રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક દિવસ સવારે બકોર પટેલ ચા પીને છાપું વાંચતા બેઠા હતા. એટલામાં ખુશાલ ડોશી આવી ને બોલી : “શેઠ, બહાર કોઈ બે જણા આવ્યા છે. તેઓ તમને મળવા માગે છે.”
પટેલને થયું : “સવારમાં તે વળી કોણ આવ્યું હશે?” છતાં વધારે ખાતરી કરવા ડોશીને પૂછ્યું : “કોણ છે? કેવા છે?” પછી કહ્યું : “હશે, આવવા દે.”
થોડી વારમાં તો લાંબે હાથે નમન કરતા ‘પટેલ સાહેબ, વંદેમાતરમ્!’ કહેતા પહોળા લેંઘાવાળા બે જણ ઘરમાં દાખલ થઈ ગયા.
પટેલ હસતે મોંએ બોલ્યા : “આવો ભાઈ, આવો! બેસો. બોલો, શું કામ પડ્યું?”
ઘેટારામ કહે : “શેઠ, આમ તો કામ નજીવું છે, પણ અમારે મનથી તે બહુ ભારે છે. વાત એમ છે કે મુંબઈનાં પરાંઓમાં મોટા મોટા વેપારીઓ રહે છે. તેઓની ઓળખાણ આપતું એક છાપું અમારે કાઢવું છે. તેના પહેલા જ અંકમાં બીજા મોટા વેપારીઓ સાથે આપની પણ ઓળખ આપવી છે. માટે આપની છબિ જોઈએ છે.”
પટેલ હસી પડ્યા. પછી બોલ્યા : “પણ હું ક્યાં મોટો વેપારી છું? મારી છબિ તે છપાય? વળી મારી પાસે તમને આપવા જેવી છબિ પણ નથી.” મનમાં તો પટેલને બહુ યે ગમતું હતું. પણ જરા ભાવ તો ખાવો જોઈએ ને?
“શેઠ, આમ શું બોલો છો? આપ અમારા મુરબ્બી છો. મોટા શેઠ છો. વળી આપ તો અગાઉ એક માસિકનાં તંત્રી પણ હતા. તે વખતે તૈયાર કરેલો બ્લોક-બીબું તો આપો? છબિ ન હોય તો કંઈ નહિ!”
જરા વિચારમાં પડ્યા હોય એવો પટેલે દેખાવ કર્યો. બાકી ખરી વાત એ હતી, કે બીબું ક્યાં મૂક્યું છે તે જ તેઓ યાદ કરતા હતા!
એટલે બીજો ભાઈ, વાછુજી બોલ્યો : “શેઠસાહેબ, જરા ઉતાવળ કરો તો મહેરબાની; કારણ કે દશ વાગ્યા સુધીમાં તો અમારે દસપંદર વેપારીને ત્યાં ફરી આવવાનું છે.”
ઘેટારામે ઊઠવાની તૈયારી કરવા માંડી. પછી બોલ્યો : “શેઠ, કંઈ નહિ. બીબું હાલ ન જડે તો તો પછી માં...ડી...જ વાળો! વળી બીજી વખતે જોઈ લેવાશે. આ તો પહેલો જ અંક છે, તેથી ખાસ માગતા હતા. બાકી વળી આપનું...”
પટેલને થયું, “આ તો પહેલા અંકમાં જ નામ આવતું રહી જવાનું. નામનું નામ ને વળી પાછી છબિ... આવું ફરી ફરીને ક્યાં મળવાનું છે?” એ વિચાર આવતાં જ પટેલ બોલ્યા : “જરા પાંચેક મિનિટ બેસશો? અબઘડી બીબું શોધી આપું.”
પટેલની પીઠ ફરી એટલે પેલા બંને જણ એકમેકની સામે જોઈ જરા હસ્યા. પટેલે બીબું શોધી કાઢ્યું. તે લઈ બંને ગયા.
પંદરવીસ દિવસ વીતી ગયા. પટેલ એક દિવસ પેઢી પર જવા નીકળતા હતા, એટલામાં ચારેક પાનાનું એક નાનકડું છાપું બારણામાં પડેલું જોયું. તેના આગલા પાના પર જ તેમની છબિ હતી. એ જોતાં જ પટેલનું મોં હસું હસું થઈ રહ્યું. શકરી પટલાણી પાસે જ ઊભેલાં હતાં. તે બોલ્યા : “શું છે? કેમ કંઈ બહુ જ ખુશ થાઓ છો?”
