Chuntanijung - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચૂંટણીજંગ

Chuntanijung

જયભિખ્ખુ જયભિખ્ખુ
ચૂંટણીજંગ
જયભિખ્ખુ

    નામ નંદ પણ આનંદ નહિ.

    પ્રજાને આનંદ નહિ.

    ખેડૂતને આનંદ નહિ.

    કોઈને આનંદ નહિ.

    નંદરાજા પૈસાનો મહા લોભી, કારણ કે એ ખજાનો ભરવામાં સમજે. આવા લોભી રાજાના રાજમાં પ્રજા ક્યાંથી સુખી ને આનંદી હોય?

    આવો રાજા પ્રજાનું રક્ષણ પણ શું કરે? સેના કરતાં સોનાનો શોખ વધુ.

    સોનાથી મોજશોખ માણે કે સેનાથી રણમેદાનમાં લડે?

    એ વેળા એક બળિયો રાજા ભારત પર ચડી આવ્યો. એનું નામ સિકંદર.

    નંદરાજાએ તો કહેવા પૂરતો સામનો કર્યો, પણ રૈયતે ખૂબ બહાદુરી બતાવી. આ બહાદુરોમાં ચંદ્રગુપ્ત નામનો એક ક્ષત્રિય જુવાન આગળ આવ્યો.

    પ્રજાનું બળ અગાધ છે.

    પરદેશી સિકંદરને પ્રજાએ હેરાન હેરાન કરી નાખ્યો. એ થોડાક દેશો જીત્યો, પણ એની હાલત હારેલા જેવી થઈ. એ પોતાનું લશ્કર લઈને પોતાને દેશ પાછો ફર્યો.

    એ ગયો ખરો, પણ પાછળ પોતાના સૂબાઓને રાજ સોંપતો ગયો. બળતું ઘર કૃષ્ણાર્પણ કર્યું.

    સિકંદર ગયો એટલે નંદરાજા આવીને ગાદીએ ચડી બેઠો. પાછો પ્રજા પાસેથી પૈસા ઓકાવવા માંડ્યો. સહુને એક લાકડીએ હાંકવા લાગ્યો.

    નંદરાજાનો એક મંત્રી

    નામ એનું રાક્ષસ.

    પણ નર્યો ભલાઈનો અવતાર. કાદવમાં કમળ જેવો વફાદાર પણ એવો.

    રાક્ષસ મંત્રી નંદરાજાને ઘણું સમજાવે, પણ લોભી રાજા માને નહિ.

    પેલો જુવાન ચંદ્રગુપ્ત પ્રજાના રક્ષણ માટે તૈયાર થયો. એણે પહેલાં પરદેશી સૂબાઓને હાકલ કરી. એણે કહ્યું,

    ‘અમારા દેશમાં અમારું રાજ! પરદેશીઓ, તમે પાછા જાવ! વેળાસર ચાલ્યા જાવ!’

    પરદેશી સૂબાઓ એમ કાંઈ માને? એ તો લડવા તૈયાર થયા.

    ચંદ્રગુપ્તે પણ લશ્કર એકઠું કર્યું. લડાઈઓ લડવા મંડ્યો. પ્રજા અંદરખાનેથી તેને સાથે આપવા લાગી.આ વખતે એક ગરીબ બ્રાહ્મણ. નામે ચાણક્ય. ચંદ્રગુપ્તના મંત્રી તરીકે આવ્યો. પણ એનું વ્રત ગરીબીનું, તપ ગરીબીનું. સેવા ગરીબોની.

    ચંદ્રગુપ્ત પાસે જ કાંઈ ધન નહિ, તો બ્રાહ્મણ પાસે તો હોય જ શું? એને તો એવું વ્રત કે પૈસો ભેગો કરવો નહિ. દેશની સેવા કરવી ને પછી વનમાં જઈને તપ કરવું.

    ભલા, આવો ડાહ્યો ને સ્વાર્થવગરનો મંત્રી મળે, અને મંત્રીનું કહ્યું રાજા કરે, પછી બાકી શું રહે?

    ધીરે ધીરે પરદેશી સૂબાઓને તગેડી મૂક્યા.

