chambuprasad - Children Stories | RekhtaGujarati

ચંબુપ્રસાદ

chambuprasad

જયભિખ્ખુ જયભિખ્ખુ
ચંબુપ્રસાદ
જયભિખ્ખુ

                નામ ચંબુપ્રસાદ, ઉંમર વર્ષ ત્રણ.

 

                મણિરાય નામનો સત્તર વર્ષનો જુવાન.

 

                ચંબુપ્રસાદ ને મણિરાય જિગરજાન દોસ્તો.

 

                સવારે સાથે. બપોરે તો સાથે. સાંજે તો સાથે. રાતે પણ સાથે. મણિરાય સૂવે તો ચંબુપ્રસાદ પાસે ને પાસે. ઘડી એક છૂટા પડે નહિ.

 

                ચંબુપ્રસાદનો એક ગુણ.

 

                માગો ત્યારે ઠંડાં મીઠાં જળ આપે.

 

                સાથે ચાલવાનું કહો તો સાથે ચાલે.

 

                પડી રહેવાનું કહો તો પડી રહે.

 

                બેસી રહેવાનું કહો તો બેસી રહે.

 

                જીભ હલાવવાની વાત નહિ.

 

                ચંબુપ્રસાદનું મૂળ વતન તો મુંબઈ.

 

                મુંબઈથી ચંબુપ્રસાદ અહીં એક શેઠ સાથે આવેલા. મણિરાયે શેઠની ખૂબ સેવા કરી. સેવાના મણિરાયને મેવા મળ્યા. ચંબુપ્રસાદ પર એમનું ચિત્ત ચોટી ગયું!

 

                કેવા સારા ચંબુપ્રસાદ!

 

                કેવા ઠંડા-મીઠા ચંબુપ્રસાદ!

 

                માથું તપી જાય કે તરત ઠંડક કરે. પગ બગડે કે તરત ધોઈ નાખે. મણિરાય જમવા બેસે તો ચંબુપ્રસાદ સામે બેસે. માગે એટલું પાણી આપે જાય. જાણે મહાન જાદુગર કે. લાલનો ‘વૉટર ઑફ ઇન્ડિયા’નો જાદુગરીવાળો લોટો જોઈ લો!

 

                શેઠ તો પાછા મુંબઈ રવાના થયા, પણ મણિરાયની સેવા અજબ હતી. મણિરાયની મનની વાત એ જાણતા હતા. ચંબુપ્રસાદની અને મણિરાયની પ્રીતને એ પિછાણતા હતા.

 

                ચંબુપ્રસાદ આ પ્રદેશમાં સાવ નવા હતા, પણ તોયે મણિરાયને ભેટ ધર્યા. ‘લો, આ ચંબુપ્રસાદ. કરો લહેર.’

 

                મણિરાય રાજીના રેડ થઈ ગયા. ચંબુપ્રસાદને લઈને ઠેર ઠેર ફરવા લાગ્યા. કોઈને અડવા પણ ન દે, પછી ટપલી મારવાની તો વાત કેવી?

 

                એક વાર મણિરાય બહારગામ ચાલ્યા. મણિરાય રહે બીલખા ગામમાં. બીલખા સૌરાષ્ટ્રમાં.

 

                બીલખાથી જેતપુર જવાનું!

 

                એ વખતે ટપ્પાની મુસાફરી.

 

                ટપ્પાવાળા ખૂબ પૈસા લે. એ શોખ પૈસાદારને પોસાય. બીજા તો ગાડામાં મુસાફરી કરે.

 

                ગાડાં ચાલે ધીરાં ને ધીમાં ગાડામાં મુસાફરી કરનારા ઘેરથી બહુ વહેલા નીકળે. કોઈ પરોઢિયે ચાર વાગે નીકળે, કોઈ ત્રણ વાગે નીકળે. ભલે રાત હોય, અંધારું હોય, એકાંત હોય, પણ એવે ટાણે રસ્તો જલદી કપાય.

 

                મણિરાય સાંજે બીલખાની બજારમાં ગયા. ગાડાવાળા સાથે પૂછપરછ કરવા લાગ્યા. ભાવતાલ પૂછવા લાગ્યા. કેટલાક તો મોંમાગ્યાં ભાડાં લે.

 

                એક ગાડાવાળો. એણે વાજબી ભાડું કહ્યું. વાજબીથી પણ થોડું ઓછું કહ્યું.

 

                મણિરાયને એણે પૂછ્યું : ‘કોણ કોણ છો?’

 

                મણિરાય કહે, ‘હું, મારા ઘેરથી, મારા મોટા ભાઈ.’

 

                ગાડાવાળો કહે, ‘પણ જરી વહેલું નીકળવું પડશે. દિવસ ઊગતાં જેતપુર પહોંચી જઈએ તો સારું.’

 

                મણિરાય કહે, ‘ભલે.’