છાપામાં આપેલી છબિ બતાવતાં પટેલ બોલ્યા : “આ તો જુઓ!”
પટલાણી ખુશ ખુશ થઈ ગયાં. તે બોલી ઊઠ્યાં : “લાવો, લાવો, જોઉં, તમે સાંજે વાંચજો ને!”
“ના, ના, તમે સાંજે વાંચજો.” એમ કહી પટેલ જવાની તૈયારી કરવા લાગ્યા. એ જ વખતે નજર ચુકાવી પટલાણીએ છાપું ખૂંચવી લીધું!
પટેલનો જીવ બળી ગયો. તે બોલ્યા : “તમે... તમે.... સાંજે.... વાંચજો.... ને!” એમ કહી પટેલે છાપું પકડી લીધું! પણ પટલાણી ક્યાં છોડે એવાં હતાં? પછી તો બંને જણ વચ્ચે છાપાની ખેંચતાણ ચાલી! પણ પટેલને ગાડીનો વખત થઈ રહ્યો હતો, એટલે છાપું પટલાણીના હાથમાં પડતું મૂકીને વહેલા વહેલા સ્ટેશન પર ચાલ્યા ગયા.
બપોરે શકરી પટલાણી છાપું ઉઘાડી જોઈ ગયાં. પણ બકોર પટેલ વિશે કંઈ લેખબેખ દેખાયો નહિ! માત્ર છબિ છપાઈ હતી એટલું જ. છાપું ગડી વાળીને મૂકતાં છેક છેડે તેમની નજર ગઈ. ત્યાં છાપેલું હતું : છાપું છપાવી પ્રગટ કરનાર બકોર પટેલ. ઠેકાણું : પટેલ નિવાસ, દાદર.
પટલાણી ચમકીને બોલ્યાં : “ઓત્તારી આ વળી શું?”
આ બાજુ પેઢી પર પટેલને ચેન પડતું નહોતું! ક્યારે સાંજ પડે ને છાપું જોઉં એમ જ થયા કરે. ‘મારી છબિ તો છે, પણ અંદર શું લખ્યું હશે?’ એવા એવા વિચારમાં તેમને કામમાં પણ સૂઝ પડે નહિ. એટલે રોજના કરતાં વહેલા વહેલા ઘેર ગયા. જતાં વેંત જ ઝટ ઝટ કપડાં બદલીને પેલું છાપું પટલાણી પાસે માગ્યું!
પટલાણી બોલ્યાં : “લો તમારી દોલત! એમાં તમારું તો કંઈએ નથી!”
પટેલ કહે : “ન તે હોય? પહેલે જ પાને ખાસ્સી છબિ છે ને!”
“લો, જોઈ લો, પહેલેથી છેલ્લે સુધી!” એમ કહીને પટલાણીએ છાપું ફેંક્યું.
છાપું લઈને પટેલ નજર ફેરવી ગયા. પણ કોઈ જગ્યાએ પોતાનું નામ દેખાયું જ નહિ! અંદર જેટલા વેપારીઓની ઓળખ આપી હતી, તેટલામાંથી કોઈની પણ છબિ નહોતી! છાપામાં કેટલાક વેપારી વિશે સારું લખેલું, ને કેટલાક વેપારીનું તો બહુ જ ખરાબ લખેલું!
દીપાજી દાણાવાળા વિશે લખ્યું હતું :
“પેલો દીપાજી બહુ જ લુચ્ચો માણસ છે. દાદર ને તેની આજુબાજુ-પરાંમાં એની દાણાની દુકાનો છે. લડાઈના વખતમાં સરકારે એને દાણા વેચવાની રજા આપી છે; એટલે જાણે એ દાણાવાળામાં દાદો થઈ બેઠો છે! ગરીબોને સડેલા દાણા આપે છે ને તે માપ કરતાં તો ઓછા જ! કોઈ સારા દાણા માગે, તો પહેલાં તો ના જ કહે! પણ ખાનગીમાં બહુ મોંઘો ભાવ લઈને સારો માલ આપે છે. પણ સાધારણ માણસોને મોંઘવારીમાં એ કેમ પરવડે? એ લુચ્ચા ને હરામખોર બદમાશનું સત્યાનાશ જવાનું છે.”
