Miyaan Fuski : Sonanu Kadu - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મિયાં ફૂસકી : સોનાનું કડું

Miyaan Fuski : Sonanu Kadu

જીવરામ જોષી જીવરામ જોષી
મિયાં ફૂસકી : સોનાનું કડું
જીવરામ જોષી
                  એક હતો નટ. ઘણા ઘણા ખેલ કરે. દોરડા પર ઊંધે માથે ચાલે. માથે મૂકે સાત સાત ઘડા. ઘડા માથે મૂકે દીવો. પછી ભોંય પર આળોટતો જાય.
                  આવા આવા ખેલ જોઈને ગામના લોકો ઘણા રાજી થયા. તભા ભટ અને ફૂસકી મિયાં પણ રાજી થયા. દલા શેઠ તો વાહ વાહ બોલવા માંડ્યા.
                  ત્યાં રાણો વાળંદ બોલી ઊઠ્યો : વાહ ભાઈ, વાહ! આવા ખેલ કોઈથી થાય નહીં કાં ફૂસકીચાચા?
                  ફૂસકી મિયાં બોલ્યા : શૂરવીરના બચ્ચા હોય તે જ આવા ખેલ કરી શકે.
                  રાણો બોલ્યો : પણ ફૂસકીચાચા, આ નટ જેવા ખેલ તો કોઈ કરી શકતું નથી.
                  ફૂસકી મિયાં બોલ્યા : અક્કલ હોય તો બધા ખેલ થાય. પૂછ તભા ભટને. એમની પોથીમાં વાત આવે છે કે, અક્કલવાળા ન થવાનું કરી આપે અને ખેલનાય ખેલ બતાવે. હા, અમે સિપાઈ બચ્ચા! જે કહીએ તે ઠીક જ કહીએ.
                  દલા શેઠ ખરેખર હસ્યા.
                  મિયાંએ રાણાને પૂછ્યું : આ હસ્યા કેમ?
                  રાણો કહે : વાત તો હસવાની છે.
                  ફૂસકી મિયાં બોલ્યા : જા પાજી! કોઈએ હસવાની વાત કહી હોય તો હસાય.
                  રાણો કહે : તે વિના આ દલા શેઠ હસે નહીં.
                  ફૂસકી મિયાં બોલ્યા : ઘણા બેવકૂફ એવા હોય છે કે ગમે ત્યારે હસી પડે છે.
                  દલા શેઠે રાણા વાળંદને ખભે ટપલી મારીને વાત કહી કે : તું સમજ્યો, કે અમે કેમ હસ્યા?
                  રાણો કહે : ના.
                  શેઠ કહે : આપણા ગામના શૂરવીર માણસ તે એકલા ફૂસકી મિયાં જ ગણાય. તેઓ આ નટની બરાબરી કરી શકે ખરા.
                  ફૂસકી મિયાં તાનમાં આવી ગયા અને બોલી ઊઠ્યા : ના કેમ કરી શકીએ! અક્કલ હોય તો ધારીએ તે કરી શકીએ. હા, અમે સિપાઈ બચ્ચા.
                  દલા શેઠ કહે : આપણા ગામમાં એક એવા મૂરખો છે, કે તે પોતાને બડો શૂરવીર સમજે છે. તેની વાત અમને યાદ આવી અને અમને હસવું આવી ગયું.
                  વળી દલા શેઠ હસ્યા. ફૂસકી મિયાંને રીસ ચડી ગઈ અને દલા શેઠના માથા પર ટપલી દેવા હાથ ઉઠાવ્યો પણ તભા ભટે ફૂસકી મિયાંના માથા પર ટપલી મારી દીધી. ટોપી ઊડી પડી.
                  તભા ભટ બોલ્યા : ચૂપ રહો તમે. આ ખેલ અક્કલના નથી. એ છે બળના ખેલ. તમારામાં નટ જેવું બળ છે?
                  ફૂસકી મિયાં બોલ્યા : તમેય રહ્યા એવા ને એવા જાડા. જરા બુદ્ધિ પાતળી કરો અને સમજો કે, બુદ્ધિ આગળ બળ પાણી ભરે છે. આપણા બાપદાદાની આ કહેવત શું ખોટી છે? આપણા બાપદાદા મૂરખા હતા?
                  તભા ભટ બોલ્યા : બાપદાદા મૂરખા નહોતા પણ આપણે જરૂર મૂરખા છીએ.