    આ પછી ભારતના રાજાઓને એકઠા કર્યા.

    એમને સમજાવ્યું કે એકતા મોટી વસ્તુ છે. આપણે બધા એક થઈએ તો કોની મગદૂર છે કે ભારત સામે નજર પણ કરે?

    સિકંદર આપણા દેશમાં ફાવી ગયો, કારણ કે આપણે સહુ અલગ અલગ હતા. એકતામાં ખરું બળ છે.

    બધા રાજાઓ એક થયા. બહાદુર ચંદ્રગુપ્તની મદદમાં આવ્યા. લોભી નંદરાજા એકતામાં માનતો નહોતો, બધાએ ભેગા થઈને એને હરાવ્યો. ખજાનો હાથ કર્યો. એ ખજાનાથી લશ્કર એકઠું કર્યું. કિલ્લા ચણાવ્યા.

    ચંદ્રગુપ્ત ભારતનો મહાન રાજા બન્યો. એ વખતે સિકંદરનો સેનાપતિ સેલ્યુકસ ચડી આવ્યો. પણ ભારતના રાજાઓમાં એકતા હતી. સહુએ મળીને સેલ્યુકસને હરાવ્યો.

    સેલ્યુકસે પોતાની દીકરી ચંદ્રગુપ્તને આપી. આબુલ, હેરાત વગેરે ચાર પરગણાં કન્યાદાનમાં આપ્યાં.

    આખા ભારતમાં બહાદુરી માટે ચંદ્રગુપ્તની અને રાજનીતિ માટે ચાણક્યની વાહ વાહ થઈ ગઈ.

    રાજકારણમાં કૂટ (છૂપી) નીતિ પણ જોઈએ. ચાણક્ય એ જાણતા હતા, માટે એ કૌટિલ્ય કહેવાયા. એ મહાન ત્યાગી હતા, પૂજ્ય હતા, માટે ભગવાન કૌટિલ્ય કહેવાયા.

    ચંદ્રગુપ્તનું સુંદર નમૂનેદાર રાજ ચાલ્યું.

    પ્રજા એટલી સંસ્કારી બની કે કદી જૂઠું બોલે નહિ. લાખની હારજીત હોય, પણ સાચું હોય તે કહે.

    બંદોબસ્ત એટલો કડક હતો કે કોઈ કોઈનું પડાવી લે નહિ. લોકો ઘરને તાળું લગાડે નહિ. અણહકનું કે પારકું લેવામાં પાપ માને.

    પ્રજા એટલી શાંતિપ્રિય હતી કે કદી લડે નહિ. લડે તો સમાધાન કરી લે. કોઈ કચેરીમાં જાય નહિ.

    આવું નમૂનેદાર રાજ ચલાવ્યા પછી, મહામંત્રી ચાણક્ય હવે વનમાં જવાનો વિચાર કરવા લાગ્યા.

    સમ્રાટ ચંદ્રગુપ્ત એમને ગુરુ માનતા. એમણે કહ્યું, ‘કોઈ તમારા જેવા સારા માણસને તમારી જગાએ ચૂંટીને મૂકો, પછી જાઓ!’

    સમ્રાટને હતું કે ભારતમાં ચાણક્ય જેવો બીજો મંત્રી ક્યાં મળવાનો છે? અને નહિ મળે તો હું તેમને ક્યાં જવા દેવાનો છું?

    મહામંત્રી ચાણક્ય એવા માણસને ચૂંટી કાઢવા રાત-દહાડો મહેનત કરવા લાગ્યા. એમને રાજપાટના વૈભવ ગમતા નહિ. એક પવિત્ર બ્રાહ્મણ હતા, ને વન એમનું મનગમતું નિવાસસ્થાન હતું. તપ ને અભ્ચાસ એમની મોજ હતાં.

    આખરે એક દહાડો મંત્રી તરીકે એક નામ તેમણે ચૂંટી કાઢ્યું.

    સમ્રાટ ચંદ્રગુપ્ત પાસે એ નામ મૂક્યું, ને સમ્રાટ હસી પડ્યો. બોલ્યો,

    ‘ગુરુદેવ! શું વિરોધીના હાથમાં સત્તા સોંપવી છે? રાક્ષસ તો નંદરાજાનો મંત્રી હતો.’