દોધાજી ગેણીવાળા વિશે લખ્યું હતું :
“ગોધાજી કહેવાય છે તો ગેણીવાળા, પણ પાસે કાણી કોડી પણ નથી એમ સૌને કહેતા ફરે, ને લેવું દેવું નહિ એવો ધંધો માંડીને બેઠેલા છે! ખાનગીમાં નાણાં ધીરી ને કબૂલી કરતાં બમણું વ્યાજ લે. ધીરે એવાંને, કે જે લોકો બિચારાં કોરટમાં જ ન જઈ શકે. વ્યાજ તો આવી કટ્ટી મોંઘવારીમાં મહિને મહિને એવું દમી દમીને લે છે, કે બિચારાં એના પંજામાં સપડાયાં તે સપડાયાં જ! પેટ ભરીને ખાવા ન પામે અને એના દેવામાંથી છૂટવા જ ન પામે! એ ગોધિયાજીનું તો નખ્ખોદ જ જવાનું છે.”
ટટ્ટુજી ટીનવાલા વિશે લખ્યું હતું :
“આ સાહેબ તો કમાલ માણસ છે. એમને હમણાં ખૂબ જ તડાકો છે. લડાઈ આબાદ માફક આવી ગઈ છે. લડાઈનો વખત એટલે સિમિટ મળતી નથી, પણ લોકોને ઘરમાં ગાબડગુબડ કરવા તો જોઈએ, એટલે એમની પાસેની પાંચસો સિમિટની ગૂણોમાંથી એમણે પંદરસો કે બે હજાર બનાવી છે. પથ્થરનો ભૂકો, માટી જે કંઈ મળે તે ગૂણોમાં ભરી ભરીને આપવાનો ધંધો લઈ બેઠા છે, ને કંટ્રાક્ટર-કડિયાને દલાલી આપીને હાથ પર રાખેલા, એટલે જેવો હોય તેવો માલ ચલાવી લે. વળી ટટ્ટુજીએ બીજા પણ ધંધા માંડેલા છે. રખડેલ માણસોને હાથ પર રાખીને તાંબાપિત્તળનાં વાસણો ને લોખંડની ચીજોની ચોરીઓ કરાવે છે. પકડાય તો રૂપિયાનો માલ પૈસામાં એ સાહેબ પડાવી લે!”
છાપામાં છેલ્લે જણાવ્યું હતું : “અમે બીજા વેપારીઓની ઓળખ અમારા આવતા અંકમાં આપીશું.”
લડાઈને લીધે આવું બધું ચાલે છે, એમ તો પટેલ જાણતા હતા. વેપારીઓ વિશે લખેલું હતું તેના કરતાં પણ વધારે જાણતા હતા. પણ એ બધું કંઈ છાપામાં અપાય! હાય હાય, પછીથી મારો પણ એવો જ વારો તો ન આવે?” એવી બીક પટેલના મનમાં પેઠી. એટલામાં ગાડરભાઈ મળવા આવ્યા એટલે એ વાત એટલેથી જ અટકી.
બીજે દિવસે સવારે ટપાલ આવી.
ખરેખરા સમાચાર તો તેમાં જ હતા! ટટ્ટુજી ટીનવાળાનો કાગળ હતો :
“બકોર પટેલને માલૂમ થાય જે ટમોએ ટમારા-છાપામાં અમારા માતે જે કાંઈ છાપીઉ છે તે માતે અમોએ અમારા વકીલની સલ્લા લીઢઈ છ. પન ટે મુજબ ચાલવાનું હમોને મુનાસબ લાગટું નથી. સબબ જે અમોએ છાપું અમરા માનસ બંડેઅલીને વાંચી સંભલાવું ને એને કીઢું છે કે એ પતેલીઆને બંગલા બહાર નીકલવા ડો. પછી મેં એની બરાબર ખબર લઉં છ! ભલા માનસ! ટમોને અમારે માતે છાપતાં શરમ બી નહિ આવી? ને ટું ટે એવો ક્યો મોતો થઈ ગીઓ કે તારો ફોતો છાપાને પેલ્લે પાને જ મૂકીએ છે? પન કંઈ નહિ બચ્ચા! બંડેઅલી ટને સીઢો કરસે.”