                  મિયાં બોલ્યા : મૂરખા છો તમે. બાપદાદા કહી ગયા છે તે વાત સો ટકા સાચી. બુદ્ધિ આગળ બળ પાણી ભરે છે.
                  રાણો વાળંદ બોલ્યો : વાત મૂકો પડતી. બળનાં કામ બળથી થાય. એમાં બુદ્ધિનું કામ નહીં.
                  દલા શેઠ કહે : એ વાત સાચી.
                  ત્યાં પેલા નટે બૂમ પાડી.
                  નટ બોલ્યો : ગામના શૂરવીર માણસો અને બધા જોનારા સાહેબો! અમારા ખેલ જોઈને તમે બઝા રાજી થયા છો. તમે તાળીઓ પાડી છે અને વાહ વાહના પોકાર કર્યા છે, તેથી અમે ઘણા રાજી થયા છીએ. અત્યાર સુધી તો કળના ખેલ બતાવ્યા પણ હવે અમે એકલા બળના ખેલ બતાવીશું. તમારા ગામમાં કોઈ શૂરવીર બળિયા હોય તો સામે આવે. અમને બળમાં હરાવી જશે તો અમે અમારા હાથનું સોનાનું કડું તેને ભેટ આપીશું.
                  દલા શેઠને તાન ચઢ્યું. ઊભા થયા અને બોલી ઊઠ્યા : તો અમે ઉપરથી એકસો ને એક રૂપિયાનું ઇનામ આપીશું.
                  આમ કહીને દલા શેઠે ફૂસકી મિયાં સામે જોયું. જરા જરા મોઢું મલકાવ્યું અને ખોંખાર ખાધો. પાછા મોઢું દબાવીને હસ્યા.
                  ફૂસકી મિયાં સમજી ગયા કે, આ તો આપણી મશ્કરી કરી.
                  ટપ દઈને મિયાં ઊભા થઈ ગયા અને બોલ્યા : ભાઈઓ! બેવકૂફીની વાતો કોઈએ માનવી નહીં. બુદ્ધિ આગળ બળ પાણી ભરે છે એ કહેવત આપણા બાપદાદા કહી ગયા છે. માટે જેનામાં બુદ્ધિ વધારે હોય તે બધા કરતાં બળિયો ગણાય. અમે બુદ્ધિમાં ઓછા નથી. હા, અમે કોણ! અમે સિપાઈ બચ્ચા!
                  દલા શેઠ વધારે હસ્યા અને બોલ્યા : આ નટભાઈ કોઈને હરાવી દેશે તો અમે તેને પણ ઇનામ આપીશું.
                  મિયાં કહે : એ ઇનામ અમારું.
                  નટ બોલી ઊઠ્યો : તો શું તમે બુદ્ધિથી બળનું કામ કરી આપશો?
                  ફૂસકી મિયાં બોલ્યા : હો હો! બુદ્ધિ આગળ બળ પાણી ભરે છે. એ આપણા બાપદાદાની વાત છે.
                  નટ બોલ્યો : બહુ બુદ્ધિમાન હોય તો સો મણ વજન ઊંચકી શકે?
                  મિયાં બોલ્યા : હો હો! બુદ્ધિ હોય તો ઊંચકે.
                  નટ બોલ્યો : આ પથ્થર જુઓ!
                  ત્યાં નજીકમાં જ મોટો એક પથ્થર પડ્યો હતો. સો તો શું પણ પાંચસો માણસો એકઠા થાય તોય હઠે એવો નહોતો. હજાર મણ વજનનો એ પથ્થર હશે.
                  નટ બોલ્યો : આ પથ્થર કોઈ એકલો અહીંથી હઠાવી શકે ખરો?
                  મિયાં બોલ્યો : હો હો! કેમ ના હઠાવી શકે? એવી બુદ્ધિ જોઈએ.
                  તભા ભટે ફૂસકી મિયાંના માથા પર ફરી ટપલી મારી દીધી અને બોલ્યાં : શું બકો છો?
                  મિયાંએ રીસ ચડાવીને ભટજી સામે જોયું અને બોલ્યા : વારે ને ઘડીએ અમારા મૂંડા પર ટપલી કેમ મારો છો? શું આ મફતનો મૂંડો છે?
                  ભટજી કહે : તમારામાં અક્કલ છે?
                  મિયાં બોલ્યા : અક્કલને મારો ગોળી. અમારામાં બાપદાદાની બુદ્ધિ છે.
                  ભટજી કહે : એમ?
                  મિયાં બોલ્યા : તો કેમ”
                  તભી ભટ કહે : આ હજાર મણનો પથ્થર બુદ્ધિથી હઠાવી શકશો તમે?
