Patelnu Ghadiyal - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પટેલનું ઘડિયાળ

Patelnu Ghadiyal

હરિપ્રસાદ વ્યાસ હરિપ્રસાદ વ્યાસ
પટેલનું ઘડિયાળ
હરિપ્રસાદ વ્યાસ

    બકોર પટેલ પાસે હાથે બાંધવાનું એક સરસ ઘડિયાળ હતું. ઘડિયાળ સોનાનું હતું. અને તેનો દેખાવ પણ મજાનો હતો. એટલે પટેલને તે બહુ ગમી ગયું હતું. પણ એક દિવસ એ ઘડિયાળ ગુમ થઈ ગયું!

    પટેલ સવારનું છાપું વાંચતા હતા. છાપું વાંચી આઘું મૂક્યું ને કેટલા વાગ્યા તે જોવા જાય છે, તો ઘડિયાળ ન મળે! પટેલના પેટમાં ફાળ પડી. આવું સરસ અને મોંઘુ ઘડિયાળ ગુમ થઈ જાય એ કેમ સહન થાય!

    તેમણે તો ચારે બાજુએ તપાસ કરવા માંડી. ટેબલનાં ખાનાં બહાર કાઢી નાખ્યાં. ચોપડીઓ ઉથલાવી જોઈ. કબાટ ફંફોસી જોયાં. પણ ક્યાંય ઘડિયાળ ન દેખાયું પછી તેમણે એક પછી એક કબાટ ખાલી કરી નાખ્યાં. ટેબલનાં ખાનાં ફરી ઊંધાં વાળીને બધું તપાસી જોયું. ચોપડીઓના કબાટને ખાલી કરી નાખ્યું, પણ ઘડિયાળ કેવું ને વાત કેવી! ડ્રાઁઇંગરૂમમાં બધું વેરણછેરણ થઈ ગયું,. જાણે મોટો ઉકરડોસ્તો!

    પટેલ આ ધમાલમાં પડ્યા હતા, એટલામાં બહારથી શકરી પટલાણી આવી પહોંચ્યાં. ડ્રાઁઇંગરૂમનો દેખાવ જોઈને તે એકદમ ચોંકી ઊઠ્યાં!

    “હાય હાર! આ શું થયું? ધોળે દિવસે ચોર-બોર આવ્યો હતો કે શું?”

    પટલાણીનું કહેવું સાંભળી પટેલ લમણે હાથ દઈને ખુરશીમાં બેસી ગયા અને બોલ્યા : “અરે, ધોળે દિવસે ચોર ક્યાં આવવાનો હતો? હું તો ઘડિયાળ શોધું છું – ઘડિયાળ! પેલી સોનાની ઘડિયાળ જડતી નથી. તેં જોઈ છે?”

    “હાય, હાય! સોનાની ઘડિયાળ ગુમ થઈ? અરરરરર! ક્યાં ગઈ.

    “મને ખબર હોય તો તને શા માટે પૂછું આવું રમણભમણ શા માટે કરવું પડે?”

    પટેલનો ખુલાસો સાંભળી પટલાણીએ પણ ઘડિયાળ ખોળવા માંડી. તેમણે પણ પાછું બધું ફરીથી ઉથામવા માંડ્યું. એટલામાં તેમના પાડોશી ગાડરભાઈ ઘીવાળાની સવારી આવી પહોંચી.

    “કેમ બકોરભાઈ! આ શું થયું? તમારા ઘરમાં ધરતીકંપ થયો કે શું? મારે ત્યાં તો કંઈ નથી!”

    પટેલે જવાબ આપ્યો : “ના ભાઈ, ના! આ તો મારું ઘડિયાળ ગુમ થયું છે તે ખોળીએ છીએ.”

    “પણ તેમાં આટલી બધી ઊથલપાથલ?”

    “હાસ્તો. ઘડિયાળ સોનાનું છે – સસ્તું નથી.”

    ગાડરભાઈ જાણે વિચારમાં પડી ગયા હોય તેમ દાઢી પર હાથ ફેરવવા લાગ્યા. પછી કંઈ યાદ આવતાં બોલ્યા : “બકોરભાઈ, તમે ઑફિસે તો ઘડિયાળ ભૂલી આવ્યા નથી ને?”

