Motarni Sahel - Children Stories | RekhtaGujarati

મોટરની સહેલ

Motarni Sahel

નવનીત સેવક નવનીત સેવક
મોટરની સહેલ
નવનીત સેવક

                ધનતેરસનો એક જ દિવસ બાકી હતો. બાપુજીએ બાને કહ્યું : આપણો બચુ ક્યાં ગયો?

 

                બા કહે : બચુ તો રડીને ઊંઘી ગયો.

 

                બાપુજીએ પૂછ્યું : રડીને ઊંઘ્યો? શું કામ રડ્યો?

 

                બા કહે કે ચારે બાજુ છોકરાં નવાં કપડાં પહેરે છે, સરસ મજાની મીઠાઈ ખાવાની વાતો કરે છે ને જાતજાતના ફટાકડા ફોડે છે. એ જોઈને બચુએ પણ હઠ કરી કહે કે મને પણ એ બધું લાવી આપ. પણ હું ક્યાંથી લાવું?

 

                બાપુજીએ આ સાંભળીને એક મોટો નિઃસાસો મૂક્યો.

 

                ખરી વાત એ હતી કે બચુના બાપુજી ખૂબ ગરીબ હતા. એમની પાસે અવાજ લાવવાના પૈસા પણ નહોતા, ત્યાં વળી દારૂખાનું કે મીઠાઈની વાત શી કરવાની?

 

 

                બચુ આમ જુદીજુદી વસ્તુઓ માટે ઘણી વાર હઠ કરતો ને રડતો, પણ બાપુજી પાસે પૈસા ન જ હોય ત્યાં એ બિચારા શું કરે? એ મનમાં જ જીવી બાળીને રહી જતા. આજે પણ બચુ માટે કશું લાવી શકાય એવું નથી એમ સમજીને એ ઉદાસ થઈ ગયા. મનમાં ને મનમાં બા અને બાપુજી બેઉએ ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન અમારા બચુનું દુઃખ તારાથી કેમ જોઈ રહેવાય છે?

 

                વિનોદભાઈ શેઠ પણ એ જ મોટા શહેરમાં રહેતા હતા.

 

                એમને પણ એક નાનકડો દીકરો હતો. એ દીકરો ડીકી ખૂબ તોફાની હતો. એને કોઈ પણ વસ્તુની ખામી ન રહે એ માટે શેઠ ખૂબ જ કાળજી રાખતા.

 

                આવતી કાલે ધનતેરસ હતી એટલે શેઠે ડીકી માટે ખૂબખૂબ વસ્તુઓ લીધી.

 

                દસબાર પેકેટ મીઠાઈ લીધી.

 

                ફટાકડાનાં કેટલાંય બંડલ બંધાવ્યાં, રમકડાંનો તો જાણે ઢગલો વાળી દીધો. નાની નાની ‘છુક છુક ગાડી’ લીધી, ઢીંગલો લીધો ને ટીનકુડો હાથી લીધો.

 

                રમકડાંવાળાની આખી દુકાન જ જાણે ખરીદી લીધી હોય એટલાં બધાં રમકડાં લઈને શેઠે મોટરમાં ભર્યાં તોય બધી વસ્તુઓ મોટરમાં ન સમાઈ. પાછળના ભાગમાં સામાન મૂકવા માટેનું ખાનું ખોલીને શેઠે એમાં કેટલાંય બંડલ ભર્યાં.

 

                પછી શેઠ ઘરભણી મોટર હંકારવા લાગ્યા.

 

                પણ એક જગાએ શેઠને મોટર ધીમી પાડવી પડી. ત્યાં રસ્તો રીપેર થતો હતો એટલે કેટલાય પથરા પડ્યા હતા. અંધારું થવા આવ્યું હતું એટલે જો શેઠ ઝડપથી મોટર ચલાવે તો ફાવે એવું નહોતું.

 

                શેઠે મોટર ધીમી પાડી તો ખરી પણ તોય થોડાક મોટા પથરા ઉપર મોટરનાં પૈડાં આવી ગયાં અને મોટર ઊછળી, એ સાથે જ પાછળના ભાગમાં મૂકેલાં બંડલોમાંથી થોડાંક બંડલ નીચે રસ્તા ઉપર પડી ગયાં. શેઠને એ વાતની ખબરે રહી નહીં.

