રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોવરસાદના દિવસો હતા. ભગાભાઈ કંઈ કામે જાય તો પલળીને આવે. એમની પાસે છત્રી ન હતી.
એમને પલળતા જોઈને રસિકભાઈને દયા આવી. તેમણે ભગાભાઈને કહ્યું, ‘ભગાભાઈ, આ દસ રૂપિયાની નોટ લઈને બજાર જાઓ. તમારે માટે એક છત્રી લઈ આવો. સારી અને જરા કસીને લાવજો. છેતરાતા નહિ.’
ભગાભાઈ ખુશ ખુશ થઈ ગયા. દસની નોટ લઈને એ બજારમાં ઊપડ્યા.
રસ્તામાં જ એક છત્રીવાળાની દુકાન આવી. ભગાભાઈ રોફબંધ એ દુકાનમાં પેઠા. દુકાનવાળાએ તેમને જાતજાતની છત્રીઓ બતાવવા માંડી.
‘જુઓ, આ પોલા સળિયાવાળી છત્રી, બાર રૂપિયાની. આ લોખંડના હાથાવાળી છત્રી – સાડા આઠ રૂપિયા. આ અસલ ટાફેટા કાપડ અને પ્લાસ્ટિકના હાથાવાળી છત્રી – આઠ રૂપિયા.’
પોતે ભારે પરીક્ષા કરનારા હોય તેવો ડોળ કરી ભગાભાઈએ છત્રીઓ તપાસવા માંડી. ‘બફેલો’ યાદ આવ્યું. એ શબ્દ તેમણે કોઈ વાર સાંભળેલો.
પોતાનું જ્ઞાન બતાવવા તેમણે પૂછ્યું : ‘બફેલો નથી?’
‘ના શેઠ! હરણ છાપ છે.’ એમને જવાબ મળ્યો. વેપારીએ આગળ ચલાવ્યું : ‘સસ્તી જોઈએ તો આના સાડા છ રૂપિયા. બહુ મજબૂત માલ છે.’
સાડા છવાળી છત્રી ભગાભાઈને ગમી ગઈ. તેમણે રકઝક કરીને એના છ રૂપિયા ઠરાવ્યા. પછી પૈસા ચૂકવીને ભગાભાઈ છત્રી લઈને બહાર નીકળ્યા.
પોતે છ રૂપિયામાં સોદો પતાવ્યો તેથી એ મનમાં ખૂબ મલકાતા હતા. તેમને થયું કે આવી સસ્તી અને સારી છત્રી લાવવા બદલ રસિકભાઈ જરૂરથી શાબાશી આપશે.
ભોગજોગે એટલામાં વરસાદ તૂટી પડ્યો. રસ્તામાં ચાલતા રાહદારીઓએ ફટાફટ પોતાની છત્રીઓ ઉઘાડી નાખી. જેમની પાસે છત્રીઓ નહોતી તેઓ ઓટલા ઉપર ચડી ગયા.
ભગાભાઈ શાના દમ ખાય! તેમને પાસે તો છત્રી તૈયાર હતી.
તેમણે રોફબંધ છત્રી ખોલી નાખી. માથા ઉપર છત્રી ધરીને મોજથી ચાલવા માંડ્યું.
પણ આ શું?
કાળાં પાણીના ટીપાં કેમ પડવા માંડ્યાં?
કાળો વરસાદ આવે છે કે શું?
ભગાભાઈએ ઊંચે જોયું અને એ તરત સમજી ગયા. છત્રીનો રંગ કાચો હતો. એ રંગ વરસાદના ભેગો તેમના મોં ઉપર, હાથ ઉપર અને કપડાં ઉપર પડતો હતો! મોં કાબરચીતરું થઈ ગયું. સફેદ ખમીસમાં કાળાં કાળાં ધાબાં પડી ગયાં. હાથ ઉપર અને પગ ઉપર પણ કાળાં કાળાં કૂંડાળાં!
થોડી વારમાં જ ભગાભાઈનો દેખાવ જોવા જેવો થઈ ગયો. આસપાસના લોકો તો ભગાભાઈને જોઈને ખડખડાટ હસતા હતા. બિચારા ભગાભાઈ શું કહે એ લોકોને? દુકાનદારે આબાદ છેતર્યા હતા ભગાભાઈને! ભગાભાઈ બિચારા છોભીલા પડી ગયા.
ભગાભાઈ પસ્તાયા. હવે ઘેર ગયા વિના છૂટકો નહોતો...
એ ઘેર પહોંચ્યા ત્યારે રસિકભાઈ ચિંતા કરતા બારણામાં જ ઊભા હતા. પણ કાબરચીતરા ભગાભાઈને જોતાં એ પણ ખડખડાટ હસી પડ્યા. એ બોલ્યા :
‘વાહ ભગાભાઈ, વાહ! છત્રી તો કમાલ લઈ આવ્યા!’
ભગાભાઈ શો જવાબ આપે?
સ્રોત
- પુસ્તક : હરિપ્રસાદ વ્યાસની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 21)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2023