રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોબકોર પટેલ ભુલકણા બહુ. ખાસ કરીને છત્રી તો ઘણીવાર ભૂલી જ જાય. ઘેરથી છત્રી લઈને નીકળે, પણ પાછા આવે ત્યારે પાસે હોય જ નહિ! કોઈ ઠેકાણે ભૂલીને જ આવે! કોઈને ઘેર ગયા હોય ત્યાં મૂકીને જ પાછા આવે! ટ્રેનમાં જાય ત્યારે છત્રી ટ્રેનમાં જ રહી જાય! ટૅક્સીમાં કે બસમાં બેસે તો છત્રી લીધા વગર ઊતરી પડે! કોઈને ઘેર છત્રી ભૂલી આવ્યા હોય તો-તો જાણે પાછી મળે, પણ અધવચ ગમે ત્યાં ભૂલી આવે તો પાછી ક્યાંથી મળે?
આ કારણથી પટેલને છત્રીઓ વારંવાર વેચાતી લેવી પડતી. છત્રી વેચનારો પણ સમજી ગયેલો. પટેલ દુકાને આવે કે તરત સમજી જાય કે આવ્યા છે છત્રી લેવા જ!
એકવાર એવું બન્યું કે પટેલ નવીનક્કોર છત્રી લાવેલા. તે લઈને શાક લેવા જવાનું થયું. બીજી ચીજો તો નોકર જઈને લઈ આવે. પણ શાક લેવા તો પટેલ જાતે જ જાય. શું શાક ખરીદવું, તે પોતે જ પસંદ કરે. સારું તાજું અને ચોખ્ખું શાક ખરીદે.
એકવાર હંમેશની ટેવ પ્રમાણે પટેલ શાક લેવા જવા તૈયાર થયા. હાથમાં થેલી લીધી અને હાથે છત્રી લટકાવી દીધી. પટેલ જવા લાગ્યા એટલે પટલાણી હસતાં-હસતાં બોલ્યાં : “કાલે જ નવી છત્રી લાવ્યા છો! પાછી કોઈ ઠેકાણે ભૂલીને આવતા નહિ.”
હાથના ઇશારા સાથે પટેલ કહેવા લાગ્યા : “હું ક્યાં કોઈને ઘેર જવાનો છું? કોઈને ઘેર જવાનો હોઉં તો છત્રી કદાચ રહી જાય. શાક લઈને સાધો જ પાછો આવીશ. કોઈ ઠેકાણે છત્રી મૂકવાની હોય તો ભૂલી જવાય ને? તે તો રહેશે મારા હાથમાં ને હાથમાં જ!”
આમ કહી પટેલ ઊપડ્યા. થોડીવારે શાકવાળાની દુકાને જઈ પહોંચ્યા. ચોમાસાના દિવસો. લીલુંછમ શાક આવેલું. શું લેવું અને શું નહિ, તેનો વિચાર કરતાં પટેલ ઊભા હતા. એટલામાં અળવીનાં પાન ઉપર નજર પડી. નાનાં-નાનાં અને તાજાં મજાનાં પાન હતાં. પટેલના મોઢામાં પાણી આવી ગયું. છેક આગળ શાકની છાબડીઓની હાર હતી. એમાંની એક છાબડીની કિનારી પર પટેલે છત્રી લટકાવી. પછી પાન ઉથલાવવા માંડ્યા.
શાકવાળો બોલ્યો : “તદ્દન તાજાં પાન છે, શેઠ!”
“કેમ આપ્યાં?”
“બહુ સસ્તાં છે, ત્રીસ રૂપિયે કિલો. લઈ જાઓ, શેઠ!”
પટેલ બોલ્યા : “લાવ, ત્યારે! અડધો કિલો આપ.”
પેલાએ પાન જોખ્યાં. પટેલે થેલી ધરી તેમાં પાન લીધાં; પછી થોડાંક ટીંડોરાં લીધાં, થોડાક બટાકા લીધા, થોડાંક પપૈયાં લીધાં. પછી ચાલ્યા ઘેર.
