રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોજૂની સાડીના બદલામાં નવી સાડી, જૂના ટીવીના બદલામાં નવું ટીવી, જૂના ફ્રીઝના બદલામાં નવું ફ્રીઝ, જૂના કૂલરના બદલામાં નવું કૂલર, જૂની સાઇકલના બદલામાં નવી સાઇકલ, જૂના સ્કૂટરના બદલામાં નવું સ્કૂટર....
દરેક જૂની વસ્તુના બદલામાં તદ્દન નવી અને એવી જ સારી વસ્તુ મળતી હતી. નાનકડી નીશી એ જ દુકાને આવીને ઊભી રહી, પૂછ્યું :
‘બધી જૂની વસ્તુના બદલામાં એવી જ નવી વસ્તુ મળે?’
વિચાર કરીને દુકાનદાર કહે : ‘હા....બેબી, તારું જૂનું દફ્તર, જૂનો સ્કૂલ-ડ્રેસ, જૂનાં રમકડાં, જૂનું સ્કૂટર.... જે કંઈ જૂનું હશે તેના બદલીમાં તને એ જ વસ્તુ નવી મળી જશે. હા થોડાક પૈસા...’
સેલ્સમેનની છેવટની વાત સાંભળ્યા વગર નીશીએ પૂછ્યું : ‘તો જૂના પપ્પાના બદલામાં નવા પપ્પા મળે?’
હવે દુકાનદાર ચમક્યો. કેમ કે એ આઈટમનો તેણે વિચાર જ કર્યો ન હતો. તે હજી બેબી નીશીને કંઈ જવાબ આપે તે પહેલાં જ નીશી બોલવા લાગી : ‘મારા જૂના પપ્પા હવે સાવ જૂના થઈ ગયા છે. મને જરાય ગમતા નથી. આખો દિવસ ઑફિસનું કામ કરે છે, સાંજનાય વહેલા આવતા નથી. અમારે માટે બુક્સ, ગેમ્સ કંઈ જ લાવી દેતા નથી. આ રજાઓ અમારે કેમ પસાર કરવી? રાતના અમે ટીવી પર મનગમતો કાર્યક્રમ જોવા માગીએ તો ગુસ્સે થઈને કહી દે છે કે મારે ટકટકારો ન જોઈએ. ટીવી બંધ કરો. ઘેર એમના ફ્રેન્ડ્ઝ લઈને આવે છે. જે બધાં જ પત્તાં, શતરંજની રમતમાં ગરકાવ હોય છે. અમે કંઈ કહેવા જઈએ તો તરત જ કહી દે છે કે મોટાઓ વાત કરતાં હો ત્યારે વચમાં નહિ બોલવાનું....
દુકાનદારને બેબી નીશીની વાતમાં રસ પડ્યો. બેબી પૂરી ઠાવકાઈથી મોટાઓની જેમ બોલતી હતી. તે કહે : ‘પહેલા તો પપ્પા મને સ્કૂલમાં સ્કૂટર પર મૂકવા આવતા હતા. મને ચોકલેટ, પીપી, વરિયાળી કંઈનું કંઈ અપાવતા હતા. હવે તો રિક્ષામાં ધકેલી મોકલે છે. મારી સ્કૂલમાં વાલીને બોલાવે ત્યારેય નથી આવતા. મારી નોંધપોથી તો જોતા જ નથી.’
દુકાનમાં લોકોની અવરજવર ચાલુ હતી. લોકો પોતપોતાની જૂની વસ્તુઓ લઈને આવતાં, ભાવતાલ કરી નવી વસ્તુઓ લઈ જતાં. પણ જૂની વસ્તુ સારી રીતે તપાસવી પડે, એટલે દુકાનદાર વધુ વિગતો મેળવતો હતો. અને નીશી તો ફાસમફાસ ગાડી ચલાવતી હતી : ‘અમને વૅકેશનમાં પ્રવાસે નથી લઈ જતા, સવારે મારી બધી સહેલીઓ સ્કેટિંગમાં કોચિંગ ક્લાસમાં, ચિત્રવર્ગમાં, ઓરિગામીમાં જાય છે. મને પપ્પા કહી દે છે : ‘માથું ન ખા. જાતે જ કર. મારી સ્કૂલ શરૂ થવામાં છે. હજી ડ્રેસ નથી અપાવતા, મોજાંબૂટ નથી અપાવતા.... જવા દો ને ભાઈ! કેટલી ફરિયાદ કરું? જે પપ્પાને અમારા માટે વહાલ ન હોય, અમારી સાથે મળતા-રમતા ન હોય, અમારી સાથે ખાતા-પીતા કે ફરતા ન હોય, અરે ભણતા-ભણાવતા કે સમય કાઢતા ન હોય, એવા પપ્પાને અમારે કરવા છે શું? એવા જૂના પપ્પાને બદલે અમને ખૂબ જ વહાલ કરે, અમારા માટે સમય કાઢે, અમારો ખ્યાલ રાખે, અમારું કહ્યું કરે અને સવાર-સાંજ તથા શનિ-રવિ કે રજાને દિવસે ઘેર રહે એવા નવા પપ્પા અમને આપી દો....’
