Happy Birthday - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હૅપી બર્થડે

Happy Birthday

ઉદયન ઠક્કર ઉદયન ઠક્કર
હૅપી બર્થડે
ઉદયન ઠક્કર

    ‘આવું છું, આવું છું.’ કરતાં કરતાં ઋચાની વરસગાંઠ ખરેખર આવી પહોંચી. ભગવાન કેવો દયાળુ! એ દિવસે ખાસ રવિવાર રાખ્યો. ઉજવણી ક્યાં ગોઠવવી? તો ક્હે પ્રાણીબાગમાં.

    શ્વેતા આવી અને શ્યામા આવી. પપ્પુ સાથે ગપ્પુ આવ્યો. ઇંકી, પિંકી ને પોંકીયે ખરાં. સૌ કંઈ ને કંઈ પ્રેઝન્ટ લાવ્યાં. મમ્મી-પપ્પાએ પણ ભેટ આપ્યાં, લવબર્ડ્ઝ. બચૂકડાં, બોલકણાં ને બ્યૂટીફૂલ!

    પછી તો શું પ્રાણીબાગના પ્રવાસે ઊપાડી, ટચૂકડી ટુકડી. સિંહ જોયો ને સસ્સો જોયો. રાજહંસનો ઠસ્સો જોયો. જિરાફ જોયો, ડોકવાળો. રીંછ જોયો કોટવાળો. કાકાકૌઆ ઊડાઊડ. હિપ્પો-હિપ્પી, બૂડાબૂડ. એક જુએ ને બીજું ભૂલે. લવબર્ડ્ઝ પિંજરામાં ઝૂલે. ઓય મા, આ શું? સૌ ચિમ્પાન્ઝીઓ મળીને નાનકા ચિમપાન્ઝીને પૂંઠે ધબ્બા મારે!

    “આને કેમ ધોપટો છો?” ઋચાએ ગુસ્સો કર્યો.

    “એનું નામ ચમ્પૂ છે,” ચિમ્પાન્ઝીઓ બોલ્યા.

    “એટલે ધોપટવાનો?”

    “અરે, પીઠ થાબડીએ છીએ! એની બર્થડે છે. બર્થડે!”

    “વાહ, વાહ વાહ... અમે ઋચાની બર્થડે રાખી એટલે તમે સામે ચમ્પૂની રાખી.” પિંકીએ દાંતિયાં કર્યાં.

    “નકલખોર!” અને હવે છોકરાંઓ ઋચાની પીઠ થાબડવા લાગ્યાં. ઋચાએ અને ચમ્પૂએ હાથ મિલાવ્યા. ચિમ્પાન્ઝીઓએ ગેલમાં આવીને ગુલાંટી ખાધી. “એ સાતતાળી રમશો?” ચિમ્પાન્ઝીઓએ હૂપાહૂપ કરી મૂકી.

    “પણ એક શરત. ઝાડ પર નહીં ચડવાનું.”

    “નહીં ચડીએ, નહીં ચડીએ.”

    “તો આવી જાઓ. ખી... ચડીમાં ખ...ચ બ...ચ”

    “અલ્યા, કોઈ પિંજરું તો ખોલો.”

    “એ હા... ચોકીદાર ચાચા, જરા પિંજરું ખોલો ને,” ઋચાએ સાદ કર્યો.

    “એમ ન ખૂલે.”

    “આ તો અમારે સાતતાળી રમવી છે!”

    “ક્યા બચ્ચા જૈસા બાત કરતા હૈ...” ચોકીદારે મોં મચકોડ્યું.

    “હમ તમારા ચાડી ખેયેગા.”

    પગ પછાડતાં પોયરાંઓ પહોંચ્યાં સાહેબની કચેરીએ.

    સાહેબે મોટા મોઢે નાની વાત કરી નાખી, “નહીં ખૂલે.”

    “અરે આબરૂનો સવાલ છે, આબરૂનો” પપ્પુએ સમજાવ્યું,

    “આ ચિમ્પાન્ઝી લોકો સાતતાળીમાં હારી જાય, પછી પૂરી દેજો ને તમતમારે!” છેવટે સાહેબે દરવાજો ખોલ્યો, પિંજરાનો નહીં, કચેરીનો. અને બાળકોને બહાર કાઢી મૂક્યાં. કેક પરની કૅન્ડલની જેમ બાળકો બુઝાઈ ગયાં. “હવે પકડાપકડી શું રમીએ? પેલા બિચારા કાયમને માટે પકડાઈ ગયા છે. એમને મોં શું બતાવીએ?”

    ત્યાં તો હૂપાહૂપ. “આવજો, ઈંકી, પિંકી, પપ્પુ, ગપ્પુ. તમે બહાર ખુશ, અમે અંદર ખુશ!” ઘરડા ચિમ્પાન્ઝીએ આંખો લૂછી.

    “ઋચા, તને તો આટલી બધી ભેટ! મારું શું?”

    ચમ્પૂ રિસાયો. “શું ભેટ આપું, ચમ્પૂડા?”

    સળિયા પાછળથી ચમ્પૂ એકદમ બોલ્યો, “લવબર્ડ્ઝને છોડી મૂક.”

    ઋચાએ પિંજરું ખોલી નાખ્યું. આનંદના કિલકાર સાથે લવબર્ડ્ઝ ઊડ્યાં. જાણે ગુલાબ અને ગલગોટા આકાશમાં ઊગ્યાં. ઉપર લવબર્ડ્ઝ પાંખ ફરકાવે. નીચે ચમ્પૂ હાથ ફરકાવે : હૅપી બર્થડે ટુ યૂ...

સ્રોત

  • પુસ્તક : ઉદયન ઠક્કરની મનપસંદ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સંપાદક : સાંકળચંદ પટેલ
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012