Chhayadano Vepar - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

છાંયડાનો વેપાર

Chhayadano Vepar

મેહુલ મંગુબહેન મેહુલ મંગુબહેન
છાંયડાનો વેપાર
મેહુલ મંગુબહેન

    સુંદરવન અને રંગપુરના રસ્તે આવેલું વડનું ઝાડ અનેક લોકો તથા પશુપંખીઓ માટે છાંયડાનો સહારો હતું. આ ઘટાદાર વડ બધાનો માનીતો હતો એટલે કોઈ તેને કદી ન કાપતું. શહેરમાં લાકડાંનો વેપાર કરતાં ધનજી શેઠની આ વડ પર ઘણા સમયથી નજર હતી, પણ ત્યાં સતત હાજર રહેતાં પ્રાણીઓ તેમજ લોકોની બીકે તે કંઈ કરી શકતા નહોતા.

    એક વાર લાકડાંના વેપારમાં મોટી ખોટ જતાં ધનજી શેઠે તો ગમે તેમ કરીને ઘટાદાર વડનો કબજો મેળવી લેવા કમર કસી. તે કઠિયારાનો વેશ લઈ ચોવીસ કલાક ત્યાં જ રહેવા લાગ્યા. એક દિવસ આસપાસ કોઈ હાજર નહોતું તેવો લાગ જોઈ તેમણે વડનાં ખૂબ વખાણ કર્યાં અને પૂછ્યું,

    “આ બધાં પ્રાણીઓ તમારો છાંયડો એમ જ વાપરે છે કે તમને કંઈ આપે છે?

    વડે હસતાં હસતાં કહ્યું, “અરે, છાંયડાનું તે શું મૂલ્ય હોય? એ તો બધાં એમ જ...

    તરત જ ધનજી શેઠ બોલ્યા, “એમ તે હોતું હશે કંઈ! હું એક મોટા શહેરમાંથી આવું છું. તમારી ઘટાઓનો છે તેવો છાંયડો તો ત્યાં સોના ભારોભાર વેચાય છે અને અહીં આ લોકો છાંયડે બેસે છે અને તમને ગંદા પણ કરે છે. તમે આ બધાને અહીંથી ભગાડશો તો જ તેમને તમારું ખરું મૂલ્ય સમજાશે.”

    વડને ધનજી શેઠની વાત સાચી લાગી, પણ પ્રાણીઓને ભગાડવાનો તેમની પાસે કોઈ રસ્તો ન હતો. ધનજી શેઠ તરત જ વડની મૂંઝવણ પારખી ગયા અને બોલ્યા,

    “આ તો હું તમારો દોસ્ત છું એટલે કહું છું. તમારો છાંયડો વાપરવાનો હક મને આપી દો એટલે હું. બધાને સીધાદોર કરી નાખીશ. આપણે બેઉ સાથે મળી છાંયડાનો વેપાર કરીશું. જે લાભ થશે તેના વડે તમારી ડાળીઓને સોને મઢી દઈશું. તમારા માટે ખાસ પાણીનો કૂવો કરાવીશું. તમારું ચારે બાજુ નામ થશે.

    વડ હવે ખરેખર ધનજી શેઠની વાતમાં આવી ગયો અને તેણે પોતાના છાંયડાનો ઉપયોગ કરવાના બધા અધિકારો ધનજી શેઠને આપી દીધા.

    ધનજી શેઠે તો તરત જ તમામ પ્રાણીઓને ભગાડયાં. બધાં પંખીઓના માળા તોડી પાડયા. પ્રાણીઓ તથા પંખીઓ વડને કરગરતાં રહ્યાં, પણ ડાળોને સોને મઢવાની લાલચમાં આવી ગયેલો વડ કાંઈ ન બોલ્યો. ધનજી શેઠે વડને સાવ એકલો કરી મૂક્યો.

    પછી તો રોજેરોજ વડની એક ડાળ કાપે અને “શહેરમાં છાંયડો વેચવા જાઉં છું, સોનું લઈને આવું છું.” એમ કહીને નીકળી જાય.

    વડને તકલીફ તો થાય પણ તે કહે કોને? ધીમે ધીમે વડની ડાળીઓ એક પછી એક કપાવા લાગી. વડને ધનજી શેઠની દાનતનો ખ્યાલ આવી ગયો હતો, પણ હવે તેની વાત સાંભળનારું કે મદદ કરનારું આસપાસ કોઈ નહોતું. એકલા પડી ગયેલા વડને પંખીઓના ટહુકાઓ અને પ્રાણીઓની હૂંફ યાદ આવી. વડ તો રડવા બેઠો. વડનું આવું રુદન સાંભળી બધી કીડીઓ તથા મંકોડા અને મૂળમાં રહેલી ઊધઈની જીવાતો બહાર આવી. તેમણે વડની વાત સાંભળીને તેને ધનજી શેઠથી બચાવવાનું નક્કી કર્યું.

    ધનજી શેઠ આવ્યા એટલે વડ બોલ્યો, “શેઠ, મેં હવે મારા છાંયડાનો ઉપયોગ કરવાનો બધો અધિકાર આ કીડી-મંકોડાઓને આપી દીધો છે એટલે તમે હવે તેને પૂછીને જ છાંયડો લઈ જજો.”

    ધનજી શેઠ વાત સમજીને તરત જ કીડી પર કુહાડી મારવા ગયા, પણ એટલામાં તો એકસાથે સેંકડો કીડીઓ, મંકોડાઓ અને ઊધઈઓએ તેમના પર આક્રમણ કરી દીધું. ધનજી શેઠ તો જીવ બચાવવા જાય ભાગ્યા. ધીમે ધીમે હકીકતની ખબર પડતાં બધાં પ્રાણીઓ તથા પંખીઓ પણ વડ પર આવવા લાગ્યાં. તે દિવસથી વડે પણ છાંયડાના વેપારથી તોબા કરી લીધી.

સ્રોત

  • પુસ્તક : સુંદરવનની વાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સર્જક : મેહુલ મંગુબહેન
  • પ્રકાશક : રીડજેટ પબ્લિકેશન
  • વર્ષ : 2015