 

                ગાડાવાળો કહે, ‘સારું, સારું. ફકર કરશો નહિ. રામ જેવો રખેવાળ છે, પછી શો ભો?’

 

                ગાડાવાળો મણિરાયને સારો માણસ લાગ્યો. રાતે હજી અઢી વાગ્યા હશે ને આવી પહોંચ્યો. ગાંસડાંપોટલાં લઈ બધા ગાડામાં ચડી બેઠા.

 

                ત્રણેક વાગે ગાડું રવાના થયું. ગાડાવાળો ભારે મીઠો ભાઈ! ઘણી વાર ભજનભાવની વાતો કરે, થોડી વાર આશ્રમની વાતો કરે.

 

                ત્યાં તો પડખે કોઈ દેખાયું!

 

                ગાડાવાળાએ પડકાર કર્યો : ‘કોણ એ?’

 

                જવાબ મળ્યો : ‘હું દેવદાન.’

 

                મણિરાય કહે, ‘ઓહો, કોણ દેવદાનભાઈ કે? આવો, આવો. સારો સંગાથ થયો.’

 

                દેવદાનભાઈ બીલખા આશ્રમના ચોકીદાર હતા. મરદ માણસ હતા. ગાડાવાળો ચૂપચાપ ગાડું હાંકવા લાગ્યો.

 

                ધીરે ધીરે કાળા આકાશી પડદા ચિરાતા હતા. મોંસૂઝણું થયું હતું. સાડા પાંચનો સુમાર થયો હતો.

 

                મારગનું ચારવડા ગામ આવ્યું.

 

                દેવદાનભાઈ જે જે કરીને ગામમાં ચાલ્યા ગયા. બીજા બધા આગળ વધ્યા.

 

                ગાડાવાળો નેકીવાન માણસ લાગ્યો. મોડું થયું હતું, મુસાફરોને જલદી પહોંચાડવા એ એની ફરજ હતી. બળદને જોરથી બે પરોણા માર્યા, જોરથી રાશ ખેંચી, ને ગાંડું જોરથી દોડવા માંડ્યું.

 

                ખાડો આવે ત્યાં બધાં ઊછળે, પણ મુસાફરીની મોજ આવે. ગાડું ધમધમાટ વહ્યું જાય!

 

                અરે, આ શું?

 

                એક ખાડો આવ્યો.

 

                ગાડું ઉછળ્યું, નીચે પછડાયું; ને સાથે સાથે આગળ રહેલા ચંબુપ્રસાદ પડ્યા હેઠા! બેસવાની પણ રીત હોય છે ને!

 

                ‘અરે, રોકો, રોકો! ચંબુ! ચંબુ!’

 

                પણ જોરમાં જતા ઢાંઢા (બળદ) એમ રૂકે ખરા? ને અકસ્માત તો ભયંકર બન્યો.

 

                ચંબુપ્રસાદ ગાડાના પૈડા નીચે આવી ગયા. એમનું મોટું પેટ ચગદાઈ ગયું. અંદરથી પાણી બહાર નીકળી પડ્યું! રસ્તો આખો ભીનો ભીનો!

 

                મણિરાયથી રહેવાયું નહિ. એમણે થોડા ધીરા પડેલા ગાડામાંથી નીચે કૂદકો માર્યો.

 

                પોતાનો જિગરજાન મિત્ર ચંબુ! હાય ચંબુ!

 

                અરર! એની આ દશા! શંકરનું ત્રીજું નેત્ર ખૂલવાની અને તેમાંથી જ્વાળા નીકળવાની તૈયારી થઈ ગઈ.

 

                મણિરાય દોડ્યા! દોડીને ચંબુપ્રસાદને ઊંચકી લીધા. પણ રે, કેવી ભયંતર હાલત! મણિરાયનું રૂંવેરૂંવું બળી રહ્યું. ગાડાવાળાને બે અડબોથ દેવાનો વિચાર થયો. પણ આમાં એનો વાંકગુનો શો? એણે તો આપણા માટે ગાડું દોડાવ્યું હતું! ઊલટા પેટના દીકરા જેવા ઢાંઢાને સબોડ્યા હતા.

 

                હવે તો આકાશી ચંદરવામાં સોનેરી તેજ ઢળવાની તૈયારી હતી. કાળું જંગલ રૂપ ધરતું હતું. વહેલાં જાગનારાં પંખી બોલતાં હતાં.

 

                મણિરાય ચંબુપ્રસાદને ઊંચકી ગાડા પાસે આવ્યા. ઠીક ઠીક વખત વીત્યો હતો. ગાડાવાળાએ વળી જોરથી ગાડું હાંક્યું.

 

                મણિરાયનાં પત્નીની નજર સીમમાં ફરતી હતી. એમણે કહ્યું,

 

                ‘કોઈ બે માણસ આગળ છુપાયેલા લાગે છે.’

