Happy Chrismas - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હેપ્પી ક્રિસમસ

Happy Chrismas

ગિરા પિનાકીન ભટ્ટ ગિરા પિનાકીન ભટ્ટ
હેપ્પી ક્રિસમસ
ગિરા પિનાકીન ભટ્ટ

        એક નાનકડા ગામમાં લાલ-લાલ ડગલાવાળા, લાંબી ને સુંવાળી સફેદ દાઢી ને સફેદ મૂછવાળા સાંતાક્લોઝ આવ્યા. વળી પાછા સાથે ઝોળી ભરીને રમકડાં લાવ્યા. ગામમાં એક સુંદર બગીચો ને એની પાસે નાનકડું પણ મજાનું દેવળ હતું. સવારની પ્રાર્થના પૂર્ણ કરી બધાં એકબીજાને મળતાં હતાં. હેપ્પી ક્રિસમસ...હેપ્પી ક્રિસમસ કહેતાં હતાં. બાળકો તો હતાં બગીચામાં ને બગીચાની આસ-પાસ. સાંતાક્લોઝને જોતાં જ બાળકો દોડીને નજીક આવી ગયાં. ગેલ કરતાં બધાં એમને વળગી પડ્યાં ને વ્હાલ વરસાવતાં રહ્યાં. સાંતાક્લોઝે બાળકોને  કહ્યું, ‘ચાલો,  હું એક ગીત ગવરાવું... તમે એ ગાશોને?’

        બધાં બાળકોએ ખુશ થતાં કહ્યું, ‘હા’... એમ કહેતાં સહુ કતારમાં ઊભાં રહી ગયાં. સાંતાક્લોઝે ગવરાવ્યું ગીત,

હો જીવન મસ્ત મસ્ત,
હેપ્પી ક્રિસમસ... મેરી ક્રિસમસ.
નેક કામ કરો જબરજસ્ત,
હેપ્પી ક્રિસમસ... મેરી ક્રિસમસ.
જગે કોઈ રહે ના ત્રસ્ત,
હેપ્પી ક્રિસમસ... મેરી ક્રિસમસ.
ઘુમો સ્નેહે જગ સમસ્ત,
હેપ્પી ક્રિસમસ... મેરી ક્રિસમસ.

        બાળકોને ગીત ગાવાની ખૂબ મજા પડી. ગીત ગાતાં ગાતાં તેઓ ઘણું નાચ્યાં. ગીત ગવરાવી પછી સાંતાક્લોઝે બાળકોને આપ્યા ફુગ્ગાઓ. નાના-મોટા, રંગ-રંગીન ફુગ્ગાઓ ફુલાવી બાળકો ખૂબ રમ્યા. નાચ્યા- કૂદયા ને ખૂબ મજા મજા કરી. પછી સાંતાક્લોઝે સહુ બાળકોને ચૉકલેટ્સ અને બીસ્કીટ આપ્યા. પીપુડા-પીપુડી ને ડુગડુગીયાં જેવાં રમકડાં આપ્યાં. વાહ ભાઈ વાહ... બાળકો તો રાજી રાજી. ઝોળીમાંથી અવનવાં રમકડાં કાઢે ને સહુ બાળકોને આપે. કોઈને આપે બૉલ તો કોઈને આપે ડૉલ. કોઈને આપે ગાડી તો કોઈને સિસોટી આપે અને પછી દે તાલી.

        આમ બધાં બાળકો રમતાં હતાં. સાંતાક્લોઝ સહુને જોતા તો વળી કોઈની સાથે તોફાન મસ્તી કરતા ઊભા હતા. બાળ ગોપાળની ટોળીમાંથી બે આગેવાનોને એમણે બોલાવ્યા. માથા ઉપર હેતથી હાથ મૂકીને પૂછ્યું, ‘દીકરા, હું તમારું નામ જાણી શકું?’

        ‘હા... મારું નામ જૉય ને આનું નામ જેમ્સ.’

        બન્નેના હાથે હેતથી ચુમ્મી કરી કહ્યું, ‘દીકરાઓ, આ ગામના ઘર દીઠ એક’ક મીણબત્તી હું લાવ્યો છું. તમારે આ મીણબત્તીઓ ઘેર ઘેર પહોંચાડવાની છે. તમે મારું આટલું કામ કરશો?’ સાંતાક્લોઝની પ્રેમાળ આંખો, મૃદુ ચહેરો અને સરળતા જોઈ બાળકો એ કાર્ય કરવા તત્પર બન્યા.

        જૉય અને જેમ્સને અલગ-અલગ બૉક્સ આપતાં કહ્યું, ‘દીકરાઓ... કોઈનું ઘર બાકી ન રહી જાય, એ જોવાનું છે. બાકી રહી જાય તો મને કહેશો. હું અહીં જ બેઠો છું. તમારે બન્નેને અલગ-અલગ દિશાઓમાં જવાનું છે. જે આ મારું કામ પ્રમાણિકપણે કરશે એને ફાંટ ભરીને રમકડાં દઈશ. જૉય અને જેમ્સ બન્ને ખુશ થતા થતા મીણબત્તીના બૉક્સ હાથમાં લઈ ગામ ભણી નીકળી પડ્યા.

