Sherne Mathe Savaa Sher - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શેરને માથે સવા શેર

Sherne Mathe Savaa Sher

નટવર પટેલ નટવર પટેલ
શેરને માથે સવા શેર
નટવર પટેલ

    શિયાળાની ઠંડી ઋતુની સવાર હતી. ઘરની આગળની પડાળીમાં તડકો આવતો હતો. પિન્કીબહેન દફ્તર લઈ ભણવા બેઠાં.

    દફ્તરમાંથી ચોપડી કાઢી, નોટબુકેય કાઢી ને કંપાસેય કાઢ્યો. બધુંય ચારેકોર પાથર્યું. ને પછી પિન્કીબહેન ઠાવકાં થઈ લેસન કરવા બેઠાં.

    થોડી વાર થઈ ત્યાં રસોડામાંથી મમ્મીએ બૂમ મારી : ‘પિન્કી બેટા, અંદર આવ, કામ છે.’

    ‘શું કામ છે, મમ્મી?’

    ‘પહેલાં અંદર આવ, પછી કહું છું.’

    પિન્કીબહેને ખોળામાંથી નોટ હેઠે મૂકી. નોટ પર પેન્સિલ ને રબ્બર મૂક્યાં. ને પછી નાચતી-કૂદતી અંદર ગઈ.

    થોડી વારે પેન્સિલ ઊભી થઈ નાચવા લાગી. આ જોઈ રબ્બર બોલ્યું : ‘અલી પેન્સિલબાઈ, કેમ નાચે છે?’

    પેન્સિલ કહે, ‘રબ્બરભૈ, જુઓ આ નોટમાં હું કેવા સરસ મજાના અક્ષરો કાઢું છું. જાણે મોતીના દાણા જોઈ લો! છે ને મારો વટ!’ આમ કહી પેન્સિલે કૂદકો લગાવ્યો.

    આ સાંભળી રબ્બર ઠાવકું થઈ કહે, ‘એ તો પિન્કીબહેન તને આંગળીઓ વડે પકડીને લખે છે ને એટલે, બાકી તારા કામમાં કશો શક્કરવારેય નથી. સમજી?’ આમ કહી રબ્બરભૈ હસી પડ્યા.

    પેન્સિલને આ ન ગમ્યું. તેને ખોટું લાગી ગયું. તે ચિડાઈને બોલી : ‘અલ્યા રબ્બરિયા! તું તો વળી સાવ નક્કામું છે. ખોટી ડંફાસ મારીશ નહીં.’

   ‘એટલે?’ રબ્બર રોફ કરી બોલ્યું :

    ‘તું કશાય સારા કામમાં આવતું નથી.’

    ‘જા રે જા, હું તો ઘણો કામનો છું. તું જો ખોટું લખી નાખે તો એ તરત જ હું છેકી કાઢું છું કે નહિ?’ રબ્બરે સમજ પાડી.

    ‘જા રે જા, રબ્બરિયા! આ તે કંઈ સારું કામ કહેવાય? મારું કામ તો તારા કરતાં ઘણું સારું ગણાય. હું તો સરસ વાક્યો લખું છું, સરસ ચિત્રો દોરું છું, સમજ્યો?’ આમ કહી પેન્સિલે છાસિયું કર્યું.

    રબ્બરને થયું કે આજ હવે પેન્સિલને બતાવી દેવું પડશે કે અમારા બેમાં જબરું કોણ?

    પેન્સિલ કહેતી : જબરી હું.

    રબ્બર બોલ્યું : જા જા તું.

    રબ્બર કહે, ‘તારા કરતાં હું જબરો છું. સમજી પાતળી લિસોટા જેવી પેન્સિલબાઈ!’

    પેન્સિલ ચિડાઈ ગઈ! ‘જો રબ્બરિયા, તારે મને બાઈ નહીં કહેવાની.’

    ‘ત્યારે શું કહું?’

     ‘પેન્સિલબહેન કહેવાની, સમજ્યો?’

    ‘જા જા બહેનવાળી, તારું મોઢું તો જો કેવું કાળું છે! ને હું કેવો સુંદર રંગવાળો છું!’

    પેન્સિલ મનમાં સમસમી ગઈ. તે ચૂપ થઈ ગઈ. પણ રબ્બરને જોર ચડ્યું હતું. તે કહે, ‘જો હું તારું બધું લખાણ કાઢી નાખું છું કે નહિ?’

