Titodi Ane Abhimani Sagar - Children Stories | RekhtaGujarati

ટિટોડી અને અભિમાની સાગર

Titodi Ane Abhimani Sagar

સાંકળચંદ પટેલ સાંકળચંદ પટેલ
ટિટોડી અને અભિમાની સાગર
સાંકળચંદ પટેલ

                 એક હતો સાગર. એ સાગરને કિનારે એક હતો બેટ. એ બેટ ઉપર એક હતો માળો.

 

                 “એ માળો કોનો હશે, જય?”

 

                 “કહું? કહું?..... માછલીઓ!”

 

                 બધાં હસી પડ્યાં.

 

                 દાદાએ કહ્યું : “જય, માછલી માળો નથી બતાવતી. દરિયો એ જ એનું ઘર છે!”

 

                 “તો દાદાજી! એ માળો કોનો હતો?” ઋષિકાએ પૂછ્યું.

 

                 એ માળો હતો એક ટિટોડીનો અને એક ટિટોડાનો. માળામાં ચાર ઈંડાં પણ હતાં.”

 

                 “દાદાજી, માળામાં બચ્ચાં નહોતાં?” જયે પૂછ્યું.

 

                 “ના, જય, ઈંડાં હજુ એક જ દિવસનાં હતાં. દસ દિવસ પછી ઈંડાંમાંથી બચ્ચાં બહાર નીકળે.”

 

                 “હેં દાદા! પછી મને બચ્ચાં જોવા માટે લઈ જશો?” જયે ભોળા-ભાળા ભાવે પૂછ્યું.

 

                 “લઈ જઈશ, જય. બધાંને લઈ જઈશ. તને લઈ જઈશ, ઋષિકાને લઈ જઈશ. કિશનને લઈ જઈશ અને હિરલને પણ લઈ જઈશ.”

 

                 પણ બીજે દિવસે સાગર વિફર્યો. મોટા-મોટા ઘુઘવાટા કરવા લાગ્યો. લાંબા-લાંબા હાથ કરવા લાગ્યો. મોટી-મોટી ફાળો ભરવા લાગ્યો. ઊંટ જેવડા ઉછાળા મારવા લાગ્યો.

 

                 ટિટોડી અને ટિટોડો માળા પાસે બેઠાં હતાં. એ તો સાગરનું આવું ભયાનક રૂપ જોઈને ગભરાઈ ગયાં. થરથર ધ્રૂજવા લાગ્યાં. હાથ જોડીને વિનવવા લાગ્યાં : “ખમૈયા કરો, સાગરદેવ!”

 

                 પણ સાગરને પોતાની મોટાઈનું અભિમાન હતું. તેણે કહ્યું : “હું તળાવથી મોટો, સરોવરથી મોટો, નદીથી મોટો, જંગલથી મોટો અને વાદળથી પણ મોટો. અને તમે મને પૂછો પણ નહિ?”

 

                 ટિટોડી અને ટિટોડો વધારે ગભરાયાં. તેમણે એકબીજાની સામે જોયું ને પછી સાગરને પૂછ્યું : “દેવ, અમારી કોઈ ભૂલ થઈ છે?”

 

                 સાગર ડોળા કાઢીને ગર્જ્યો : “અલ્યાં મગતરાં, તમે મહાસાગર જેવડી ભૂલ કરી છે ને પાછાં પૂછો છો કે, અમારી કોઈ ભૂલ થઈ છે? તમને તમારી ભૂલ દેખાતી નથી?”

 

                 બિચારાં ટિટોડી ને ટિટોડો તો શિયાવિયા થઈ ગયાં,. પણ હજુ તેમને, તેમણે શી ભૂલ કરી હતી, તેનો ખ્યાલ આવતો નહોતો. એટલે તેમણે હાથ જોડી, માથું નમાવી. આજીજી કરી : “મહારાજ, કાંઈક ફોડ પાડીને કહો તો અમને અમારી ભૂલની ખબર પડે!”

 

                 સાગરે મોટો ઘુઘવાટો કર્યો. મોજાંની એક મોટી બાથ ભરી. પછી ખાઉં-ખાઉં કરતો હોય તેમ કહ્યું : “અલ્યાં પામરો, હજુ તમે મને ફોડ પાડવાનું કહો છો? તો સાંભળો, મારા બેટ ઉપર તમે કોને પૂછીને માળો બાંધ્યો છે?”