 

                મણિરાયના મોટા ભાઈ અંબાશંકરબાઈ. એ જમાનાના જાણકાર. એમને પણ કંઈક ગંધ આવી. એમણે ગાડવાળાને કહ્યું,

 

                ‘ગાડું ધીરું કરો.’

 

                પણ ગાડાવાળાએ તો ધીરું કરવાને બદલે ઝપટ કરી. મણિરાયે પણ ધીરું કરવા કહ્યું, પણ સાંભળે કોણ? ગાડું તો ઓર ઝપટ કરવા લાગ્યું.

 

                મોટા ભાઈ તરત નીચે કૂદ્યા. ઝપટ કરીને બળદની રાશ પકડી લીધી. ગાડું થોભાવી દીધું.

 

                ગાડાવાળાનું મોં બગડી ગયું.

 

                પેલા બે વહેમ પડતા માણસ આગળ-પાછળ આવેલી ઝાડીમાં જઈ ભરાયા. અંબાશંકરભાઈ કહે,

 

                ‘આગળ કાકા બેઠા છે, જોતો નથી? અમારે લૂંટાવું નથી.’

 

                ગાડાવાળો કહે, ‘કોઈ નથી. હવે તો અજવાળું થવા આવ્યું છે.’

 

                ગાડું થોભ્યું એટલે સામેથી પેલા બુકાનીવાળા બે માણસો દોડતા આવ્યા. બોલ્યા,

 

                ‘કેમ ગાડું રોકીને ઊભા છો?’

 

                અંબાશંકર કહે, ‘અમે બધું જાણીએ છીએ.’

 

                ગાડાવાળો પેલા બે જણાને આંખો મિચકારતો બોલ્યો : ‘ભાઈ સાબ! તમ તમારે રસ્તે જાઓ. આ ભલા માણસોને મફતનો વહેમ પડે છે.’

 

                એટલામાં તો ગામનું કામ પતાવી દેવદાનભાઈ આવી પહોંચ્યા. દેવદાનભાઈને જોયા કે પેલા દોંગા માણસો જાય ભાગ્યા.

 

                ગાડાવાળો પણ ગરીબ ગાય બની ગયો.

 

                દેવદાનભાઈ બોલ્યા : ‘આ ગાડાવાળો ને પેલા ચોર મળેલા છે. ગાંધી-વૈદનાં સહિયારાં જેવો આ લોકોનો ઘાટ છે. કોઈ દિવસ ગાડું સાંજે બાંધવું નહિ. અજાણ્યો ગાડીવાન લેવો નહિ. મેં તમારી વાત સાંભળેલી. મારે મોડું નીકળવું હતું, પણ તમારા કારણે વહેલો નીકળ્યો. અંધારામાં કામ પતાવી દેવાનો તેઓનો વિચાર હતો. પણ વારુ, તમને આટલું મોડું કેમ થયું?’ !’

 

                મણિરાયે ચંબુપ્રસાદની લાશ બતાવીને કહ્યું, ‘આ ચંબુપ્રસાદને અકસ્માત નડ્યો. એ ગાડામાંથી પડી ગયા ને છૂંદાઈ ગયા. એમને લાવવા-મૂકવાના કામમાં ખાસ્સો અડધો કલાક નીકળી ગયો.’

 

                દેવદાનભાઈ બોલ્યા : ‘આ ચંબુપ્રસાદનો જેટલો આભાર માનો એટલો ઓછો છે. એના કારણે ગાડાવાળો મોડો પડ્યો. સંતલસ કરેલો સમય વીતી ગયો, એટલે ચોર ખબર કાઢવા સામે આવ્યા, ને તમે બચી ગયા.’

 

                મણિરાયનું હૈયું ગદગદ થઈ ગયું. એમણે કહ્યું,

 

                ‘આ ચંબુપ્રસાદે જીવતાં મારી સેવા કરી ને આખરે સેવા કરતો મર્યો. એ મને ખૂબ પ્યારો હતો. મુંબઈના એક શેઠની મેં સેવા કરેલી. એમણે મને આ ચંબુ ભેટ કરેલો. સાવ હલકો છે. એલ્યુમિનિયમનો છે! હું એને પાસે ને પાસે રાખતો. બહુ ભાવથી રાખતો એટલે બધા એને ચંબુપ્રસાદ કહેતા.’

 

                ચંબુપ્રસાદ એટલે પેચવાળો પાણીનો લોટો.

 

                મણિરાય એટલે આપણા મહાન સાહિત્યકાર શ્રી ધૂમકેતુ!

 

                શ્રી ધૂમકેતુ કહેતા કે મારું જીવન આવા અનેક અકસ્માતોના તાણાવાણાથી ગૂંથાયેલું છે. અકસ્માતમાંથી જ હું આગળ વધ્યો છું.

સ્રોત

  • પુસ્તક : જયભિખ્ખુની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 66)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2014