Bhulbhulamani - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભુલભુલામણી

Bhulbhulamani

હરિપ્રસાદ વ્યાસ હરિપ્રસાદ વ્યાસ
ભુલભુલામણી
હરિપ્રસાદ વ્યાસ

    એક દિવસ બકોર પટેલે ઘરમાં કામ કાઢ્યું. બારીઓના પડદા બનાવવાના હતા. ખુરશીઓ ઢીલી થઈ ગઈ હતી, તેને ઠીકઠાક  કરાવવાની હતી. અને કબાટનાં મિજાગરાં પણ ઢીલાં થઈ ગયાં હતાં, તે પણ પાછાં મજબૂત કરાવવાનાં હતાં. આ કામ માટે સુથારને બોલાવવો પડે અને વળી દરજીને પણ પડદા તૈયાર કરવા બોલાવવો પડે. બન્નેના રોજ મોંઘા પડી જાય. એક કામમાં બે કામ થાય તો સારું, એમ વિચાર કરતા પટેલ બેઠા હતા, ત્યાં શકરી પટલાણી બોલી ઊઠ્યાં : “આપણા પેલા સરફઅલી વહોરાજીને કહેતા જજો ને! એ તો  બધુંય કરી જશે.”

    પટેલ તો ખુશ થઈ ગયા. “તેં ઠીક યાદ કર્યું. સરફઅલી વહોરાજી ઠીક છે.”

    સરફઅલી વહોરાજી પણ એવા જ હતા. સબ બંદર કે વેપારી! પીપરમીંટ પણ વેચે અને ભાંગફોડનું કામ પણ કરે! પતરાનું કામ પણ કરે અને તારકસબની ફેરી પણ ફરે. પટેલ તો પેઢી ઉપર જતાં જતાં પહોંચ્યા વહોરાજીની દુકાને. વહોરાજી પણ બડા ચાલાક હતા. બકોર પટેલ કંઈ અમસ્તા જ દુકાને આવે નહિ. એમણે તો ઊઠીને પટેલને આવકાર આપ્યો :

    “આવો, આવો, સેથિયા! બહુ દારે ભૂલા પરા!”

    પટેલે તો ઊભા ઊભા જ વાત કરવા માંડી : “કાલે ઘેર આવજો વહોરાજી, થોડુંક કામ કાઢ્યું છે.”

    વહોરાજીતો મનમાં રાજી થઈ ગયા. એમણે પટેલને કહ્યું : “સું કામ કહારું, સેથ? હુંને કહેટા જાઓ ટો સું ઓજારો લાવવા ટે માલમ પરે ને!”

    પટેલે જરા ખૂંખારો ખાઈને જવાબ આપ્યો. “એક તો જાણે કે બારીઓને પડદા કરવાના છે. પછી ખુરશીઓ બધી હાલી ગઈ છે. તેને ઠીક કરવાની છે, અને કબાટ વગેરેના મિજાગરાં ઢીલાં થઈ ગયાં છે તે મજબૂત કરવાનાં છે.”

    વહોરાજીએ બધું પોતાના મગજમાં યાદ રાખી લીધું અને બોલ્યા : “વારુ, સેથ, આપ હવે પઢારો, સાંજના મેં ઘર બાજુની નીકલીસ તો સુસું માલ લાવવા પરસે તેની યાદી સેથાનીને આપતો જઈસ.”

    “ઠીક” કહીને પટેલ પોતાની પેઢી ઉપર ઊપડ્યા.

    તે દિવસે સાંજે પટેલ ઘેર આવ્યા ત્યારે શકરી પટવાણીએ તેમના હાથમાં એક કાગળિયું મૂક્યું અને કહ્યું : “લ્યો, આ કાગળિયું પેલા વહોરાજીનો છોકરો આપી ગયો છે. મૂઆએ શું લખ્યું છે તે જ ઊકલતું નથી. એને કાગળ પણ કેવો મળ્યો છે? જાણે ચીંદરડી જ જોઈ લ્યો!”

    પટેલ કાગળ લઈ હીંચકે બેઠા અને કાગળ વાંચવા માંડ્યો :

    સેથજીસાહેબનેમાલમઠાયકેબેખુનીઆવાટામાતેમેનવાલાદોરાવેકવારનાનકલાકેએકદરજણબોલાવીરાખજો

    લિ.

    સરફઅલી

    બકોર પટેલ તો ફરી ફરી કાગળ વાંચે અને માથું ખંજવાળે, પણ કંઈ સમજાય નહિ. શકરી પટલાણી પણ હસવા માંડ્યાં. એમણે પટેલને કહ્યું : “તમારાથી પણ આટલો કાગળ ના બેસાડાય ત્યારે થઈ રહ્યું. અમારામાં ને તમારામાં ફેર શો?”

    પટેલ ઊંચાનીચા થઈ ગયા. તેમણે કાગળ ફરી ફરીને વાંચ્યો, મનમાં ગોઠવ્યો, કંઈક અર્થ સમજાયો એટલે હરખમાં આવી ગયા. તેમણે હસીને પટલાણીને કહેવા માંડ્યું : “જો, જો. કાગળ તો સમજાય તેવો છે. પણ ભાષા વહોરાભાઈની ને! અલ્પવિરામ પૂર્ણવિરામ તો છે જ નહિ. આવ્યા હતા ને બદલે આવાટા લખ્યું છે, કાનો માત્રા લખતાં પણ ભૂલ થાય ને! વલીને બદલે વાલા લખ્યું છે.”

    પટલાણીને વલી એટલે શું તે ના સમજાયું. તેમણે પટેલને પૂછ્યું : “એ વલી એટલે?”