 

                ચારે બાજુ અંધારું હતું એટલે એ બંડલ કોઈએ જોયાં નહીં. શેઠ મોટર હંકારીને ક્યાંના ક્યાં જતા રહ્યા. થોડી વાર પછી તો સાવ અંધારું થઈ ગયું. આકાશમાં તારા ટમટમ થવા લાગ્યા.

 

                રસ્તા ઉપર પડેલાં એ બધાં બંડલોમાંથી એકાએક એક બંડલનું પૂઠું તૂટી ગયું અને એમાંથી લોખંડનો એક મોટો ઢીંગલો બહાર આવ્યો.

 

                ઢીંગલાએ બહાર નીકળીને થોડી આળસ ખાધી, હાથપગ આમતેમ હલાવ્યા. એવામાં જ એની નજીક પડેલા બીજા બંડલમાંથી કોઈ બૂમો પાડતું હોય એવો અવાજ એને સંભળાયો. કોઈ ચીસો પાડતું હતું : બચાવો, બચાવો!

 

                ઢીંગલાએ ઘડી વારેય વિચાર ન કર્યો. પૂરા જોરથી એ પેલા બંડલ ઉપર તૂટી પડ્યો અને થોડી વારમાં તો એનું પૂઠું તોડી નાખ્યું.

 

                પૂઠું તૂટ્યું કે અંદરથી એક મજાની ઢીંગલી નીકળી. ઢીંગલી કહે : હાશ...! એવી ગૂંગળામણ થતી હતી કે જાણે હમણાં ગુજરી જવાશે.

 

                ઢીંગલો કહે : અરે એમ તે કંઈ ગુજરી જવાતું હશે? તું છે કોણ?

 

                ઢીંગલી કહે : હું જાપાનની ઢીંગલી છું. મારી પીઠમાં એક ચાવી છે. એ ચાવીને જો કોઈ ફેરવે તો હું એવો સરસ નાચ કરું છું કે ભલભલા મોંમાં આંગળાં નાખી જાય. તું કોણ છે?

 

                ઢીંગલો કહે : હું વિલાયતી ઢીંગલો છું. મારી પીઠમાં પણ એક ચાવી છે. એ ચાવી જો કોઈ ફેરવે તો હું જાતજાતના ખેલ કરું છું. આમથી તેમ ગુલાંટો ખાઉં છું, ફુદડીઓ ફરું છું. અને એમ કેટલાય ખેલ કરું છું.

 

                બેઉ જણ આમ વાતો કરતાં હતાં એવામાં જ ઢીંગલી કહે : અરે, ખોખામાં મારી સાથે એક વાંદરો હતો. એ ક્યાં ગયો?

 

                ખોખામાંથી એકદમ “ખેં... ખેં....” અને “હુ...પ” કરતો એક કાળો વાંદરો બહાર નીકળી આવ્યો, એને ગળે મોટું ઢોલ બાંધેલું હતું. એ ઢોલ વગાડતાં વાંદરો કહે : આ રહ્યો, આ રહ્યો ઢીંગલીબાઈ!

 

                એવામાં જ ઢીંગલીએ કહ્યું : અરે ઢીંગલાભાઈ, આ મોટું પાકીટ શાનું છે? જરા ઉઘાડીને જોઈએ તો ખરા!

 

                ઢીંગલો કહે : વાહ, સારા કામમાં વળી શુકન સા જોવાના?

 

                ઢીંગલો અને ઢીંગલી બેય ઝપાટાબંધ પાકીટની દોરીઓ તોડવા લાગી ગયાં. થોડી વારમાં તો દોરીઓ તૂટી ગઈ.

 

                પાકીટ ઉઘાડતાં જ ઢીંગલીબહેન નવાઈ અને આનંદથી આંખો પહોળી કહીને કહે : અરે વાહ, ઢીંગલાભાઈ! આમાં તો સરસ મજાની એક મોટર ને મીઠાઈનું એક પડીકું છે!

 

                ઢીંગલો કહે : ઢીંગલીબહેન, બીજું એક પડીકું જાતજાતના ફટાકડાનું પણ છે.