        ગામ તો હતું નાનું પણ બહુ મજાનું. એટલે બહુ વાર ન લાગી. એકાદ કલાકમાં તો બન્ને પાછા આવી ગયા. બન્ને જણાએ આવીને એક જ ફરિયાદ કરી કે, એક-એક મીણબત્તી ખૂટી.

        પરીક્ષા કરતાં સાંતાક્લોઝે કહ્યું, ‘દીકરા જૉય, મને એ જણાવીશ કે મીણબત્તી કોના ઘરે રહી ગઈ?’

        જૉયે કહ્યું, ‘બધે આપી આવ્યો પણ મારા ઘરે જ આપવાની બાકી છે.’

        પછી એ જ વાત જેમ્સને પૂછી. જેમ્સે કહ્યું, ‘છેલ્લે... ગામના છેવાડે જે ઝુંપડી દેખાય છે ને ત્યાં જ બાકી રહી ગઈ છે.’

        બન્નેની વાત સાંભળી હળવેકથી પૂછ્યું, ‘દીકરા જેમ્સ, મીણબત્તી આપવાની શરૂઆત તેં ક્યાંથી કરી?’

        જેમ્સ બોલ્યો, ‘મારા ઘરેથી જ તો. ઘણી બધી મીણબત્તીઓમાં ડૉલ્સવાળી મીણબત્તી બહુ જ સુંદર હતી. એ મેં મારા ઘરે મૂકી દીધી. પછી સારી-સારી મીણબત્તી મારા મિત્રોને, સગાંઓને, પાડોશીઓને એમ આપી. દાદા...દાદા... તમે જ કહો, સારી મીણબત્તી સારા ઘરમાં જ શોભેને? અને સાદી હોય તે સાદા ઘરમાં આપી. વળી ઝુંપડપટ્ટીમાં તો જે હોય તે ચાલે.

        જેમ્સની વાત સાંભળી સાન્તાક્લોઝની આંખમાંથી બોર બોર જેવડાં આંસુ ટપકી પડ્યાં.

        જેમ્સની વાત સાંભળ્યા પછી સાન્તાક્લોઝે જૉયને પૂછ્યું, ‘દીકરા, તેં શું કર્યું?’

        ‘મેં... મેં... સારી અને સાદી મીણબત્તીને અલગ તારવી. પછી સાદી સારા ઘરમાં આપી ને પેલી સારી સારી શોધીને ઝૂંપડપટ્ટીઓમાં આપી. તેઓ બિચારા આટલી સુંદર, કલાત્મક મીણબત્તીઓ પાછળ ક્યાંથી રૂપિયા ખર્ચે? એમના ભાગે તો દૂરથી એ સારી મીણબત્તી જોઈને ખુશ થવાનુંને! મેં સાદી મીણબત્તીઓ સારા અને પૈસાવાળા ઘરમાં આપી છે. એ લોકોને ગમશે તો પ્રગટાવશે, નહીંતર ગરીબોને આપી દેશે. એ મીણબત્તીઓનું એમને જે કરવું હોય તે કરે... પણ મારા ઘરે આપવાની હજુ બાકી રહી ગઈ છે.’

        ‘તેં તારા ઘરે મીણબત્તી આપવાની કેમ બાકી રાખી દીકરા?’

        ‘હું જો મારા ઘરે પહેલી અને સારી મીણબત્તી આપું તો હું સ્વાર્થી ગણાઉં. મને એવું જરા પણ ન ગમે.’

        જૉયની વાત સાંભળી સાંતાક્લોઝની આંખોમાંથી હર્ષાશ્રુ ટપક્યાં. અને જૉયને હૈયા સરસો દાબી તેઓ એટલું બોલ્યા, ‘બેટા... તું ખૂબ સુખી થઈશ.’

        પછી જેમ્સને પાસે બોલાવીને કહ્યું, ‘બેટા, મારી એક વાત  તું માનીશ?’

        ‘હા...હા... કેમ નહીં?’

        ‘જો દીકરા, આજથી જૉયને તું તારો ગુરૂ માનજે. જીવનની સુંદરતા સ્વ-આનંદમાં નથી, પરમાર્થમાં છે. પરમાત્માનો લાડલો પૂત્ર તો છે પરમાર્થી. કોઈને આપીને આનંદિત બનવાનું હોય દીકરા. પોતાનું તો સહુ કોઈ વિચારે પણ બીજાના માટે સારું વિચારે એ પરમાત્માને બહુ ગમે. પરમાત્માના લાડકા દીકરા થવું ગમશેને?’

        સાંતાક્લોઝની વાત સાંભળી જેમ્સને પોતાની ભૂલ સમજાઈ. તેને પણ થયું કે જીવનનો સાચો આનંદ મેળવવા કરતાં વહેંચવામાં છે.

        એમ વાત સમજીને જેમ્સ દાદાને વળગી પડ્યો. ત્યાર પછી દાદાએ જૉય અને જેમ્સને ખૂબ-ખૂબ રમકડાં અને શુભેચ્છાઓ આપી. સાંતાક્લોઝ આવ્યા હતા તે રસ્તે પાછા ત્યાંથી નીકળી ગયા. જતાં-જતાં તેઓ ગાતા હતા,

સૌ ભલાઈના કાર્યમાં રહો વ્યસ્ત વ્યસ્ત,
હેપ્પી ક્રિસમસ... મેરી ક્રિસમસ

સ્રોત

  • પુસ્તક : લેખક તરફથી મળેલી કૃતિ