રમણલાલ ના. શાહ
મૂર્ખમંડળ
રમણલાલ ના. શાહ
કાનજીને ઘેર આજે ધમાલ હતી. હોળીના દહાડા હતા. સેવો ઓસાવી હતી. રોટલી વણાતી હતી. કાનજી પટેલ અને એની બૈરી શીવી પટલાણીની દોડાદોડ આજે માતી ન હતી. વાત એમ હતી કે એમની એકની એક દીકરી પરણવાલાયક ઉંમરની થઈ હતી. એનું નામ ગંગા. ગંગાનાં લગ્ન ચૈત્ર માસમાં લેવાનાં હતાં. પરણાવવાને માત્ર એકાદ મહિનાની જ વાર હતી, એટલે આજે જમાઈને જમવા તેડ્યો હતો.
પશા પટેલ બનીઠની સાસરે જમવા આવ્યા હતા. જમાઈને માટે ઉત્તમ ભોજન બનાવવાનું કામ ધમધોકાર ચાલી રહ્યું હતું.
શીવી કહે : ‘બેટા ગંગા, માળિયા ઉપર જરા જા તો. આમલી થઈ રહી છે. માટલામાંથી એક ગોળો આમલીનો લઈ આવ. દાળમાં નાખી દઉં.’
‘વારૂ બા’, કહેતીક ને ગંગા લટકો કરતી માળિયા પર આમલી લેવા દોડી.
માટલામાંથી આમલીનો ગોળો કાઢ્યો, ને જરા પાસેના માંચડા ઉપર થાક ખાવા બેઠી.
ગંગા એકલી ડાહી ન હતી. ડાહ્યાં તો ઘણાં જણ હોય છે. ગંગાના તો ડહાપણની અંદર ½ ઉમેરવાના હતા! ગંગા એક માંચડા ઉપર બેસી વિચાર કરવા લાગી : ‘ભલા ભગવાન! શું તારી લીલા છે! આજે તો હું અહીં મારાં માબાપના ઘરમાં છું; પણ આ ઘર કાંઈ મારું ઓછું જ કહેવાય? દીકરી તો પારકું ધન. આવતા માસમાં તો મારાં લગન. પશા પટેલ સાથે પરણીને હું તો સાસરે જઈશ.
‘હા... શ! કેવી મજા પડશે! હું કેવી સુખી થઈશ! અને પછી વળી જો ભાગ્યમાં હશે તો મને દીકરો સાંપડશે. વાહ રે વાહ! ત્યારે તો મારા સુખનો છેડો જ ક્યાં રહેવાનો છે?’
‘મારા છોકરાનું નામ હું તો નવીન પાડીશ. હું તો ખરી વાત કહું છું, બાઈ, કે જૂના જમાનાનાં નામો મને પસંદ નથી. મારા વરને યે એવાં ગામડિયાં નામ પસંદ નહિ પડે.’
‘નવીનને નવું ઝભલું હું મારા હાથે સીવીશ. નિશાળમાં કાંઈ સિવણકામ અમથી શીખી છું, શું? ચારે બાજુ મજાનો ગોટ મૂકીશ, ને ટીકી છાંટીશ, ને આ.... મારો નવીન એવો તો રૂપાળો લાગશે – એવો તો લટકાળો દેખાશે કે મારી પડોશણો તો જોઈ-જોઈને બળી જશે. ભલે ને બળે. અહીં ક્યી મારી બલાને?
‘હં, પણ એમ કરતાં વખતે મારો નવીન નજરાશે તો? હાય રે મા! ત્યારે હું શું કરીશ? મારાં સાસુ એની નજર ઉતારશે, એ બધી વાત ખરી, પણ મારો છોકરો એક તો ચાંદના કટકા જેવો, ને તેમાં મારું નવુંનકોર ઝભલું, એટલે એને તો સજ્જડ નજર લાગશે.’
‘અને નજર લાગશે ને નહિ મટે તો? એ બિચારો મરી જશે!’
