Mere Desh Ki Dharti - Children Stories | RekhtaGujarati

મેરે દેશ કી ધરતી

Mere Desh Ki Dharti

હરીશ નાયક હરીશ નાયક
મેરે દેશ કી ધરતી
હરીશ નાયક

                વસંત ખીલી ઊઠી.

 

                ચારે બાજુ ફૂલો જ ફૂલો. બગીચો લીલોછમ બની ગયો.

 

                રાજાજી જોઈને ખુશ થઈ ગયા. તેમણે હુક્મ કરી દીધો : ‘આ ખીલેલો બગીચો ખીલેલો જ રહેવો જોઈએ. એક ફૂલ ઓછું થવું જોઈએ નહિ.’

 

                ફૂલોને સાચવવા સેના ગોઠવાઈ ગઈ.

 

                પણ સેના શું કરે? સાંજ પડે એટલે ફૂલ તો કરમાઈ જાય! કરમાયેલાં ફૂલ ઝૂકી જાય, ઓછાં થઈ જાય!

 

                સેનાપતિને ડર લાગી ગયો. તે રાજાને કહે : ‘ફૂલોને સાચવવાનું કામ સેનાનું નહિ. સેના તો લડાઈ કરે. સેના તો દેશને સાચવે. સેના ફૂલો સાચવવા જશે તો દેશને કોણ સાચવશે? રાજાજી! અમારી વિનંતી છે કે એ કામ વનખાતાને સોંપો.’

 

                રાજાજી કહે : ‘બરાબર છે.’

 

                તેમણે વનખાતાને જવાબદારી સોંપી દીધી. હવે ફૂલો સાચવવા વનખાતું હાજર થયું. વનખાતું બગીચાની માવજત બરાબર કરે પણ ફૂલો મૂરઝાય તો ખરાં જ. સાંજ પડે અને ફૂલો ઓછાં.

 

                વનખાતાને બીક લાગી. વનના વડા રાજાજી પાસે ગયા. કહે : ‘રાજાજીએ વનખાતા પાસે વનનું મોટું કામ છે. વનનો વિકાસ કરવાનો છે. વનની વનરાજી તથા પશુ-પંખીની દેખભાળ રાખવાની છે બગીચાની સાચવણી પાણીખાતાને સોંપો. પાણીખાતું ફૂલો સાચવશે.’

 

                રાજાજીએ બાગ વિભાગ પાણીખાતાને સોંપી દીધો.

 

                પાણીખાતું બગીચાને બરાબર પાણી પિવડાવે, પણ સવારે ખીલેલાં ફૂલો સાંજે કરમાઈ જાય! ઓછાં પણ થાય.

 

                પાણીખાતાને ડર લાગી ગયો. એ ખાતું રાજાજી સામે હાજર થયું : ‘રાજાજી! પાણીખાતું પાણીની ગોઠવણ કરે. પાણીની સિંચાઈ કરે. વાવ, કૂવા, નહેર, નદીઓનાં પાણી સાચવે. એ જો ફૂલોને પાણી પાવા જાય તો બીજું કામ રખડી જાય. અમારી વિનંતી કે બગીચાનું કામ ખાતરખાતાને સોંપો.

 

                રાજાજી કહે : ‘સોંપી દો ખાતરખાતાને.’

 

                કોઈ ખાતાને કામ ગમે નહિ. ખાતરખાતું નિરાંતે ખાતર પાડતું હતું. તેને થયું કે આ વળી ફૂલો શેનાં માથે ચોંટી ગયાં? અને ફૂલ તો ફૂલ છે. નાજુક છે. ઓછાં થાય જ.

 

                તેમણે હિંમત કરી કે : ‘ફૂલો ઓછાં થાય જ.’

 

                રાજાજીએ હેવાલ માગી લીધો : ‘અમે જોયેલાં ફૂલોનું શું થાય છે? વધુ ખીલે છે કે નહિ? તેનો વધારો થયો છે કે નહિ? બગીચામાં નવી વસંત આવી કે નહિ?’

 

                ‘એ જવાબદારી આપણે ખાતરખાતાને સોંપી છે.’

 

                ‘હાજર કરો ખાતરખાતું.’

 

                ખાતરખાતું હાજર થયું. મૌન હતું. ચૂપ હતું.

 

                રાજાજી કહે : ‘કોઈ મરી ગયું? આમ ચૂપ કેમ છો? બોલો.’

 

                ખાતરખાતું કહે : ‘રાજાજી! ફૂલો...’

 

                ‘હા, શું થયું ફૂલોનું?’

 

                ‘તેમને ખાતર માફક નથી આવતું.’

 

                ‘એટલે?’

 

                ‘એટલે કે આપણું ખાતર તો ભારે ખાતર છે. કીમતી ખાતર છે. વજનદાર ખાતર અને ફૂલો બિચારાં નાજુક...’

 

                ‘મરી ગયાં?’

 

                ‘ખાતરની અસર તો થઈ જ છે.’

 

                ‘તમને બગીચો ખીલવવા રાખ્યાં હતા કે બગીચા મુરઝાવી નાખવા?’

 

                ‘પણ રાજાજી ફૂલો નાજુક અને ખાતર ભારે.’

 

                ‘તો શું કહો છો?’

 

                ‘શોધખાતાને કામ સોંપો. હજુયે સંશોધન ખાતાની મદદ લઈને સંશોધિત કરો કે ફૂલો કેમ ખીલતાં નથી? કેમ મુરઝાય છે? કેમ ઓછાં થાય છે?’

 

                કપાળ કૂટી રાજાજીએ શોધખાતાને એ કામ સોંપી દીધું.

