રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક હતું જંગલ. તેમાં એક સિંહ. જંગલમાં પશુઓ માટે તો તે આતંકવાદી જેવો હતો. આડેધડ તે સહુને મારતો હતો, તેથી સહુએ એનું નામ રાખ્યું હતું : ‘આતંકરાય’.
રીંછભાઈને થયું : મારા દાદાના દાદા તેમની બુદ્ધિ માટે વખણાતા હતા. તેમણે એક વખત સિંહને મધ પીવાનું નોતરું આપીને મધમાખીઓ કરડાવેલી અને પછી ‘ખાધો બાપ રે, – કરતાં ત્યાંથી વનરાજા તો ભાગ્યા’ – એવું થયેલું. દાદાનાં આ વખાણ જ્યાં જાઉં ત્યાં સાંભળવા મળે છે, તો મારી પાસે પણ તે બુદ્ધિ હશે જ. માટે મારે પણ આતંકરાયને આ જંગલમાંથી દૂર કાઢી મૂકવો જોઈ અને તે માટે કશો ઉપાય શોધી કાઢવો જોઈએ.
અને એક દિવસ રીંછભાઈને ઉપાય જડી આવ્યો. મધપૂડામાંથી પડિયો ભરીને તેઓ મધ લઈ આવ્યા. આતંકરાય સિંહ નિરાંતે સૂતા હતા, ત્યાં ધીમે પગલે જઈ તેમની કેશવાળી ઉપર તેઓ મધનાં એક-બે ટીપાં ઢોળી આવ્યાં. મધને કારણે સિંહની કેશવાળી અંદર ચોંટી ગઈ. ત્યાં લાલ કીડીઓ ભેળી થઈ ગઈ. એકાદ કીડીએ ચટકો ભરતાં આતંકરાય જાગી ગયા. ખંજવાળવા માટે કેશવાળીમાં હાથ નાખ્યો તો વાળમાં ગૂંચ જેવું સમજાયું અને હાથમાં કીડીઓ સળવળવા લાગી. આતંકરાય મૂંઝાયા, ‘ઓહ! માથામાં કંઈક થયું લાગે છે!’
રાય તો ઊંચા ઘટાદાર લીમડા ભણી દોડ્યા. કારણ કે ત્યાં વૈદરાજ ઊંટ, નામે અડબમદાદા બેસતા હતા. આતંકરાય તો દરદી બનીને ગયા. વૈદરાજને માથું દેખાડ્યું. અડબમદાદા કહે, ‘ઓહ! કાળજું કઠણ રાખીને સાંભળજો, હમણાં-હમણાં જંગલમાં કૅન્સરનાં કીટાણુઓ આવ્યાં છે. તમે સંભાળજો. વાળમાં ગાંઠ વળી ગઈ છે. અને તેમાં જીવડાં પડ્યાં છે. ઊભા રહો. ઉપચાર કરું.’
ઊંટવૈદે ઑપરેશનની કાતર વડે એટલા ભાગમાંથી હજામત કરી નાખી.
આતંકરાય સિંહ તો મનમાં ડરી ગયેલા, તેથી ગુફામાં આવીને પાછા સૂઈ ગયા. કૅન્સર થયું હોય તે બિચારો સૂએ જ ને!
થોડી વાર થઈ ત્યાં રીંછભાઈ પાછા આવ્યા અને હજામત કરેલા ભાગની પડખેની કેશવાળીમાં હળવેથી બે ટીપાં મધ નાખી ગયા. પછી વાળમાં ગૂંચ વળી ગઈ. પાછી કીડીઓ થઈ ગઈ. પાછો ચટકો. પાછા આતંકરાય જાગી ગયા. માથામાં ખંજવાળવા જતાં પાછા તે ચમક્યા ને દોડ્યા. ને પહોંચ્યા વૈદરાજ મિસ્ટર અડબમ ઊંટ પાસે.
ઊંટવૈદે ફરીથી હજામત કરી આપી. સિંહ ફરીથી ગુફામાં જઈને સૂતો. ફરીથી રીંછભાઈ આવ્યા. ફરીથી બે ટીપાં મધનાં. ફરીથી કીડીઓ. ફરીથી ચટકો. ફરીથી ગભરાટ. ફરીથી અડબમ ઊંટની કાતર અને ફરીથી હજામત. ફરીથી ગુફામાં. ફરીથી ઊંઘવું. ફરીથી મધનાં ટીપાં. ફરીથી હજામત. અને આમ કરતાં-કરતાં આખી કેશવાળી સફાચટ.
કેશવાળી સાફ થઈ ગઈ એટલે રીંછભાઈએ સૂતેલા આતંકરાયના પૂછડાના વાળમાં મધ ઢોળ્યું. છેવટે અડબમ ઊંટે આતંકરાયનું પૂછડું પણ વાળ વિનાનું બાંડું કરી નાખ્યું. ગરદન પર વાળ નહીં અને પૂછડે વાળ નહીં.
હવે તો જંગલનાં પશુઓ ગાવા લાગ્યાં :
‘જલમાં મોઢું જુઓ,
રાય ટૂંડો-મૂંડો.
પૂછડેથીયે બાંડો,
રાય ટૂંડો-મૂંડો.’
પક્ષીઓ પણ ગાવા લાગ્યાં :
‘જલમાં મોઢું જુઓ,
રાય ટૂંડો-મૂંડો.
પૂછડેથીયે બાંડો,
રાય ટૂંડો-મૂંડો.’
