રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક હતાં કીડીબહેન.
ને એક હતાં મકોડીબહેન.
બેઉ જણ મોજ-મજા કરે, ને ગાતાં ફરે :
ખાંડ ખૈએ ગોળ ખૈએ
ખૈએ અમે ગાજર રે,
ઘરમાં-દરમાં હરતાં-ફરતાં,
જ્યાં જુઓ ત્યાં હાજર રે!
એક વાર કીડી-મકોડીની જોડી કરિયાણાવાળાની દુકાનમાં ઘૂસી ગઈ. દુકાનમાં તો ટોપરાં ને ખારેક, કાજુ ને દરાખ, બદામ-પિસ્તાં ને વાહ ભૈ વાહ, મજાના ગૉળના રવા! ખાંડની મોટી મોટી ગૂણો!
કીડીબહેન તો ગેલમાં આવી ગયાં. ખાંડ તો એમને બહુ ભાવે. દડબડ દડબડ કરતાં એ ખાંડની એક ગૂણ પાસે દોડી ગયાં. ગૂણમાં એક નાનું કાણું હતું.
કીડીબહેન કહે : “મકોડીબહેન, તમે આ કાણાને મોટું કરી નાખો!”
મકોડીબહેન કહે : “ભલે, આ કામ તો મારું, આમ ચપટીમાં કાણાને કરી નાખું મો...ટું...દરવાજા જેવડું!...”
ને મકોડીબહેન તો મંડ્યાં, થોડી વારમાં જ કાણાને કરી નાખ્યું મો...ટું! કીડીબહેન ચોરપગલે કાણામાં થઈ ગૂણમાં ઘૂસ્યાં ને પાછળ ને પાછળ મકોડીબહેનેય ઘૂસ્યાં.
કીડીબહેન તો આંખો ફાડીને જોઈ રહ્યાં : અધધધ! આટલી બધી ખાંડ!
મકોડીબહેન બોલ્યાં : “અરે! આ તો ખાંડનો ધોળો-ધોળો દરિયો!”
કીડીબહેન કહે : “ના, રે ના, આ તો પહાડ છે ખાંડનો! પહાડ!”
મકોડીબહેન બોલ્યાં : “મને તો ગૉળ બહુ ભાવે છે!”
કીડીબહેને મોં મચકોડ્યું : “બહુ સારું, પહેલાં ખાંડ ખૈએ, એ પછી ગૉળની વાત...”
ને પછી બેઉ જણાં ખાંડ ખાવા મંડી પડ્યાં, કટકટ...બટ...બટ...કરતાં પેટ ભરીને ખાંડ ખાધી. ખાંડ ખાઈને પછી બંને જણ ત્યાં ને ત્યાં જ ઊંઘી ગયાં.
જાગ્યાં ત્યારે જોયું તો આ શું?... ના મળે ખાંડની ગુણ કે ના મળે દુકાન! હવે?
કીડીબહેન – મકોડીબહેન અચરજમાં ડૂબી ગયાં. નાનકડું ઘર ને ઘરમાં રહે એક ડોશી. ડોશીની બાજુમાં ગૉળનું પડીકું! ગૉળ જોતાંની સાથે જ મકોડીબહેનનાં મોંમાં પાણી આવી ગયું. એ કહે : “કીડીબહેન, ગૉળ ખાવો છે, પણ આપણે તો ખાંડની પ્લાસ્ટકિની કોથળીમાં પુરાઈ ગયાં છીએ એનું શું?”
કીડીબહેન કહે : “હા, ડોશીમા દુકાનેથી ખાંડ લાવ્યાં ને આપણેય આવી ગયાં ખાંડની કોથળી સાથે ડોશીના ઘરમાં. હવે શું કરીશું?”
મકોડીબહેન કહે : “મારે તો ગૉળ ખાવો છે એનું શું? મને તો ખાંડ કરતાંય ગૉળ બહુ ભાવે હોં!”
કીડીબહેન કહે : “ભલે, તમે જાઓ ગૉળ ખાવા, ને હું તો મારે મીઠી મીઠી ખાંડ એકલી નિરાંતે આરોગીશ.”
ડોશીએ તો પછી ખાંડની કોથળી ખોલી નાખી.
મકોડીબહેન તો ક્યારનાંય રાહ જોઈને બેઠાં હતાં કે ક્યારે કોથળી ખૂલે ને ક્યારે હું બહાર નીકળું. એ તો દડબડ...દડબડ કરતાં દોડ્યાં ને સીધાં ગૉળના પડીકામાં ઘૂસી ગયાં. એમને મનમાં બીક હતી કે ડોશી જોઈ જશે તો આપણા બાર વાગી જશે, પણ ડોશી શું જુએ, ધૂળ? મકોડીબહેન તો એવાં પક્કાં હતાં કે પડીકામાં પેસતાની સાથે જ સંતાઈને બેસી ગયાં ચૂપચાપ.
ડોશીએ કોથળીમાંની ખાંડ ડબ્બામાં ભરી લીધી.
કીડીબહેન તો પુરાઈ ગયાં ડબ્બામાં! હવે?