પટેલને કંઈ સમજ પડી નહિ ટટ્ટુંજી ટીનવાલા વિશે છાપામાં લખેલું એ વાત તો ખરી. પણ છાપું એમનું પોતાનું ક્યાંથી? એમને વિચારમાં પડેલા જોઈ પટલાણી બોલ્યા : “કેમ, કોનો કાગળ છે? શા વિચારમાં પડ્યા?”
પટેલે કાગળ વાંચી સંભળાવ્યો. પછી કહે : “ટટ્ટુજીને ખબર લેવી હોય તો છાપાવાળાની લે. મારે શું? મારું તો નામ સુધ્ધાં છાપામાં નથી. મારા પર એ શું કામ ગુસ્સે ભરાયો છે?”
પટલાણી કહે : “તમારું નામ નથી કેમ? છે. છાપાને છેડે જુઓ ને?”
પટેલે જોયું ને તેમને સમજ પડી ગઈ! તંત્રી તરીકે પોતાનું નામ છાપેલું હતું, એટલે જ પોતે સપડાઈ ગયા! હવે બંગલા બહાર કેમ નીકળવું તેનો વિચાર થઈ પડ્યો. બંડેઅલીનો બિહામણો ચહેરો નજર સામે આવતાં જ ટાંટિયા ધ્રૂજવા લાગ્યા!
આખરે પટલાણી સાથે વિચાર કરીને તેમણે બેત્રણ દિવસ પેઢી પર જ જવાનું માંડી વાળ્યું. ‘મારી તબિયત બરાબર નથી એટલે બેત્રણ દિવસ અવાશે નહિ’ એમ ટેલિફોન કરીને પેઢી પર કહી દીધું!
પટેલ મૂંઝવણમાં પડી ગયા. શું કરવું તે સૂઝે નહિ. ઊંઘમાં પણ ઝબકીને જાગી ઊઠતા, મોટા મુનીમ બાંકુભાઈ કામસર બહારગામ ગયા હતા. એટલે શું કરવું તે સૂઝતું નહોતું. પટલાણીના કહેવાથી બીજે દિવસે વાઘજીભાઈ વકીલની સલાહ લેવાનો વિચાર કર્યો. તેમની તપાસ કરી, તો તેઓ પણ આગલી રાતે જ બહારગામ ગયા હતા!
એટલામાં ટપાલ આવી. તેમાં જોયું તો ગોધુજી ગેણીવાળા તરફથી વકીલ મિ. ફસફસની નોટિસ હતી!
“મિ. બકોર પટેલ,
હમારા અસીલ મિ. ગોધુજી ગેણીવાળા તરફથી મલેલી સૂચના પરમાણે તમુને જનાવવાનું કે : “વેપારીઓની ઓલખ” નામના છાપાના મુદરક તથા પરકાશક તમો મિ. બકોર પતેલ છેઓ અને તે છાપાના પહેલા જ અંકમાં તમોએ અમારા અસીલ મિ. ગોધુજી ગેણીવાળા જેવણ એક આબરૂદાર ગરહસ્થ છે તેવણની બદનકશી કરીને જાહેરમાં તેવણને હલકા પાડીઆ છે. આથી તેમની આબરૂને ઘણો ધોકો પહોંચીઓ છે ને જાહેરની નજરમાં તેઓ માતે હલકો અભીપરાય બંધાયો છે. તો તમુને આ ઉપરથી જનાવવાનું કે આય નોતીસ મલેથી 24 કલાકમાં મારા અસીલની આબરૂને પહોંચેલી નુકસાનીનાં રૂ. 50000; પચાસ હજાર આપવા તથા મુંબઈમાં તેમ જ દેશાવરમાં પરગટ થતાં છાપાંઓમાં તમુએ માફી માગવી. એમ કરવામાં કસુર કરસો તો મારા અસીલ આગલ પગલાં લેશે તે નક્કી જાનવું.”
પટેલ ભડકીને બોલી ઊઠ્યા : “આ...તો આ...તો...માર્યા ઠાર!”
પછી તેમણે પટલાણીને નોટિસ વાંચી સંભળાવી. પટલાણી પણ ઠંડા થઈ ગયાં!