    આમ કહી રબ્બર તો સીધું નોટ પર કૂદ્યું. ને લીટીએ-લીટીએ ફરી વળ્યું. ને થોડી વારમાં તો આખું પાનું સફાચટ. એક પણ અક્ષર ન મળે. પેન્સિલ તો ઠાવકી થઈને બસ જોઈ જ રહી.

    પેન્સિલેય વટનો કટકો હતી. તેણે ફરી નોટ પર અક્ષરો પાડ્યા. એટલે પાછું રબ્બર ફરી કૂદ્યું તેના પર બધા જ અક્ષરો થઈ ગયા સફાચટ!

    ને પછી તો પેન્સિલ ખરેખર ગુસ્સે થઈ ગઈ. તેણે પોતાની અણી રબ્બરના પોચા શરીરમાં ઘુસાડી દીધી. રબ્બર તો આ અચાનક થયેલા હુમલાથી હેબતાઈ જ ગયું. તે ચીસ પાડી ઊઠ્યું : ‘ઓય મા!’

    ‘લે, લેતું જા. તું  જ લાગનું છે!’ આમ કહી પેન્સિલ ફરી તેની અણી ઘુસાડવા ગઈ, પણ હવે તો રબ્બર ચેતી ગયું હતું. તે દૂર ખસી ગયું ને પેન્સિલ નોટ સાથે અથડાઈ. તેની અણી બટકાઈ ગઈ. પેન્સિલે ચીસ પાડી : ‘ઓય મા! મરી ગઈ.’

    આ સાંભળી રબ્બર હસી પડ્યું. પેન્સિલ ચિડાઈ ગઈ. ફરી તે રબ્બર પર કૂદી. રબ્બર દૂર ખસી ગયું. પેન્સિલ નીચે પડી ગઈ. બિચારી પેન્સિલ! તે ઊભી થાય તે પહેલાં રબ્બરે તેના પર ચાર-પાંચ કૂદકા મારી દીધા. પેન્સિલ અધમૂઈ થઈ ચીસો પાડવા લાગી : ‘બચાવો! કોઈ બચાવો! આ રબ્બરિયો મારો ઘાણ કાઢી નાખશે.’

    ખૂણામાં એક ટેબલ હતું. તેના પર એક બૉલપેન પડી હતી. પેન્સિલની ચીસો સાંભળી તે દોડતી આવી. તેણે જોયું તો પેન્સિલ નીચે પડી-પડી હીબકાં ભરતી હતી ને થોડે દૂર ઊભું રહી રબ્બર હસતું હતું,.

    બૉલપેને પૂછ્યું : ‘પેન્સિલબહેન, કેમ રડે છે? શું થયું?’ રડતાં-રડતાં પેન્સિલે બધી વાત કરી.

પેન્સિલ મનની વાત કરે,
બૉલપેન તે કાને ધરે.

    બધી હકીકત સાંભળી બૉલપેને રબ્બરને ઠપકો આપતાં કહ્યું : ‘રબ્બરભાઈ, તમારે આમ ન કરવું જોઈએ. તમે તો બેઉ ભાઈ-બહેન કહેવાઓ. તમારે તો સંપીને રહેવું જોઈએ.’

    રબ્બર ચાળા કરતાં બોલ્યું : ‘બધો વાંક એનો છે.’

    પેન્સિલે દલીલ કરી : ‘મારું બધું લખાણ એણે ભૂંસી નાખ્યું.’

    રબ્બરે એની વાત કાપતાં કહ્યું : ‘બૉલપેનબહેની એ કહે કે હું જબરી! મેં કહ્યું કે ના હું જબરો એટલે પછી એને બતાવવા મેં લખાણ છેકી નાખ્યું.’

    બૉલપેન સમજી ગઈ કે રબ્બરને અભિમાન આવી ગયું.

સાંભળ મારા રબ્બર ભૈ,
જબરું તું તો જગમાં કૈં.

    વખાણ સાંભળી રબ્બરભૈ તો ફુલાઈ ગયા.

એ ફુલાયું સૂણી વાત
જગમાં મોટી મારી જાત.

    બૉલપેનને થયું કે રબ્બરભાઈને અભિમાન આવી ગયું છે. એનું અભિમાન દૂર કરવું જ પડશે.

