Dholkivala Anabanji - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઢોલકીવાળા અનબનજી

Dholkivala Anabanji

ગિરા પિનાકીન ભટ્ટ ગિરા પિનાકીન ભટ્ટ
ઢોલકીવાળા અનબનજી
ગિરા પિનાકીન ભટ્ટ

        ધનધન નામે એક જંગલ. એમાં વહે તનમન નદી. કાચ જેવું એનું પાણી. કિનારે સોનેરી રેતી ને એમાં એક મોટી પથ્થરની ચટ્ટાન. તનમન નદી કિનારે ફરતાં દેડકાં એ ચટ્ટાન નીચે રહે. એ દેડકાંઓનો એક આગેવાન, નામ એનું અનબન. ખૂબ મજાના અનબનજીને જોઈ તનમન નદી બોલી, ‘અનબનજી... અનબનજી ક્યાં ચાલ્યા?’

        ‘ઢોલકી લેવા.’

        ‘વાહ રે વાહ...’

        ‘ઢોલીડા કેવા મજાના નાચે, કૂદે ને ગીત ગાય... હું પણ એવું નાચવાનો.’

        ‘વાહ ભાઈ વાહ... ગમતું તો કરવાનું જ. પરંતુ જે કરો એમાં ખૂબ આગળ વધજો હોં ને.’

        ‘હા તનમન મૈયા...’ પ્રણામ કરીને અનબનજી ઉપડ્યા. ફરી ફરીને ક્યાંકથી શોધી લાવ્યા ઢોલકી. ગળામાં લટકાવીને એ ગાવા લાગ્યા,

મેઘરાજાનો રાજકુંવર છું ને,
વર્ષારાણીનો છૈયો.
જગ જોવાને નીકળ્યો છું હું,
નામ છે અનબન ભૈયો.

        ઢમઢમ ઢોલકીનો અવાજ ને સાથે અનબનજીનું ગીત. એક પછી એક એમ અનેક દેડકાં એમની સાથે જોડાયાં. સહુ સાથે નાચે, કૂદે ને ગીતો ગાય. આવો સરસ મજાનો માહોલ જોતાં એક શ્ચેત વાદળી આભલેથી ઉતરીને બોલી, ‘અનબનજી અનબનજી, કેવું મજાનું ગીત અને ઢોલકી વગાડવાની તમારી રીત. મસ્ત મજાનો તમે માહોલ ઊભો કર્યો હોં.’ આવી વાત સાંભળતાં અનબનજી થયા રાજી રાજી. તો એમની ટોળી હરખથી બોલી રહી, ‘અનબનજી, વાદળીરાણીના માનમાં એક ગીત ગાવ ત્યારે... અમે બધાંય  નાચશું, કૂદશું અને ગીત ઝીલશું.’

હા... હા... કેમ નહીં?’
ઢમઢમ  ઢોલકી વાગી...

 

        અનબનજીએ ગળું ખંખેર્યુ, પછી ગાવા લાગ્યા,

ગીત અમારા સાંભળવાને,
મેઘધનુ દોડી આવે.
વીજળીરાણી ઝબૂક કરતી,
મોરલાને નચાવે.

        વાદળીને તો ઢોલકી વગાડતા અનબનજી સાથે બહુ મજા પડી. ‘ખૂબ ખૂબ આગળ વધજો ને ગમતાં કાર્યો કરજો...’ એવા આશીર્વાદ આપી વાદળીરાણી તો નીકળી ગયાં. આભે જઈને બીજાં વાદળોને કરી વાત. હવે વાદળોની ખુશીનો કોઈ પાર ન્હોતો. તો વળી અનબનજીનું મન એ ખુશીમાં ઝૂમતું હતું.

        ઢોલકીવાળા અનબનજી તો એ રાત્રે કૂદતા કૂદતા પહોંચી ગયા રાજમહેલમાં! ત્યાં જઈને જોયું તો સોનાના ઢોલિયે રાજાજી ઊંઘે ઘસઘસાટ. એમના નસકોરાંનો ભારે તરખાટ... ઘરર્ ર્ ર્,  ઘરર્ ર્ ર્,  હું ઉં ઉં... -એ જોતાં ને સાંભળતાં અનબનજી હસ્યા ખડખડાટ! બારીમાંથી ડોકાઈ રહેલી પેલી વાદળી બોલી, ‘મેઘરાજા જાગે ચોમાસામાં, પણ આ રાજા જાગે ક્યારે?’

        અનબનજી કહે, ‘હું ઢોલ વગાડું ત્યારે...’ ને ઢોલ વગાડતા એ ગાવા લાગ્યા, 

મેઘરાજાનો રાજકુંવર હું,
વર્ષારાણીનો છૈયો.
નાચું-ગાવું, કૂદુ જબરજસ્ત,
હું છું મસ્ત ગવૈયો.

