Aanandi Kagdo - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આનંદી કાગડો

Aanandi Kagdo

ગિજુભાઈ બધેકા ગિજુભાઈ બધેકા
આનંદી કાગડો
ગિજુભાઈ બધેકા

    એક કાગડો હતો. તે એક વાર રાજાના વાંકમાં આવ્યો, એટલે રાજાએ તેના માણસોને કહ્યું : “જાઓ; આ કાગડાને ગામના કૂવાને કાંઠે ગારો છે તેમાં નાખી ખૂંતાડીને મારી નાખો.”

    કાગડાને રાજાજીના હુક્મ પ્રમાણે ગારામાં નાખવામાં આવ્યો. કાગડાભાઈ તો ગારામાં ખૂંત્યાં ખૂંત્યાં આનંદથી બોલવા લાગ્યા :

    “ગારામાં લપસણું કરતાં શીખીએ છીએ, ભાઈ!

    ગારામાં લપસણું કરતાં શીખીએ છીએ.”

    રાજા અને તેના માણસો તો નવાઈ પામ્યા કે કાગડો ખૂંતવાથી દુઃખી થવાને બદલે આનંદથી કેમ બોલે છે રાજાને ક્રોધ ચડ્યો અને બીજો હુક્મ કર્યો : “નાખો એને કૂવામાં, એટલે ડૂબીને મરી જાય.”

    કાગડાને કૂવામાં નાખ્યો.

    કાગડાભાઈ તો ગાવા લાગ્યા :

    “કૂવામાં તરતાં શીખીએ છીએ, ભાઈ!

    કૂવામાં તરતાં શીખીએ છીએ.”

    રાજા કહે : “હવે તો આ કાગડાને આથી વધારે સખત શિક્ષા કરવી જોઈએ.”

    પછી તો કાગડાને કાંટાના એક મોટા એવા જાળામાં નંખાવ્યો.

    પણ કાગડાભાઈ તો એના એ જ રહ્યા. વળી પાછા આનંદી સૂરે ગાતાંગાતાં બોલ્યા :

    “કૂણા કાન વીંધાવીએ છીએ, ભાઈ!

    કૂણા કાન વીંધાવીએ છીએ.”

    રાજા કહે : “કાગડો તો ભારે જબરો! ગમે તે દુઃખમાં એને દુઃખ તો થતું જ નથી. ચાલો જોઈએ. હવે સુખ થાય એવે ઠેકાણે નાખવાથી એને દુઃખ થાય છે?”

    પછી કાગડાભાઈને એક તેલની કોઠીમાં નાખ્યા.

    કાગડાભાઈને તો એ પણ સવળું જ પડ્યું. ખુશ થઈને બોલ્યા :

    “તેલ કાને મૂકીએ છીએ, ભાઈ!

    તેલ કાને મૂકીએ છીએ.”

    પછી તો રાજાએ કાગડાને ઘીના કુડલામાં નાખ્યો. એમાં પડ્યો-પડ્યો પણ કાગડો તો બોલ્યો :

    “ઘીના લબકા ભરીએ છીએ, ભાઈ!

    ઘીના લબકા ભરીએ છીએ.”

    રાજા તો ખૂબ ખિજાયો ને કાગડાને ગોળની કોઠીમાં નંખાવ્યો. કાગડાભાઈ તો પાછા મજાથી બોલ્યા :

    “ગોળના દડબાં ખાઈએ છીએ, ભાઈ!

    ગોળનાં દડબાં ખાઈએ છીએ.”

    પછી રાજાએ કાગડાને ખોરડાની ઉપર ફેંક્યો, પણ ત્યાં બેઠાં-બેઠાં કાગડો કહે :

    “નળિયાં ચાળતાં શીખીએ છીએ, ભાઈ!

    નળિયાં ચાળતાં શીખીએ છીએ.”

    છેવટે થાકીને રાજા કહે : “કાગડાને આપણે શિક્ષા કરી શકશું નહિ. એને મનથી કોઈ દુઃખ લાગતું નથી. માટે એને હવે ઉડાડી મૂકો.”

    પછી તો કાગડાને ઉડાડી મૂક્યો.

સ્રોત

  • પુસ્તક : ગિજુભાઈ બધેકાની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2022