    પટેલ બોલ્યા : “વલી એના છોકરાનું નામ છે. દોડ્યાને બદલે દોરા લખ્યું છે! જો સાંભળ, આખો કાગળ આવી રીતે જોઈએ.

 શેઠજીસાહેબનેમાલૂમથાયકેબેખૂનીઆવ્યાહતા,માટેહુંઅનેવલીદોડ્યા.નવેકોલેનાઈનઓકલોકએકદરજણબોલાવીરાખજો.

    કાગળ સાંભળીને પટલાણી બોલી ઊઠ્યાં.

    “એ નાઈન ઓકલોક વળી શું? અને ખૂનની વાત આમાં શા માટે લખી છે?”

    વહોરાજીની અક્કલ પર હસતાં હંસતા પટેલે જવાબ આપ્યો : “પોતાને ખૂનીનો ભેટો થયો હતો તે પરાક્રમ લખ્યા વિના વહોરાજીથી રહેવાય કે? અને નાઈન ઓકલોક એટલે નવ વાગે! એટલું અંગ્રેજી આવડતું હશે તે કંઈ બતાવ્યા વિના રહે? નહિ તો બધા જાણે કેમ, કે વહોરાજીને અંગ્રેજી પણ આવડે છે? કાલે નવ વાગે એ આવશે તે પહેલાં એક દરજણને બોલાવી રાખવાનું લખ્યું છે.”

    કાગળનો અર્થ સમજી ગયા પછી પટલાણી બોલ્યાં : “પણ દરજણને રોજ આપવો પડશે તે? આ તો એટલો ને એટલો જ ખરચ થશે. એ વહોરો જાતે પડદા ના સીવી લે?”

    પટેલને પણ આ વાત ખટકી, પણ કરે શું? એમણે વિચાર કર્યો, કે એ દરજણને જે રોજ આપવો પડે તે વહોરાજી પાસેથી કાપી લેવો. આમ નક્કી કરી તેમણે નોકરડી ખુશાલ ડોશીને કહી રાખ્યું કે કાલે સવારે નવ વાગે, ગમે તે એક દરજણને બોલાવી રાખવી.

    બીજા દિવસની સવાર થઈ. ખુશાલ ડોશી બે રૂપિયા રોજ નક્કી કરીને એક દરજણને બોલાવી લાવી હતી. પટેલ વહોરાજીની રાહ જોતા જ બેઠા હતા. એટલામાં વહોરાજી પોતાના સરંજામની કોથળી લઈ આવી પહોંચ્યા.

    “સાહેબજી સેથ! મેં બરાબર ટેમસર જ આવો છું ને?”

    પટેલ ઘડિયાળ સામું જોઈ જવાબ આપ્યો : “હા, તમે ચિઠ્ઠીમાં લખ્યું હતું તે પ્રમાણે બરાબર નવ વાગે જ આવ્યા.”

    વહોરાજી તો આભા બની ગયા. કોથળી ઉતારી નીચે મૂકતાં તેણે પૂછ્યું : “ચિથ્થીમાં હુએ વલી નવ લીખાટા જ કહાં?”

    પટેલ હસીને બોલ્યા : “અરે, વાહ રે! નવ વાગે આવીશ એમ લખ્યું હતું તે ભૂલી ગયા? તમે એક દરજણને બોલાવવાનું લખ્યું હતું તેને પણ બોલાવી રાખી છે ને?”

    આમ કહી પટેલે દરજણ તરફ આંગળી કરી. વહોરાજી તો ઘડીમાં પટેલે સામું જુએ ને ઘડીમાં દરજણ સામું જુએ. પછી કંઈ સમજ ન પડવાથી તેમણે કહ્યું : “સેથ! એ ચિથ્થી લાઓ જોઉં. હું એ એવું કહાં લીખું છ?”

    પટેલે તરત ચિઠ્ઠી કાઢીને વહોરાજીને વાંચી સંભળાવી. સાંભળીને વહોરાજી પેટ પકડીને હસ્યા જ કરે! કેમે કર્યું હસવું બંધ રહે જ નહિ! પટલાણી પણ દોડતાં બહાર આવ્યાં, કે આ વહોરાજીને થયું છે શું? પટેલ પણ બાઘા જેવા જોયા જ કરે. પેટ પકડીને ખૂબ હસી લીધા પછી વહોરાજી બોલ્યા : “સેથ! અપની ચિથ્થી ટમે વાંચી છે જ ખોતી રીતસી. જુઓ, સાંભલો, મેં તો તમારી પાસ યાદી કરીને મોકલી છે. બે ખુનિયા (ખૂણિયા) મંગાવાટા, મેન (મીણા) પાયલા દોરા મંગાવાટા, નવેક વાર નાનકલાકનું કપરું આવે છે તે મંગાવુંટું અને એક દરજણ (ડઝન) યાને બાર નંગ બો મંગાવટા. બો સમજા ને? પરદાને એક બાજુ લગાવાનાં મીલેછ તે, અને ખૂનિઆ, વાટા જેવા, ખુરશીને જરવા (જડવા) માતે આવે છે તે! તમે તો વાલને બદલે લાલ લઈ આવા, મારાસાહેબ!”

    વહોરાજીનો ખુલાસો સાંભળી બકોર પટેલ તો ઠંડા જ થઈ ગયા. તેમણે દરજણને રૂપિયો આપીને વિદાય કરી. અને ખૂણિયા, બો, નાનકલાક વગેરે લાવવા માટે વહોરાજીને પૈસા આપી રવાના કર્યા.

    પટેલને દરજણનો રૂપિયો ખટક્યો, પણ કરે શું? ભાષાની ભુલભુલામણીમાં ભેરવાઈ પડ્યા.

સ્રોત

  • પુસ્તક : હરિપ્રસાદ વ્યાસની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 122)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2023