ઘેર આવીને પટેલે થેલી શકરી પટલાણીને આપી. પછી કહેવા લાગ્યા : “લે, આજે તો પાન લાવ્યો છું. એનાં ભજિયાં બનાવજે, ને કાચાં પપૈયાં લાવ્યો છું તેની કચુંબર, ચટણી કે રાયતું કરવું હોય તો તેમ. આજે જમવાનો ‘ટેસ’ (ટેસ્ટ-સ્વાદ) આવશે...”
ત્યાં તો પટલાણી વચ્ચે બોલી ઊઠ્યાં : “પણ તમારી છત્રી ક્યાં?”
“છત્રી?” પટેલ ચમકીને આમતેમ જોવા લાગ્યા : “અરે! એ તો શાકવાળાની દુકાને રહી ગઈ!”
આમ કહીને પટેલ તો દોડ્યા! પટલાણી ઊભા-ઊભાં જોયાં જ કરે! પટેલે તો શરમ છોડીને દોટ જ મૂકી! દોડતાં-દોડતાં પટેલ વિચાર કરવા લાગ્યા : “ઝટ પહોંચી જાઉં તો છત્રી હાથમાં આવશે. નહિ તો કોઈ લઈ જશે. આજે તો છત્રી જવા જ નથી દેવી. ગમે તેમ કરીને પાછી લાવું ત્યારે ખરો!”
પટેલ તો ભરરસ્તે દોડ્યે જાય! આજુ-બાજુના દુકાનવાળા પણ વિચારમાં પડી ગયા! એમને થયું કે પટેલને થયું છે શું? કોઈ દિવસ નહિ ને આજે આમ દોડે છે કેમ? નક્કી કંઈક બન્યું હોવું જોઈએ.
અડધે રસ્તે પટેલને વાઘજીભાઈ મળ્યા. એમણે આઘેથી પટેલને દોડતા આવતા જોયા. એ તો આભા જ બની ગયા. પટેલ પાસે આવ્યા એટલે એમણે પૂછ્યું : “પટેલ! કેમ દોડો છો? શું થયું? કંઈ બન્યું છે? શહેરમાં કંઈ તોફાન જેવું તો નથી ને?”
પટેલે વાઘજીભાઈને જોયા પણ એમણે કહ્યું તે પટેલે સાંભળ્યું નહિ. પટેલને થયું કે : ‘કેમ દોડો છો? શું રહી ગયું?’ એવું વાઘજીભાઈ પૂછતા હશે. એટલે એ ઊભા રહ્યા નહિ, પણ દોડતાં-દોડતાં જ બોલ્યા : “છત્રી!”
આમ કહી પટેલ તો આગળ દોડ્યા. વાઘજીભાઈ ગભરાયા. એ અરસામાં તોફાનની અફવાઓ ફેલાઈ રહી હતી. વાઘજીભાઈએ તોફાનનું પૂછ્યું ને પટેલે ‘છત્રી’ કહ્યું. વાઘજીભાઈ એમ સમજ્યા કે પાંત્રીસ-છત્રીસ માણસનું ટોળું છે, તેથી પટેલે છત્રી કહ્યું! ટોળાએ ફોન કાપી નાખ્યો હશે, તેથી જાતે દોડતા પોલીસને બોલાવવા જાય છે!
વાઘજીભાઈ તો ચમક્યા! એમણે પોતાના બંગલા તરફ દોડવા માંડ્યું. એમના અને પટેલના બંગલા પાસે-પાસે હતા. કદાચ પેલું ટોળું એમના બંગલા પર પણ હુમલો કરે તો?
વાઘજીભાઈને દોડતા જોઈ એક જણે પૂછ્યું : “શું થયું?”
વાઘજીભાઈ કહે : “તોફાન! દોડો!”
પછી તો તોફાનની બૂમ પડી. બધે બૂમાબૂમ થઈ ગઈ. દુકાનવાળાઓએ ટપોટપ દુકાનો બંધ કરવા માંડી. સૌ પોતપોતાના મકાન તરફ દોડવા માંડ્યાં! આખે રસ્તે ધમાલ મચી ગઈ!
હવે પટેલનું શું થયું તે જોઈએ. શાકવાળાની દુકાન થોડેક આઘે રહી. એટલે પટેલે છત્રી માટે જોવા માંડ્યું. દોડતાં-દોડતાં જ છત્રી છે કે નહિ તે જોયું. પણ છત્રી ભેરવી હતી ત્યાં કશુંય ન મળે!