થોડી વારે તે બોલ્યાં : “તમારી છબિ લઈ જનારા પેલા હરામીઓનાં જ આ કારસ્તાન છે. તમને પણ કાંઈ ભાન નથી. જરા છાપામાં નામ આવે એવું કંઈ થાય કે ફસાઈ જાઓ છો! પહેલી કંઈ તપાસ તો કરીએ!”
ધીમે અવાજે પટેલ બોલ્યા : “તમારી બધી વાત ખરી છે. હવેથી એમ કૂદી નહિ પડું. પણ આનો કંઈ ઉપાય?”
પટલાણી કહે : “બાંકુભાઈ કે વાઘજીભાઈ આવે તો સલાહ લઈને ઉપાય કરીએ. આપણે પોલીસને ખબર આપીએ ને કંઈ ઊંઘું વેતરાઈ જાય તો ઉસરીની દુસરી થઈ જાય!”
“હા. એ વાત ખરી. બાંકુભાઈ ને વાઘજીભાઈ કાલે તો આવશે જ. અત્યારે તો ટેલિફોન કરી પેઢી પર કહી દઉં કે બાંકુભાઈ આવે કે તરત જ મળવા આવી જાય.”
*
તે આખો દિવસ ને રાત પટેલ-પટલાણીને ચેન પડ્યું નહિ. પણ ત્રીજે દિવસે સવારની ટપાલમાં વળી નવી જ વાત આવી! કાગળમાં લખ્યું હતું :
“શેઠજી બકોર પટેલ,
“વેપારીઓની ઓળખ” નામના આપે કાઢેલા છાપા પરથી આપના પર કંઈ તવાઈ આવેલી લાગે છે. અમે શેઠ ટટ્ટુજી ટીનવાલાને મળ્યા છીએ, ગોધુજી ગેણીવાળા સાથે વાત કરી ને શેઠ દીપાજી દાણાવાળાને પણ હાથ પર લીધા છે. આજે સાંજે સાત વાગાની લોકલમાં તમે વાંદરા સ્ટેશને આવજો. તમને લેવા અમારામાંથી એક જણ સ્ટેશન આવશે, તેની સાથે અમારા મંડળના બંગલામાં આવજો. તમારા પરનું વાદળ ચપટી વગાડતાંમાં ઉતારી નાખશું. તમારા સાથે છાપું, નોટિસ, ટીનવાળાનો કાગળ એ બધું લેતા આવજો. તમને હસાવીને ખુશ કરીને ઘેર પાછા મોકલીશું.
લિ. તમારા શુભેચ્છકો
વાંદરા મંડળના વાંદરાઓ
તા.ક : વંદેઅલી તમને હેરાન નહિ કરે એવી ગોઠવણ અમે કરી જ રાખેલી છે.” કાગળ વાંચતાં જ પટેલ નવાઈમાં ડૂબી ગયા. તેમને થયું : “ઓત્તારી! આ વળી મારા શુભેચ્છકો ક્યાંથી ફૂટી નીકળ્યા?” એ વિશે પટેલ-પટલાણી વાતો જ કરતાં હતાં, એટલામાં બાંકુભાઈ આવી પહોંચ્યા! “આવો, આવો! તમારી જ રાહ જોતાં હતાં!” કહીને પટેલ ઊભા થઈ ગયા. બાંકુભાઈને બેસાડીને પટેલે બધી વાત કહી સંભળાવી. બાંકુભાઈ પણ વિચારમાં પડી ગયા. થોડી વાર વિચાર કર્યા પછી બોલ્યા : “શેઠ, આ છેલ્લા કાગળ મુજબ તમારે વાંદરા તો જવું જ. ત્યાં શું થાય છે તેની ખબર પડે પછી આગળ વિચાર કરીશું.”
પટેલ બોલ્યા : “પ...ણ પ...ણ.. પેએએ... લો.....બંદેઅલી.... રરર... રસ્તામાં જ મળી જાય તો?”
બાંકુભાઈ હસી પડ્યા. કહે : “અરે શેઠ, હું તમારી સાથે ઠેઠ સુધી આવીશ, પછી છે કંઈ?”
