રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસવારનો ગુલાબી સમય હતો. સૂરજદાદા હજુ ઊગીને બેઠા જ થયા હતા, હજુ પૂર્વ દિશામાં બહુ ઊંચે નહોતા ચડ્યા અને એવા ઝગારા મારતા નહોતા બન્યા કે તેમની સામે જોઈ ન શકાય. એવે સમયે બાપુજીનાં ધોતી-ઝભ્ભા જેવો ઊજળો-ઊજળો ધોળો બગલો માળામાંથી ઊડ્યો. ફગ-ફગ-ફગ પાંખો કરતો સરરર-કરતો દરિયાકાંઠે જવાની ઇચ્છા સાથે આકાશમાં ઊંચે ચડ્યો. અને નવાઈ નવાઈ! ભાઈ, પરમ નવી જેવું કશુંક બન્યું.
વાત એમ છે કે બગલાભાઈએ પોતે ઊડતા’તા એથી પણ વિશેષ ઊંચાઈએથી કશુંક નાનું ધોળું ટપકું નીચે સરી આવતું ભાળ્યું. પહેલાં બગલાભાઈએ આંખો પહોળી કરી, પછી આંખો ઝીણી કરી તાક્યા કર્યું. પેલું ટપકું મોટું ને મોટું થવા લાગ્યું અને હવે આકાર દેખાવા લાગ્યો કે બે લાંબી વિચિત્ર ધોળી પાંખો ઊંચીનીચી થતી હતી. અને પક્ષી સારું એવું લાંબું હતું. બગલાભાઈ તો ગભરાયા. કદી ન જોયું હોય એવું નવતર પંખી આ વળી કયું હશે? તે તો ગભરાટના માર્યા પીપળાના ઊંચા ઝાડ પર બેસી પડ્યા.
પણ આ પક્ષી... પક્ષી તો નથી જ. પાંખો તો જાણે કોઈના ઝભ્ભાની બાંયો ન હોય, એવી લાગતી હતી. અને પક્ષીનું પેટ તો ઝભ્ભાના પેટ અને પીઠનાં બે પડનું જ બનેલું જાણે! અને પક્ષીની ડોક જાણે ઝભ્ભાનો કાંઠલો! ખડ-ખડ-ખડ-ખડ બગલો હસી પડ્યો. તાળી પાડીને બોલી ઊઠ્યો, ‘આલ્લે લે! આ તો કોઈનો ધોળો ડગલો જ છે. પણ એ ઊડ્યો કેવી રીતે? ક્યાંથી આવ્યો? માળું આ તો જાદુ કહેવાય! કમાલ!’
સર-સર-સર કરતો ડગલો જ્યાં બગલો ઊભો હતો, ત્યાં આવ્યો અને આકાશમાં જ સ્થિર ઊભો રહી બોલ્યો,
‘હલ્લો, બગલાભાઈ કેમ છો?’
‘મજામાં, મજામાં. પણ તમે કોણ છો ભાઈ?’
‘એ તો હું ડગલો.’
‘તે તમે ઊડ્યા કેવી રીતે?’
‘લે, તે બગલા ઊડે ને ડગલા ન ઊડે? લાગું છું ને બરોબર ઊડતા બગલા જેવો? વાત એમ છે ને કે હું ભગવાનનો ડગલો છું. ભગવાને મને અત્યાર સુધી પહેર્યો હતો. શિયાળામાં હું ભગવાનને ગરમી આપતો હતો; ઉનાળામાં ઠંડક આપતો હતો અને ચોમાસામાં હું ભગવાનને પલળવાથી બચાવતો હતો. પણ આજ સવારે મારી બાંચમાં ભગવાને હાથ પરોવતાં-પરોવતાં પાછા ખેંચી લીધા અને મને કહ્યું, ‘દોસ્ત ડગલા! મારું કામ કરીશ?’ મેં કહ્યું, ‘હોવે, હોવે.’ ભગવાન કહે, ‘મેં તને આજ દિન સુધી પહેર્યો છે, તેથી તું પણ મારી જેવો શક્તિશાળી અને પવિત્ર થઈ ગયો છે. જા હવે પૃથ્વી ઉપર જા. ત્યાં કોઈ પવિત્ર, ડાહ્યો, ભલો માણસ મળે તો તેની સેવા કરજે.’ તેથી હું પવિત્ર માણસની શોધમાં નીકળ્યો છું. તું એવા કોઈ મહાત્માને ઓળખે છે?’