                  મિયાં બોલ્યા : અમે પહેલેથી જ હા કહી દીધી છે એટલે હવે ના નહીં કહેવાય. શૂરવીરનું માથું જાય પણ વચન જાય નહીં. અમે બોલ્યા તે સાચું.
                  રાણો વાળંદ કહે : રહેવા દો ફૂસકીચાચા! સો માણસોથી હઠે એવો આ મોટો પથરો છે.
                  ફૂસકી મિયાં ચિડાયા અને બોલ્યા : તું શું જાણે? તું અસ્તરાનો ઉસ્તાદ છે. તલવારો પકડે એને બળના ખેલ આવડે. હા, અમે સિપાઈ બચ્ચા! અમે કહ્યું તે કરીશું. આપણા બાપદાદા મૂરખા નહોતા કે ખોટી વાત કહી જાય.
                  નટ બોલ્યો : તો શરત કરો, કે આ પથ્થર તમે એકલા હઠાવી દેશો. તો અમે અમારા હાથનું સોનાનું કડું તમને આપી દઈશું અને તમે ના હઠાવી શકો તો?
                  ફૂસકી મિયાં બોલ્યા : તો અમે સિપાઈ બચ્ચા નહીં. ના કેમ હઠાવીએ! અમે હા કહી એટલે ના નહીં.
                  નટ કહે : એમ ના કહેવાની નથી. તમે શું આપશો?
                  દલા શેઠ બોલ્યા : હારનારેય કાંઈક તો આપવું જોઈએ. એમ મફતિયા હરીફાઈ ના ચાલે.
                  ફૂસકી મિયાં બોલ્યા ભાઈ! હરવા-જીતવાની વાત છોડો. એમ ને એમ શરત ચાલવા દો. આપણે કમાવાના ધંધા નથી કરવા.
                  દલા શેઠના આનંદનો પાર રહ્યો નહીં, આજ ફૂસકી મિયાં ફસી ગયા છે. આ હજાર મણનો પથ્થર એનાથી એકલાથી હઠે એમ નથી. પથ્થર હઠશે નહીં એટલે નક્કી હારશે. માટે કાંઈક શરત તો કરાવવી જ.
                  દલા શેઠ બોલ્યા : ભાઈ, શરત તો કરવી જ પડે. નટભાઈ કેવા ઉદાર છે કે પોતાના હાથનું સોનાનું કડું આપવા તૈયાર થયા છે. એ વાત મૂરખાઓ નથી સમજતા. પણ બીચારા પાસે કાંઈ હોય તો શરત કરે ને? એ વાત પણ ખરી.
                  મિયાં કહે : કોણ કહે છે મારી પાસે કાંઈ નથી?
                  તભા ભટ બોલ્યા : શું છે તમારી પાસે?
                  ફૂસકી મિયાં બોલ્યા : શરતમાં ચડે તે જીતે. એવી બુદ્ધિ અમારી પાસે છે.
                  ભટજી કહે : આમાં બુદ્ધિની વાત નથી.
                  ફૂસકી મિયાં કહે : કોણ મૂરખો કહે છે, કે આમાં બુદ્ધિની વાત નથી?
                  ભટજી કહે : આમાં તમે જીતવાના નથી! માટે શરત કરો તે નક્કી આપવું પડે. તમારી બુદ્ધિનો એક નવો પૈસો પણ ઊપજે નહીં.
                  ફૂસકી મિયાં બોલી ઊઠ્યા : અમે કહીએ છીએ ને, કે અમારી બુદ્ધિ લાખ રૂપિયાની છે. જો અમે હારીશું તો પૂરા એકસો રૂપિયા આપીશું. બોલો, શું કહો છો?
                  વાહ વાહ, વાહ વાહ બોલીને દલા શેઠે તાળીઓ પાડી દીધી.
                  નટ ગેલમાં આવી ગયો.
                  નટ બોલ્યો : તો બધી શરત પાકી થઈ. બોલો મિયાં ખરું કે ખોટું?
                  ફૂસકી મિયાં બોલ્યા હો હો, સો વાર ખરું. અમે બોલીએ તેમ જ કરીએ.
                  દલા શેઠ ફીસ ફીસ કરતાં હસ્યા. ઘણો આનંદ થયો કે, આજ મિયાં ફૂસકીની રેવડી થયા વિના રહેવાની નથી. હજાર મણ વજનનો આ મોટો પથ્થર છે. આ મિયાં એકલો હઠાવી શકશે નહીં. મોઢું મલકાવતા દલા શેઠ ટટ્ટાર થયા. તભા ભટને ચિંતા થઈ, કે આ ફૂસકી મિયાં ઉપાધિ કરશે.