 

                 ટિટોડી અને ટિટોડાને સાગરના ક્રોધનું કારણ સમજાઈ ગયું. તેઓ સાગરના પગોમાં આળોટીને કાલાવાલા કરવા લાગ્યાં : “મહારાજ, અમે દર વરસે અહીં માળો બાંધીએ છીએ, એટલે....”

 

                 “એટલે શું મારી રજા પણ નહિ લેવાની?” સાગરે ભ્રૂકુટી ચડાવીને કહ્યું.

 

                 “મહારાજ, અમે જાણીજોઈને એવું કર્યેં નથી. અમારે ઉતાવળ હતી, તેથી અમે આપની પાસે આવી ન શક્યાં. અમે તો આપનાં છોરું છીએ.” કહીને ટિટોડીએ દાંતમાં તરણું લીધું.

 

                 પરંતુ સાગરને તો પોતાની તાકાતનું અભિમાન હતું, એટલે તે જરાય નમતું આપવા તૈયાર નહોતો. તે પગ પછાડીને બોલ્યો : “તમે છોરું નહિ પણ કછોરું છો. તમને તો સજા થશે ત્યારે જ તમે ઠેકાણે આવશો.”

 

                 બાપડા ટિટોડી ને ટિટોડો રોવા લાગ્યાં : “અરેરે! હવે અમારાં ઈંડાંનું શું થશે? સાગરદેવ, આટલી વખત અમને માફ કરી દો!”

 

                 પણ સાગરનો ક્રોધ ઓછો થતો નહોતો. પોતાના બળને લીધે તે આંધળો થઈ ગયો હતો. મહાશક્તિને લીધે તે ગાંડો થઈ ગયો હતો, છાતી કાઢીને તેણે કહ્યું :

 

                 “હું મોટાં-મોટાં તાડનાં ઝાડ ડુબાડું, મોટાં-મોટાં તાબૂત ડુબાડું, મોટા-મોટા જહાજ ડુબાડું. એવો હું મહાબળિયો છું. તમારે બચવું હોય તો અબી ને અબી તમારાં ઈંડાં લઈને અહીંથી ચાલ્યાં જાઓ.”

 

                 પણ બિચારાં ટિટોડી ને ટિટોડો હાથ વગર પોતાનાં ઈંડાંને બીજે કેવી રીતે લઈ જાય?

 

                 પછી તો સાગર ઘૂઘવવા લાગ્યો. બેટ ઉપર મોજાંની પછડાટો મારવા લાગ્યો, અને ધસીધસીને ઈંડાંને ડુબાડવા પ્રયત્ન કરવા લાગ્યો. ધીરેધીરે પાણી માળા તરફ આગળ વધી રહ્યું હતું.

 

                 સાગર ગર્જનાઓ કરી રહ્યો હતો અને ઈંડાં તરફ આગળ વધી રહ્યો હતો. છેવટે તેણે એક મોટો ઉછાળો મારીને બેટ તરફ દોટ મૂકી. બેટ ડૂબી ગયો, માળો ડૂબી ગયો. અને ઈંડાં પણ ડૂબી ગયાં.

 

                 ટિટોડી અને ટિટોડો ઈંડાં પાસેથી ઊડીને ઉપર આકાશમાં ચક્કર મારી રહ્યાં હતાં. કાળી ચીસો પાડી રહ્યાં હતાં અને સાગરને ભાંડી રહ્યાં હતાં. સાગર તો પોતાના મદમાં મસ્ત હતો, તે ઘુઘવાટા કરતો હતો. તે જોઈને ટિટોડી અને ટિટોડાએ કાળી કળકળતી ચીસો પાડી :

 

“સાગર ગોઝારા ઈંડાં અમારાં પાછાં દે!
સાગર નખ્ખોદિયા નિસાસા અમારા ન લે!”

 

                 પરંતુ અભિમાની સાગરે રાંક ટિટોડી-દંપતીની વાત કાને ન ધરી. તેઓ બિચારાં આખી રાત કળકળતાં રહ્યાં, ને સાગર સાત ગાંદલાં પાથરીને છાનોમાનો સૂઈ ગયો.

