Kheldili - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

          સાતમા ધોરણના વિદ્યાર્થીઓ એકઠા થયા છે.

          એમને એક ટીમ ઊભી કરવી છે.

          શેની ટીમ?

          તરવૈયાઓનીસ્તો!

          બે મહિના પછી દિવાળીની રજાઓ પડશે. એ વખતે બધી કેટલીય જાતની રમતોની હરીફાઈઓ થશે. હુતુતુતુની, ખોખોની, લાંબા-ઊંચા કૂદકાની,. દડાફેંકની, લંગડીની, દોડવાની, ગિલ્લીદંડાની અને તળાવમાં તરવાની હરીફાઈ પણ ખરી.

          અને હરીફાઈ પછી ઇનામો પણ ખરાંસ્તો. છાપામાં આવ્યું છે કે શહેરના નગરપતિ પોતે આ હરીફાઈના વિજેતાઓને ઇનામ આપવાના છે. અને એમાંયે તરવૈયાઓની જીતનારી ટીમને તો પોતાના તરફથી ખાસ ઇનામો આપવાના છે.

          જુદીજુદી ઉંમરના તરવૈયાઓ માટે જુદાજુદા વિભાગ પાડ્યા છે.

          વિનયમંદિરના નોટિસ બોર્ડ ઉપર જાહેરાત ચોડાઈ ગઈ છે. જુદાજુદા વર્ગોના વિદ્યાર્થીઓ પોતપોતાની સાતસાત જણની ટીમ નક્કી કરે. આવતા અઠવાડિયાથી તરવાની તાલીમ લેવાનું શરૂ થશે.

          એટલે સાતમા ધોરણના વિદ્યાર્થીઓ એકઠા થયા છે.

          વર્ગનો નાયક ગિરીશ છે. એક પછી એક વિદ્યાર્થીને એ પૂછતો જાય છે : ‘રમેશ, તું ટીમમાં જોડાઈશ?’

          રમેશ કહે : ‘જરૂર, મને થોડું તરતાં આવડે છે. ઝડપથી તરતાં શીખી લઈશ.’

          ચાલો ત્યારે એક તરવૈયો નક્કી થયો.

          નીલકાંત પણ તૈયાર થયો.

          મોહન ગામડામાંથી જ આવે છે. એને સરસ તરતાં આવડે છે.

          આમ ત્રણ થયા.

          રશ્મિને ના પાડી. એ તો શહેરમાં જ મોટો થયો છે. એને તરતાં નથી આવડતું.

          ત્રિલોકને તો વળી તરવામાં રસ જ નથી. એને આવી હરીફાઈઓ ગમતી નથી. હશે ભાઈ, તું તારે ચોપડીઓ વાંચ્યા કર. બીજાને શરીર કસવા દે. શરીર મજબૂત તો મન મજબૂત.

          પછી ધીમંત અને અરુણ પણ તૈયાર થયા.

          ગિરીશ તો ટીમમાં હતો જ.

          હવે એક સભ્ય જોઈએ.

          ‘હવે કોણ તૈયાર થાય છે?’ ગિરીશે પૂછ્યું.

          જવાબમાં સુકેતુ ઊભો થયો : ‘મારી ટીમમાં રહેવાની ઇચ્છા છે, જો કે મને તરતાં નથી આવડતું. તમે શીખવશો ને?’

          ગિરીશ કહેવા જતો હતો : ‘હા હા. જરૂર...’

          પણ એને વચ્ચેથી જ અટકાવીને ધીમંત બોલી ઊઠ્યો : ‘વાહ રે વાહ! તને ટીમમાં લેવાનું જ કોણ છે, લંગૂજી!’

          આમ કહીને ધીમંત લંગડાતો લંગડાતો, નાટકી અદાથી થોડાં ડગલાં ચાલ્યો અને વર્ગના ઘણાખરા છોકરા હસી પડ્યા.

