રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક હતી ચકી અને એક હતો ચકો. ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગનો દાણો. તેની ખીચડી રાંધીને ચકી પાણી ભરવા ગઈ. પછી ચકો ખીચડી ખાઈ ગયો અને આંખે પાટા બાંધી સૂઈ ગયો. ચકી પાણી ભરીને આવી ત્યારે તેની પાસે જૂઠું બોલ્યો કે, ‘રાજાનો કૂતરો આવીને ખીચડી ખાઈ ગયો. છે.’ એટલી ચકી રાજા પાસે કૂતરાની ફરિયાદ કરવા ગઈ. – આટલી વાર્તાની તો તમને ખબર છે ને? હવે શું થયું તેની વાર્તા હું તમને કહું :
ચકીએ તો રાજાને કહ્યું કે, ‘રાજાજી, રાજાજી, હું પાણી ભરવા ગઈ હતી અને મારા ચકાની આંખો દુઃખતી’તી એટલે તે આંખે પાટા બાંધી સૂતો’તો. ત્યારે તમારો કૂતરો આવીને ખીચડી ખાઈ ગયો. અમને ગરીબને ઉપવાસ પડ્યો.’ રાજાએ કૂતરાને બોલાવ્યો અને ‘કેમ ચોરી કરી?’ એમ કહીને તેને મારવા માટે દંડ ઉગામ્યો, ત્યાં જ મહેલની બારી પાસેના ઝાડ પરનાં બધાં જ પક્ષીઓએ કકલાણ કરી મૂક્યું કે ‘મારશો નહીં, મારશો નહીં; ચકલો તો જૂઠો છે. ભૈ, કૂતરો તો ક્યારનો અહીં જ છે. એક ઘોઘર બિલાડો અમારાં બચ્ચાં ખાવા આવ્યો’તો તેને કૂતરાએ ભગાડ્યો છે. એટલે એ તો બિલાડાને મારવામાં અને અમારું ધ્યાન રાખવામાં હતો. ચકીને ત્યાં એ ગયો જ નથી.’
આ પક્ષીઓમાં કેટલાક ચકા પણ હતા. તે બધા ચકીને કહેવા લાગ્યા કે, ‘ચકી! ચકી! તારો ચકો તો જૂઠાબોલો છે. એક તો તને મૂકીને ખીચડી ખાઈ ગયો અને પાછો રાજાના કૂતરાનું જૂઠું નામ આપે છે. તે ચકાને પડતો મૂક.’
એક ચકો કહે :
‘ચકી, ચકી, દઉં ચોખા લે,
મારે માળે આવીને રહે.’
બીજો ચકો કહે :
‘ચકી, ચકી દઉં મગડા લે,
મારે માળે આવીને રહે.’
ત્રીજો ચકો કહે :
‘ચકી, ચકી, દઉં ખીચડી લે,
મારે માળે આવીને રહે.’
ચકીને તો બહુ ભૂખ લાગી’તી. ખીચડીનું નામ સાંભળીને તો તેને વધારે ભૂખ લાગી ગઈ. જાણો છો ચકીએ શું કર્યું? તમે ચકીની જગ્યાએ હો તો શું કરો? ખીચડી ખવરાવે એ ચકાની દોસ્તી કરી લો કે નહીં? જૂઠાબોલા ચોર – ચકાને પડતો મૂકો કે નહીં?
પણ ના હો, બહુ ભૂખ લાગી હતી, છતાંય ચકીએ બીજા ચકાના માળામાં જવાનું પસંદ ન કર્યું. તેને પોતાનો ચકો યાદ આવ્યો :
‘ખોટકલો તોય મારો ચકો
કરું હું એને ડાહ્યો ચકો.’
અને ચકીબહેન તો ઘરે આવ્યાં. કાંઈ બોલ્યાંય નહીં ને ચાલ્યાંય નહીં. ચકાને વઢ્યાંય નહીં. પણ મૂંગા-મૂંગા ફરી ખીચડી બનાવવા લાગ્યાં. ખીચડી રંધાઈ ગઈ એટવે બે થાળીમાં પીરસી ચકાને કહ્યું કે ‘હાલો જમવા.’ ત્યાં ચકાનો એક દોસ્તાર ચકો બોલાવવા આવ્યો. કહે, ‘ચાલ, ચાલ, ચકા! એક સભા છે, તેથી ચકાઓ તને બોલાવે છે.’ ચકો તો ‘હમણાં આવું છું.’ એમ ચકીને કહીને ચકાઓની સભામાં ગયો.
રાજાના મહેલ પાસેની બારી પર ઘણાબધા ચકા ભેળા મળ્યા હતા. પેલો દોસ્તાર – ચકો ચોર – ચકાને ત્યાં લઈ આવ્યો, ત્યારે બધા ચકાઓએ ચોર-ચકાને કહ્યું કે, ‘રાજાના કૂતરાએ ખીચડી નથી ખાધી પણ તેં જ ચોરીને ખીચડી ખાધી છે અને પછી જૂઠું બોલે છે, તેની તારી ચકીને પણ ખબર પડી ગઈ છે.’ ચકો તો બોખ જેવું મોઢું કરીને પોતે પકડાઈ ગયો છે તેમ ભોંઠો પડતો-પડતો ગભરાતો-ગભરાતો ઘરે આવ્યો ત્યારે ચકી પાટલા પાસે ચકાની રાહ જોતી-જોતી હજુ જમ્યા વિના જ બેઠી હતી. બિચારી ભૂખી અને થાકેલી હતી છતાં તેણે ખાધું નહોતું.