‘હાય, હાય, માડી! પછી એનું નવું ઝભલું કોણ પહેરશે? મારાથી એ દુઃખ કેમ સહેવાશે? હું તો રડી-રડીને મરી જઈશ. ઓ મારી માડી રેએએએ! ઓય મા ભગવાન રેએએએ!’
અને એમ બોલી ગંગાએ તો જોરથી ઠૂઠવો મૂક્યો.
(2)
‘અલી ગંગા, શું કરે છે માળ ઉપર? આટલી બધી વાર કેમ લાગી?’
પણ જવાબ જ કોણ દે? ગંગા તો પોકેપોક મૂકી રડવાના કામે લાગી ગઈ હતી!
‘ચાલ, જઈને જોઈ આવું.’ એમ બોલી શીવીબાઈ માળિયા ઉપર ચડ્યાં.
ગંગાને રડતી જોઈ એ ઢીંલાંઘેંશ જેવાં થઈ ગયાં. રડવાનું કારણ પૂછ્યું.
ગંગાએ બધી વાત કહી.
ભગવાને અક્કલનું પડીકું છોડેલું ત્યારે શીવી પટલાણી પણ છેક છેલ્લી હારમાં હશે, એટલે એ પણ રડવા બેસી ગયાં. ‘હાય હાય રે દીકરી! તારો દીકરો નજરાઈને મરી જાય તો પછી નવુંનકોર ઝભલું કોણ પહેરશે? હાય હાય રે માડી! દુઃખનો તો દાવાનળ સળગ્યો!’
એકને બદલે બબ્બે જણાં આંખપાણી કરવા લાગ્યાં. ડૂસકાં છેક નીચે સંભાળાવા લાગ્યાં. કાનજી પટેલ હુક્કો ગગડાવતા હતા તેમનું ધ્યાન ખેંચાયું. કોણ રડે છે એ? માળિયા પર શું કામ રડે? અહીં સામે આવીને રડતાં શું થાય છે?!
કાનજીએ હુક્કો આઘો ખસેડ્યો. ચડ્યા માળિયા ઉપર. મા-દીકરી બંનેને રડવામાં એકબીજાની હરીફાઈ કરતાં જોયાં. કાનજી ગભરાઈ ઊઠ્યો. રડવાનું કારણ પૂછ્યું. બૈરીએ જ્યારે કારણ કહી બતાવ્યું ત્યારે એ પણ સમજ્યો કે આફત તો ભારે આવી! હવે એનો શું ઉપાય?
એ પણ બેસી ગયો નજીકમાં, અને ‘ઓ મારા બાપાના દીકરા રે એ એ એ!’ કરી ભેંકડો મૂકી રડવા લાગ્યો. નાનપણમાં પેટ ભરીને રડવાની તાલીમ લીધેલી, એટલે આજે લલકારીને રડવાનો આ અવસર સાંપડેલો એ કાનજીભાઈ અધૂરો છોડે તો એમની અક્કલને ઊધઈ વળગે!
ત્રણેના સામટા રડવાના અવાજથી જમાઈરાજ ચમક્યા એ. માળિયા ઉપર સામટો ગોકીરો શાનો હતો? શું કામ રડારડ ચાલતી હતી?
એ ઉપર ચડ્યો. ત્રણે જણાંને રડતાં જોઈ એ પણ ચમક્યો. એણે સાસુ-સસરાને રડવાનું કારણ પૂછ્યું.
સાસુએ બધો ખુલાસો કર્યો.
પશા પટેલ બોલ્યા : ‘આમ બાબત છે! અરે અક્કલના ઓથમીરો! હજુ તો લગન થયાં નથી. આણું વસાવ્યું નથી. તમારી દીકરી સાસરે ગઈ નથી. એને છોકરો થયો નથી. ઝભલું સીવ્યું નથી. છોકરાએ એ પહેર્યું નથી. એ પહેલાં છોકરાને નજર લાગી ગઈ, અને છોકરો મરી પણ ગયો! અને એના નામની પોક અત્યારથી ત્રણે સાથે લાગી મૂકવા મંડ્યાં! જગતમાં બેવકૂફો નહિ હોય એમ નહિ. પણ તમારાં જેવાં સામટાં સો ટચનાં નંગ ભગવાને બીજે ઘડ્યાં ચે કે નહિ એની પાકી તપાસ કર્યા વગર હવે તમારી દીકરીને હું પરણું તો મને મહીમાતાના –’
(3)
પશો પટેલ ગુસ્સે થઈને ચાલી નીકળ્યો. ન સાસરે ખાધું કે ન પીધું. સસરાને રામરામ કરવા પણ રહ્યો નહિ. એ તો ગુસ્સામાં ને ગુસ્સામાં પોતાને ઘેર ગયો.