ખાંડ ભરી લીધી, પછી હવે આવ્યો ગૉળનો વારો, પડીકું છોડીને ડોશી ઊભાં થયાં. ખૂણામાં પડેલી મટકી લઈ આવ્યાં.
ગૉળના નારિયેળ જેવડા ઢેફાના નાના નાના કટકા કર્યા ને ગૉળ ભેગાં મકોડીબહેનેય પુરાઈ ગયાં મટકીમાં. હવે?
કીડીબહેન પુરાયાં ખાંડના ડબ્બામાં ને મકોડીબહેન પુરાયાં ગૉળની મટકીમાં. હવે?
મટકીની અંદર બધે અંધારુંઘોર!
મકોડીબહેન તો સાવ બીકણ, એમણે તો સાદ પાડ્યો : “કીડીબહેન, ઓ કીડીબહેન, મને બહાર કાઢો ને!”
કીડીબહેન તો ડબ્બામાં રહ્યાં રહ્યાં હસવા લાગ્યાં. એ કહે : “અંધારું તો અહીં ડબ્બામાંય છે, પણ અમે કંઈ તમારા જેવાં ડરપોક નથી હોં!”
ડોશી બપોરે ખાઈ-પીને ઊંઘી ગયાં.
કીડીબહેન ને મકોડીબહેનની તો ઊંઘ હરામ થઈ ગઈ હતી, પણ શું કરે? પછી બપોરની ઊંઘ લઈને ડોશી ઊઠ્યાં. એમણે ચા મૂકવા માટે ખાંડનો ડબ્બો ખોલ્યો કે તરત કીડીબહેન બહાર નીકળી ગયાં. હવે? હવે મકોડીબહેનનું શું? એમને કેવી રીતે મટકીમાથી બહાર કાઢવાં? કીડીબહેન વિચારમાં પડી ગયાં.
ત્યાં સાંજ ઢળી. ડોશી હતાં તે રાંધવા બેઠાં. એક બાજુ ખીચડી મૂકી ને બીજી બાજુ શાક વઘાર્યું. શાકમાં ગૉળ નાખવા મટકી લીધી, મટકી પર ઢાંકેલું કોડિયું લઈને નીચે મૂક્યું. કીડીબહેન તો લાગ જોઈને બેઠાં હતાં. ડોશીના પગે મોટો ચટકો ભરવાનો વિચાર આવ્યો કે તરત પાછી એમને દયા આવી ગઈ. મનમાં થયું, બિચારાં ઘરડાં ડોશીમાને નકામાં વધારે હેરાન શા માટે કરવાં?... ને પછી તરત કીડીબહેને ડોશીના પગે ચટકાને બદલે હળવે રહીને નાની ચટકી ભરી લીધી.
“અરે મૂઈ કીડી વળી ક્યાંથી ચટકી ગઈ?” – ડોશી ચિસકારો મારતાં-મારતાં એકદમ ઊભાં થઈ ગયાં ને એ સાથે જ કીડીબહેન તો જીવ લઈને ભાગ્યાં. જતાં-જતાં એમણે મટકીમાંનાં મકોડીબહેનને સાદ પાડ્યો : “અરે ઓ મકોડીબહેન... ભાગો રે, ભાગો!”
મકોડીબહેન તો આ સાથે જ મટકીમાંથી બહાર નીકળ્યાં, ને નીકળ્યાં એવાં જ એ નાઠાં – દડબડ...દડબડ કરતાં, પડતાં-આખડતાં એ તો છેક ઘરની બહાર નીકળી ગયાં. પછી આ બાજુ ડોશીમાં તો એવાં ચિઢાયાં કે ભૂલેચૂકેય જો કીડીબહેન એમના હાથમાં આવી જાય તો માથું જ ફોડી નાખે એનું, પણ એમ કંઈ કીડીબહેન થોડાં એમના હાથમાં આવે!... એ તો એવાં જબરાં કે થઈ ગયાં છૂમંતર...
પછી કીડીબહેન ને મકોડીબહેન એકબીજાને મળ્યાં, ત્યારે ખૂબ રાજી રાજી થઈ ગયાં. બેઉ જણ સામસામી તાળી લઈ પેટ દુખી જાય. એટલું ક્યાંય સુધી હસ્યાં : “વાહ ભૈ વાહ, આજે તો જો થઈ છે!”
મકોડીબહેને તો ગીતેય જોડી દીધું :
ડોશીની મટકી,
ગૉળની કટકી,
કીડીની ચટકી,
કેવી હું છટકી!!
ને પછી કીડીબહેન ને મકોડીબહેને એકબીજાના હાથમાં હાથ મેળવી ચાલતાં-ચાલતાં ગાવા માંડ્યું :
ખાંડ ખૈએ ગૉળે ખૈએ
ખૈએ અમે ગાજર રે,
ઘરમાં – દરમાં હરતાં-ફરતાં,
જ્યાં જુઓ ત્યાં હાજર રે!
સ્રોત
- પુસ્તક : રમેશ ત્રિવેદીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 22)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2014