                  ભટજી કહે : ફૂસકી મિયાં, આપણે મૂરખાઈ કરીને ફસીએ તો પાછી માની લેવી. ભૂલ કરે તે મૂરખ નથી, પણ ભૂલ ના માને તે મૂરખ છે.
                  મિયાં કહે : તો શું અમે મૂરખાઈ કરી છે?
                  ભટજી કહે : હા.
                  ફૂસકી મિયાં બોલ્યા : ના, અમે મૂરખા નથી. અમારા બાપદાદા મૂરખા નહોતા. હા, અમે સિપાઈ બચ્ચા! ભૂલ કરીએ જ નહીં.
                  દલા શેઠે તાળી પાડી.
                  ભટને ચડી રીસ. ઊભા થઈને ચાલવા માંડ્યા.
                  મિયાંએ બૂમ પાડીને ભટજીને કહ્યું : તમે ભાગશો નહીં. તભા ભટ ઊભા રહ્યા નહીં.
                  નટ બોલ્યો : ચાલો મિયાં સાહેબ, હઠાવી દો પથ્થર.
                  મિયાં ફૂસકી બોલ્યા : હેં...?
                  દલા સેઠ હસી પડ્યા કે, ફૂસકી મિયાં ફસી ગયા છે. 
                  નટ બોલ્યો : હેં નહીં પણ હા. થાઓ ઊભા. બોલ્યા છો તે કરી બતાવો.
                  “તો આ થયા ઊભા.” આમ કહીને ફૂસકી મિયાં ઊભા થયા અને માંડ્યા ચાલવા.
                  દલા શેઠનો આનંદ છલકાઈ ગયો. તાળી પાડીને હસવા માંડ્યા અને બોલ્યા : લો, મૂરખાઓ સમજ્યા વિના બકે અને પછી ભાન ભૂલીને માંડે ભાગવા.
                  નટે બૂમ પાડી કે : ઓ મિયાં સાહેબ!
                  ફૂસકી મિયાં ઊભા રહી ગયા અને બોલ્યા : કાં શું કહેવું છે?
                  નટ કહે : ભાગ્યા ક્યાં?
                  ફૂસકી મિયાં કહે : આપણે ઘેર.
                  નટ બોલ્યો : આ પથ્થર કોણ હઠાવશે?
                  મિયાં બોલ્યા : અમે.
                  નટ બોલ્યો : તમે તો ભાગવા માંડ્યા છો.
                  મિયાં બોલ્યા : અમે ભાગતા નથી. હા, અમે સિપાઈ બચ્ચા! અમારા બાપદાદાય ભાગતા નહોતા. અમે જઈએ છીએ ઘેર.
                  નટ બોલ્યો : તો ઘેર શીદ હીંડ્યા?
                  મિયાં કહે : જમવા.
                  નટ કહે : જમવાની શરત છે?
                  મિયાં કહે : ના, શરત છે પથ્થર હઠાવવાની અને તે પણ અમે એકલા હઠાવીએ.
                  નટ કહે : તો હઠાવો.
                  મિયાં કહે : હઠાવવા માટે જ ઘેર જઈએ છીએ. હમણાં જઈશું અને હમણાં પાછા આવીશું. પછી તો જોતજોતામાં પથ્થર હઠાવી દઈશ.
                  દલા શેઠ બોલ્યા : એ હવે ગુમ થવાના. અત્યારે ભેજું ગુમ થયું છે. હવે એ પોતે ગુમ થશે. મૂરખાઈની વાત આપણે માનીએ તો આપણે પણ મૂરખ બનીએ. કોઈ ભીમનો ભાઈ પણ એકલો આ પથ્થર હઠાવી શકે નહીં. મિયાંએ ખોટી ડંફાશ મારી દીધી અને હવે ભાગવા માંડ્યા.
                  નટ કહે : તો ભાગવા દો. અમે જીતી ગયા.
                  ફૂસકી મિયાં ચાલ્યા ગયા. લોકો વીખરાવા માંડ્યા. નટ અને દલા શેઠ પણ જવાની તૈયારી કરવા માંડ્યા. ત્યાં ફૂસકી મિયાં આવતા દેખાયા. ખભે કોદાળી લીધી છે અને આવે છે. એમને જોયા કે બધા લોકો પાછા આવી ગયા.