માબાપને બધી વાત કરી. કન્યા દેખાવડી હતી. કુળવાન હતી. માલદાર હતી. એના માબાપને બીજું છૈયુંછોકરું હતું નહિ, એટલે બધી મિલકત ગાય પાછળ વાછડી જાય એમ ગંગાની પાછળ પશા પટેલને બિલકુલ ખુદાબક્ષ પચી જાય એમ હતું. માયા તો દેવોનેય વહાલી. પશાભાઈનાં માબાપને મિલકત વહાલી હોય એમાં શી નવાઈ?
એમણે પશાને શાંત પાડવા, અને એનું મન ફેરવવા બહુબહુ પ્રયત્નો કરી જોયા, પણ બધું ધૂળ ઉપર લીંપણ. પશાએ ગંગાને પરણવા સાફસાફ ના પાડી દીધી.
પશા પટેલ ભાગ્યશાળી કુટુંબના નબીરા હતા. એના બાપના બાપ પણ હજુ જીવતા હતા. એમનું નામ દાજીભાઈ હતું. એ ઘરડા ખખ એટલે બધાં એમને દાજીકાકા કહીને બોલાવતાં હતાં.
દાજીકાકાની આગળ પશાની બાએ જઈને દીકરાની રાવ ખાધી. કોઈ પણ ઉપાયે એને સમજાવી ગંગાને પરણવા હા પડાવવા કહ્યું.
દાજીકાકાએ પશા પટેલને પાસે બોલાવ્યો, ન પરણવાનું કારણ પૂછ્યું.
પશાભાઈએ બધી વાત કરી, ને કહ્યું : ‘દાજી, આવી મૂર્ખ છોકરીને પરણું એના કરતાં તો આપણા ઘરની બાજરાની કોઠીને પરણવાનું હું વધારે પસંદ કરું!’
દાજીકાકા હુક્કો ગગડાવતાં બોલ્યા : ‘બેટા, તારી વાત સાચી છે. પણ જગતમાં બધાં ડાહ્યા જ એ એમ તું શા ઉપરથી કહે છે? તેં જગત કેટલું જોયું? કેટલું જાણ્યું? મૂર્ખાઈ કાંઈ એક જાતની હોય છે? બાપાની હજારોની મિલકત હોય તે એક દિવસની શેરસટ્ટાની રમતમાં પાયમાલ કરી નાખી દીકરાને માથે દેવાના ડુંગર ખડકી જનાર લાલચટ્ટક પાઘડી પહેરી રાતામાતા થઈને ફરે તોપણ એ ડાહ્યામાં ગણાય છે, જ્યારે ખરેખર તો એવા દેવાળિયા ડાકુઓની મૂર્ખાઈની હદ જ નથી હોતી.’
‘આપણા જ પડોશના પેલા રંજનની વાત કર ને? કાળી મહેનત કરી પાઈ-પાઈ રળીને રૂપિયા અઢી હજાર ભેગા કર્યા. એક સારી બૅન્કમાં નાણાં સલામત હતાં. એને લોભ વળગ્યો. એણે માત્ર અર્ધા કે એક ટકાના વધારે વ્યાજના બૂરા લોભને ખાતર એ રકમ પેલા મકનશેઠની પેઢીમાં મૂકી.’
‘મકનશેઠ મરી ગયા ને પેઢી સાફ થઈ ગઈ. મકનશેઠ વગર તલવારે સેંકડો ગરીબગુરબાંની ગરદન સાફ કરતા ગયા, ને એ રંજન પણ રહેંસાઈ ગયો. એણે પોતે એક વાર મને આવીને વાત કરેલી કે આ પેઢી જતે દહાડે તરે એમ નથી લાગતું. છતાં મૂર્ખાઈમાં એણે જિંદગીભરની કમાણીથી રાજીખુશી અને અક્કલ હોશિયારીથી હાથ દોઈ નાખ્યા!’