          એકબે જણે તો ‘લંગૂજી’ નામની બૂમો પણ મારી.

          વાત એમ હતી કે સુકેતુનો ડાબો પણ જરા ખેંચાતો હતો. એટલે એ તો ધીમંતની મશ્કરી સાંભળીને ખૂબ જ ઝંખવાણો પડી ગયો.

          આજીજી કરતો એ ધીરેધીરે બોલ્યો : ‘હું જરૂર સારું તરતાં શીખી જઈશ. મને લેશો ને, ગિરીશભાઈ?’

          હવે ધીમંત જોરજોરથી હસી પડ્યો : ‘હવે જા, જા તૈમૂર લંગ! અમારે અત્યારથી જ હરીફાઈ હારી બેસવું નથી. લ્યો આવ્યા શહેનશાહ! તરવા જવું છે! તારું મોઢું તો જો?’

          હવે ગિરીશથી કેમ રહેવાય? એ કહે : ‘ધીમંત, વર્ગ વચ્ચે કોઈની આવી મશ્કરી ન કરાય.’

          ‘કેમ ન કરાય? હું તો રોજ આ લંગડુશાની મશ્કરી કરું છું. લંગૂજી, લંગૂજી! હજાર વાર લંગૂજી!’ ધીમંત બોલ્યો.

          બિચારો સુકેતુ તો હવે રોવા જોવો થઈ ગયો. પાટલી ઊપર બેસી પડતાં એ કહે : ‘રહેવા દો, ગિરીશભાઈ, કોઈ બીજાને ટીમમાં લઈ લો.’

          ગિરીશ કહે : ‘ના, એ ન બને. બીજા બધા પહેલાં તેં નામ આપ્યું, માટે તને તો ટીમમાં લેવાનો જ છે.’

          ધીમંતે બૂમ મારી : ‘હું કહું છું એ લંગડાને નથી લેવાનો!’

          ‘અને હું કહું છું લેવાનો છે.’

          ‘અને હું કહું છું નથી લેવાનો. બોલ, તું શું કરીશ? લડવું છે?’

            ‘જો ધીમંત! તું બહુ જોરાવર છે એની અમને સૌને ખબર છે. પણ અહીં લડાઈનું કશું કામ નથી. સુકેતુનો પગ ચાલવામાં જરા અચકાય છે. પણ તરવામાં એને સહેજે તકલીફ નહિ પડે.’

          ‘એ ગમે તેમ હોય. હું કહું છું એને નથી લેવાનો.’

          ‘આવું તું બોલે એ ન ચાલે. ગઈ કાલે જ આપણે પાઠ ભણ્યા. એમાં થોમસ એડિસન વિશે નહોતું આવતું! આઠ વરસની ઉંમરે તો એ બહેરા થઈ ગયા હતા. પણ એમણે શોધો કેટલી કરી છે! વીજળીનો દીવો, ગ્રામોફોન, ફિલ્મ અને કેટકેટલુંય બીજું તેમણે શોધી કાઢેલું.’

          પણ ઘીમંત માને તો ને!

          એ હતો દાદો. એ તો કહે કે હું કહું એમ જ થાય. વાતવાતમાં મુક્કો ઉગામે. કાચાપોચાને તો મારી પણ દે.

          પણ ગિરીશેય એમ માને એવો નહોતો.

          આખરે એણે ટીમના બીજા સભ્યોને પૂછ્યું : ‘બોલો, તમે ચારેય જણ શું કહો છો?’

          નીલકાંત કહે : ‘સુકેતુ તરતાં શીખી જાય તો પછી શો વાંધો?’ 

          મોહન કહે : ‘આપણે બધા થઈને સુકેતુને તરતાં શીખવીશું. એનામાં ઉત્સાહ છે એટલે થોડા જ વખતમાં શીખી જશે.’

          અરુણ કહે કે વાંધો નથી.

          આમ ધીમંત એકલો પડ્યો.