        આટલો બધો અવાજ છતાં રાજા ઊંઘે ઘસઘસાટ! નસકોરાંનો તરખાટ, ઘરર ર્ ર્... ઘરર ર્ ર ...હું ઉં ઉં...

        અનબનજી બોલ્યા, ‘રાજાજી હવે તો જાગો... હું અનબન ઢોલકીવાળો. ભલા માણસ! કોઈ મળવા આવે ત્યારે તો જાગવું જોઇએને.’ છતાં રાજા તો ભરનિંદરમાં. છલાંગ લગાવીને અનબનજી પહોંચ્યા રાજાના ઢોલિયા ઉપર. ઢોલકી વગાડતા જાય ને ગાતા જાય,

        હું છું મસ્ત ગવૈયો...

        રાજાના જાગવાની રાહ જોઈને કંટાળેલા અનબનજી ભફાંગ... કરતા કૂદ્યા રાજાની ફાંદ ઉપર. ભર ઉંઘમાં પોઢેલા રાજા ગભરાયા... ને ચીસ પાડી ઊઠ્યા, ‘ઓય... બાપ, આ તો દેડકો!’ કહેતા જાય ભાગ્યા... જાય ભાગ્યા.

        ‘ઊભા રહો... રાજાજી ઊભા રહો. ગભરાવ નહીં, હું તો અનબન ઢોલકીવાળો. તમને મળવા આવ્યો છું. મારું ગીત સંભળાવવા આવ્યો છું. પણ રાજા સાંભળે તો ને? ‘સૈનિકો... સેવકો...’ કરતા જાય નાઠા, જાય નાઠા.

        બારીમાંથી ડોકાઈ રહેલી વાદળી બોલી,  ‘ અનબનજી, હવે ભાગો... ભાગવામાં સાર છે.’

        ‘પણ કેમ? મારો વાંક શો? હું તો મેઘરાજાનો છૈયો. એક રાજા બીજા રાજાના પરિવાર સાથે સંબંધ ન રાખે?’

        ‘ના, આ રાજા એવું ન સમજે. માટે કહું છું કે ભાગી જાવ.’ વાદળીએ કહ્યું.

        ‘પણ... ચારે બાજુ દિવાલો છે, મારે જવું કઈ તરફ?’

        ‘તમે જ્યારે રાજાજીની ફાંદ ઉપરથી ગબડ્યા ત્યારે ઢોલકી પછડાવાથી અવાજ થયો હતો ઢમ્! એની સાથે ભોંયરાની દિવાલ ખૂલી... ભમ! હવે એ રસ્તેથી ચાલ્યા જાવ ધમધમ.’ ને અનબનજી ભાગવાનો રસ્તો શોધી રહ્યા.

        ‘ભાગતાં પહેલાં કંઈક નિશાની સાથે લેતો જાઉં. મારા સાથી મિત્રો મારી વાત માને કેમ કરીને કે... હું રાજમહેલમાં ગયો હતો.’

        ‘હા... વાત તમારી સાચી. જે લેવું હોય તે જોઈ વિચારીને લેજો હોં.’

        ‘હા... હા... વાદલડી.’ કહેતા લપાતા - છુપાતા અનબનજી ઘૂમી વળ્યા ચારેકોર! સોના – ચાંદી, હીરા અને કેટલીય અમૂલ્ય ચીજો હતી રાજમહેલમાં. શું લેવું ને શું નહીં? પરંતુ અણીના સમયે અનબનજીને તનમન મૈયાની વાત યાદ આવી ગઇ. આગળ વધવા માટે... અહીંથી શું લઉં? સોના - ચાંદીને તો સાચવવાની તકલીફ. જ્યારે વાપરતાં વધે એવું આ ધન મજાનું... કહેતાં એ ઉઠાવીને લાંબી ફલાંગે બહાર આવ્યા.

        ‘ઓહોહો... હો... લાંબી ફલાંગે આ તો તનમન નદીના કિનારે જ! ને આ રહી મારી ચટ્ટાન...’ રાજીપા સાથે એ બોલી ઊઠ્યા.

        અનબનજીનો અવાજ સાંભળીને બધાં દેડકાં દોડી આવ્યાં. નાચતાં - કૂદતાં આનંદ વેરતાં પુછી વળ્યાં... ‘કહો અનબનજી ક્યાં ગ્યા' તા? વળી આ તમારા મોંમાં છે એ શું છે?’

        ‘મિત્રો, એ છે મોંઘેરી મૂડી! પછી તો રાજા, રાજમહેલ, ખજાનો ને છુપા રસ્તા...એવી બધી વાતો સહુને વિગતે કહી સંભળાવી.