 

                શોધખાતું શોધ કરતું ગયું. કરતું ગયું. ન ફૂલો જોવા મળે કે ન બગીચો, કે વસંત. એક વખત જે જગાએ બગીચો હતો, એ જગાએ ઠાલું ખાતર ગંધાય. ખાતરની વાસથી માથું ફાટી જાય! દૂર સુધી ખાતરના ઢગ, ખાતરના ખાડા, ખાતરના ટેકરા, નાકે રૂમાલ દાબીને જ જવું પડે.

 

                રાજાજીએ નવેસરથી બગીચો શોધ્યો. નાકે રૂમાલ દાબી ગયા. ‘છીછીછી’ બોલી ગયા. ચીસ પાડીને તેઓ કહે : મારા બગીચાની આ દશા? મારી વસંતની આ હાલત? ન મળે પશુ પંખી ન મળે મોર કે કોયલ? અને આ નરી નઠારી વાસ?

 

                શોધખાતું કહે : ‘શોધ ચાલે છે. ચાલે છે, કેમ આમ થયું?’

 

                ‘શોધમાં કઈં જાણવા મળે છે કે નહિ?’

 

                ‘શોધમાં મળે છે કે સેનાખાતું સેનાની પરેડમાં ઘણાં ફૂલો કચડી ગયું.’

 

                ‘સેના વળી પરેડ શું કામ કરે?’

 

                ‘ફૂલો સાચવવા.’

 

                રાજાજી અકળાઈને માથું પીંખતા કહે : ‘ફૂલો સાચવવા ફૂલો પર પરેડ કરે? આ તે સાચવણીની રીત છે કે વિનાશની?’

 

                ‘સેનાનો બાકી વિનાશ વનખાતાએ આગળ વધારી દીધો.’

 

                ‘વનખાતું વિનાશ કરે?’

 

                ‘વનખાતું વનનો વિકાસ કરે. વનને વિકસાવવા માટે વન ઊભાં કરે. વનખાતાએ પહેલું કામ બગીચા-વન બનાવવાનું કરી દીધું.’

 

                ‘બગીચા-વન! એટલે?’

 

                ‘વન એટલે મોટાં ઝાડ. ગીચ ઝાડ. નાનાં ફૂલોનો બાગ કહેવાય. બાગને જો વનમાં ફેરવવાં હોય તો મોટાં ગાઢાં જાડાં ઝાડ....’

 

                રાજાજી કહે : ‘એ તમારા મોટા જાડા વનખાતાનો વિકાસ થાય તે પહેલાં જ...’

 

                ‘પાણીખાતું પાણી ફેરવી ગયું.’

 

                રાજાજી કહે : ‘પાણી કેમ દેખાતું નથી?’

 

                ‘ખાતર હેઠળ દબાઈ ગયું. રાજાજી, પાણી ઉપર ખાતર...’

 

                રાજા તો શું નાચે અને શું કૂદે! તે વાળ પીંખીને કહે : ‘ઓ મારો બગીચો! ઓ મારાં ફૂલો! હું તો ગીતો ગાતો હતો કે મેરે દેશ કી ધરતી સોના ઉગલે, ઉગલે હીરે મોતી, તેને બદલે આ શું થયું? આ બધું શું થયું?’

 

                શોધખાતું કહે : ‘એ શોધવા એક સમિતિ નીમી દો, રાજાજી.’

 

                ‘હા, એ સમિતિ તપાસ કરશે. તલાશી લેશે. સાચી વાતો બહાર લાવશે કે જે જગાએ સુંદર મજાનાં ફૂલોનો બાગ હતો, એ જગા ગંધ કેમ મારે છે? એ જગા વેરાન કેમ છે? રાજાજી! તપાસ સમિતિ એ બાબતની પણ તપાસ કરશે કે ફૂલોનું શું થયુ? વસંત કેમ ન આવી? ન આવી તો કઈ દિશામાં ગઈ? કેમ ગઈ? કોને પૂછીને ગઈ? શું કામ ગઈ? સમિતિ બધી વાતની ઊંડાણથી તપાસ કરશે.’ રાજાજી વાળ પીંખીને કહે : ‘નીમી દો તપાસ સમિતિ!’

 

                બસ, તે વખતથી તપાસ સમિતિ બેઠી છે. સમિતિની બેઠક ભારે હોય છે. વજનદાર હોય છે. એક વખત તે બેસે પછી ઊઠી નહિ શકે. તેટલી હદે બેસે છે કે જગા પણ બેસી જાય. સમય જતાં યાદ પણ ન રહે કે તે શું કામ બેઠી છે?

 

                તેને કેટલું બેસવાનું છે, એની પણ તેને જાણ હોતી નથી.

 

                સમિતિ બેસે પછી કોઈને બેસવાનો અધિકાર નહિ.

 

                બસ, સમિતિ બેઠી છે. એ તમને જણાવશે કે જે જગાએ બાગ હતો એ જગાએ બાગ કેમ નથી? ફૂલો હતાં એ જગાએ ફૂલો કેમ નથી? વસંતનું શું થયું અને અહીં ભર બગીચામાં આટલી વાસ કેમ છે? લોકો અહીંથી નાકે રૂમાલ દાબીને શું કામ જાય છે?

                વસંતની ફૂલો ખીલવાની મોસમમાંય ફૂલો વિશે, ખીલવા વિશે, કંઈ પૂછશો નહિ. કેમકે સમિતિ બેઠી છે!

સ્રોત

  • પુસ્તક : હરીશ નાયકની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 148)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2014