    “હા, હા, કદાચ ત્યાં રહી ગયું હોય!” કહી પટેલ કૂદ્યા અને શકરી પટલાણીને ઝટઝટ રસોઈ કરવા કહ્યું. પટલાણીએ ઝટપટ રસોઈ કરી કાઢી, એટલે પટેલ જમવા બેઠા. કોળિયા ભરે પણ જીવ ઑફિસમાં. થોડીવારમાં તો પટેલ જમી રહ્યા. શું જમ્યા, તે પણ ભાન રહ્યું નહિ! પછી તરત કપડાં બદલ્યાં અને પહોંચ્યા સ્ટેશન ઉપર.

    ટ્રેન આવી એટલે પટેલ એમાં બેઠા. ટ્રેનમાં પણ તેમને ઘડિયાળના જ વિચારો આવ્યા કરે! ક્યારે ઑફિસે પહોંચું અને ટેબલનાં ખાનાં તપાસી જોઉં, એમ થયાં કરે. તે દિવસે તેમને ઇલેક્ટ્રિક ટ્રેન પણ ધીમી ચાલતી લાગી. એમનું ચાલતું હોત, તો વિમાનમાં બેસીને ઑફિસે પહોંચી જાત!

    જેમતેમ કરી પટેલ ઑફિસે આવી પહોંચ્યા. સીડીનાં પગથિયાં પણ બબ્બે સામટાં જ ચડી ગયા! હજી વખત થયો નહોતો, એટલે ઑફિસમાં કોઈ આવ્યું ન હતું. પટેલે પોતાની પાસેની ચાવીથી તાળું ઉઘાડ્યું અને સીધા પોતાના ટેબલ પાસે દોડ્યા. ટેબલ ઉપર આમતેમ જોયું. પછી ખાનાં ઉઘાડી અંદર તપાસ કરી, પણ ઘડિયાળ ત્યાં હોય તો જડે ને! જ્યારે ઘડિયાળ ક્યાંય ન જડ્યું ત્યારે પટેલે નિસાસો નાખ્યો અને ખુરશીમાં બેસી પડ્યા.

    વખત થતાં ઘીમે-ધીમે નોકર, કારકુનો, એકાઉન્ટન્ટ વગેરે આવવા માંડ્યા. બધાને આશ્ચર્ય થયું કે શેઠ આજે આટલા વહેલા કેમ આવ્યા છે! પણ પૂછવાની કોઈની હિંમત ચાલે નહિ. પટેલનું મોઢું પણ એવું ઉદાસ થઈ ગયું હતું કે જાણે તેમના પિતાશ્રી આજે જ ગુજરી ગયા ન હોય!

    બધાએ ધીમે-ધીમે ગુસપુસ કરવા માંડી. કાબરો કેશવ કહે કે શેઠના પિતા મરી ગયાનો તાર આવ્યો હશે! એકાઉન્ટન્ટ બાંકુભાઈ બંદર કહે કે શેઠે કંઈ પૈસા ગુમાવ્યા હશે! શકરાભાઈ શિયાળ કહે કે આપણે વખતસર આવીએ છીએ કે નહિ તે જોવા માટે આજે શેઠ વહેલા આવ્યા હશે! બધા આમ વિચાર કરતા હતા, તેવામાં બકોર પટેલે ઘંટડી મારી નોકરીને બોલાવ્યો. નોકર સલામ ભરીને ઊભો રહ્યો એટલે પટેલે તેને પૂછ્યું : “કાય રે, વિઠુ! માઝી ઘડિયાળ પાહિલી છે કે?”

    “કઈ ઘડિયાળ, શેઠ?”

    પટેલ કહે : “મારી સોનાની ઘડિયાળ જડતી નથી. હું હાથે બાંધું છું તે અહીં જ રહી ગઈ હોવી જોઈએ.”

    વિઠુ વાછરડાએ બન્ને હાથથી ના-ના કરતાં જવાબ આપ્યો : “ના રે, શેઠ! અહીં હોય તો મારા હાથમાં આવ્યા વિના રહે નહિ. આપ ઘેર ભૂલી ગયા હશો.”

