રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપ્રીમા અને વરુણ એ બંને ભાઈ-બહેન એક જ નિશાળે ભણવા જતાં, પણ વરુણ નાનો એટલે એનો વર્ગ જુદો હતો. એક વાર પ્રીમાના વર્ગમાં બહેન સંગીત શીખવતાં હતાં. બહેને એક ગીત ગવડાવવા માંડ્યું.
ચકલીબહેન, ચકલીબહેન ચીં ચીં કરતાં આવો રે
કૂંડામાં મેં દાણા મેલ્યા, હળવેહળવે આવો રે
ઘરમાં મારા બાંધો માળો, ડાળ પાંદડાં લાવો રે
ચકારાણા સાથે મળીને, માળો તમે બનાવો રે.
પ્રીમાને તો ગીત બહુ ગમી ગયું. ઘેર આવીને મમ્મીને, દાદાને સહુને ગીત સંભળાવ્યું. પછી તો પ્રીમા ચકલી જુએ ને એને ગીત યાદ આવે – ચકલીબહેન, ચકલીબહેન ચીં ચીં કરતાં આવો રે!
અને સાચે જ ચકલીબહેન પધાર્યાં. સાથે ચકારાણા ય ખરા. ઘરના આગળના ખંડમાં મોટી ભીંત-ઘડિયાળ હતી. ચકીબહેને અને ચકારાણાએ ઘડિયાળ પર પોતાનું ઘર બાંધવાનું નક્કી કર્યું. ચકો અને ચકી બંને વારાફરતી જાય અને આવે. ચાંચમાં ઘડીમાં તણખલું લઈ આવે, ઘડીમાં દોરીના કટકા લઈ આવે, કૂણું ઘાસ લઈ આવે અને ઘડિયાળ પર ગોઠવે, એમ એમના ઘરનું, માળાનું બાંધકામ ચાલ્યું.
પ્રીમા આ બધું રસથી જોયા જ કરે. પણ વરુણ ચકલીની પાછળ દોડી-દોડીને એને ભગાડે. ચકલીની ચાંચમાંથી ઘાસ, તણખલાં એવું બધું નીચે પડી જાય. કચરો થાય એ કોને ગમે?
પણ દાદા પ્રીમાનો પંખી-પ્રેમ જાણતા હતા. એટલે કશું બોલે નહિ. મમ્મી કેટલીક વાર પ્રીમાને લડી નાખે. આખો દિવસ ચકલાં કચરો પાડ્યા કરે તે ઉપાડવાની ઊઠવેઠ કોણ કર્યા કરે?
પણ ધીમેધીમે ચકીબહેનનો માળો બંધાઈ ગયો. ચકીરાણી અને ચકારાણા ખાતમુહૂર્ત કર્યા વિના જ માળામાં રહેવા આવી ગયાં. અને થોડા દિવસમાં તો એમણે ઈંડાં મૂક્યાં અને બે નાનકડાં રૂપાળાં બચ્ચાં ય થયાં.
પ્રીમા સહુથી વધારે ખુશ હતી. પણ ઘરમાં બિલાડી હતી. એની લોભી નજર ચકલીના બચ્ચાં ચાઉં કરી જવા પર હતી. દાદાને ઉચાટ રહેતો. બિલાડી ટેબલ પર ચડીને ઘડિયાળ સુધી કૂદકો મારીને ચકલીનાં બચ્ચાં ઝડપી લેશે તો? બિલાડી મ્યાઉં મ્યાઉં કરતી એ ખંડમાં આંટા-ફેરા કર્યા જ કરતી હતી. ચકો ને ચકી ચીં ચીં ચીં ચીં કરીને બિલાડીને ત્યાંથી હટાવવા ઊડાઊડ કર્યા કરતાં. એક દિવસ રવિવારે સવારે પ્રીમા અને વરુણ ટી.વી. જોતાં હતાં ત્યાં જ એક બચ્ચું ઊડવા જતાં નીચે પડી ગયું. પ્રીમાથી તો ચીસ પડાઈ ગઈ. વરુણે દોડીને જોયું તો ચકલીનું બચ્ચું નસીબજોગે એ ગાદી પર પડ્યું હતું એટલે બચી ગયું. પ્રીમાનો તો જીવ ઊંચો થઈ ગયો. વરુણ દાદાને બોલાવી લાવ્યો : ‘દાદા, દાદા! ચાલો ઝટ. ચકલીનું બચ્ચું ઘડિયાળ પરથી નીચે પડી ગયું છે.’
મમ્મી, બા, ડેડી બધાં ભેગાં થઈ ગયાં. બચ્ચું બિચારું એવું ગભરાઈ ગયેલું કે ધ્રૂજતું હતું. એ ઠેકડો મારવા મથામણ કરતું હતું. ચકારાણા અને ચકીએ ચીં ચીં ચીં ચીં કરીને ખંડ ગજવી મૂક્યો એમને તો એમ જ થયું કે આ પાપી માણસો મારા બચ્ચાનો જીવ લેવા ભેગા થયા છે.
પ્રીમાએ કહ્યું : ‘દાદા, આપણે બચ્ચાને સાચવીને ઘડિયાળ પર પાછું મૂકી દઈએ! જુઓને, બચ્ચાનાં મમ્મી-પપ્પા કેવાં ચીં ચીં ચીં ચીં કરે છે!’ મમ્મી એક લુગડાંનો કટકો લઈ આવી. અને સાચવીને પ્રીમાએ બચ્ચું એ કટકામાં મૂકવા પ્રયત્ન કર્યો. બચ્ચું ગભરાઈને ઠેકડા મારવા માંડ્યું. પ્રીમા ય ગભરાટથી જરા આઘી ખસી ગઈ. પણ પછી હિંમતથી એણે બચ્ચાને કપડામાં મૂક્યું.
મમ્મી એક ટેબલ લઈ આવી. પ્રીમા બચ્ચાને હળવેથી ગાભામાં વીંટીને ટેબલ પર ચડી. ચકા-ચકીને તો પ્રીમા દુશ્મન જેવી લાગી. એના માથા પર જ બે ય ચકા-ચકી ઘૂમવા લાગ્યાં. પણ પ્રીમાએ કાળજીથી બચ્ચું ઘડિયાળ ઉપર ઘાસમાં મૂકી દીધું.
પ્રીમાનો શ્રમયજ્ઞ પૂરો થયો. વરુણ તાળી પાડી નાખવા લાગ્યો. પ્રીમાનું મન આનંદથી ભરાઈ ગયું. દાદાય ખુશ, બા, મમ્મી બધાંય ખુશ થયાં.
પ્રીમાને થયું કે ચકા-ચકીને એમનું બચ્ચું પાછું મળ્યું તેનો કેવો આનંદ થયો હશે!
અને ચારેક દિવસમાં તો બચ્ચાં બચુકડી પાંખે ખંડમાં ઊડાઊડ કરતાં પણ થઈ ગયા. પ્રીમાને ગીત યાદ આવી ગયું.
ચકલીબહેન, ચકલીબહેન ચીં ચીં કરતાં આવોને,
કૂંડામાં મેં દાણા મેલ્યા, હળવે હળવે આવોને.
સ્રોત
- પુસ્તક : મધુસૂદન પારેખની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 104)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2022