બગલો કહે, ‘હા, મારો માળો જે પીપળા પર છે ને, તે પીપળો જે વાડીમાં છે ને, તે વાડીના માલિક ભગાજી મને ભલા માણસ લાગે છે.’
‘એમ? કેવી રીતે?’
બગલો કહે, ‘ભગાજી, વહેલી સવારે ઊઠે છે અને મોડી રાતે સૂએ છે. દરમિયાનમાં કેટલાંય સારાં કામ કરે છે. રસ્તે-રસ્તે ચાલતા જાય અને રસ્તે પડેલાં રોડાં-પથ્થર વગેરે વાંકા વળીવળીને લેતા જાય અને સડકને કિનારે મૂકતા જાય. અરે, તેમ કરવામાં એમને કેડનો દુખાવો થઈ ગયો. છતાં ભગાજીએ ઠેબે ચડે એવા પથ્થરને રસ્તામાં એમ ને એમ પડી રહેવા દીધો હોય એવું બનતું નથી હો. દિવસમાં એકાદ કલાક ગમે ત્યાંથી કાઢે અને દવાખાનામાં જઈ દરદીઓની સેવા કરે. મુસ્લિમને મળે તો, ‘જય શ્રી ખુદાતાલા’ બોલે; જૈનને મળે તો ‘જય જિનેન્દ્ર’ બોલે અને નહીંતર ‘જયશ્રીકૃષ્ણ, જયશ્રીકૃષ્ણ’ જપતા જાય. કરતા જાય સઘળા કામ અને લેતા જાય પ્રભુનું નામ. હજુ ગઈ કાલે જ એમણે પોતાનો ડગલો કોઈ ગરીબને દાન કરી દીધો, લો.’
ડગલો કહે, ‘બસ, ત્યારે તેની જ પાસે જાઉં.’ અને સર-સર-સર કરતો ડગલો ઊડતો-ઊડતો આવી પહોંચ્યો ભગાજીની વાડીએ. ભગાજી તો સૂરજ ઊગ્યા પહેલાં નાહીધોઈને તૈયાર થઈ જનાર મહાત્મા માણસ. બહાર જવાની તૈયારી કરતા હતા. ઝાડ ઉપર ટીંગાડેલી લાકડી લેવા હાથ ઊંચા કરવા ગયા, ત્યાં તો જાદુ! સરરર કરતાંક ડગલાએ ભગાજીના હાથમાં પોતાની બાંય પરોવી દીધી. ભગાજી કાંઈ સમજે...સમજે ત્યાં તો બીજા હાથમાં પણ બાંય પરોવી દીધી. અને પટોપટ બટન બંધ થઈ ગયાં. હૂંફનો તો પાર ન રહ્યો. ભગાજી ગભરાઈ ન જાય તેથી ડગલાભાઈ બોલ્યા, ‘મૂંઝાતા નહીં ભગાજી! હું ભગવાનનો ડગલો છું. ભગવાનના કહેવાથી હું તેમના જેવા ભલા માણસની સેવા કરવા નીકળ્યો છું. પીપળાવાળા બગલાભાઈ મને તમારું નામ ચીંધ્યું અને હું આવ્યો તમારી સેવા કરવા. હવે તમારા શરીર પરથી ઊતરે એ બીજા. હું તમને શિયાળામાં હૂંફ દઈશ, ઉનાળામાં ઠંડક.’