          એના હાથ ક્યારના સળવળતા હતા. મોહન એ જોયું. મોહનમાંય તાકાત કાંઈ ઓછી ન હતી. એ કહે : ‘ધીમંત, અહીં તારું જોર ચાલવાનું નથી એ યાદ રાખજે. શાંતિથી વાત કર. નહિ તો ટીમમાંથી નીકળી જા.’

          ધીમંતે ગુમાનથી કહ્યું : ‘મારા વિના તમારી ટીમ હારી જવાની.’

          ‘હાર-જીત માટે અમે હરીફાઈમાં ઊતરતા નથી.’

          ‘તો હું તો અત્યારથી જ નીકળી જાઉં છું.’

          ગિરીશે હા પાડી.

          ધીમંત એ જ વખતે બબડતો-બબડતો બહાર જતો રહ્યો.

          એ પછી તાલીમ શરૂ થઈ. સાચે જ સુકેતુને તરતાં આવડી ગયું. એનું શરીર કાંઈ ભારે નહોતું અને હાથ લાંબા હતા. એટલે એ તો ઝડપથી તરવા લાગ્યો

          પણ ધીમંત તો બધાને કહેતો ફરે કે ટીમના દહાડા વળવાના નથી. હારી જ જશે. લંગડાને તે ટીમમાં રખાતા હશે!

          એમ કરતાં દિવાળીની રજાઓ આવી. હરીફાઈઓ શરૂ થઈ.

          અગિયારથી પંદર વરસની ઉંમરના તરવૈયાઓની જુદીજુદી ટીમોની હરીફાઈ સોમવારે હતી.

          ધીમંત સવારથી તળાવે પહોંચી ગયો. એ તરવાનો પોશાક પહેરી લાવ્યો હતો.

          એક પછી એક ટીમ તરવા લાગી. સામે કાંઠે સૌનો તરવામાં લાગેલો સમય નોંધાતો હતો. દરેક તરવૈયાનો સમય પણ નોંધાતો હતો.

          સાતે તરવૈયાઓ સાથે ધીમંતે પણ પાણીમાં ઝંપલાવ્યું. એને સાબિત કરવું હતું કે સાતે જણા કરતાં સૌથી પહેલો હું તરી જઈ શકું એમ છું.

          એ તો જોરજોરથી હાથ પસારીને જરા વારમાં સાતે જણની આગળ નીકળી ગયો.

          પેલા સાતેની ટીમમાં સૌથી આગળ સુકેતુ હતો. એનો ખોડવાળો પગ તરવામાં કશી મુશ્કેલી કરતો ન હતો. એનું હલકુંફૂલ શરીર ઝડપથી તરવામાં એને મદદ કરતું હતું.

          આમ ને આમ અડધા તળાવે પહોંચ્યા.

          એટલામાં સુકેતુએ જોયું કે આગળ તરતો જતો વિદ્યાર્થી અચાનક અટકી ગયો છે. હાથ-પગ પછાડે છે. એનું મોં આખું પાણીમાં છે. આગળ વધી શકતો નથી. કદાચ ડૂબવાની જ તૈયારી છે.

          એ હતો ધીમંત. ભારે શરીર અને વધારે પડતી ઝડપથી તરવાને કારણે એ સાવ થાકી ગયો હતો.

          સુકેતુ તરવામાં મશગૂલ હતો. શરૂઆતમાં એમની સાથે ધીમંત પણ તરવા પડ્યો હતો એની એને ખબર જ નહોતી. એણે માન્યું કે કોઈ ટીમનો જ સાથીદાર છે.

          ઘડીભર મનમાં શું કરવું અને શું નહિ એના જ વિચાર આવ્યા કર્યા.

          પણ વિચાર કરવાનો સમય નહોતો. જલદીથી કંઈક કરવું જોઈએ.

          આ વિદ્યાર્થીને બચાવવા જતાં ઇનામ જવાનો ડર હતો.

