Bahu Saru Karyu - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બહુ સારું કર્યું

Bahu Saru Karyu

રક્ષા દવે રક્ષા દવે
બહુ સારું કર્યું
રક્ષા દવે

    નાનાં એવાં બેબીબહેન. એમનું નામ ઘુંઘરૂબહેન. ઘુંઘરૂબહેન ઘમ-ઘમ કરતાં જાય અને કૂંડાના છોડવાઓને પાણી પાતાં ગાય :

‘પી રે ભાઈ, પી;
ગંગા ને જમનાનાં પાણીડાં પાઉં.’

    ગંગા એટલે તેમના નળનું પાણી અને જમુના એટલેય તેમના નળનું પાણી.

    ક્યા-ક્યા છોડવા એમને ત્યાં હતા તે ખબર છે? એ તો તમે એમને ઘરે જાઓ તો જોવા મળે. એમને ઘરે જાવું હોય તો દાદર ચઢીને જવાય. પહેલે માળે તેમનું ઘર છે. પછી કોઈ માળ નથી. અને ઘર શરૂ થતાં પહેલાં મોટી અગાશી છે. અગાશીમાં તેમનું ઘર છે. તેમની અગાશીમાં એક નહીં, બે નહીં, ત્રણય નહીં, સાત કૂંડાં હતાં. કોઈમાં ગુલાબનો છોડ હતો, તો કોઈમાં જુદી-જુદી જાતના ક્રોટનના છોડ હતા. એક છોડનાં પાન તો જામલી રંગનાં હતાં. એક છોડનાં પાન લીલાં-લીલાં હતાં, પણ તેમનો આકાર લાંબી પટ્ટી જેવો હતો. અને તેમની ઉપર પપ્પાના શર્ટમાં હોય છે, તેવી પીળી-પીળી લીટીઓ હતી. જાણે ભગવાને ફૂટપટ્ટી લઈને આંકી ન હોય! એ છોડનું નામ ઘુંઘરૂબહેને ‘શર્ટિંગ’ પાડ્યું હતું. પણ દાદીમાએ તેનું નામ પાડ્યું હતું ‘દોરિયો’. એકમાં લીલાં-લીલાં પાન ઉપર પીળાં-પીળાં છાંટણાં હતાં. નામ પાડ્યું હતું ‘ટીપકી’. એકમાં લીલાં-લીલાં પાન પર લાલ-લાલ છાંટણાં હતાં, જાણે ભગવાને કંકુ ન છાંટ્યું હોય! નામ પાડ્યું હતું : ‘કંકુ’. અરે! વાત કરો મા ભાઈ, બહુ સરસ છોડવા હતા અને એવાં જ સરસ કૂંડાં હતાં.

    એમાં એક વખત આખા મકાનને મોંઘોદાટ ડિસ્ટેમ્પર કલર કરવાનું નક્કી થયું. ગુલાબી-ગુલાબી રંગ હોં કે! ઘુંઘરૂબહેનના પપ્પાને થયું કે હવે કૂંડાં અગાશીમાં નહીં રાખી શકાય. રંગકામ કરનારાઓને આડાં આવશે, તેથી તેમણે બધાંને નીચે ઉતારી મૂક્યાં.

    હવે કુંડાંઓ ફળિયાની શોભા થઈ ગયાં. ઘુંઘરૂબહેનને તો બહેનપણીઓ આઘી ચાલી ગઈ હોય – એવું લાગ્યું, પણ શું થાય?

    પછી તો ઘર રંગાઈ ગયું તોપણ પપ્પા કૂંડાં ઉપર ન લાવ્યા. કહે કે ‘ઘર કેવું સરસ થઈ ગયું છે! જાણે સંકેલીને પેટીમાં મૂકી દઈએ એનું રૂપાળું થઈ ગયું છે! હવે કૂંડાં ઉપર લાવીએ, તો અગાશીની દીવાલ માટીવાળી થઈ જાય, ગેરુવાળી થઈ જાય, તેથી હવે ભલે કૂંડાં નીચે જ રહ્યાં. ઘુંઘરૂબહેનને તો જરાય ન ગમ્યું. પણ શું કરે?

    પછી તો ઘણા દિવસો પસાર થયા. દિવાળીના તહેવાર ઓરા આવ્યા. શેરીઓમાં ઘર-સુશોભનની નવી-નવી વસ્તુઓ લઈને ફેરિયાઓ આંટા મારવા લાગ્યા. એક સવારે બનાવટી રંગીન ફૂલોનો અને છોડવાઓનો ટોપલો લઈને એક ફેરિયો ઘુંઘરૂબહેનની શેરીમાં આવ્યો. બોલતો’તો; ‘વસંત લ્યો, વસંત લ્યો.’

    ‘દિવાળી કઈ ઋતુમાં આવે?’

    ‘શરદમાં.’

    પણ આ ફેરિયો શરદમાં વસંત વેચતો’તો!