    ‘ભલે એ વિરોધી હશે, પણ વિદ્વાન છે, સાચો છે. રાજ ચલાવવા માટે યોગ્ય છે, મારો વારસદાર થાય તેવો છે. આપણે તો ગાય વાળે એ ગોવાળ.’

    મહામંત્રીએ રાક્ષસ મંત્રીને તેડાવ્યો. રાશ્રસને ડર લાગ્યો કે હું નંદનો મંત્રી હતો માટે નક્કી મને દેહાંતદંડ દેશે. એ ભાગી ગયો.

    કોઈ રીતે રાક્ષસ હાથ આવે નહિ.

    પણ મહામંત્રી ચાણક્ય તો બુદ્ધિના ભંડાર હતા. એકાએક એક દહાડો હુક્મ કર્યો,

    ‘આ ગામના ચંદનદાસને પકડો. એણે રાજના નાસતાભાગતા ગુનેગાર મંત્રી રાક્ષસને છુપાવ્યો છે.’

    ચંદનદાસની તરત ધરપકડ થઈ.

    તરત એના પર કચેરીમાં કામ ચાલ્યું.

    મહામંત્રી ચાણક્યે હુક્મ કર્યો કે એનાં ઘરબાર જપ્ત કરો, એનાં બૈરા-છોકરાંને દિશનિકાલ કરો, ને ચંદનદાસને રાજના ભયંકર શત્રુને આશરો આપવાના ગુના બદલ ફાંસીની સજા કરો.

    કેવી ભયંકર સજા! આ તો ચીભડાના ચોરને ફાંસીની સજા!

    લોકો થરથરી ગયા. કકળાટ કરવા લાગ્યા. અરે, ન્યાયી મહામંત્રીને આ શું સૂઝ્યું!

    ચંદનદાસ કહે, ‘મહામંત્રી! હું નિર્દોષ છું.’

    પણ ચંદનદાસનું કોણ સાંભળે? શેરીએ શેરીએ મહામંત્રીની રાજમુદ્રાવાળા હુક્મો ચોડાઈ ગયા. ઢંઢેરો પિટાવીને ગામેગામ આ સજાની જાહેરાત કરી.

    શહેરની વચમાં ફાંસી ખડી કરવામાં આવી. ફાંસીગરા રેશમના દોર તૈયાર કરવા લાગ્યા, પણ ખરો મરદ ચંદનદાસ! પોતાનો મિત્ર રાક્ષસ પોતાના ઘેર નથી એટલું કહ્યું, પણ ક્યાં છે તે કહ્યું નહિ. મિત્ર માટે મોત કંઈ વિશેષ નથી.

    આખરે એણે કહ્યું, ‘એક મહાન મિત્ર માટે મરવું પણ મને ગમશે.’

    મહામંત્રી ચાણક્ય કઠોર ચહેરો કરીને ત્યાં ખડા હતા. ફાંસી માટે ચંદનદાસના ગળામાં હીરની દોરી નાખી કે તરત દૂરથી અવાજ આવ્યો,

    ‘થોભો. ગુનેગાર હાજર થાય છે.’

    સહુ લોકો અવાજની દિશામાં તાકી રહ્યા. એક માણસ દોડ્યો આવતો હતો. એનો શ્વાસ માતો નહોતો.

    લોકોએ એને જોઈને કિકિયારી કરી :

    ‘અરે! આ તો નંદરાજાના મંત્રી રાક્ષસ પોતે છે.’

    રાક્ષસ મંત્રી આવીને તરત ચંદનદાસના પડખે ઊભો રહ્યો ને બોલ્યો,

    ‘ચંદનદાસ મારો મિત્ર છે, પણ નિર્દોષ છે. એને છૂટો કરો. મને ફાંસી આપો.’

    મહામંત્રી ચાણક્ય શાંત ઊભા હતા. હાથથી ઇશારો કરી કામ ચાલુ રાખવા કહ્યું.