*
સાંજની સાતની લોકલમાં પટેલ વાંદરા જવા નીકળ્યા. સાથે બાંકુભાઈ પણ હતા. વાંદરા સ્ટેશને ઊતરતાં જ ‘વંદેમાતરમ્!’ કહેતો એક પહોળા લેંઘાવાળો પટેલની સામે આવ્યો. પણ પટેલની સાથે બાંકુભાઈને જોતાં અચકાઈ ગયો. પછી બોલ્યો : “આ ભાઈ તમારી સાથે આવવાના છે?”
પટેલ જવાબ દીધો : “હા.”
“મને તો આપને એકલાને જ લઈ જવાનો હુક્મ છે. તમે બેફિકર રહેજો. તમારો વાળ વાંકો નહિ થાય.”
પેલાના બોલવા પરથી બાંકુભાઈને વિશ્વાસ બેઠો. તે બોલ્યા : “જાઓ શેઠ! કંઈ વાંધો નહિ. હું આપણે બંગલે જ બેસું છું. કામ પડે તો ફોન કરજો.”
પટેલને વિદાય કરી બાંકુભાઈ બંગલે ગયા.
આ બાજુ પેલા પહોળા લેંઘાવાળા સાથે પટેલે ચાલવા માંડ્યું. બે-ત્રણ આડીઅવળી ગલી વટાવી એક જૂના દેખાતા બંગલા આગળ તેઓ જઈ ચઢ્યા. ભીંત પર એક નાનું પાટિયું હતું : “વાંદરા મંડળ.” બંને જણ બંગલામાં પેઠા. અંદર વીજળીનો દીવો ઝળહળ થતો હતો. ગાદી-તકિયા પર કેટલાક જણ બેઠા હતા. બધાએ જ પહોળા લેંઘા પહેરેલા. પટેલને ત્યાં આવેલા ઘેટારામ ને વાછુજી સામે દોડી આવ્યા ને બોલ્યા : “આવો શેઠ! પધારો, પધારો!” પછી તો “પધારો! પધારો!” કહેતાં બધા જ ઊઠ્યા ને પટેલને ગાદી પર વચ્ચેના તકિયા પર બેસાડ્યા.
પટેલ ગભરાતા આમ તેમ નજર કરવા લાગ્યા. એટલામાં વાછુજી પાસે આવ્યો ને બોલ્યો : “પટેલસાહેબ, ગભરાશો નહિ. પાંચ જ મિનિટમાં તમારું કામ પતાવી નાખીએ છીએ. બંદેઅલી જેવાને તો અમે ખિસ્સામાં રાખીએ છીએ ને ટટ્ટુજી ને દીપાજીના તો અમારી આગળ હિસાબ જ નથી!”
એટલામાં સેવચેવડાની રકાબીઓ આવી પહોંચી. ચાપાણીના પ્યાલા પણ આવ્યા. બધાએ આગ્રહ કરીકરીને પટેલને નાસ્તો કરાવ્યો.
પટેલ તો નાસ્તામાં બધું ભૂલી જ ગયા!
નાસ્તો પૂરો થયા પછી વાછુજીએ પટેલ પાસે છાપું-કાગળ-નોટિસ વગેરે માંગ્યું. પટેલે તે કાઢી આપ્યું, તે બધું ખિસ્સામાં ઘાલી દઈ ભાષણ કરતો હોય તેમ વાછુજી બોલ્યો :
“શેઠજી બકોર પટેલ, અમારા આ ‘વાંદરા મંડળ’ પાસેના પૈસા ખલાસ થઈ ગયા છે. અમે આપના પરની આફત, ટટ્ટુજી ટીનવાળાનો કાગળ તથા ગોધુજી ગેણીવાળાની નોટિસનો થોડી જ વારમાં નિકાલ કરી નાખીએ છીએ. પણ તે પહેલાં એક વિનંતી છે. બદલામાં અમારા મંડળને આપ નાણાંની મદદ કરવા કૃપા કરો.”
પટેલની નજર સામે તો ગોધુજીની પચાસ હજારની માગણી ને બંદેઅલીનો બિહામણો ચહેરો તરવરતાં હતાં! તેઓ તરત જ બોલી ઊઠ્યા : “કહો ભાઈ, તમારે કેટલાં નાણાં જોઈએ છે?”
વાછુજી બોલ્યો : “અરે બહુ થોડા, ફક્ત 500 રૂપિયા!”
પટેલ ઉમંગમાં આવી ગયા, માથેથી પાઘડી ઉતારી નીચે મૂકી દઈ બોલ્યા : “અરે, તમારા 500 તો મારા પાંચસો ને એક!”