    પેન કહે : ‘રબ્બરભાઈ, તમે જબરા તો ખરા. હવે હું નોટ પર લીટી દોરું છું. તમે જો ભૂંસી કાઢો તો તમે સૌથી જબરા!’

    રબ્બરે અભિમાનથી કહ્યું : ‘ભલે.’

એ ફુલાયું સુણી વાત,
પેને ત્યાં તો પાડી ભાત.

    પેને નોટમાં એક વાંકીચૂંકી લીટી દોરી.

 

પેન કહેતી : ‘ભૂંસી નાખ.’
તારી વાતો માનીશ લાખ.

    ને પછી તો રબ્બરભૈ કૂદી પડ્યા નોટ પર. બીજા કૂદકે તે લીટી પર કૂદ્યા. જોર કરી લીટી ભૂંસવા લાગ્યા. પણ આ શું?

 

રબ્બર લીટી ભૂંસવા જાય,
ભાત જરાયે ન ભૂંસાય.

    રબ્બરને થયું કે હજી જરા વધારે જોર કરવા દે. ને એણે વધારે જોર કાઢ્યું. પણ લીટી તો ન જ ભૂંસાઈ. પેન્સિલ પણ પેન પાસે જઈ ઊભીઊભી આ ખેલ જોવા લાગી. રબ્બરથી લીટી ભૂંસાતી ન હતી. આ જોઈ પેન્સિલબાઈ તો ખુશ થયાં. તે તાળી પાડી નાચવા લાગી. રબ્બરભૈનું અભિમાન ઓસરી ગયું.

 

રબ્બરભૈ તો ફાફડીફૂસ!
પેન્સિલબાઈ થયાં ખુશ.

    રબ્બર તો શરમાઈને થોડે દૂર જઈને ઊભું રહી ગયું.

    પેન્સિલ તાનમાં આવી બોલી : ‘અલ્યા રબ્બરિયા! ક્યાં ગયું તારું જોર? હવે ભૂંસે તો જબરો કહું.’

    રબ્બર બિચારું શું બોલે. તે તો રડવા જેવું થઈ ગયું.

    પેન બોલી : ‘પેન્સિલબહેન, હવે રબ્બરભાઈને ખીજવીશ નહિ. તેને બોધપાઠ મળી ગયો છે. એને એની તાકાતનો ખયાલ આવી ગયો છે.’ આમ બોલી પેન રબ્બરની નજીક ગઈ. તેના માથે પ્રેમથી હાથ ફેરવી બોલ્યું : ‘રબ્બરભૈ, મારી સામે જો.’ રબ્બરે ઊંચે જોયું.

    પેન હસીને બોલી : ‘મને ખબર હતી કે તું આ કામ નહીં કરી શકે. એ કામ તારી તાકાત બહારનું છે. જો કે મને પણ જરાય અભિમાન નથી મારું લખાણ પણ કાઢી શકાય તેવા રસાયણની શોધ થઈ છે. એટલે હુંય કંઈ જબરી ન ગણાઉં. આપણે સૌ સરખાં છીએ. આ પેન્સિલનું કામેય મોટું છે. ને તારુંય કામ મોટું છે. મારી વાત સમજાય છે ને ભાઈ.’

    રબ્બર ધીમે રહી બોલ્યું : ‘બૉલપેનબહેન, તમે મને સાચી સમજ આપી. હવે હું અભિમાન નહીં કરું. ને પછી પેન્સિલ પાસે જઈ હાથ જોડી બોલ્યું : ‘પેન્સિલબહેન, મને માફ કરી દો.’

    પેન્સિલ પણ ગળગળી થઈ ગઈ. તેણે રબ્બરના હાથ પકડી લીધા ને બોલી : ‘એ શું બોલ્યા મારા રબ્બરભાઈ.’

    ને પછી ત્રણે જણ હાથમાં હાથ પરોવી નોટ પર જ ગોળગોળ ફરતાં જાય ને ગાતાં જાય.

રબ્બર નાચે
પેન નાચે
નાચે પેન્સિલબાઈ!
હુંય મોટી
મોટું રબ્બરભાઈ! થા થૈયા થૈયા થા થૈ!

    (‘ખુશી અને પરી’માંથી)

સ્રોત

  • પુસ્તક : નટવર પટેલની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 104)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2023