
જૂના જમાનાની આ વાત છે.
એ વેળા રત્નેશ્વર નામનો એક ગુણવાન અને વિદ્વાન રાજા રાજ્ય કરતો હતો.
રાજા વિદ્યાકળાનો શોખીન હતો. એના દરબારમાં અનેક વિદ્વાનો અને કલાકારોને આશ્રય મળતો. રૂપનિધિ નામે એક બહુરૂપી પણ ત્યાં હતો. એ જાતજાતના અને ભાતભાતના વેશ એવી રીતે ભજવી બતાવે કે આબેહૂબ એ વેશધારી ખરેખરો જ છે, એમ લાગે.
રાજાએ એક વખત રૂપનિધિને કહ્યું : ‘તમે એક એવો વેશ ભજવો કે અમે કોઈ તમને ઓળખી જ ન શકીશે. જો તમે એવી રીતે સફળતાથી વેશ ભજવી અમને પ્રસન્ન કરશો તો તમને એક હજાર રૂપિયાનું ઇનામ આપીશું.’
બહુરૂપીએ હા પાડી. પણ કહ્યું કે બહુ દિવસથી હું વતન ગયો નથી. માટે મને ત્રણ-ચાર માસ વતન જવાની રજા આપો. તે પછી આવી આપને મારી કલાનો પરચો કરાવીશ. રાજાએ એ વાત મંજૂર રાખી.
(2)
થોડા દિવસ પછી નગરમાં ભારે હલચલ મચી ગઈ. બધા લોકો નગરની ઊગમણી દિશાએ આવેલા વૈતાળવડ આગળ જવા લાગ્યા.
વાત એમ હતી કે કોઈ મહા સમર્થ મુનિ ત્યાં પધાર્યા હતા. એ કદી એક શબ્દ પણ બોલતા ન હતા. આખો દહાડો ને રાત આંખો બંધ કરી, સમાધિ ચડાવી તપ કર્યા કરતા હતા.
કોઈની સાથે બોલતા પણ ન હતા; કે વાતચીત પણ કરતા ન હતા. માત્ર કોઈક-કોઈક વાર કોઈના માથે હાથ મૂકતા ને આશીર્વાદ આપવાની સંજ્ઞા કરતા. લોકોમાં વાત ચાલી કે મહાત્મા જેના માથે હાથ મૂકતા એનું ધાર્યું કામ સિદ્ધ થતું.
આથી દરરોજ સવારથી તે સાંજ લાગી હજારો લોકો ટોળે બળીને મહાત્માનાં દર્શન આવતા. કેટલીક ભજન મંડળીઓ આજુબાજુ જામી ગઈ. મહારાજ કદી મોંએથી એક પણ શબ્દ બોલતા ન હતા. માથે મોટી જટા હતી. ભરાવદાર મૂછો ને લાંબી દાઢી હતી. કૌપીન પહેર્યું હતું, બસ, આખો વખત જપ કર્યા જ કરતા હતા.
આવી મહત્ત્વની વાત રાજાના કાને ન એક પહોંચે કેમ બને?
રાજાને પણ મન થયું કે આવા સમર્થ યોગીરાજના દર્શને તો મારે પણ જવું જોઈએ.
રાજા ઘોડા પર બેસી મહાત્મા પાસે ગયો.
મહાત્માએ ઊંચું સુધ્ધાં જોયું નહિ.
રાજા ઘોડા ઉપરથી ઊતરી લાંબો થઈ મહાત્માના પગે પડ્યો. એમની ચરણરજ પોતાના મસ્તકે ચડાવી. તોપણ મહાત્માએ રાજા સામું ન જોયું.
આવા નિસ્પૃહી સંત મહાત્માને પોતાના નગરમાં પધારેલા જોઈ રાજા બહુ પ્રભાવિત થયો. બીજે દહાડે રથમાં બેસી રાણીને સાથે લઈને મહાત્મા પાસે ગયો.
મહાત્માને રાજા-રાણી દંડવત્ પ્રણામ કરી પગે લાગ્યાં.
રાજાએ સોનામહોરોથી ભરેલો ચાંદીનો ટાટ મહાત્માના ચરણે ધર્યો.