‘બેટા, દુનિયા આવી છે. મૂર્ખાઈની કાંઈ વ્યાખ્યા થઈ શકતી નથી. ડહાપણના કાંઈ ગણિતની જેમ સરવાળા માંડી શકતા નથી. તું જરા શાંત થા. હું તારો વડીલ છું, પણ તારો સાચો ભાઈબંધ છું એ વાત ભૂલીશ નહિ. મને સાચેસાચું કહે, - તને ગંગા ગમે ખરી કે નહિ? બોલ બેટા, શરમાઈશ નહિ.’
પશાભાઈ જરીક વાર તો ચૂપ રહ્યો, પણ છેવટે શરમાઈને નીચું જઈ ધીમે સ્વરે હા પાડી.
‘ભાઈ, તને ગોરીગોરી ગંગા ગમે છે. તારાં માબાપને અને અમને સૌને ચરોતરની વખણાતી તંબાકુનાં બસો બીઘાંનાં કાનજી પટેલનાં ખેતર, એ એની મિલકત ગમે છે. સારી જેવી પરઠણ અત્યારથી જ મળે છે. છોકરી વળી કુળવાન ને સ્વરૂપવાન તથા સુશીલ પણ છે. મૂર્ખાઈ જરા ખરી, એની ના નહિ. પણ એટલી મૂર્ખાઈ ખાતર બધું જ તજી દેવું એ ઠીક નહિ.
‘એમ છતાં તને ઠાલો આગ્રહ કરવો ઠીક નથી લાગતો. તું એક કામ કર. થોડા દહાડા બહારગામ ફરી આવ. જીભ બંધ રાખજે. આંખ બરાબર ઉઘાડી રાખજે. જરા અનુભવ લઈ આવ. તારાં સાસરિયાં કરતાં વધારે મૂરખ માણસો આ વિશાળ દુનિયામાં વસે છે કે નહિ એની બરાબર તપાસ કરજે. પછી બેટા, તને ઠીક લાગે એમ કરજે. તારો દાજી તારો દુશ્મન નથી. તારું મન મનાવીને અમારે કામ કાઢવું છે. તારા જીવની દુભણ અમને કોઈને જરાયે જોઈતી નથી.’
(4)
પશા પટેલ જગતના રંગ જોવા નીકળી પડ્યા.
એક વાર પશાએ એક ખેતરને છેડે એક મોટા ઝાડના થડની પાછળ નાનીસરખી બખોલ હતી એમાંથી રોકકળનો અવાજ આવતો સાંભળ્યો.
પશો ત્યાં ગયો. જુએ છે તો નાની સરખી બખોલમાં વીસેક માણસો ભરાઈને રડતાં હતાં, અને નજીકમાં ગાડાં આગળ બળદ છૂટા ઊભા હતા.
‘શું છે?’ પશાભાઈ પૂછ્યું.
‘ભારે સંકટમાં સપડાયા છીએ.’ એકસામટા બોલીને એ માણસો જોરથી રડવા લાગ્યા.
‘પણ છે શું? જરા ખુલાસો તો કરો?’ પશાએ આગ્રહ કર્યો. 
એક જરા ઘરડો ને ઠરેલ ગણાતો માણસ હતો એ રડતોરડતો બોલ્યો : ‘ભાઈ, ત્રણ દિવસની વાત છે. અમે આ ખેતરમાં ગાડું જોડાવી ઉજાણીએ આવ્યા હતા. ઓચિંતો ધોધમાર વરસાદ તૂટી પડ્યો. અમે બધા આ બખોલમાં પાણી ને ટાઢથી બચવા આવીને ભરાઈ ગયાં. પણ જગા છે સાંકડી એટલે અમે એટલા બધા સંકડાઈ ગયા છીએ કે અમારા હાથપગ ક્યા ને અમારી જોડેનાના ક્યા એ પણ ઓળખાતું નથી. હવે અમારે બહાર શી રીતે નીકળવું? અમારા હાથપગની જ જ્યાં અમને ખબર ન હોય ત્યાં બીજું શું થઈ શકે? ત્રણત્રણ દિવસથી અમે કલ્પાંત કરી રહ્યાં છીએ, પણ અમારી વહારે કોણ ચડે?’