 

                વાંદરો એનું ‘ડરરર....ડબ’ ઢોલ વગાડીને કહે : અરે, પેલા ખૂણામાં મોટર પણ છે! વાહ વાહ, ખરી મજા આવી ગઈ!

 

                ત્રણે રમકડાં – દોસ્તો એકબીજા તરફ આનંદથી જોઈ રહ્યાં, પછી વાંદરો મોટી બૂમ પાડીને કહે :

 

                હુપ....હુપ! હુર્રરે....!

 

                ઢીંગલી કહે : ઢીંગલાભાઈ, તમને મોટર ચલાવતાં આવડે છે?

 

                ઢીંગલો કહે : આવડે તો છે પણ તમારે અને વાંદરાબાઈએ મને ચાવી આપવી પડશે.

 

                વાંદરો અને ઢીંગલી કહે : જરૂર આપીશું, પણ તમારેય અમને ચાવી દેવી પડશે!

 

                ઢીંગલો કહે : મજાની રાત છે. ચારે બાજુ રોશની થઈ છે. ગામમાં આમતેમ ફરીશું ને રોશની જોઈશું, બોલો કબૂલ છે?

 

                ઢીંગલી કહે કે કબૂલ છે. પણ પહેલાં આપણે આ દારૂખાનાનાં અને મીઠાઈનાં પડીકાં મોટરમાં મૂકી દઈએ.

 

                સહુને  વિચાર ગમી ગયો.

 

                ત્રણેય રમકડા મહેનત કરીને પાકીટો મોટરમાં ચડાવ્યાં. મોટર નાની હતી એટલે ઢીંગલીને અને વાંદરાને એ પેકેટોની ઉપર બેસવું પડ્યું.

 

                વિલાયતી ઢીંગલાભાઈ મોટર ચલાવવા બેઠા. ખોંખારો ખાઈને મોટર ચાલુ કરવા માટે એમણે ઘણા પ્રયત્નો કર્યા પણ મોટરેય એવી હઠીલી નીકળી કે એક ડગલું પણ ચાલે નહિ!

 

                એકદમ વાંદરાને વિચાર આવ્યો. એ કહે : ઢીંગલીબહેન આપણે ઢીંગલાભાઈને તો ચાવી દીધી, પણ મોટરને દીધી છે?

 

                ઢીંગલી કહે : અરરર! એ તો ભૂલી જ ગયાં!

 

                આમ કહીને ઢીંગલીબવેન નીચે ઊતર્યાં. મોટર તળે હાથ નાખીને ખરરર...ખરરર....એમ ચાવી ભરી. ચાવી ભરીને બહેનબા પાછાં મોટરમાં ચઢી ગયાં.

 

                હવે કંઈ બાકી નહોતું.

 

                ઢીંગલાએ મોટર ચાલુ કરી એ સાથે જ ઘરરર ઘરરર કરતી એ તો ઉપડી સડસડાટ!

 

                વાંદરો અને ઢીંગલી પાછળ મૂકેલાં પેકેટ ઉપર બેઠાં હતાં. વાંદરો કહે : આ તો ભારે મજા પડે છે હો! મોટરની આવી મુસાફરી તો કદી કરી જ નથી!

 

                ઢીંગલી કહે : પણ મને એક ડર લાગે છે. આપણી આ મોટરને ભૂંગળું તો છે નહીં! ક્યાંક અકસ્માત થસે તો?

 

                વાંદરાએ થોડી વાર વિચાર કર્યો, પછી કહે : ગભરાઓ નહીં, ગભરાઓ નહીં! ભૂંગળું નથી તો કંઈ નહીં, હું તો છું ને?

 

                કહીને વાંદરાભાઈએ એમનું ઢોલ ચાલુ કર્યું.

 

                ટરરરર....ટર!

 

                ઢરરરર....ઢુમ!

 

                જાણે મીલીટરીની ટુકડી પરેડ કરી હોય એમ બેન્ડ વાગવા માંડ્યું. ઢીંગલીબહેનને તો ઘણી મજા આવી ગઈ. બહેનબા ઢોલના અવાજમાં તાલ પૂરવા લાગ્યાં!

 

                એવામાં જ એક અકસ્માત થયો.

