રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોનાનકડો છોકરો. નામ એનું પિન્ટુ. પાંચમા ધોરણમાં ભણે. એના પપ્પા વેપારી હતા. એનું ઘર મોટું અને મજાનું. ઘરમાં દાદા પણ ખરા. એને એક મોટી બહેન પણ હતી. નામ એનું શ્રેયા. શ્રેયા દસમા ધોરણમાં ભણે.
પિન્ટુ ઘરમાં સૌથી નાનો. બધાને બહુ વહાલો, પરંતુ વાતવાતમાં બધાં એને ભણવા બાબતે ઠપકો આપતાં. પિન્ટુને આ ન ગમે. મમ્મી તો તેને રમવા પણ ન જવા દે. સાંજે નિશાળેથી ઘેર આવે ત્યારે મમ્મી નવરી હોય. નાસ્તો કરાવી તેને લેસન કરવા બેસાડી દે. સાંજે ભોજન પછી દાદાને ટાઇમ મળે એટલે તે કહે : ‘ચાલ પિન્ટુ, હું તને ગણિત શીખવાડું.’ પિન્ટુને ગણિત વિષય બિલકુલ ન ગમે. સાંજે ટી.વી. પર સરસ મજાની સિરિયલ આવતી હોય તોપણ કમને ભણવા બેસવું પડે, ને મમ્મીનીય બીક તો ખરી. પપ્પાનેય દુકાનેથી ઘેર આવવાનો સમય થયો હોય ને. જો એ ટી.વી. જોતો હોય તો પપ્પાય ચિઢાય ને વઢે. બિચારો પિન્ટુ!
સવારમાં મીઠી નીંદર આવતી હોય ને શ્રેયા એને ઢંઢોળીને જગાડે. ન જાગે તો ચીમટા ખણે. મમ્મી પણ શ્રેયાનં ઉપરાણું લે. નાહીધોઈ તૈયાર થાય કે શ્રેયા એને ભણાવવા બેસાડી દે. કોઈક વાર શ્રેયા પણ ભણાવે. એમાં ભૂલ પડે તો ફૂટપટ્ટી પણ ફટકારે. બંને ઝઘડી પડે. મમ્મી તો શ્રેયાને કંઈ ન બોલે. બિચારો પિન્ટુ! એને મિત્રો જોડે રમવા જવું હોય પણ કોઈ જવા ન દે, ને ધારો કે કદાચ લાગ મળતાં છટકી જાય તો ઘેર આવે ત્યારે મમ્મીનો ઠપકો ને ઉપરથી માર પડે. પિન્ટુ કરતાં શ્રેયા ભણવામાં હોશિયાર હતી. એટલે મમ્મી વારંવાર કહે : ‘તારા કરતાં આ તારી બહેન કેટલી હોશિયાર છે! ભણવામાં ધ્યાન રાખ. નહિતર આગળ જતાં મુશ્કેલી પડશે.’
દાદાય વચમાં ટપકી પડે, ‘હા બેટા, તારે તો સાયન્સ લાઇન લેવાની છે. હવે તું પાંચમામાં આવ્યો એટલે ધ્યાન દઈ ભણ.’
આ બધું જોઈ પિન્ટુ એકલો-એકલો મનમાં અકળાય, પણ પોતાની મૂંઝવણ કોને કહે? એને થાય કે જો મને કંઈક જાદુ આવડતું હોય તો આ બધાંને સીધાંદોર કરી દઉં.
એક દિવસની વાત છે. એક સાંજે જમ્યા પછી પોતાની રૂમમાં પિન્ટુ પથારીમાં બેઠોબેઠો ભણતો હતો. ઝોકું આવ્યું ને તે સૂઈ ગયો. એને એક સપનું આવ્યું. સપનામાં એક પરી આવી.
પરી કહે, ‘પિન્ટુ જાગ, જો હું પરી. તને મળવા આવી છું.’
પિન્ટુ આંખો ચોળતો સફાળો જાગી ગયો. સાચે જ રૂપરૂપના અંબાર જેવી પરી સામે બેઠી હતી. પરી એની સામે ખિલખિલ કરતી હસી રહી હતી.
પિન્ટુએ પૂછ્યું : ‘તમે પરી છો? તમારું નામ?’
પરી હસીને કહે : ‘મારું નામ સોનપરી. બોલ, તને શું દુઃખ છે? તારું દુઃખ દૂર કરવા આવી છું.’
પિન્ટુએ પોતાના દુઃખની વાત કરી. એ સાંભળી પરી કહે, ‘પિન્ટુ, લે આ પીંછું!’ આમ કહી પરીએ તેની કેડેથી એક પીંછું પિન્ટુને આપ્યું.’
‘આ પીંછાને હું શું કરું?’
‘જો પિન્ટુ જાદુઈ પીંછું છે.’ પરી બોલી.
‘હેં...! જાદુઈ પીંછું?’ પિન્ટુ નવાઈ પામ્યો.
‘હા, પિન્ટુ. આ પીંછું તું જેના પર નાખીશ. એ પથ્થરની મૂર્તિ થઈ જશે. પણ આ પીંછા વડે તું એક જ જણ પર આવો જાદુ કરી શકીશ. સમજ પડી કે?’
‘હા સમજી ગયો.’ પિન્ટુ રાજીરાજી થઈ ગયો.
‘તો હવે જાઉં!’ કહીને પરી તો ઊડી ગઈ.
પિન્ટુ પીંછાને હાથમાં રમડતાં-રમડતાં વિચારવા લાગ્યો... હં... હવે મજા પડશે. મને બધાં બહુ હેરાન કરે છે, પણ હવે એમની મજા નીકળી જશે.