ચકો કહે : ‘તેં ખાઈ ન લીઘું?’
ચકી કહે : ‘તને મૂકીને હું ન ખાઉં. ઘરમાં સૌએ સાથે જ જમાય હોં!’
ચકાને થયું કે ચકી કેટલી ડાહી છે! ભૂખી હતી. વળી, હું ખોટાબોલો છું તે જાણ્યા પછી પણ તેણે મારી રાહ જોઈ. તે પોતાના અપરાધ માટે પસ્તાવા લાગ્યો. એને શરમ લાગવા માંડી.
બીજે દિવસે પાછી ચકી ખીચડી રાંધીને ઢાંકો-ઢૂંબો કરીને પાણી ભરવા ગઈ. ચકો ઊઠ્યો. રામરામ! પાછી તેણે ચૂલા પરથી ખીચડીની તપેલી ઉતારી. અરેરે! ખીચડીની તપેલી ચૂલા પરથી ઉતારીને ખાવા લાગ્યો? ...નહીં હો! ખાવા ન લાગ્યો. પણ તો તેણે શું કર્યું – ખબર છે હમણાં નથી કહેવું જાઓ. થોડી વાર પછી કહીશ. જે કરવું હતું તે કરીને ખીચડીની તપેલી ફરીથી ઢાંકી દઈને આંખે પાટા બાંધીને આગલા દિવસની જેમ જ સૂઈ ગયો. અને ઘરડ ઘરડ નસકોરાં બોલાવવા લાગ્યો.
ચકી પાણી ભરીને આવી. આજે ફરીથી ચકો ખીચડી નહીં ખાઈ ગયો હોય ને? – તેમ ડરતાં-ડરતાં તેણે તપેલી ખોલી. તો નવાઈ! ખીચડી તો સલામત હતી! પણ ખીચડીની તપેલી નીચે બીજી તપેલી હતી! આ તપેલી કોણે મૂકી હશે? તેમાં શું હશે? – એમ કરીને ચકીએ તે તપેલી ઉઘાડીને જોયું તો આલ્લે લે! એમાં તો કઢી હતી કઢી! ‘અરે, આ કોણે બનાવી?’ ચકો કહે, ‘મેં બનાવી મેં. કાલે મારી ભૂલ થઈ ગઈ હતી. હવે હું કદી ચોરી નહીં કરું; જૂઠું નહીં બોલું; તને મૂકીને એકલો ખાઈ નહીં લઉં; તું પાણી ભરીશ ત્યારે હું સૂઈ નહીં રહું; તું ખીચડી બનાવીશ તો હું કઢી બનાવીશ; તું પાણી ભરીશ તો હું ઘરમાં ઝાડુ કાઢીશ. હવેથી બેઠો-બેઠો નહી ખાઉં.’
ચકી તો ખુશ થઈ ગઈ, હો ભાઈ, પોતાનો ચકો સુધરી ગયો જાણી તેણે ભગવાનનો આભાર માન્યો. અને પોતાનો ચકો સુધરી ગયો એના આનંદમાં તે બજારમાં જઈ નવી સાડી લઈ લઈ આવી. ‘અને ચકાભાઈ માટે શર્ટનું એટલે કે ખમીસનું કાપડ લઈ આવી.’
[લેખકની નોંધ :આ છેલ્લું વાક્ય મારા ચાર વર્ષીય ભાણેજ ચિ. મનને ઉમેરાવેલું. વાર્તા સાંભળીને તેણે દલીલ કરી હતી કે ‘ચકી પોતાના માટે સાડી લઈ આવી, તો ચકો સુધરી ગયો તેને માટે કાંઈ ન લાવી? તેને માટે ચકીએ શર્ટ લાવવું જોઈતું હતું.'
તદુપરાંત તેનું એક બીજું પણ ગંભીર સૂચન હતું. વાર્તા સાંભળી લીધા પછી થોડીવારે તે કહે : ‘ચકીએ ઓલા ચકી, ચકી, અલે, ખીચડી લે, મારે માળે આવીને રહે’ – એવું કહ્યું હતું તે ચકા પાસે ચાલ્યા જવું જોઈતું હતું. કારણ કે જે બગડે તે સુધરતું નથી. તેથી તેનો ચકો ડાહ્યો થઈ ગયો તે વાત ખોટી.’
બાળક કોનું નિરીક્ષણ કરીને આવું બોલ્યું હશે? કોઈ પારિવારિક જન હશે કે કોઈ તોફાની સહાધ્યાયી હશે? – સંશોધન માગે છે.]
સ્રોત
- પુસ્તક : રક્ષાબહેન દવેની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 67)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2023