 

                ત્રણેય રમકડાંદોસ્તોની મોટર ઝડપથી દોડતી હતી અને ઢીંગલાભાઈ એવી કુશળતાથી ગલીકૂંચીઓમાં થઈને મોટર દોડાવતા હતા કે રસ્તામાં કોઈ માણસ જ આવતું નહોતું. આમ કેટલેય આઘે પહોંચ્યા હશે એવામાં જ ક્યાંક મોટો ટેટો ફૂટવાનો અવાજ આવ્યો.

 

                ઢુ....ઉ....મ!

 

                ઢીંગલાભાઈ ચમક્યા. મોટરનું ગવંડર હાથમાંથી છટકી ગયું.

 

                એ જ વખતે રસ્તામાં એક પથરો આવ્યો. મોટર એ પથરા સાથે અથડાઈને એકદમ ઊંધી વળી ગઈ.

 

                ઢીંગલીબાઈ ઊછળીને ડાબી કોર પડ્યાં.

 

                વાંદરાભાઈ જમણી બાજુ પડ્યા અને વિલાયતી ઢીંગલો મોટરની આગળ પડ્યો.

 

                ત્રણેય જણને ઠીકઠીક વાગ્યું.

 

                માંડમાંડ બધાં ઊભાં થયાં. ઢીંગલો કહે : સારું થયું કે કોઈ ફટાકડો આપણી નજીકમાં ફૂટ્યો નહીં. જો એમ થયું હોત તો મોટરમાં પેલું દારૂખાનાનું જે બંડલ છે એની શી દશા થઈ હોત?

 

                ત્રણેયના સાંધા આ વિચારથી જ ઢીલા થઈ ગયા. વાંદરો તો એટવો બધો ધ્રૂજી ગયો ટરરરર....ટરરરર એમ ઢોલ પણ વાગી ગયું.

 

                ઢીંગલાએ ઊંધી થઈ ગયેલી મોટરને બરાબર સીધી કરી. ઢીંગલીએ અને વાંદરાએ થઈને  મોટરમાં પેલાં બે પડીકાં ગોઠવ્યાં. મોટરની ચાવી ખલાસ થઈ જવા આવી હતી તે ઢીંગલાએ ફરીથી ભરીને એમ આગળ મુસાફરી થઈ!

 

                થોડે આઘે જતાં જ વળી એક નવી આફત આવી.

 

                રસ્તા પર પડતી શેરીનો એક ડાઘિયો આ રમકડા-મોટરને દોડતી જોઈ ગયો, પછી તો પૂછવું જ શું? હાઉ હાઉ કરતો એ મોટરની પાછળ પડ્યો. એના મનમાં એમ કે આ વળી ક્યું નવું પ્રાણી જાય છે?

 

                પણ ઢીંગલો ચાલાક હતો.

 

                એણે મોટરને પૂરઝડપે હંકારી મૂકી.

 

                આગળ મોટર ને પાછળ ડાઘિયો. ડાઘિયો દોડવામાં ખૂબ જબરો હતો. એક વાર રામાકાકા લાકડી લઈને કૂતરાની પાછળ પડેલા ત્યારે બધા કૂતરાને હરાવીને આ ડાઘિયો જ સહુની આગળ દોડી ગયો હતો. એની ઝડપ આગળ બિચારી મોટરની શી વિસાત?

 

                ડાઘિયો ઠેઠ નજીક આવી ગયો.

 

                એનું મોઢું ઠેઠ ઢીંગલીબાઈના માથાને અડક્યું.

 

                હમણાં ઢીંગલીબાઈને મોંમાં પકડ્યાં કે પકડશે એવું થઈ ગયું.

 

                પણ એ જ વખતે વાંદરાભાઈને યુક્તિ સૂઝી. એમણે ખૂબ જોરથી ઢોલ વગાડી નાખ્યું.

 

                ઢરરરર....ઢુ....મ!

 

                ભમ....ભમ....ભમ....ભમ....ઢબાક!

 

                બિચારો ડાઘિયો આ ઓચિંતા અવાજથી ખૂબ ચમક્યો. પૂંછડી પગમાં દબાવીને બિચારો જાય ભાગ્યો! કહે છે કે એ પછી બે દિવસ સુધી એ રાત-દિવસ કાંઉં...કાંઉં સિવાય બીજો અવાજ નહોતો કરી શક્યો!