રાણીએ બહુમૂલ્ય ઝવેરાતનો થાળ મહાત્માના ચરણે ધર્યો.
મહાત્માએ શું કર્યું? બધી સોનામહોરો અને ઝવેરાતના થાળ વેરવિખેર કરી આઘા ધકેલી દીધા! રાજા-રાણી સામે અવળી પૂંઠ કરી તપ કરવા બેસી ગયા! મોંએથી એક શબ્દનો પણ ઉચ્ચાર કર્યો નહિ.
મહાત્માની ત્યાગવૃત્તિ જોઈ રાજા સ્તબ્ધ બની ગયો. ભક્તિભાવથી ગળગળો થઈ ગયો. એણે યોગીરાજના પગમાં પોતાનું માથું મૂકવા માંડ્યું.
પણ ત્યાં તો એક ચમત્કાર થયો.
મહાત્મા એકદમ સફાળા ઊભા થઈ ગયા.
એમણે જ રાજાના પગમાં પોતાનું મસત્ક ઝુકાવી દીધું.
મહાત્મા બોલ્યા : ‘મહારાજ! હવે બસ! મને ન ઓળખ્યો? હવે ઓળખી લ્યો!’ એમ કહી એણે મોં પરથી દાઢી-મૂછ બનાવટી હતાં તે ઉખેડીને ફેંકી દીધાં. માથાની જટાને પણ દૂર ફેંકી દીધી રાજાની સમક્ષ પ્રણામ કરીને ઊભો રહ્યો.
‘કોણ? રૂપનિધિ? મારો બહુરૂપી? આશ્ચર્ય! ધન્ય છે તને. તારી વેશ ભજવવાની કળાથી મને બહુ જ આનંદ થયો છે.’ રાજા ખુશી થઈને બોલ્યો.
‘તો પછી મહારાજ! મારા રૂપિયા એક હજાર ઇનામના મને આપવા કૃપા કરશો.’ બહુરૂપી હાથ જોડીને બોલ્યો.
‘કબૂલ; પણ મને એક વાત ન સમજાઈ.’ રાજાએ પૂછ્યું.
‘શી અન્નદાતા!’
‘તું મહાત્માના વેશમાં હતો. ત્યારે આખી પ્રજા અને હું કોઈ તને ઓળખી શક્યાં ન હતાં. તારી આગળ આ સુવર્ણમુદ્રા અને ઝવેરાત લાખ રૂપિયાથી પણ વધારે કિંમતનું હતું. એ લઈને ગુપચુપ ચાલ્યો ગયો હોત તો વગર મહેનતે લક્ષાધિપતિ બની ગયો હોત. એ ચીજો તેં ન લીધીં, અને માત્ર હજાર રૂપિયાથી કેમ સંતોષ માને છે?
બહુરૂપી બોલ્યો : ‘મહારાજ! એક સમર્થ યોગીરાજ મહાત્માનો વેશ હું ભજવી રહ્યો હતો. વેશ ભજવતો તો બરાબર ભજવવો જોઈએ. સાચો કલાકાર કલા કરતાં કલદારને કદી વધારે મહત્ત્વ આપતો નથી. મહાત્મા નિસ્પૃહી હોય. એમને સોનું ને ઝવેરાત અને જંગલની માટી વચ્ચે તફાવત ન હોય. निस्पृहस्य तृणं जगत् (નિસ્પૃહ એટલે કે સાધુ માટે જગતની સંપત્તિ તૃણ એટલે કે ઘાસ સમાન છે) જો એ આવી માયામાં મોહ રાખે તો પછી એ મહાત્મા શાનો? એટલે જે વેશ હું ભજવતો હતો એ વખતે મારાથી એક વસ્તુને પણ અડકાય શી રીતે? હવે તો હું પાછો બહુરૂપી બની ગયો છું અને મારું ઇનામ માગી રહ્યો છું.’
રાજાએ પ્રસન્ન થઈ બહુરૂપીને બીજા પાંચ હજાર રૂપિયા ઇનામ આપ્યા.



સ્રોત
- પુસ્તક : રમણલાલ ન. શાહની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 45)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2015