Ek Hata Akharotbhai - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એક હતા અખરોટભાઈ

Ek Hata Akharotbhai

હુંદરાજ બલવાણી હુંદરાજ બલવાણી
એક હતા અખરોટભાઈ
હુંદરાજ બલવાણી

    એક હતા અખરોટભાઈ. જાડા અને મજબૂત. સૂકા મેવાની એક દુકાનમાં અન્ય જાતભાઈઓ સાથે એક બરણીમાં બંધ હતા.

    એક દિવસ ભરતભાઈ નામનો એક ગ્રાહક આવ્યો. તેણે અખરોટ ખરીદ્યાં. અન્ય અખરોટની સાથે આપણા અખરોટભાઈ પણ કોથળીમાં આવી ગયા. અખરોટોની કોથળી લઈને ભરતલાલ પોતાને ઘેર આવ્યો. તેનાં બાળકોએ તેને ઘેરી લીધો.

    “પપ્પા, પપ્પા, મને અખરોટ આપો.”

    “મને પણ જોઈએ.”

    “મને બે આપો.”

    “હું ત્રણ લઈશ.”

    ભરતલાલ બોલ્યા, “કોઈને અખરોટ નહિ મળે. આ અખરોટોની સરસ મીઠાઈ બનશે. અખરોટોને તોડવામાં મદદ કરો.”

    બધાં અખરોટોને ફરસ પર પાથરવામાં આવ્યાં. ગોળગોળ અખરોટો આમતેમ ભાગવા લાગ્યાં. માર પડવાનો હતો ને એટલે. મારથી તો ભૂત પણ ભાગે છે. આ તો અખરોટ હતાં. ઘરના બધા સભ્યો કોઈ ને કોઈ સાધન લઈ આવ્યાં. કોઈએ લીધી હથોડી તો કોઈએ લીધો દસ્તો. મંડી પડ્યાં બધાં યુદ્ધવીરોની જેમ. અખરોટોનાં હાડકાં ભાંગવા લાગ્યાં. આપણા અખરોટભાઈ પોતાનાં જાતભાઈઓની કરુણ દશા જોઈને બચવાનો કોઈ ઉપાય વિચારવા લાગ્યા. પણ ઘરનાં બધાં સભ્યોનો એવો તો સખત પહેરો હતો કે કોઈ ભાગી જ ન શકે છેવટે અખરોટભાઈ પણ ભરતલાલના હાથમાં આવી જ ગયા. ભરતલાલે હથોડાનો ઘા કર્યો – ધડાક્!

    અખરોટભાઈ પણ ઉસ્તાદ હતા. ઘા પડે તે પહેલાં એમણે પોતાની જાતને થોડી ખસેડી લીધી. એમની છાલ હતી જાડી અને મજબૂત એટલે ભાંગ્યાં નહિ. અને હાથમાંથી છટકીને દૂર જઈ પડ્યા. ભરતલાલ બડબડવા લાગ્યા, “આ અખરોટ તો વધારે કઠણ છે.” અને ફરી વાર એને હાથમાં લઈ જોરથી ઘા કર્યો. આ વખતે પણ અખરોટભાઈ ઘા પડે એ પહેલાં છટક્યા. પરંતુ આ વખતનો ઘા જોરદાર હતો. અખરોટભાઈ બારીમાંથી ઊડીને જઈ પડ્યા બીજા ઘરમાં. એ ઘરમાં રવિ પોતાનું લેસન કરી રહ્યો હતો. એણે કોઈ વસ્તુ પડવાનો અવાજ સાંભળ્યો એટલે ચોપડીઓ-નોટો બંધ કરીને તે જોવા માટે દોડ્યો. રવિ ત્યાં પહોંચે એ પહેલાં તેની બહેન તૃપ્તિ ત્યાં પહોંચી ગઈ અને અખરોટ લઈ આવી. “રવિભાઈ, રસોડાના સ્ટેન્ડ પર આ અખરોટ ક્યાંથી આવીને પડ્યું છે?”

    રવિના પપ્પાએ આ વાત સાંભળી તો દોડતા આવ્યા અને બોલ્યા, “ઊભા રહો, ઊભા રહો. તેને ખાશો નહિ. હું જોઉં કે આ અખરોટ જ છે કે બીજી કોઈ વસ્તુ...?”

    પપ્પા અખરોટને ધ્યાનથી તપાસવા લાગ્યા. અખરોટભાઈને નવાઈ લાગી કે આ માણસ એને આમ તાકીને કેમ જુએ છે. રવિ અને તૃપ્તિને પણ નવાઈ લાગી. પૂછ્યું, “પપ્પા, અખરોટને આમ કેમ જુઓ છો?”

    પપ્પા બોલ્યા, “તમને ખબર નથી. આજકાલ કેટલાક આતંકવાદીઓ જુદીજુદી વસ્તુઓ અથવા રમકડાંમાં બૉમ્બ છુપાવીને નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યા છે. તેથી રસ્તામાં કોઈ વસ્તુ જોઈ તેને હાથ લગાડશો નહિ. નાનકડી ભૂલ પણ મોટું નુકસાન પહોંચાડી શકે છે.” પછી પપ્પાએ પોતાનો નિર્ણય જાહેર કર્યો, “લો આ, આમાં કંઈ વાંધો નથી. આ સાચું અખરોટ છે.”

    આ વાત સાંભળીને અખરોટભાઈને પોતાની જાત પર ગર્વ થવા લાગ્યો કે તે સાચું-સાચું અખરોટ છે.