    ઘુંઘરૂબહેનના પપ્પાએ તેને ઓટલે બોલાવ્યો. તેની પાસેથી દીવાનખંડના એક ખૂણિયામાં ઊભો રહી શકે એવો એક છોડ ખરીદ્યો. એ બનાવટી છોડ સાથે પ્લાસ્ટિકનું એક કૂંડું પણ ખરીદ્યું. તે છોડમાં મોટાં-મોટાં, લીલાં-લીલાં આઠ પાન હતાં અને તેમની ઉપર પીળાં-પીળાં છાંટણાં હતાં. દીવાનખંડના એક ખૂણામાં એક નાના ટેબલ પર કૂંડું મૂક્યું, ત્યારે એવું જ લાગતું હતુ કે જાણે છોડ જીવતો છે!

    પપ્પાએ મમ્મીને કહ્યું, ‘આ કૂડું ખરીદ્યું દિવાળીની શોભા માટે.’

    મમ્મી કહે, ‘બહુ સારું કર્યું.’

    પપ્પાએ ઘુંઘરૂને કહ્યું, ‘આ તારું કૂડું હોંકે! જો, કેવાં રૂપાળાં પાન છે!’

    તે દિવસે સાંજે ઘુંઘરૂબહેન નાનકડી ડોલ લઈને ફળિયાના સાત છોડવાઓને પાણી પાતાં હતાં, ત્યારે તેમને એવું લાગ્યું કે જાણે મોટાં લીલાં પાનવાળો ટીપકિયાળો છોડ જાણે રડે છે અને જાણે કહે છે કે ‘ઘુંઘરૂબહેન! તમારા પપ્પા તો જુઓ, કેવા છે! મને જીવતા છોડને નીચે કાઢી મૂક્યો અને મારી નકલ કરતા બનાવટી છોડને પૈસા ખરચીને ખરીદ્યો અને તેને દીવાનખંડમાં બેસવાનું માન આપ્યું!’

    હં. છોડની વાત તો સાચી છે. ઘુંઘરૂબહેન છોડને પંપાળવા લાગ્યાં. હોઠથી પુચકારવા લાગ્યાં. અને પછી તો શું કહું તમને? ઘુંઘરૂબહેને તો ખૂબ જોર કરીને કૂડું માંડ-માંડ ઊંચક્યું. અને માંડ્યાં દાદર ચઢવા. કેવી રીતે ખબર છે? કૂડું ઊંચકીને એક પગથિયે મૂકે હં-બ-બ-બ-બ-બ-બ-બ-બ અને પોરો ખાય. પછી કૂડું ઊંચકીને બીજે પગથિયે મૂકે હં-બ-બ-બ-બ-બ-બ-બ-બ અને પોરો ખાય. – એમ એક એક પગથિયું ચડાવતાં-ચડાવતાં કૂંડાને ઘુંઘરૂબહેન મહામહેનતે ફરીથી અગાશીમાં લઈ આવ્યાં.

    બોલ્યાં, ‘પપ્પા! આ છોડ નીચે રડતો હોય એમ મને લાગ્યું. મને કહેતો’તો કે ‘મારા રૂપની નકલ કરતો ખોટો છોડવો લઈ આવ્યા તો હું સાચો શું ખોટો હતો? મને નીચે કાઢ્યો અને ખોટાને દીવાલખંડમાં બેસાડ્યો?’ તેથી હું એને ઉપર લઈ આવી.’

    પપ્પા કહે, ‘બહુ સારું કર્યું. બહુ સારું કર્યું.’

    પછી તો ઘુંઘરૂબહેવ રમવા ચાલ્યાં ગયાં. દીવાટાણું થયું ત્યારે ઘુંઘરૂબહેન ઘેર આવ્યાં, ‘અરે વાહ!’ તેમણે જોયું કે... જોયું કે... શું જોયું હશે – ખબર છે? કહી દો લો કે ઘુંઘરૂબહેને શું જોયું?

    હા, તેમણે જોયું કે તેમને ગમતાં બધાં જ કૂંડાંઓ અગાશીમાં હારબંધ ગોઠવાઈ ગયેલાં હતાં. અને પવનમાં હળું-હળું હલતાં-હલતાં બધા જ છોડવાઓ જાણે કે કહેતા’તા કે ‘આવો આવો ઘુંઘરૂબહેન! આવો.’

    પપ્પાએ હસતાં-હસતાં કહ્યું, ‘હું નીચે ગયો ત્યારે મને એવું લાગ્યું કે જાણે બધા છોડવાઓ મને કહેતા’તા કે ‘અમને ટીપકિયાળા દોસ્ત વિના અને ઘુંઘરૂબહેન વિના અહીં નથી ગમતું.’ એટલે મેં કહ્યું કે ચાલો, બધાંને ઉપર લઈ જાઉં, કારણ કે ઘુંઘરૂબહેનનેય તમારા વિના નથી ગમતું.’

    ઘુંઘરૂબહેન તો પપ્પાને ભેટી પડ્યાં અને બોલ્યાં ‘થઁક્યુ પપ્પા! તમે બહુ સારું કર્યું.’

    [લેખકની નોંધ:આ વાર્તાનું શીર્ષક પણ ભંજુએ (મનન ઉંમર વર્ષ 11) આપેલું છે.]

સ્રોત

  • પુસ્તક : રક્ષાબહેન દવેની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 129)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2023