હવે પટેલ ઢીલા થઈ ગયા! એમની ઝડપ ધીમી પડી ગઈ. પંજાબમેલની પેઠે દોડતા હતા તે બળદગાડાની પેઠે ડગલાં ભરવા લાગ્યા.
દુકાન પાસે દઈને એમણે પૂછ્યું, “અહીં મારી છત્રી રહી ગઈ છે?”
દુકાનવાળો કહે : “ના, સાહેબ! અહીં તો કંઈ નહોતું.”
પટેલ કહે : “આ છાબડી પર જ ભેરવી હતી. શાક લઈને હું ભૂલમાં ને ભૂલમાં ચાલ્યો ગયો. ઘેર જઈને યાદ આવ્યું એટલે તરત દોડતો આવ્યો.”
દુકાનવાળો કહે : “ત્યારે તો કોઈ લઈ ગયું હશે. અહીં તો હજાર ઘરાક આવે. છત્રી કોણ લઈ ગયું તેની શી ખબર પડે! અહીં હોત તો તમને પાછી આપી જ દેત. મારે શું કરવી હતી, શેઠ! પણ નક્કી, કોઈ લઈ ગયું લાગે છે.”
હવે શું થાય? પટેલ વીલે મોઢે પાછા ફર્યા. પણ એટલામાં તો બૂમાબૂમ સંભળાઈ! બધાંએ દોડાદોડ કરવા માંડી. તોફાન થયું છે એવી બૂમ પડવા માંડી! બૂમ સાંભળી શાકવાળાએ પણ ઝટઝટ દુકાન બંધ કરવા માંડી. પટેલ પણ તોફાનનું નામ સાંભળીને દોડ્યા પોતાના બંગલા તરફ!
રસ્તે દુકાનો બંધ થઈ ગયેલી. ફેરિયાઓ દોડાદોડી કરતા હતા. આઘેથી પોલીસ પણ આવતી દેખાઈ. પોલીસને આવતી જોઈને પટેલને જરા શાંતિ વળી. એમણે ઝડપથી ચાલવા માંડ્યું.
બંગલે પહોંચ્યા ત્યારે શકરી પટલાણી ગભરાયેલાં-ગભરાયેલાં ઊભેલાં. એમણે પૂછ્યું : “તોફાન થયું છે?”
પટેલ બોલ્યા : “હા, તેથીસ્તો–”
પટલાણી કહે : “સારું થયું તમે પાછા આવી ગયા તે. બળી એ છત્રી!”
પટેલ કહે : “છત્રી તો કોઈ લઈ ગયું!”
પટવાણીએ કહ્યું : “ભલે! તમે હેમખેમ પાછા આવ્યા એટવે બસ!”
થોડીવારે બધું શાન્ત થયું. પછી વાઘજીભાઈ ખબર કાઢવા આવ્યા. પટેલને જોઈ તેમણે કહ્યું : “કેમ પટેલસાહેબ! તમે પોલીસને ખબર આપી આવ્યા તે સારું કર્યું પેલું ટોળું ક્યાં હતું?”
પટેલ વિચારમાં પડી ગયા! એમણે પૂછ્યું : “ક્યું ટોળું?”
વાઘજીભાઈ બોલ્યા : “કેમ વળી? તમે કહેતા હતા ને કે પાંત્રીસ-છત્રીસ જણનું ટોળુ છે!”
પટેલ આભા બની ગયા. એમણે કહ્યું : “મેં વળી એવું ક્યાં કહ્યું હતું?”
વાઘજીભાઈ બોલ્યા : “વાહ! ત્યારે શું હું જૂઠું બોલું છું? રસ્તામાં તમે દોડતા આવતા હતા. મેં પૂછ્યું કે કંઈ તોફાન જેવું લાગે છે? ત્યારે તમે ડોકી હલાવીને દોડતાં-દોડતાં છત્રીસ જણ છે, એમ નહોતું કહ્યું?”