                  નટ કહે : ઘેર કેમ ગયા હતા?
                  મિયાં કહે : બાપદાદાની બુદ્ધિ લેવા.
                  બધા હસી પડ્યા.
                  નટ કહે : તો લઈ આવ્યા બાપદાદાની બુદ્ધિ?
                  મિયાં કહે : હોવે.
                  નટ કહે : ક્યાં છે?
                  મિયાંએ માટી ખોદવાની કોદાળી બતાવી.
                  નટ બોલ્યો : કોદાળીનું શું કરશો?
                  ફૂસકી મિયાં બોલ્યા : બુદ્ધિનો કૂવો ખોદીશું.
                  નટ બોલ્યો : એટલે?
                  ફૂસકી મિયાં કહે : ન બને બળથી તે બને કળથી. જોઈ લેજો બંદાના દાવ. અમારે બાપદાદાની બુદ્ધનું બળ વાપરવાનું છે અને આ પથ્થર હઠાવી દેવાનો છે.
                  નટ કહે : કેવી રીતે?
                  ફૂસકી મિયાં કહે  તમે જોયા કરો.
                  આમ કહીને મિયાં પથ્થર પાસે ગયા અને ભોંયમાં કોદાળીને ઘા મારી દીધો.
                  એ તો માંડ્યા ખોદવા. પથ્થર પાસે ઊંડો ઊંડો ખાડો કરી દીધો. માટી કાઢીને બહાર ઢગલો કર્યો. ખાડાને કિનારે પથ્થર રહી ગયો છે. પછી પથ્થર નીચીથી માટી ખોદવા માંડ્યા. નીચે ખાડો અને તેને કિનારે પથ્થર છે. પથ્થર નીચેથી પણ ખોદાઈ ગયું અને પોલાણ બની ગયું. મોટી કોશ લાવ્યા. પત્થર નીચેથી કોતરાય એટલી માટી કોતરી. ખાડાની કિનારી પર પથ્થર તોળાઈ રહ્યો. ફૂસકી મિયાં પથ્થર પાછળ ગયા. પાછળથી કોશ ભરેવીને જોરથી ધક્કો દીધો કે પથ્થર ઊથલી પડ્યો. તે સીધો ખાડામાં પડ્યો. પથ્થર સમાઈ જાય એવડો મોટો ખાડો હતો. ખાડામાં પથ્થર પડ્યો કે ફૂસકી મિયેં ઉપર માટી પાથરી દીધી.
                  મિયાં બોલ્યા : લો, અમારા બાપદાદાની બુદ્ધિની આ કોદાળીથી હજાર મણનો પથરો હઠાવી દીધો.
                  ભટજી ચિડાઈને બેસી ગયા હતા. ફૂસકી મિયાંની આવી ચતુરાઈથી એવા આનંદમાં આવી ગયા કે એકમદ ઊભા થઈ ગયા અને મિયાંને બાથ ભરી લીધી.
                  નટ તો આભો જ બની ગયો. દલા શેઠ ટાઢાટપ થઈ ગયા.
                  ફૂસકી મિયાં બોલ્યા : લો, બુદ્ધિના બળથી અમે એકલાએ પથ્થર હઠાવી દીધો ને? લાવો સોનાનું કડું –
                  નટ ઠંડાગાર. હવે સોનાનું કડું ફૂસકી મિયાંને આપવું જોઈએ.
                  ફૂસકી મિયાં કહે : અમારે કોઈનું કશેં ના જોઈએ. કડું અમે નહીં લઈએ. મફતમાં અમે કોઈના લાખ રૂપિયા પણ ના લઈએ.
                  નટ રાજી થયો. ફૂસકી મિયાંનો જયકાર બોલાવ્યો
                  દલા શેઠ વીલું મોં લઈને ભાગ્યા.
                  ભટજી બૂમ પાડીને કહે : ઓ દલા શેઠ! તમે કાં ભાગો?
                  મિયાં કહે : અમને ઇનામ આપવા સોનામહોર લેવા દોડાદોડ ઘેર જતા હશે.
                  નટે ફરી વાર ફૂસકી મિયાંનો જયકાર બોલાવી દીધો.
                  ભટજી કહે : મિયાં! આજે તમે ખરી ચાતુરી વાપરી.
                  મિયાં કહે : બાપદાદાની ચતુરાઈ વાપરે એ બધી વાતમાં જીતે. હા, અમે સિપાઈ બચ્ચા!

સ્રોત

  • પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 170)
  • સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
  • વર્ષ : 2020