 

                આ બાજુ ઢીંગલાભાઈએ મોટરને ઘણી ઝડપથી દોડાવી હતી. થોડે આઘે જતાં જ મોટરની ચાવી ખલાસ થઈ ગઈ. ઢીંગલાભાઈ ફરીથી ચાવી ભરવા માટે ઊતરતા હતા ત્યારે જ ઢીંગલીબહેન મોટું બગાસું ખાઈને કહે : હવે આપણને તો ઊંઘ આવે છે, ઢીંગલાભાઈ. જરાય આગળ જવાની મરજી થતી નથી! મોટરની સહેલથી ધરાઈ ગયાં છીએ.

 

                વાંદરો કહે : ખરી વાત છે! મને તો એવી બીક લાગે છે કે હાથ ધ્રૂજવાથી ઢોલ વાગતું જ બંધ થતું નથી!

 

                ઢીંગલો કહે કે તમારા બેઉની વાત સાચી છે, પણ આમ રસ્તા વચ્ચે કંઈ રહેવાશે?

 

                ઢીંગલી કહે : ના રે ના! જુઓ. સામે પેલા ઘરનું બારણું ઉઘાડું દેખાય છે. આપણે ત્યાં જઈને ઊંઘીએ.

 

                વાંદરાને તથા ઢીંગલાને આ વાત ગમી ગઈ.

 

                મોટરને ધક્કા મારીને ત્રણેય-દોસ્તોએ ઘરમાં ધકેલી. ઘરમાં જતાં જ એક ખંડ આવ્યો, એ વળોટીને આગળ ગયાં ત્યાં એક નાનકડી ખાટલી નજરે પડી.ખાટલીમાં એક નાનકડો છોકરો ઊંઘતો હતો. એ બિચારો રડીને ઊંઘી ગયો હોય એમ લાગતું હતું.

 

                ઢીંગલી કહે : ઢીંગલાભાઈ, વાંદરાભાઈ! મને તો ખરેખરો થાક લાગ્યો તે હવે આગળ એક ડગલુંય ચલાય એવું નથી. પેલી નાની ખાટલીમાં જઈને હું તો ઊંઘું છું.

 

                ઢીંગલો કહે કે હુંય આવું છું.

 

                વાંદરો કહે કે હું કંઈ બાકી રહેવાનો નથી.

 

                ત્રણેય દોસ્તો મોટરને ધકેલીને ખાટલી પાસે લાવ્યાં. પછી વાંદરો ને ઢીંગલી બેઉ ખાટલા પર ચડી ગયાં. પહેલવાન જેવા દેખાતા વિલાયતી ઢીંગલાએ નીચેથી મોટરને ઊંચી કરી અને ઉપરથી ઢીંગલીબાઈ તથા વાંદરાભાઈએ ખેંચી લીધી. એવી જ રીતે પેલાં મીઠાઈ તથા દારૂખાનાનાં પડીકાં પણ ખાટલીમાં પહોંચી ગયાં.

 

                બીજે દિવસે બા નાનકડા બચુને જગાડવા આવ્યાં ત્યાં જ એમની નજર રમકડાં અને પડીકાં ઉપર પડી એમણે તો બૂમ પાડીને બચુના બાપુજીને બોલાવ્યા કહ્યું : અરે, જુઓ જુઓ! આપણે રાતે ભગવાનને પ્રાર્થના કરી હતી તે એમણે સાંભળી છે! કેવાં સરસ રમકડાં ને દારૂખાનું ને મીઠાઈઓ આપણા બચુ માટે આપ્યાં છે!

 

                બાપુજી દોડતા આવ્યા. બચુ પણ ઊંઘમાંથી જાગી ગયો. એની નજર આ બધી વસ્તુઓ ઉપર પડી કે એ તો રાજી થઈને નાચવા જ લાગ્યો.

 

                પેલાં ત્રણેય રમકડાંદોસ્તોએ કોઈની નજર ન પડે એમ એકબીજાની સામે જોઈને મોં મલકાવ્યું.

 

                રાતની એમની મુસાફરી કરતાંય બચુનો હરખ જોઈ એમને વધારે આનંદ થતો હતો!

સ્રોત

  • પુસ્તક : નવનીત સેવકની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 59)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2013