          પણ ઇનામની અહીં કિંમત નથી. કિંમત માનવીના પ્રાણની છે.

          સુકેતુએ એનો એક હાથ પોતાના ડાબા હાથમાં લઈ લીધો. જમણા હાથે પાણી કાપવાનું ચાલુ રાખ્યું.

          હવે એનું મગજ ઝડપથી કામ કરવા લાગ્યું. એને થયું કે કદાચ હું બહુ પાછળ પડી ગયો હોઈશ. મારી ટીમ મારે લીધે જ હારશે. હવે પેલા ધીમંતને શું મોં દેખાડીશું? એ તો કહેશે કે હું જાણતો જ હતો. લંગડુશાઓ જે ટીમમાં હોય તે કાંઈ જીતતી હશે!

           લંગડુશા શબ્દ મનમાં આવ્યો ને સુકેતુને દાઝ ચડી. એણે ગાંડાની માફક એક હાથ અને બે પગનો ઉપયોગ કરીને પાણી કાપવા માંડ્યું.

          આજુબાજુનું કશું ભાન એને રહ્યું નહિ. ક્યારે એ કિનારે પહોંચ્યો એનીય ખબર ન પડી.

          એને લાગ્યું કે હું છીછરા પાણીમાં પડ્યો છું. ઘડીભર એમ પણ થયું કે કદાચ તળિયે જઈને બેઠો છું. એના ડાબા હાથમાંથી પેલા સાથીદારનો હાથ કોઈ છોડાવી ગયું એનીય પૂરી ખબર એને ન પડી. એ બેભાન થઈ ગયો હતો.

          જ્યારે ભાનમાં આવ્યો ત્યારે સુકેતુ એક પથારીમાં સૂતો હતો.

          બાજુમાં જ બાપુજી, બા, ગિરીશ, રમેશ, નીલકાંત વગેરે ટીમના સાથીદારો ઊભા હતા.

          બા કહે : ‘હવે કેમ છે, ભાઈ, તને?’

          ‘મને કશું નથી થયું, બા.’

          ગિરીશે કહ્યું : ‘સુકેતુ, આચાર્યે અને નગરપતિએ તને ખાસ શાબાશીના સંદેશી મોકલ્યા છે. તેં ધીમંતને બચાવ્યો એટલું જ નહિ, ટીમને પણ જીત અપાવી છે.’

          સુકેતુ કશું સમજ્યો નહિ. ધીમંતને બચાવ્યો? કોણે?

          ગિરીશે તેની બધી વાત કરી અને સાથેસાથે કહ્યું કે આપણી ઉંમરના વિદ્યાર્થીઓમાં સૌથી ઓછા વખતમાં તું તળાવ તરી ગયો. અને વિચાર તો કર, ધીમંતને ખેંચતો-ખેંચતો એટલું ઝડપથી તું તર્યો! કેટલું સરસ!

          સુકેતુની આંખમાં આનંદનાં આંસુ આવ્યાં. એ આંસુઓ વચ્ચેથી એણે જોયું કે ધીમંત પણ સામે ઊભો છે. લાગ્યું કે ધીમંતની આંખમાંય આંસુ છે. પસ્તાવાનાં આંસુ!

          બેસતા વરસને દિવસે ઇનામો વહેંચવાનો મેળાવડો ગોઠવાયો.

          એમાં સુકેતુને બીજાં ઇનામો સાથે નગરપતિએ ખેલદિલી માટેનું એક ખાસ ઇનામ આપ્યું.

          એ દિવસે તો સૌના મોં ઉપર સુકેતુ-સુકેતુ જ થઈ પડ્યું.

          એ પછીની 26મી જાન્યુઆરીએ વધારે આનંદની એક વાત બની. જાનને જોખમે જીવ બચાવવા બદલ સુકેતુને દેશના રાષ્ટ્રપતિએ ઇનામ આપ્યું.

સ્રોત

  • પુસ્તક : યશવન્ત મહેતાની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2024