    વિઠુના જવાબથી પટેલને સંતોષ થયો નહિ. તેમને ખૂબ ગુસ્સો આવ્યો. તેમણે પેઢીના દરેક કર્મચારીને પૂછી જોવાનો વિચાર કરી કહ્યું : “ઠીક, જા. તું બધાને અહીં મારી પાસે બોલાવી લાવ.”

    વિઠુ ગભરાતો-ગભરાતો બહાર ગયો. પટેલનો મિજાજ જાય ત્યારે એ કોઈના નહિ! વિઠુએ બધાને ખબર આપી. બધા ગભરાવા લાગ્યા. આ તો માર્યા ઠાર! ઘડિયાળ નહિ જડે તો શેઠ શુંનું શુંય કરી નાખશે! સૌ ધ્રૂજતા-ધ્રૂજતા શેઠની કૅબિનમાં દાખલ થયા.

    પટેલે પોતાની બેઠક એક જુદી જ કૅબિનમાં રાખી હતી. વચ્ચે મોટું ટેબલ હતું. તેમને બેસવા માટે ગોળ ફરતી ખુરશી હતી. ટેબલ ઉપર ટેલિફોન હતો તથા કેટલાંક કાગળિયાં પડ્યાં હતાં. સામે બે ખાલી ખુરશીઓ હતી. કોઈ મળવા આવે તે તેના ઉપર બેસે.

    બધા કર્મચારીઓ અંદર આવી હારબંધ ઊભા રહ્યા. એક છેડે વિઠુ પણ ઊભો, જાણે કોર્ટ જોઈ લો! પટેલે બધાને કહ્યું : “મારી સોનાની ઘડિયાળ ગુમ થઈ છે. અહીં જ રહી ગઈ હતી. કોઈએ લીધી હોય તો કહી દો. હું માફી આપીશ.”

    બધાએ ડોકાં ધુણાવ્યાં. બાંકુભાઈ બંદર કહે : “શેઠ આપને ત્યાં દસ વરસથી નોકરી કરું છું. કદી કોઈ વસ્તુ લીધી છે?”

    કાબરો કેશવ કહે : “શેઠજી! અમને જડી હોય તો તરત આપી દઈએ. આપ બીજે ક્યાંય ભૂલી ગયા હશો!”

    બીજા કર્મચારીઓએ પણ આવા જ ખુલાસા કર્યા. શેઠ તો ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. આ શું કહેવાય? ઘડિયાળ જેવી વસ્તુ ઑફિસમાંથી ગુમ થાય ત્યારે થઈ રહ્યું ને? આજે ઘડિયાળ ગઈ, તો કાલે બીજી એથી પણ ભારે વસ્તુ જાય ને! બકોર પટેલનો મિજાજ ગયો. તેમણે ટેબલ ઉપર મુક્કી પછાડી. તેમને વિઠુ ઉપર શક આવ્યો. સાંજે એ જ ઑફિસ બંધ કરતો. તાળું મારી ચાવી પોતાની પાસે રાખતો. બીજે દિવસે સવારે આવી પાછી ઑફિસ ઉઘાડતો, કચરો વાળતો અને પાણી ભરતો. પોતે ઑફિસમાં ભૂલી ગયા હોય, તો ઘડિયાળ એના હાથમાં ગયા વિના રહે ખરી? પટેલે તરત તેને હુક્મ ફરમાવ્યો :

    “વિઠુ! ચાલ, અત્યારે ને અત્યારે મારી ઑફિસ છોડીને ચાલ્યો જા! ઑફિસ તું બંધ કરે છે. તારા સિવાય બીજા કોના હાથમાં ઘડિયાળ જાય? તું ગરીબ છે એટલે એમ ને એમ જવા દઉં છું, નહિ તો પોલીસને જ સોંપી દેત.”

    વિઠુએ બહુ કાલાવાલા કર્યા, પણ પટેલે માન્યું નહિ. તેમણે તેને કાઢી મૂક્યો. બધા કર્મચારીઓ પોતાની જગ્યાએ જઈને છાનામાના કામે વળગ્યા. તેમણે અંદર-અંદર ગુસપુસ વાતો કરવા માંડી.