હવે પટેલને ગોટાળાની સમજણ પડી. એમણે ખુલાસો કર્યો : “તમે શું કહો છો તેની હવે સમજણ પડી. મેં છત્રીસ જણની વાત નહોતી કરી. મેં તો ધાર્યું કે તમે મને પૂછો છો કે શું લેવા જાઓ છો? એટલે મેં તમને જવાબ આપ્યો કે છત્રી! મારી છત્રી શાકવાળાની દુકાને રહી ગઈ હતી!”
વાઘજીભાઈ ચમકીને બોલ્યા : “તમે છત્રી વિશે કહેતા હતા? હું તો છત્રીસ જણનું ટોળું સમજ્યો! એટલે મેં તો તોફાનની બૂમ મારી! અત્યારે દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ તેનું કારણ પણ એ જ!”
વાત સાંભળી શકરી પટલાણી હસી પડ્યાં અને બોલી ઊઠ્યાં : “ત્યારે તો છત્રીએ જ હા તોફાન કરાવ્યું!”
વાઘજીભાઈ બોલ્યા : “ખરી વાત છે. બાકી પહેલાં તોફાનની કોઈ વાત જ નહોતી. મેં જ બૂમાબૂમ શરૂ કરી. તમારી છત્રી તો જબરી, પટેલસાહેબ!”
આ સાંભળી પટેલ ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા : “પણ મારી છત્રી ગઈ તેનું કેમ? મને બધું યાદ રહે છે પણ છત્રી યાદ રહેતી નથી. મેં બહુયે છત્રીઓ ખોઈ. આનો કંઈ ઇલાજ બતાવો, વાઘજીભાઈ!”
વાઘજીભાઈ કેટલીક વાર સુધી વિચાર કરીને બોલ્યા : “છત્રીનું તો આવું જ બને છે. ચોમાસામાં વાપરવા કાઢીએ, પણ થોડા દહાડામાં ભૂલી જવાય છે. છત્રી ખાસ યાદ રાખ્યાં કરવી પડે છે. પછી ટેવાઈ જવાય છે. પણ તમે એમ કરો, પટેલસાહેબ! છત્રીનું એક ગીત બનાવો. એ ગીત ગણગણ્યાં જ કરવું, એટલે છત્રી યાદ રહેશે. તમે છત્રી ક્યાં ભૂલી જાઓ છો?”
પટેલ હસીને બોલ્યા : “ઠેકાણાં તો પૂછશો જ નહિ! કોઈને ઘેર ભૂલી જાઉં, તો તો પાછી આવે છે. પણ ઘણીવાર હોટેલમાં ભૂલી જવાય છે; સ્ટેશનના બાંકડા પર કે ટ્રેનના ડબ્બામાં રહી જાય છે; બસમાં જતો હોઉં ત્યારે પણ લીધાં વગર જ નીચે ઊતરી પડું છું! આજે શાકવાળાની દુકાને ભૂલી આવ્યો!”
આ સાંભળી વાઘજીભાઈને પણ હસવું આવી ગયું. તેઓ કહેવા લાગ્યા : “ત્યારે તો તમારે બહુ છત્રીઓ લેવી પડતી હશે! ભલે, ફિકર નહિ. તમે મારો બતાવેલો ઇલાજ અજમાવો. પછી મને કહેજો.”
પટેલ કહે : “અચ્છા! છત્રીની કવિતા બનાવીને ગાઈશું! પણ આજે તો પાછી નવી છત્રી લાવવી પડશે.”
પટલાણી બોલી ઊઠ્યાં : “હવે નવી છત્રી લાવશો નહિ. ઑફિસમાં પડી છે, તેનાથી ચલાવજો.”
વાઘજીભાઈએ પૂછ્યું : “ઑફિસમાં પણ છત્રી રાખો છો કે શું?”
પટેલ કહે : “હા, ભાઈ, હા! ત્યાં એક વધારાની છત્રી રાખવી પડી છે. ઘણીવાર ઘેરથી લઈ જવાની જ ભૂલી જાઉં છું. એ વખતે ઑફિસવાળી છત્રી કામમાં આવે છે. કેટલીક વાર ઑફિસમાં ભૂલી જાઉં, ત્યારે ઘેરથી નીકળતાં પંચાત પડે છે. માટે છત્રી તો લાવવી જ પડશે.”