    ફાંસી આપનારાઓ ચંદનદાસને ફાંસી પર ચડાવવા લાગ્યા. મંત્રી રાક્ષસ મહામંત્રી ચાણક્ય પાસે ગયો ને કહ્યું,

    ‘ગુનેગાર હાજર છે, એને ફાંસી આપો. ચંદનદાસ ગુનેગાર નથી. એને છૂટો કરો.’

    ચાણક્યે કહ્યું,

    ‘મગધના મહામંત્રીનો હુક્મ છે.’

    રાક્ષસે કહ્યું,

    ‘એ હુક્મને ફેરવો.’

    ચાણક્યે શાંતિથી કહ્યું,

    ‘એક મહામંત્રીનો હુક્મ બીજો મહામંત્રી જ ફેરવી શકે.

    રાક્ષસદેવ! ચંદનદાસને છોડાવવો હોય તો મારું પદ તમે લો, ને પછી હુકમ ફેરવો.’

    રાક્ષસ કંઈ સમજ્યો નહિ.

    મહામંત્રી ચાણક્ય તેની પાસે ગયા, ને બોલ્યા,

    ‘રાક્ષસદેવ! યાદ રાખો. મંત્રી માટે જેટલો રાજા મહાન છે, એથી વધુ દેશ અને તેની જનતા મહાન છે. તમારી ચૂંટણી મેં મગધના મહામંત્રી તરીકે કરી છે. આ ચંદનદાસની ફાંસી નથી, પણ મંત્રીની પસંદગીનો ચૂંટણીજંગ છે. લો, આ મંત્રીપદની વીંટી સ્વાકારો અને  પ્રજાને આભારી કરો.’

    રાક્ષસ કહે, ‘હું મંત્રી થાઉં? શું પ્રજા મને સ્વીકારશે ખરી?

    ચાણક્ય કહે, ‘જરૂર. મારી પસંદગીમાં પ્રજાને પૂરો વિશ્વાસ છે. મેં તમને ક્યારથી મારા મનમાં મંત્રી તરીકે ચૂંટ્યા હતા. આજે પ્રજાની સામે તમારી ચૂંટણી થાય છે. લો, આ મંત્રીમુદ્રા સ્વીકારો ને સહુથી પહેલું કામ મિત્રના પ્રાણની રક્ષાનું કરો.’

    રાક્ષસ ગદગદ થઈ ગયો. એ મહામંત્રી ચાણક્યને નમી પડ્યો ને બોલ્યો,

    ‘ઓહ, આપ કેટલા મહાન છો! આપ વિરોધી પર પણ વિશ્વાસ રાખો છો.’

    ચાણક્યે તેને મંત્રીપદની મુદ્રા પહેરાવીને કહ્યું,

    ‘તમારી મહત્તાને મેં પિછાણી છે. આ પ્રજા, આ રાજ ને  રાજા તમારાં છે. ચંદનદાસની ફાંસી તો તમને હાજર કરવાનું એક કાવતરું હતું. પ્રધાનપદની ચૂંટણીનો જંગ હતો.’

    ‘મહારાજ ચંદ્રગુપ્તને કહો કે મગધના નવા મહામંત્રીની ચૂંટણી થઈ ગઈ છે. મહારાજ નવા મંત્રીને વધાવવા ને જૂનાને વિદાય આપવા પધારે!’

    મહારાજ ચંદ્રગુપ્તને સંદેશ મળ્યો. બધી વિગતો મળી. તેઓએ કહ્યું,

    ‘અજબ છે મહામંત્રી ચાણક્યનો ચૂંટણીજંગ.’

    સમ્રાટ ચંદ્રગુપ્ત આવ્યો.

    નવા મહામંત્રી રાક્ષસનો સત્કાર કર્યો.

    મહામંત્રી ચાણક્યને વનમાં જવા વિદાય આપતાં કહ્યું,

    ‘મહર્ષિ! અજબ હતો આપનો ચૂંટણીજંગ! આપની યાદી પણ અમને સારાં કામ માટે માર્ગ ચીંધશે.’

સ્રોત

  • પુસ્તક : જયભિખ્ખુની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 111)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2014