વાછુજી ચપટી વગાડતાં બોલ્યો : “ત્યારે તો આ ટપ નિકાલ! રૂપિયા લાવ્યા છો?”
પટેલ બોલ્યા : “ના ભાઈ! તમે કાગળમાં ક્યાં રૂપિયાનું જણાવ્યું હતું?”
“કંઈ ફિકર નહિ! ટેલિફોન પાસે જ છે – પેલો રહ્યો. તમારે ઘેર ખબર કરો. પછી આ મારા દોસ્તને તમારી સાથે મોકલી આપીશ.”
પટેલ કહે : “પણ હું મારા મુનીમને રૂપિયા લઈ આવવાનું કહું તો?”
વાછુજી જરા વિચારમાં પડ્યો. પછી બોલ્યો : “ભલે, એમ કરો. મુનીમને બોલાવો.”
પટેલે બાંકુભાઈને ટેલિફોન કર્યો. કહ્યું કે : “દાદર સ્ટેશન આપણને મળ્યો હતો. તે તમને પણ તેડવા આવશે. તેની સાથે તમે ‘વાંદરા મંડળ’માં આવજો. સાથે પાંચસો રૂપિયા લેતા આવશો.”
બાંકુભાઈ રૂપિયા લઈને આવી ગયા. તેમને પણ બધાએ આગ્રહ કરી કરી નાસ્તો કરાવ્યો. પછી રૂપિયા વચ્ચોવચ મૂકીને વાછુજીએ ભાષણ કર્યું :
“મહેરબાન પટેલસાહેબ, આપને નમ્રતાપૂર્વક જણાવીએ છીએ કે ‘વેપારીઓની ઓળખ’ નામનું છાપું અમે, કે પછી તેના છાપનાર છપાવનાર વગેરે બકોર પટેલે પણ બહાર પાડ્યું જ નથી! એની તો ફક્ત બે નકલો છપાવી છે. તેમાંથી એક તમારા પર મોકલેલી ને બીજી અમારી પાસે છે. એટલે આપને ટટ્ટુજીભાઈ ટીનવાળા સતાવી શકે એમ નથી કે ગધુજી ગેણીવાળા પચાસ હજાર કઢાવવા કોરટમાં લઈ જાય એમ નથી! ખરી વાત તો એ છે કે પેલી નોટિસ તથા કાગળ, – બંને બનાવટી છે. અમારા મંડળના સભ્યોએ જ એ બનાવટી લખીને મોકલ્યાં હતાં. અમારા મંડળનો હેતુ તો ખાઈ ખવડાવી આનંદમાં વખત કાઢવાનો છે. અમે દર રવિવારે મંડળમાં એકઠા થઈએ છીએ ને મહિનામાં એકાદ વાર આવું ટીખળ ઊભું કરી કોઈકને બનાવીએ છીએ. આ વખતે પટેલસાહેબ, તમારો વારો આવ્યો!”
બાંકુભાઈ બોલ્યા : “પણ આ ગેરવાજબી કહેવાય. નાણાં કઢાવવા આવું કરવા માટે તમને કોરટમાં ખેંચી જવાય.”
વાછુજી કહે : “એ વાત ખરી છે. પણ અમે તો એવા ઉદાર દિલના ગૃહસ્થને પકડીએ છીએ કે તે અમારા આનંદમાં સામેલ થઈ જાય. કેમ પટેલસાહેબ, ખરું કે ની?” પટેલ તરફ જોઈને મોં મલકાવતાં તે બોલ્યો.
પટેલ પણ હસતાં હસતાં બોલ્યા : “હા, હા. વેપારમાં એવા 500 રૂપિયા તો કંઈ આવે ને જાય. આવી ગમ્મત માટે તો 500 તો શું પણ પાંચ હજાર ઓછા છે!”
પટેલ બોલી રહ્યા ને તાળીઓના ગડગડાટ વચ્ચે પટેલને વધાવી લઈ બધા ઊભા થઈ ગયા!
પટેલને બાંકુભાઈ પણ હસતા હસતા પોતાને બંગલે ચાલ્યા ગયા!
સ્રોત
- પુસ્તક : હરિપ્રસાદ વ્યાસની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 140)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2023