પટલાણી બોલ્યાં : “ત્યારે તમે જાણો. પણ હવે બરાબર સાચવજો. વાઘજીભાઈવાળો ઇલાજ અજમાવી તો જોજો.”
બીજે દિવસે પટેલ છત્રી ખરીદવા ગયા. એમના જોતાં જ છત્રીવાળો બોલી ઊઠ્યો : “પધારો, શેઠિયા! બોલો! કેવી છત્રી આપું? ગઈ વખતે આપી હતી તેવી જ કે બીજી જાતની?”
પટેલ બોલ્યા : “વાહ! તમે કેવી રીતે જાણી ગયા કે હું છત્રી લેવા આવ્યો છું? એ છત્રી તો ગઈ! હવે નવી આપો.”
દુકાનદારે પટેલને છત્રીઓ બતાવી. પટેલે છત્રી પસંદ કરી આઘી મૂકી. પેલાએ બિલ બનાવવા માંડ્યું. એટલે પટેલે પૈસા કાઢ્યા. એટલામાં દુકાનમાં ત્રણ-ચાર ઘરાક આવી પહોંચ્યા. દુકાનવાળાએ પટેલને બિલ આપ્યું. પછી ઊભા થઈ પેલા બીજા ઘરાકને કહ્યું : “આવો, મહેરબાન! પધારો!”
બીજા ગ્રાહકો આવ્યા એટલે પટેલે પૈસા આપીને ચાલતી પકડી. પણ છત્રી તો દુકાનમાં જ ભૂલી ગયા!
ઘેર આવીને પટેલ કોટ ઉતારવા લાગ્યા, ત્યાં શકરી પટલાણીએ પૂછ્યું : “કેવી છત્રી લાવ્યા?”
“હેં!” કરતાં પટેલ ચમક્યા. પોતે છત્રી ભૂલી ગયા છે તેનું એમને ભાન થયું. કોટ કાઢતા હતા તે અડધો હાથ કોટની બાંયમાં જ રહી ગયો! એમણે જવાબ આપ્યો : “છત્રી તો દુકાને જ રહી ગઈ! ચાલ, જઈને લઈ આવું. દુકાનમાંથી તો ગુમ નહિ થાય.”
પટેલે પાછો કોટ પહેરી લીધો. ઊપડ્યા છત્રીવાળાની દુકાને! છત્રીવાળો તેમને જોઈ હસી પડ્યો અને કહેવા લાગ્યો : “શેઠસાહેબ! આપ છત્રી તો અહીં જ ભૂલી ગયા હતા! આ રહી છત્રી!”
પટેલે છત્રી લેતાં કહ્યું : “મારે ને છત્રીને બારમો ચંદ્રમા લાગે છે! સારું થયું કે તમારી દુકાને ભૂલી ગયો. બીજે ભૂલી ગયો હોત તો આ છત્રી પણ જાત!”
છત્રી લઈને બકોર પટેલ પાછા ઘેર આવ્યા.
તે દિવસે પટેલ ઑફિસે જવા તૈયાર થયા, ત્યારે શકરી પટલાણીએ કહ્યું : “હવે તો છત્રી યાદ રાખશો ને? કંઈ ગીત જોડી કાઢ્યું કે નહિ?”
“તેં ઠીક યાદ કર્યું. નહિ તો છત્રી અહીં ઘેર મૂકીને જ જાત!”
આમ કહી પટેલે હસતાં-હસતાં છત્રી લીધી. પછી બોલ્યા : “ગીત તો જોડ્યું છે.”
પટલાણીએ પૂછ્યું : “કેવું છે? ગાઓ તો ખરા!”
પટેલે ખોંખારો ખાઈ ગાવા માંડ્યું :
“વીસરું નહિ તારું નામ,
છત્રી-માતા, વીસરું નહિ તારું નામ!”
આમ, ગાતાં-ગાતાં પટેલ સ્ટેશને જવા નીકળ્યા. થોડીવારે પહોંચ્યા સ્ટેશને.
પટેલ રોજ ટ્રેનમાં બેસીને મુંબઈ જાય. ટ્રેન આવી. એટલે એમાં બેસીને પટેલ મનમાં ગણગણવા લાગ્યા :
“વીસરું નહિ તારું નામ, છત્રી-માતા....”