આમ કહી પિન્ટુ ઊભો થયો, પણ આ પીંછું હું કોના પર નાંખુ? હમ્... દાદા પર નાખવા દે. એ મને ન ગમતો વિષય ગણિત જ ભણાવ-ભણાવ કરી માથું પકવી નાખે છે.
આમ વિચારી પિન્ટુ દાદાની રૂમમાં ગયો. દાદા તો ઊંઘતા હતા. પીંછું નાખવા જતો હતો, ત્યાં એને વિચાર આવ્યો ના... ના... દાદાને પથ્થરના ન બનાવી દેવાય. એ તો મને સરસ મજાની વાર્તાઓ કહે છે. કોઈ વાર મમ્મી મારે તો દાદા જ મને છોડાવે છે. દાદા તો બહુ સારા છે. એનાં કરતાં પેલી શ્રેયા જ નકામી છે. તે ડોળા કાઢે છે ને ઑર્ડર ઉપર ઑર્ડર કરે છે. રોજ ન ઊઠવું હોય તો વહેલા ઉઠાડે છે.
આમ વિચારી પિન્ટુ શ્રેયાની રૂમમાં ગયો. શ્રેયા ટેબલ-લૅમ્પ ચાલુ રાખી ટેબલ-ખુરશી પર ભણી રહી હતી. પિન્ટુ બિલ્લી પગે તેની પાછળ જઈ ચુપચાપ ઊભો રહી ગયો. એ પીંછું નાંખવા જતો હતો ત્યાં એનો હાથ ધ્રૂજી ગયો. ના... ના... શ્રેયા તો મારી એકની એક બહેન છે. ને રક્ષાબંધનને દિવસે એ મને કેવી પ્રેમથી રાખડી બાંધે છે! ને સોસાયટીના બીજા છોકરા મને લડે તો એ જ મારું ઉપરાણું લે છે. એને પથ્થર ન બનાવાય. તો પછી? એનાં કરતાં મમ્મી જબરી છે. લાવ, મમ્મી પર પીંછું નાંખી આવું... એ મને આખો દિવસ ભણવાની જ સલાહ આપ્યા કરે છે ને સામે દલીલ કરું તો ધીબી જ નાખે છે.
આમ વિચાર કરતો-કરતો પિન્ટુ મમ્મીના રૂમમાં ગયો. મમ્મી પથારીમાં ન હતી. તે તો દીવાનખંડમાં બેસી ટી.વી. જોતી હતી. પિન્ટુ ત્યાં ગયો. મમ્મી ટી.વી. જોવામાં મશગૂલ હતી. પિન્ટુ પીંછું નાખવા ગયો પણ... તેનો હાથ ધ્રૂજવા લાગ્યો. તેની હિંમત ન ચાલી. તેને થયું... ના... ના... મમ્મી તો કેટલી સારી છે! એ મારું કેટલું ધ્યાન રાખે છે! તે દિવસે બીમાર પડેલો તો આખી રાત જાગી હતી. તે રોજ નવાનવા નાસ્તા બનાવી દે છે. મમ્મી વગર મને ન ગમે...
ને પિન્ટુ પાછો ફરી ગયો. તો પછી આ પીંછું કોના પર ફેંકું? પપ્પા પર ફેંકું? પણ પપ્પા તો આખો દિવસ દુકાને હોય છે. એ મને ક્યાં કદી વઢે છે? ને હું જે મંગાવું તે બધું એ જ દિવસે લાવી દે છે. મમ્મી ના પાડે તોય લાવી દે. ના... ના, પપ્પા બહુ સારા છે. તો પછી આ પીંછાનું શું કરું?
‘લો પરીમા, આ તમારું જાદુઈ પીંછું પાછું લઈ જાઓ. મારે એની કશી જરૂર નથી. લઈ જાવ...’
પિન્ટુ, આમ શું કરે છે? આ પેન્સિલ હાથમાં પકડી, હાથ લાંબો કરી ઊંઘમાં શું બકે છે?’ શ્રેયાએ પિન્ટુના માથા પર પ્રેમાળ હાથ ફેરવતાં કહ્યું. પિન્ટુ ઝબકીને જાગી ગયો. તેના હાથ સામે જોયું. આ તો પેન્સિલ! તો પછી પીંછું ક્યાં? ને સામે શ્રેયા છે. તો પરી ક્યાં ગઈ?
‘પિન્ટુને બાઘાની આમતેમ જોતો જોઈ શ્રેયા હસી પડી. તે બોલી : ‘પિન્ટુ, ઊંઘમાં તને કોઈ સપનું આવ્યું કે શું? તું કોની સાથે વાત કરતો હતો? કઈ પરી... ને ક્યું પીંછું? શું બકતો હતો?’
આ સાંભળી પિન્ટુ ભાનમાં આવ્યો. તે શ્રેયા સામે જોઈ રહ્યો. શ્રેયા મરકમરક હસી રહી હતી. તે પરી જેવી સુંદર લાગતી હતી.
પિન્ટુએ શ્રેયાના ગાલે હાથ વીંટાળી પ્રેમથી કહ્યું : ‘દીદી, આઈ લવ યુ, આઈ લવ મમ્મી, આઈ લવ પપ્પા, આઈ લવ દાદા…’
ને શ્રેયાએ પિન્ટુને વહાલથી બાથમાં લઈ ચૂમી લીધો : મારો લાડલો ભાઈ!
(‘ખુશી અને પરી’માંથી)
સ્રોત
- પુસ્તક : નટવર પટેલની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 34)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2023