    તૃપ્તિ કહે, “રવિભાઈ, ચાલો આપણે આને તોડીને ખાઈએ.” અને તે રસોડામાંથી દસ્તો લઈ આવી. દસ્તો જોઈને અખરોટભાઈની આંખો આગળ અંધારું છવાઈ ગયું. તેમને માર પડવાનો હતો ને!

    હવે રવિએ પોતાની સઘળી તાકાત લગાવીને અખરોટભાઈ ઉપર હુમલો કર્યો – ધડાક્! પરંતુ તેની છાલ હતી જાડી અને મજબૂત, એટલે એમને ભાંગી તો ન જ શકાયા. બીજું, અગાઉની જેમ એમને ઘા પડે એ પહેલાં જ એમણે પોતાની જાતને થોડી ખસેડી દીધી. તેથી દસ્તો વાગ્યો એમના પડખામાં અને પાછા ઊડ્યા ઊડણઘોડાની જેમ અને આવી પડ્યા એક ઝૂંપડીની અંદર! અખરોટભાઈએ સંતોષનો શ્વાસ લીધો. તે મારથી બચી ગયા હતા ને! હવે, જે ઝૂંપડીમાં તે આવી પડ્યા હતા તેમાં કાલુ પોતાની બા સાથે રહેતો હતો. તેઓ ઘણાં ગરીબ હતાં. કાલુ એક સરકારી શાળામાં ભણતો હતો. તેને નોટો અને પુસ્તકો પણ સરકાર તરફથી મફત મળતાં હતાં.

    અખરોટભાઈને જોઈને કાલુએ બાને પૂછ્યું, “આ શું છે?”

    આ સાંભળીને અખરોટભાઈને નવાઈ લાગી કે આ ભાઈ વળી કેવા? આપણને તો એ ઓળખતા જ નથી!

    કાલુની બા બોલી, “બેટા, આ અખરોટ છે.”

    કાલુએ ફરી પૂછ્યું, “અખરોટ એટલે શું બા?”

    ‘હવે તો હદ થઈ ગઈ! આ છોકરો તો કેવો અજ્ઞાની છે!’ અખરોટભાઈ વિચારવા લાગ્યા, ‘આને અખરોટ શું છે એની પણ ખબર નથી તો એના સ્વાદની ખબર તો શેની હશે!’

    હજી અખરોટભાઈ વિચારી જ રહ્યા હતા ત્યાં બાએ કહ્યું, “બેટા, આ ખાવાની વસ્તુ છે. એને સૂકો મેવો કહે છે. પિસ્તા, બદામ અને અખરોટ જેવી વસ્તુઓ મોંઘી હોય છે ને એટલે આપણે ખાઈ શકતાં નથી.”

    આ છોકરો પોતાને કેમ ઓળખતો નથી એ હવે અખરોટભાઈને સમજાયું.

    કાલુ તુરત અખરોટને મોંમાં મૂકીને ખાવાની કોશિશ કરવા લાગ્યો ત્યારે બાએ કહ્યું, “બેટા, આની છાલ બહુ કઠણ હોય છે. તારાથી એમ ને એમ ખવાશે નહિ. બહારથી એક મોટો પથ્થર લઈ આવ તો હું તોડી આપું.”

    કાલુ દોડીને બહારથી એક પથ્થર લઈ આવ્યો. પથ્થર જોઈને અખરોટભાઈનો જીવ પડીકે બંધાયો. બા હવે પથ્થર હાથમાં લઈને અખરોટને તોડવાના પ્રયત્નો કરવા લાગી પણ અખરોટભાઈએ પોતાની જૂની યુક્તિ ચાલુ રાખી. ઘા પડે તે પહેલાં પોતાની જાતને એ થોડી ખસેડી દેતા હતા. તેમની જાડી અને મજબૂત છાલ પણ જીવ બચાવવામાં એમને મદદ કરતી હતી.

    ઘણા પ્રયત્નો પછી પણ જ્યારે અખરોટ ન ભાંગ્યું ત્યારે બાએ થાકીને પ્રયત્નો છોડી દીધાં. તે કહેવા લાગી, “આ તો તૂટતું જ નથી.” પણ કાલુએ જીદ કરી, “મને ગમે તેમ કરીને પણ આ તોડી આપ.”

    બાએ કહ્યું, “હું તને બીજું અખરોટ લાવી આપીશ. લાવ, આને ફેંકી દઈએ.”

    કાલુ રડવા લાગ્યો, “મને તો આ જ અખરોટ જોઈએ.”

    બાએ કહ્યું, “સારું રડ નહિ. હું ફરીથી પ્રયત્ન કરી જોઉં.”

    ગરીબ કાલુને આમ અખરોટ માટે રડતો જોઈ અખરોટભાઈનું હૃદય પીગળવા લાગ્યું. તેઓ વિચારવા લાગ્યા, ‘અત્યાર સુધી તો હું મારી જાતને કોઈ ન કોઈ યુક્તિ કરીને બચાવતો રહ્યો, પણ હવે આ ગરીબ છોકરાને મારો સ્વાદ ચખાડવો જોઈએ. હું કુરબાન થઈ જાઉં તેનો વાંધો નથી.’

    બાએ અખરોટ પર પથ્થરનો પ્રહાર કર્યો. અખરોટભાઈ તો આ માટે તૈયાર જ હતા. એમણે હસતાં હસતાં પોતાના ટુકડા થવા દીધા!

સ્રોત

  • પુસ્તક : હુંદરાજ બલવાણીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સર્જક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2014