પશા પટેલ સમજ્યો કે દુનિયામાં બીજાં પણ નંગ છે ખરાં!’ એણે બખોલમાં હાથ નાખ્યો, અને જેનો પગ છેક આગળ હતો તેને એક જોરથી ચૂંટલો ભરીને બોલ્યો : ‘કોનો પગ છે આ?’
‘મારો, છે ભાઈશા’બ!’ એક જણ અંદરથી ચીસ પાડીને બોલ્યો.
‘ચાલ, બહાર નીકળ. તારો પગ તને જડ્યો. એ પગ ઉપર ઊભો થઈ તું બહાર નીકળીશ એટલે તારા હાથ ને માથું બધું બહાર આવશે.’ પશાએ સમજ પાડી.
પેલો માણસ પગ પંપાળતો બહાર નીકળ્યો.
પોતાની પાસેની લાકડીનો એક ફટકો બીજા માણસના પગ ઉપર મારીને પશા પટેલ બોલ્યો : ‘કોનો છે આ પગ?’
‘મારો છે!’ કહેતો પગ પંપાળતો એક બીજો માણસ બહાર નીકળ્યો.
એ રીતે દરેકના પગમાં એકેકી લાકડીનો ફટકો મારી એણે બધાને બહાર કાઢ્યા.
પગ પંપાળતા-પંપાળતા એ બધા માણસો પશા પટેલનો આભાર માનતાં બોલ્યા : ‘ભાઈસાહેબ, ભગવાન તમારું ભલું કરશે. બહુ સારી વાત છે કે તમે અમને મળી ગયા. અમારા પગે ચચણે છે; પણ એ તો મટી જશે. તમે ન આવ્યા હોત તો અમે અમારા હાથ-પગ ઓળખી ન શકત અને ત્યાં જ અંદર ભૂખેતરસે મરી જાત!’
‘આફરીન છે તમારી અક્કલ ઉપર!’ પશાભાઈ બડબડ્યો ને આગળ ચાલ્યો.
(5)
આગળ ચાલતાં એક ગામ આવ્યું. એક મરાઠણ ડોશી પહેલા માળના છજામાં ઊભી હતી. એના હાથમાં દોરડું હતું. દોરડાના બીજા છેડાનો ગાળો કરી એક ગધેડીના ગળે બાંધ્યો હતો. પાસે એક ઝાડ હતું. ઝાડને છાંયડે ગધેડી ઊભી હતી. ડોસી એને જોર કરીને છજામાં ખેંચવા જતી હતી!
‘કાય ભાગુબાઈ! કાય ચાલતે રે!’ પશાભાઈએ ભાગીતૂટી મરાઠી ભાષામાં ફેંકવા માંડ્યું.
‘આ મારી મરઘડી માંદી પડી છે. મુઈ ઈંડું સેવવા બેઠેલી તે ઊઠી ગઈ. એને પેટમાં ચૂંક આવતી લાગે છે. કેમે કરી ઈંડા ઉપર બેસતી જ નથી. આ ગધેડી ઝાડ તળે ઊભી હતી, તે મારા મનમાં કે એને જરી ઉપર બોલાવું. મરઘડીની જગાએ બેસી એ ઈંડાં સેવી નાખે તો શું ખોટું? ક્યારની દોરડી ખેંચું છું પણ પર આવતી જ નથી. ઊલટી હોંઓંઓંઓંચી-હોંઓંઓંઓંઓંઓંચી કરીને ભૂંકે છે તે એના અવાજથી મને તો બાઈ, મારું ઘર પડી જવાની બીક લાગે છે.’