 

                 સવારે ટિટોડીદંપતીએ ઘેર-ઘેર જઈને પંખીજાતને જગાડી :

 

“ચાલો, ભાઈભાંડુ અફત આવી માથે અમારે,
ચાલો બધું, મદદે આવવું પડશે તમારે,
સાગર ગોઝારે ઈંડાં અમારાં ડુબાડ્યાં,
નખોદિયે બાંધ્યાં ઘર, અમારેં ઉજાડ્યાં 
                             –ચાલો0

 

                 પછી તો બધાં પંખીઓ સાગર તરફ ઊડવા લાગ્યાં.

 

                 રસ્તામાંથી કાંકરા-પથ્થર ચાંચમાં લઈ લીધા.

 

                 સાગર તો નિરાંતે ઊંઘતો હતો અને પંખીઓએ ધબોધબ કાંકરા-પથ્થર સાગરમાં નાંખવા માંડ્યા. સાગર પુરાવા લાગ્યો. સાગરનાં પાતાળ પાણી સરકવા લાગ્યાં.

 

                 સાગર આળસ મરડીને બેઠો થયો : “અરે, આ શું થઈ રહ્યું છે?”

 

                 અને સાગરની નજર આકાશમાં પડી અધધધ! આટલાં બધાં પંખીઓ!

 

                 આખું આકાશ પંખીઓથી ભરાઈ ગયું હતું. આખી પંખીજાત ઊમટી પડી હતી અને દરિયાને પૂરી રહી હતી.

 

                 બેટ ઉપર ટિટોડી ઉડતી હતી. તે નીચે આવી અને બોલી : “વક્તી-તીતી....... વક્તી-તી-તી....... વક્તી-તી-તી.......”

 

                 સાગરે ટિટોડીને ઓળખી : “અરે, આ તો પેલી ઈંડાવાળા ટિટોડી છે, મેં એનાં ઈંડાં ડુબાડ્યાં છે, એનો બદલો લેવા માટે તે આ પંખીજાતને બોલાવી લાવી છે.”

 

                 પંખીઓ તો કાંકરા લાવી-લાવીને સાગરને પૂરી રહ્યાં હતાં. સાગરે વિચાર્યું કે, “આ રીતે પંખીઓ મને પૂર્યા કરશે તો મારો નાશ થઈ જશે. જગતમાંથી મારું નામ-નિશાન પણ મટી જશે. હવે હું શું કરું?”

 

                 અક્કડ થયેલો સાગર તરત જ ઢીલો પડી ગયો તે બહાર આવ્યો, અને હાથ જોડીને ટિટોડી તથા ટિટોડાને કહેવા લાગ્યો : “મને માફ કરી દો. મારી ભૂલ થઈ ગઈ છે. તમારાં ઈંડાં પાછાં આપું છું.”

 

                 પછી ડૂબકી મારીને સાગર અંદર ગયો, અને ખોબામાં ટિટોડીનાં ઈંડાં લઈને બહાર આવ્યો : “લે, ટિટોડી, તારાં ઈંડાં લઈ લે. આખી પંખીજાત તારી સાથે છે, એની મને પહેલેંથી ખબર હોત, તો હું તારાં ઈંડાંને અડકત પણ નહિ.”

 

                 સાગરનું અભિમાન ઊતરી ગયું હતું. તેનો ગર્વ ઓગળી ગયો હતો. તે ઢીલોઢફ થઈ ગયો હતો.

 

                 ટિટોડીએ સાગરના ખોબામાંથી પોતાનાં ઈંડાં લઈ લીધાં, અને પાછાં માળામાં મૂકી દીધાં.

 

                 તે પછી આખી પંખીજાત ગાતી ગાતી પાછી વળી :

 

“સૌને ડારતો દરિયો અમે ડાર્યો,
એનો સૌ ભેદ અમે જોયા જઈ,
ત્યાં તો સૌને કરગરતો આવ્યો દરિયો,
ઈંડાં ટિટોડીનાં પાછાં લઈ.”

સ્રોત

  • પુસ્તક : સાંકળચંદ પટેલની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 109)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2014