        ‘એ ખુશીની પળને વધાવતાં એક ગીત ગાવું જ પડે હોં.’ એક દેડકી બોલી ઊઠી.

        ‘હા... હા...હા...’ બધાં દેડકાં એક અવાજે બોલી ઊઠ્યાં. સહુની માગણીને ધ્યાનમાં રાખીને પછી ઢોલકી ઢમઢમ... વાગી. અનબનજી ગાવા લાગ્યાં ને બીજાં દેડકાંઓએ સુર પુરાવ્યો.

સદી એકવીસમી જ્ઞાન–વિજ્ઞાનની,
ભાઈ, સદી છે આ વિકાસની.
એના સહારે આગળ વધવું,
બંધ બારી કરો વિનાશની.

        આ ગીતને વધાવ્યું તનમન નદી અને ધનધન જંગલે પણ. પેલાં વાદળો અને પશુ પંખીઓ પણ આ ગીત ગાતાં રહ્યાં. ચોરે ને ચૌટે, ઠેર ઠેર ને ઘેર ઘેર... અરે! ચારેકોર આ ગીત ગુંજતું રહ્યું.

        રાજીપા સાથે  દેડકાં બોલ્યાં, ‘હવે તમારી આગેવાની જબરજસ્ત અને મસ્ત મસ્ત. તમે કહો તે કરવા અમે સહુ તત્પર છીએ. પરંતુ અમને એ તો કહો... આ મોંઘેરી મૂડીનું શું છે નામ?’

        ‘એનું નામ છે પુસ્તક... એમાંથી ઘણીબધી જાણકારી મળે છે. જે આપણને આગળ વધવા માટે ખૂબજ જરૂરી છે. વળી તનમન મૈયાના આશીર્વાદ આપણી સાથે છે. આપણે સહુ પુસ્તક વાંચીશું ને આગળ વધીશું... બરાબર ને? સહુ કોઈને આગળ વધવાની તમન્ના છે, પરંતુ માર્ગ કયો એ સમજાતું ન હતું ખરુંને?’

        ‘ઓ અનબન ભૈયા, વગાડો ઢોલકી આ વાતે ઢમઢમ... દેડકાં ઉત્સાહિત થઈને ગાવા લાગ્યાં,

વાહ ભાઈ વાહ,
વાંચનની ચાહ.
વાહ ભાઈ વાહ,
જોશું મેઘાની રાહ.

        વાંચવા માટે આઠ આઠ મહિના મળે છે. આપણે ધ્યાનથી વાંચીશું અને આગળ વધતાં રહીશું, બરાબરને? પણ... વાંચવાની તલ્લીનતામાં આભલાનાં વાદળોનો ગડગડાટ ભૂલી ન જવાય તે જોતાં રહેજો. વાદળો પાણી ભરી ભરીને લઇ આવે. વર્ષારાણી ધરા પર ઉતરીને સહુને શોધે, ત્યારે કહેજો કે... ‘આવું.’

        આપણને કોઈ યાદ કરે, આપણા દ્વાર કોઈ ખખડાવે, કે કોઈ બોલાવે ત્યારે બોલજો કે... આવું.’

        ‘સાવ સાચી વાત કરી અનબનજીએ.’ તનમને કહ્યું.

        તો વળી આભમાં ફરતી વાદળી મલકાટ સાથે બોલી, ‘વાહ અમારા અનબનજી! તમે વ્હાલા ને વ્હાલાં તમારાં કામ. તમે અમારા આગમનને પણ વધાવો છો ચારેકોર! આભાર તમારો...’ કહેતી વાદળી ચાલી નીકળી.

        ‘ચાલો, હવે આપણે ભુગર્ભમાં જઈએ. જ્યાં શાંતિ હોય અને સાથે મોંઘેરી મૂડી હોય.’

        ‘ચાલો... ચાલો...’ કહેતાં બધાં દેડકાં માટી ખોતરવા લાગ્યાં.

        એ જોતાં તનમને કહ્યું, ‘ખરેખર અદ્દભુત આ દેડકાંઓ પણ. વર્ષારાણીનું આગમન ને એમનો એક માત્ર અણસાર સાંભળીને, અનબનજીની શીખ ધ્યાનમાં રાખીને, દેડકાં આપે છે જવાબ કે ‘આવું... આવું.' જ્યારે સહુને સંભળાય છે... ડ્રાઉં ડ્રાઉં.’

        આભ પૂછે છે પ્રેમથી... ‘ઢોલ સાથે લાવું લાવું? વાદળમાં વાજા વગડાવું.?’

સ્રોત

  • પુસ્તક : ઢોલકીવાળા અનબનજી (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સર્જક : ગિરા પિનાકીન ભટ્ટ
  • પ્રકાશક : દર્શિતા પ્રકાશન
  • વર્ષ : 2024
  • આવૃત્તિ : 1