પશા પટેલનું મોં એકદમ પહોળું થઈ ગયું. ડોશીની અક્કલ બિલકુલ ખલાસ થઈ ગઈ હતી. એ હસતાં-હસતાં બોલ્યો : ‘બાઈ, એમ એ નહિ આવે. જરા નીચે ઊતરી એના કાનમાં કહો કે આવતી અમાસે તારા ઘડિયા લગન લઈશું, માટે ઉપર ચાલ! એટલે એ એની મેળે દાદર ચડીને ઉપર આવશે!’
ભાગુબાઈને વધારે બનાવી પશા પટેલ આગળ વિદાય થયો. એ વિચાર કરવા લાગ્યો કે પેલાં ખેતરનાં નંગ અથવા ભાગુબાઈના કરતાં ગંગા જરાકે ચડે નહિ. પહેલો નંબર તો આ લોકો જ લઈ જાય!
(6)
પશા પટેલ તો નજીકના એક ઓળખીતાના ઘરમાં ખાવાપીવાનું કામ આટોપી પાછો આગળ રસ્તે પડ્યો. એક બીજા શહેરના દરવાજા આગળ આવી પહોંચ્યો.
શહેર બહુ મોટું ન હતું. ભાગોળે દરવાજા આગળ લોકોનું એક મોટું ટોળું જમા થયું હતું.
પશાભાઈએ પૂછ્યું : ‘અહીં કેમ બધાં એકઠાં થયાં છે?’
એક માણસે દરવાજા નજીક એક કન્યાને ઘોડી ઉપર બેઠેલી બતાવી. એણે ખુલાસો કર્યો : ‘અમારા ગામમાં એવો રિવાજ છે કે જે વર પરણવા આવે એ ગામ બહાર રહે. કન્યા ઘોડી ઉપર બેસી હાથમાં શ્રીફળ લઈ માથે મોડ બાંધી આ દરવાજે થઈ બહાર માતાના મંદિરે દર્શન કરવા જાય. શ્રીફળ વધેરી દર્શન કરી પાછી ગામમાં આવે તે પછી જ એનું કન્યાદાન દઈ શકાય.’
‘હવે આ કન્યા મોટી ઉંમરની છે, અને શરીરે ખૂબ ઊંચી છે અધૂરામાં પૂરું એની ઘોડી પણ ઊંચી છે. દરવાજો જૂના વખતનો અને ખૂબ નીચો છે. કન્યાનું માથું દરવાજાની ઉપલી કમાનને ભટકાય છે. દરવાજાની વચ્ચે કન્યા ફસાઈ પડી છે. હવે આનો શો નિકાલ લાવવો તે સમજાતું નથી. દરવાજામાંથી એણે બહાર નીકળવું શી રીતે?’
‘અમારામાં આ બાબત ઉપર પુષ્કળ મતભેદ પડ્યા છે. કેટલાક લોકો કહે છે કે ઘોડીના ટાંટિયા કાપી નાખવા એટલે ઘોડી એટલી નીચી થઈ જશે.’
‘પણ ગામના કેટલાક દયાળુ માણસોને આ વાત રુચતી નથી. તેઓ કહે છે કે ગરીબ બિચારું જાનવર! આપણે દયાના હિમાયતી! આપણાથી એ મૂંગા જીવને દુઃખ થાય એ કેમ જોયું જાય! એના કરતાં કન્યાની ગરદન જ કાપી નાખો ને, કે આપોઆપ એ બહાર નીકળી જાય! જનાવરના સુખસગવડ આગળ એક તુચ્છ માણસના જીવની શી ગણતરી! માત્ર માથાપૂર ઊંચાઈની જ બધી ભાંજગડ છે.’
‘આ વાત કન્યાનાં સગાંવહાલાં માનતાં નથી. તેઓ કહે છે કે કાંઈ કન્યાનું માથું તે કપાય? પછી એને પરણાવીને જ શું કામ છે? એના કરતાં તો આ દરવાજો જ તોડાવી પાડો એટલે કન્યા ને ઘોડી બંને ખુશખુશાલ અંદરથી બહાર નીકળી આવશે!’
પશા પટેલ બોલ્યો : ‘હવે આ  સિવાય કોઈની અક્કલ આગળ દોડે છે ખરી?’