    સાંજના પાંચ વાગ્યા. પટેલ ઘેર જવા તૈયાર થયા. જતાં-જતાં તેમણે બાંકુભાઈ બંદરને કહ્યું : “કોઈ સારો નોકર હોય તો કાલે તેડતા આવજો. પ્રામાણિક જોઈએ. આપણી ઑફિસ માટે રાખી લઈશું.”

    બકોર પટેલ ટૅક્સીમાં બેસીને સ્ટેશન પહોંચ્યા અને ટ્રેનમાં બેસી ઘેર આવ્યા. ઘરમાં પેઠા કે તરત શકરી પટલાણીએ પૂછ્યું : “કેમ, ઘડિયાળ જડી?”

    પટેલે કપડાં બદલતાં-બદલતાં જવાબ આપ્યો : “ના. પણ પેલા વિઠુ વાછરડાએ જ ઉઠાવી લીઘી હોવી જોઈએ! એ જ રોજ ઑફિસ બંધ કરે છે ને? એ લુચ્ચાને મેં આજે કાઢી મૂક્યો.”

    “એ ઠીક કર્યું. હશે ત્યારે. હવે જીવ ન બાળતા. જીવ બાળવાથી કંઈ ઘડિયાળ પાછી આવવાની છે!”

    પટેલ ખુરશીમાં બેઠા અને બોલ્યા : “ઘડિયાળ ન જડી એટલે જીવ તો બળે જ ને! કેવી સરસ ઘડિયાળ હતી!”

    પટલાણીએ દિલાસો આપતાં કહ્યું : “ભલે ખોવાઈ ગઈ. એને માટે જીવ ન બળાય. એવી બીજી લાવજો. પેલા બિલ્લુકાકાને કહેજો ને, તે સરસ જોઈને કાઢી આપશે.”

    શકરી પટલાણી બોલી રહે તે પહેલાં તો પટેલ છલાંગ મારીને ઊભા થઈ ગયા અને બોલ્યા : “હાં આવ્યું! હવે આવ્યું!”

    પટલાણી ગભરાઈ ગયાં.

    “શું થયું? શું આવ્યું?” એમ કહી પટલાણીએ બારી બહાર જોયું. બહાર તો કોઈ દેખાતું ન હતું. પટેલના તરફ જોયું તો તે હસતા-હસતા કૂદાકૂદ કરતા હતા! પટલાણીને કંઈ સમજણ ન પડી. તેમણે પૂછ્યું : “પણ શું આવ્યું?”

    પટેલ આનંદથી હસું-હસું થતાં બોલ્યા : “બીજું શું આવે? યાદ આવ્યું! હવે યાદ આવ્યું! ઘડિયાળ તો મેં બિલ્લુકાકાને રિપૅર કરવા આપી છે! હું તો ભૂલી જ ગયો હતો. તેં બિલ્લુકાકાનું નામ દીધું, ત્યારે યાદ આવ્યું! બિચારો વિઠુ! કાલે મારે જાતે જઈને તેને બોલાવી લાવવો પડશે!”

    હોઠ મલકાવતા અને આનંદથી નાચતા બકોર પટેલની સામે શકરી પટલાણી જોઈ રહ્યાં!

    બીજે દિવસે પટેલ જાતે વિઠુને બોલાવવા તેને ઘેર ગયા. વિઠુની માફી માગી. પણ વિઠુ કેમે કર્યો માને નહિ! પટેલે તેને માંડમાંડ સમજાવ્યો. ત્યારે પાછો આવવા કબૂલ થયો.

    તે દિવસે એક સરસ ઘડિયાળ મંગાવીને પટેલે વિઠુને આપી.

    બકોર પટેલ આવા ભલા – નોકરની ભૂલ લાગે તો સજા પણ કરે ને પોતાની ભૂલ હતી એવો ખ્યાલ આવે તો નોકરની પણ માફી માગે!

સ્રોત

  • પુસ્તક : હરિપ્રસાદ વ્યાસની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 96)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2023