જ્યારે બેબી નીશી આ વાતો દુકાનદારને કરતી હતી ત્યારે તેના પપ્પા ત્યાં આવી જ ગયા હતા. ઘરેથી નીશી નારાજ થઈને નીકળી કે મમ્મીએ પપ્પાને કહી દીધું : ‘જાવ! એ ક્યાં જાય છે તે જુઓ.’
પપ્પાએ આવીને નીશીને જોઈ જ નહિ, એની બધી વાતો સાંભળી. તેમણે કાન પકડી લીધા. તેમને લાગ્યું કે નીશીની બધી વાતો સાચી છે.
તેમણે દુકાનદારને ઇશારત કરી કે : હું જ એ કમનસીબ પપ્પા છું. આ બધી મારી જ ફરિયાદ છે. બેબી કહે છે એ બધા ગુના મારા જ છે. પણ હવે એની ફરિયાદ દૂર કરો.
એમ કહી તેઓ તદ્દન નવા ગમી જાય તેવા, સરસ મજાના બનીને ગોઠવાઈ ગયા.
દુકાનદાર કહે : ‘બેબી! તારે માટે એક નવા પપ્પા શોધી કાઢ્યા છે. તું જેવા ચાહે છે, તારે જેવા જોઈએ છે, એવા જ નવા પપ્પા અમારી પાસે છે. બદલામાં અમે તારા જૂના પપ્પાય નહિ માગીએ બસ! હવે તારી પાસે બે પપ્પા રહેશે, જૂના અને નવા....’
એમ કહી તેમણે નીશીના સાચા પપ્પાને બતાવી દીધા. તેમનું નવું રૂપ જોઈ નીશી પહેલાં શરમાઈ ગઈ, પછી ખુશ થઈ ગઈ.
‘ઓ પપ્પા... પપ્પા...!’ કરતી તે પપ્પા પાસે દોડી.
પપ્પાએ કહી દીધું : ‘નીશી તારી બધી ફરિયાદ મેં સાંભળી છે. તારી ફરિયાદ સાચી છે. હું તારો ગુનેગાર છુ. હું તારી માફી માગું છું અને તને ખાતરી આપું છું, વચન આપું છું, તથા પ્રતિજ્ઞા કરું છું કે હું એકદમ નવા પપ્પા બનીશ, તારે દુકાનમાંથી જેવા મેળવવા છે, બરાબર એવા જ નવા પપ્પા...’
નવા પ્રધાન ચૂંટાય ત્યારે જેમ તે સોગંદ લે, એમ સોગંદ લેતા પપ્પાજીએ કહ્યું : ‘હું ભગવાનના નામે તથા મારી વહાલી દીકરીના નામે સોગંદ લઉં છું કે...’
નીશીએ તરત જ વિરોધ નોંધાવ્યો : ‘ના પપ્પા. નેતા જેવા સોગંદ નહિ. એ લોકો તો ફરી જતા હોય છે...’
નવા પપ્પાએ હૃદયપૂર્વક અને ફરી ન શકાય તેવા સાચા સોગંદ લેતાં કહ્યું : ‘આપણાં તમામ બાળકોના પપ્પા વતી, હું સાચ્ચેસાચ્ચા સોગંદ લઉં છું કે અમે સહુ પપ્પા એકદમ નવા જ પપ્પા બની રહીશું. એકદમ નવા જ...’
ત્યાં જેટલાં બાળકો તથા મોટેરાઓ જમા હતાં, બધાં જ ખુશ થઈ ગયાં. તેમણે એકસાથે નારો લગાવ્યો – નવા પપ્પા....
બાળકો અને પપ્પાઓ બોલી ઊઠ્યા : ઝિંદાબાદ.
નીશી જ્યારે જૂના પપ્પાને બદલે, એના એ જ નવા પપ્પાને લઈને ઘરે જતી હતી ત્યારે એવા જ કંઈક નવા પપ્પાઓ પણ બાળકો સાથે ઘેર જતા હતા.
સ્રોત
- પુસ્તક : હરીશ નાયકની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 57)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2014