‘ના ભાઈ, તમે કાંઈ ઉપાય બતાવો છો? મોટો પાડ થશે.’ ગામલોકો હાથ જોડીને બોલ્યા.
પશા પટેલે હા પાડી. એણે લોકોના ટોળાને આઘું ખસેડ્યું. એક હાથે ઘોડીની લગામ ઝાલી. બીજે હાથે જાણે પેલી છોકરીનું માથું ફોડી નાખવું હોય એમ જોરથી પોતાની લાકડી ઉગામી.
હમણાં જ માથામાં ફટકો પડશે એ બીકના માર્યા છોકરીએ (કન્યાએ) માથું નીચું નમાવી દીધું. પશાભાઈએ ઘોડીની લગામ હાથમાં ઝાલી ઘોડીને તાણી. ઘોડી તરત જ દરવાજામાંથી બહાર નીકળી ગઈ!
બધા લોકો ખુશીખુશી થઈ ગયા. પશાભાઈના ખૂબ ભારે વખાણ કરીને કહેવા લાગ્યા ‘ભાઈ, તમે બહુ જ હોશિયાર છો. આ આખી જંજાળનો છેડો કેવી ઝડપથી તમે આણ્યો! અમને તો ભાઈ, આ બાબત કદી લક્ષમાં જ આવી ન હતી. હવે આપ કૃપા કરી લગ્નની મિજબાનીએ પૂરી થાય એટલે જજો. ચાર દિવસ લગી તમે અમારા મે’માન છો.’
પશાભાઈને લગનના લાડવા ખાવાની નવરાશ ન હતી. છતાં એ લોકોના ખૂબ આગ્રહને લીધે એટલો એક દિવસ રોકાઈ ગયો. જમવાનું કામ રંગેચંગે ઉકેલી બીજા દિવસે સવારે તે નીકળી પડ્યો.
હવે એને આગળ બીજા મૂર્ખાઓ શોધવા જવાની ઇચ્છા ન હતી. એની ખાતરી થઈ ગઈ કે જેમ ધરતીમાતા અનેક ઉત્તમ રત્નોને જન્મ આપે છે તેમ આવાં નંગો પણ પેદા કરે છે! આવીબધી જ્યાં મૂર્ખમંડળી મળી આવે છે ત્યાં ગોરીગોરી ગંગા કે એનાં માબાપની મૂર્ખાઈ શું હિસાબમાં? માટે ભલે મૂર્ખાં રહ્યાં. પરણવાને કશી હરકત નથી.
એણે પોતાના ઘર તરફ પાછા ફરવા માંડ્યું. પણ હજુ રસ્તામાં એક-બે નવા અનુભવ થવાના બાકી હતા.
રસ્તામાં એક સ્ત્રી બળબળતા બપોરમાં, હાથમાં દાતરડું લઈ બેઠી હતી, અને દાતરડાને આમતેમ હલાવતી હતી. 
‘શું કરો છો બહેન?’ પશા પટેલે નવાઈ પામીને પૂછ્યું.
‘ભાઈ, તમને  નહિ સમજાય. આ વાત જ ન્યારી છે.’ એ સ્ત્રીએ મલકાઈને કહ્યું.
‘પણ મને કહો તો ખરાં?’ પશાભાઈએ આગ્રહ કર્યો.
‘જુઓ ભાઈ, મારા ઘરમાં ભેજ છે. શિયાળામાં ખૂબ ટાઢ પડે છે, અને અમે ટાઢથી ઠૂ-ઠૂ કરતાં નવરાં પડતાં નથી. અત્યારે ઉનાળો બેઠો છે ને તડકો ખૂબ પડે છે. આ સૂરજનાં ધગધગતાં કિરણોને હું દાતરડા વતી કાપીને મારા ખોળામાં એકઠાં કરું છું. જઈને પેટીમાં ભરી રાખીશ. શિયાળામાં એ કિરણો બહાર કાઢીશ, એટલે આખા ઘરમાં ગરમાવો મળશે!’ પેલી બાઈએ ખુલાસો કર્યો.