પછી તો ઝરણાં અને ઝાડવાંમાંથી પણ અવાજ આવવા લાગ્યો :
‘જલમાં મોઢું જુઓ,
રાય ટૂંડો-મૂંડો.
પૂછડેથીયે બાંડો,
રાય ટૂંડો-મૂંડો.’
પણ આતંકરાય આ ગીતમાં કાંઈ સમજ્યા નહીં. એ તો ગુફામાં માંદાની જેમ પડ્યા રહ્યા.
પાણીની બહુ તરસ લાગી એટલે સિંહ ઊઠ્યો. અને ધીમે-ધીમે ઝરણા ભણી જવા લાગ્યો, પણ કાનમાં અને મનમાં જંગલનું પેલું ગીત એવું ગુંજી ગયું હતું, એવું ગુંજી ગયું હતું કે સિંહ પોતે પણ પોતાનાં પગલાંને તાલે-તાલે ધીમું-ધીમું ગાવા લાગ્યો કે
‘જલમાં મોઢું જુઓ,
રાય ટૂંડો-મૂંડો.
પૂછડેથીયે બાંડો,
રાય ટૂંડો-મૂંડો.’
અને એ સાંભળીને આખું જંગલ હસી પડ્યું. રાય સમજ્યો કે પોતે સારું ગાયું એટલે જંગલ હસ્યું. અને એટલે એણે ફરીથી ગાયું :
‘જલમાં મોઢું જુઓ,
રાય ટૂંડો-મૂંડો.
પૂછડેથીયે બાંડો,
રાય ટૂંડો-મૂંડો.’
રાયને ફરી વાર ગાતો સાંભળીને તો સૌએ તાળીઓ પાડી. રાય સમજ્યો કે પોતે વધારે સારું ગાયું, એટલે સૌએ તાળી પાડી. તેથી એણે ફરીથી ગાયું :
‘જલમાં મોઢું જુઓ,
રાય ટૂંડો-મૂંડો.
પૂછડેથીયે બાંડો,
રાય ટૂંડો-મૂંડો.’
રાયને ફરી ને ફરી ગાતો સાંભળીને તો સૌ હસીહસીને બેવડ વળી ગયાં અને નાચવા લાગ્યાં. રાય સમજ્યો કે પોતે આ વખતે તો ખૂબ સરસ ગાયું લાગે છે, તેથી બિચારો થોડું-થોડું ડોલીને ગાવા લાગ્યો :
‘જલમાં મોઢું જુઓ,
રાય ટૂંડો-મૂંડો.
પૂછડેથીયે બાંડો,
રાય ટૂંડો-મૂંડો.’
આતંકરાયે જેવું ગાવાનું પૂરું કર્યું કે તરત આ વખતે તો બધાં પશુઓએ તે ગીતને ઝીલી લીઘું. તાળીઓના તાબોટા મારીમારીને ગાયું કે,
‘જલમાં મોઢું જુઓ,
રાય ટૂંડો-મૂંડો.
પૂછડેથીયે બાંડો,
રાય ટૂંડો-મૂંડો.’
હવે સિંહ ઝરણા પાસે પહોંચવા આવ્યો હતો, તેથી સહુ મૂંગાં થઈ ગયાં. સિંહ ઝરણા પાસે પહોંચ્યો.
પાણી પીવા જતાં જ ઝરણામાં પોતાનું કેશવાળી વિનાનું માથું, ડોક અને ગળું જોઈ અચાનક તે ગીતનો અર્થ પામી ગયો : ‘ઓહ! મને જ સહુ જલમાં મોઢું જોવાનું કહેતાં લાગે છે. અરેરે! મને જ સહુ ટૂંડો-મૂંડો કહેતાં લાગે છે.’ પછી તો તેણે પાછળ ફરીને પોતાના પૂછડા સામે જોયું અને ચમક્યો : ‘અરે, હું જ પૂછડેથી બાંડો થઈ ગયો છું. હાયહાય! હવે તો આ જંગલ મને ખીજવ્યા જ કરશે. અરેરે! હવે હું શુ કરીશ?’
હવે તો તેને બહુ શરમ લાગવા માંડી. ‘પોતાના માટે જ ગવાતું ગીત પોતે જ ચાર-પાંચ વાર ગાયું?’ – એ વિચાર આવતાં તો સિંહ શરમનો માર્યો સાવ ઝૂકી પડ્યો. આખો દિવસ તે ઝરણાને કિનારે ઝાડની ઓથમાં બેસી રહ્યો. વિચારતો રહ્યો કે ‘મને આ કૅન્સર કેમ થયું?’ અરેરે! આ કૅન્સરે તો મને ટૂંડૃ-મૂંડો ને બાંડો કરી નાખ્યો!’ જેમ-જેમ વિચારતો ગયો તેમ તેમ તેના હોશકોશ વધુ ને વધુ ઊડવા માંડ્યા.
ધીમેધીમે રાત પડી ત્યારે સિંહ સંતાતો-સંતાતો બીજા જંગલમાં ભાગી ગયો.
રીંછભાઈએ આવી રીતે બુદ્ધિ દોડાવીને પોતાના જંગલમાં શાંતિ સરજી દીધી. જંગલનાં પ્રાણીઓ રીંછભાઈને વખાણવા લાગ્યાં કે,
‘વાહ રીંછભાઈ, વાહ!
દાદા એવા દીકરા,
વાહ! રીંછભાઈ, વાહ!’
સ્રોત
- પુસ્તક : રક્ષાબહેન દવેની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 84)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2023