રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક ખેડૂત હતો. એને ત્રણ દીકરા. ખેડૂત પાસે સારી એવી જમીન હતી. એટલે ખેતીમાંથી તેને સારી એવી આવક મળતી હતી. એના ત્રણ દીકરાઓમાં મોટો એને વહાલો હતો. નાનો દીકરો એની માને વહાલો હતો. વચેટ દીકરો દેખાવે સારો નહોતો. એનું નાક ચપટું હતું અને શરીરે એકવડા બાંધાનો હતો. બીજા બે દીકરા શરીરે સુખી હતા.
ખેડૂત ઘરડો થયો, એને અવારનવાર માંદગી આવવા માંડી. એને પોતાની જમીનની ચિંતા થવા માંડી. એના મરણ પછી છોકરાઓ ખેતી કરશે કે કેમ એની એને મૂંઝવણ થઈ, જમીન તો ખેડૂતને જીવ જેવી વહાલી હોય એના ભાગલા પડી જાય અને રફેદફે થઈ જાય તો એનો જીવ કપાઈ જાય, ખેતીનું કામ કોને સોંપવું એની ચિંતામાં એની ઊંઘ ઊડી ગઈ.
એણે ગામના એક ડાહ્યા માણસની સલાહ લીધી. એણે ખેડૂતને એક યુક્તિ બતાવી.
ખેડૂતે ઘાસની ગંજીમાં સોય સંતાડી ત્રણે દીકરાઓને બોલાવીને તેણે કહ્યું : ‘ઘાસની ગંજીમાં સોય ખોવાઈ ગઈ છે તમે મારી સોય શોધી આપો. એ સોય તમારી મા વરસોથી વાપરતી આવી છે.’
બાપની આજ્ઞા માનીને મોટો દીકરો ઘાસની ગંજી પાસે ગયો. એને વિચાર આવ્યો કે એક સોય જેવી વસ્તુ શોધવા માટે ઘાસની આખી ગંજી ઊથલાવવાની કોણ મહેનત કરે! બજારમાં જોઈએ તેટલી સોય મળે છે. એ બાપ પાસે ગયો અને કહે : ‘ઘાસની ગંજીમાંથી સોય જડે તેમ નથી, એવી ફોગટ મહેનત કરવી એ મૂર્ખામી છે.’
માને નાના દીકરા પર વિશ્વાસ હતો, એણે એ દીકરાને કહ્યું, ‘બેટા, તું ઘાસની ગંજીમાંથી સોય શોધી કાઢ, તું તો બહુ હોશિયાર છે.’
નાનો દીકરો આળસુનો પીર હતો. એ ખેતરમાંથી બે મજૂરોને લઈ આવ્યો અને એમને કહ્યું, ‘તમે આ ઘાસની ગંજીમાંથી સોય શોધી કાઢો.’ અને એ રખડવા ચાલ્યો ગયો.
નાના શેઠ ગયા પછી મજૂરો શેના કામ કરે? એમણે ઘાસની ગંજી જરા આઘીપાછી કરીને રહેવા દીધી. નાનો શેઠ બહાર રખડીને પાછો આવ્યો ત્યારે મજૂરોએ કહ્યું, ‘ગંજીમાં સોય છે જ નહિ, અમે ગંજી આઘીપાછી કરી, સોય હોય તો જડે ને?’
વચલો દીકરો ઘાસની ગંજીમાંથી સોય શોધવા મચી પડ્યો. એણે ઘાસનાં તણખલા જુદાં પાડ્યાં. છેક સાંજે એને ઘાસની ગંજીમાંથી સોય જડી. એ ખુશ થઈને બાપ પાસે ગયો : ‘લ્યો, માની ખોવાયેલી સોય જડી ગઈ!’
બાપ ખુશ થઈ ગયો. મા પણ રાજી થઈ ગઈ.
ખેડૂતે પેલા ડાહ્યા માણસને જે વાત બની હતી તે વાત કરી. એ ડાહ્યા માણસે કહ્યું, ‘તમારો મોટો દીકરો ખેતી પાછળ સમય આપે તેવો નથી. એને એવી મહેનત કરવામાં મૂર્ખાઈ લાગશે. તમારો નાનો છોકરો આળસુ છે. એ જાતે ખેતી નહિ કરે, બીજા ભાડૂતી માણસો રાખીને એમને ખેતીનું કામ સોંપીને એ ફરતો ફરશે. એટલે એનાથી પણ તમારી જમીન નહિ સચવાય. પણ તમારો વચેટ દીકરો મહેનતુ અને પ્રામાણિક છે. એને નાનામાં નાનું કામ કરવાનો કંટાળો નથી. મહેનત કરવામાં એ પાછો પડે તેવો નથી, તમારી ખેતીની જમીન એના હાથમાં સલામત રહેશે.’
ખેડૂતે પોતાની જમીન વચલા દીકરાને આપી.
સ્રોત
- પુસ્તક : મધુસૂદન પારેખની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 117)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2022