‘ખરેખર, તમારી અક્કલનો પાર તો ભગવાન પણ પામી શકે એમ નથી!’ પશાભાઈ હસતો-હસતો ઘર તરફ જતાં બોલ્યો.
પશાભાઈને હવે ઝટઝટ ઘેર જવાની તાલાવેલી લાગી હતી. પણ હજુ એના નસીબમાં એક નવીન તમાસો જોવાનો બાકી હતો.
એક ઘર આગળ એક સ્ત્રી હાથમાં એક ચડ્ડી પકડીને ઊભી હતી. એકઢાળિયું ઘર હતું, ને જરા ઊંચે છાપરું હતું. તેની ઉપરની ધાર આગળ તેનો પાંચેક વરસનો એક છોકરો ઊભો હતો.
બાઈ બોલતી હતી : ‘ચાલો બેટા, એક-બે-ત્રણ! ચાલ, માર કૂદકો!’
પણ છોકરો જરાયે કૂદકો મારવાની તૈયારી કરતો ન હતો.
પશાને નવાઈ લાગી. એણે પૂછ્યું : ‘આ છોકરાને છાપરે કેમ ચડાવ્યો છે? અને તમે અહીં શું કરો છો?’
બાઈ કંટાળીને બોલી : ‘અરે ભાઈ! છોકરો પૂરો એના બાપનો જોટો છે. એના બાપના જેવો જ બીકણ છે. એના મામાએ આજે પહેલવહેલી આ મખમલની નવી ચડ્ડી સિવડાવીને મોકલી છે. પાંચ વરસનો થયો. હવે નાગો ફરે તે સારો દેખાય! મેં એને છાપરી ઉપર ચડાવ્યો છે, ને હું હાથમાં આ ચડ્ડી ઝાલીને ઊભી છું. હું એને ઘણુંય કહું છું કે ઉપરથી ભૂસકો માર એટલે ચડ્ડી તારા પગમાં આવી જશે. પણ ભાઈ, છોકરો બહુ બીકણ છે! નીચે ભૂસકો મારતો જ નથી. અહીં તો અમારા ગામમાં બધાં છોકરાં ધોતલી પહેરે છે. મને ચડ્ડી પહેરવવાની હોંસ છે, અને મારા પિયરથી ચડ્ડી આવી છે ત્યારે આ મૂઓ બીકણ પહેરતો જ નથી!’
પશાભાઈએ કહ્યું : ‘એમ વાત છે! ઠીક; જરા છોકરાને ને ઉતારો.’
માએ છોકરાને નીચે ઉતાર્યો. પશાભાઈએ ચડ્ડી હાથમાં લઈ લીધી. છોકરાને ખોળાંમાં બેસાડી એક પગ ચડ્ડીમાં નખાવ્યો. પછી બીજો પગ ચડ્ડીમાં નખાવ્યો. આપણે જ રીતે ચડ્ડી પહેરાવીએ છે એ રીતે છોકરાને ચડ્ડી પહેરાવી દીધી.
એની મા તો ખુશખુશ થઈ ગઈ. હરખાઈ-હરખાઈને એ કહેવા લાગી : ‘મારો બાબો હવે કેવો રૂપાળો લાગે છે! જાણે મોટો લાટસાહે! ભાઈ, તમે આ ખરી અક્કલ શોધી કાઢી, હો! અમને તો આટલી સહેલાઈથી ચડ્ડી પહેરાવાય એની કલ્પના જ નહોતી!’
પશાભાઈએ ત્યાંથી હસતાં-હસતાં વિદાય લીધી હવે તો ગંગા સાથે પરણવાને માટે એની જરાયે આનાકાની ન હતી.
એણે ઘેર આવીને જ્યારે એના દાદાને પોતાની પરણવાની મરજી દેખાડી, ત્યારે દાદાએ પશાની અક્કલ ઠેકાણે આણી માટે આખા ઘરમાં ખુશાલી પેદા થઈ.પશાની મા બોલી : ‘ઘરડા વગર તે કાંઈ ગાડાં વળ્યાં છે?”

સ્રોત

  • પુસ્તક : રમણલાલ ન. શાહની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 87)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2015