એકાએક પાછવી બેઠકેથી કોઈએ બૂમ પાડી : “બકોર શેઠ! ચાંદીરો કાંય ભાવ રિંયો!”
પટેલે પાછળ જોયું તો સસમલ શેઠ! પણ પટેલે કંઈ જવાબ આપ્યો નહિ. વાતો કરવા બેસે તો છત્રી ભૂલી જવાય ને?
પટેલે બોલ્યા નહિ, એટલે સસમલ શેઠ ઊઠીને એમની પાસે આવ્યા : “કેમ શેઠ, બોલતા નથી?”
પટેલ કહે : “વીસરું નહિ તારું નામ, છત્રી માતા : હુંઉઉઉઉઉ”
સસમલ શેઠ વિચારમાં પડી ગયા! એમણે પટેલને ખભો પકડીને હલાવ્યા અને કહ્યું : “કેમ, આજે શું થયું છે, શેઠ? કોઈ સિનેમા જોઈને આવ્યા છો કે શું?”
પટેલે જાણ્યું કે સસમલ શેઠ જંપવા દે તેમ નથી, એટલે એમણે બધી વાત કરી. વાત સાંભળી સસમલ શેઠ હસીને બોલ્યા : “ઓહોહોહોહો! તેમાં તે શું? એ તો હું તમને યાદ કરાવી આપીશ. પણ જરા વાત તો કરો, મહેરબાન!”
પટેલ વાતોએ ચડ્યા ઊતરવાનું આવ્યું, એટલે સસમલ શેઠે છત્રી યાદ કરાવી. પટેલ છત્રી લઈને ગયા ઑફિસે.
આખો દિવસ કામ કર્યું. પણ પેલું ગીત ભુલાય નહિ! સાંજે ઘેર આવવા નીકળ્યા ત્યારે પણ પટેલને ગીત યાદ આવ્યું. તેને લીધે છત્રી પણ યાદ આવી. રોજની પેઠે સ્ટેશને આવી પટેલ ગાડીમાં બેઠા. બેઠાં-બેઠાં “વીસરું નહિ તારું નામ!” ગણગણ્યાં કરે! દાદર સ્ટેશન આવ્યું એટલે પટેલ ઊતરી પડ્યા. નીચે ઊતરીને લાંબો હાથ કરી છત્રી લીધી. પછી ચાલવા માંડ્યું.
પણ એમ કરવામાં પટેલે જબરો ગોટાળો કર્યો! એ ડબ્બામાં ભીડ વધારે હતી. તેમાં એક જણ વાંકા હાથાની લાકડી લઈને બેઠેલો. એણે લાકડી પાટિયા ઉપર મૂકેલી. પટેલે છત્રી પણ ત્યાં જ મૂકેલી પટેલ એકદમ લઈને ઊતરી પડ્યા, પણ... પણ છત્રી નહિ, પેલાની લાકડી! લાકડી હાથ પર ભેરવીને પટેલ ધૂનમાં ને ધૂનમાં ઘેર આવ્યા. પટેલના પગ આજે જોરમાં હતા. પોતે છત્રી પાછી લાવ્યા એમ સમજીને જરા તાનમાં આવી ગયા હતા. પટલાણી બારણામાં જ ઊભાં હતાં. પટેલે આવીને શકરી પટલાણીની સામે વાંકી ડોકી કરી ગાવા માંડ્યું :
“વીસરું નહિ તારું નામ, છત્રી-માતા...”
આમ કહી એમણે પટલાણીના હાથમાં એ છત્રી આપવા માંડી.
પટલાણી છત્રી હાથમાં લેવા જાય છે, તો છત્રીને બદલે લાકડી!
“આ શું?” પટવાણી બોલ્યા.
પટેલે જોયું તો છત્રી ગુમ! છત્રીને બદલે વાંકા હાથાની લાકડી પોતે ઉપાડી લાવેલા! પટેલ શું બોલે બંનેએ એકબીજાં સામે જોયું ને બંને સાથે જ ખડખડાટ હસી પડ્યાં.
સ્રોત
- પુસ્તક : હરિપ્રસાદ વ્યાસની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 103)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2023