ભગાજી કહે, ‘અરે ભાઈ, ડગલાભાઈ! જગતમાં હજુ ઘણાય સારા માણસો છે. ભગોજી એકલો જ કાંઈ ભલો માણસ નથી. તમે મારી જ પાસે રહેશો, તો તે બીજા ભલા માણસોને ભગવાનની કૃપા ક્યાંથી પહોંચાડશો?’
ભગાજી આટલું બોલ્યા ત્યાં તો તેમની છાતી ઉપર સળવળાટ થવા લાગ્યો. ભગાજીએ છાતી ઉપર હાથ ફેરવ્યો. તો વળી એવી નવલી નવાઈ! ડગલાના ખિસ્સામાં કાંઈક જીવતી વસ્તુ સળવળ-સળવળ થતી હતી. ભગાજીને થયું કે બિચારું કોઈ જીવડું મૂંઝાતું લાગે છે. તેમણે ખિસ્સામાં હાથ નાખ્યો અને ઓલ્યા જીવડાને પકડીને બહાર કાઢ્યું, તો ભગાજીની આંખો પહોળી થઈ ગઈ, પહોળી થઈ ગઈ અને એવી પહોળી થઈ ગઈ કે તે પછી માંડ-માંડ જેવી હતી તેવી થઈ લો. તેમના હાથમાંથી પેલું નાનું જીવડું મુક્ત થયું કે તરત ફગ-ફગ-ફગ પાંખો ફફડાવતું ભગાજીની આજુબાજુ ઊડવા માંડ્યું.
જીવડું જેમજેમ ભગાજીની આસપાસ પ્રદક્ષિણા ફરતું જાય તેમતેમ તે મોટું ને મોટું થવા લાગ્યું. પહેલાં નાનકડા ધોળા ઝભલા જેવડું, પછી ભંજુભાઈના બુશશર્ટ જેવડું, પછી ટીલુબહેનના બુશશર્ટ જેવડું, પછી કેદારભાઈના અને ક્ષમિનભાઈના બુશશર્ટ જેવડું અને પછી જોતજોતામાં મોટા ડગલા જેવડું થઈ ગયું. ભગાજી તો આભા થઈ ગયા. ડગલામાંથી ડગલું જન્મયું. અને તેય બની ગયું ડગલો! બોલ્યું, ‘ભગાજી! મારા ખિસ્સામાંય ડગલું છે અને એ ડગલુંના ખિસ્સામાંય ડગલું છે. દુનિયામાં જેટલા ભલા માણસો છે તે બધાને અમે હૂંફ આપશું અને ઠંડક આપશું. બધા ભલા માણસોને ભેટીભેટીને ભગવાનના આશીર્વાદ આપશું.’ અને ભગાજીએ થોડી વાર આંખો મીંચીને ભગવાનનું સ્મરણ કર્યું. બુરા માણસો માટે પ્રાર્થના કરી કે ‘હે ભગવાન! સૌને સદ્બુદ્ધિ આપજે. ઈશ્વર અલ્લા તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન!’ અને પછી ઊપડ્યા બહાર. તેમને રસ્તા પરથી ઘણા પથ્થર-રોડાં ઉપાડીને આઘાં કરવાનાં હતાં; ઘણા દરદીઓની પથારી સાફ કરવાની હતી. પણ આજે ભગાજી જયશ્રીકૃષ્ણ, જયશ્રીકૃષ્ણ બોલતાં-બોલતાં વચમાં-વચમાં બે હાથ ઊંચા કરીને પોકાર કરતા હતા કે ‘ભલા બનો ભાઈ, ભલા બનો.’ ડગલું પણ ઊડ્યું, કારણ કે તેને એક ભલો માણસ શોધવાનો હતો.
[લેખકની નોંધ :મારા ચાર વર્ષના ભાણિયા ચિ. મનને આ વાર્તા સાંભળીને એવા ઉદ્ગાર કરેલા કે, ‘હું સવારના ઊઠું અને આળસ મરડું ત્યાં બેય હાથમાં ડગલો પહેરાવાઈ જાય તો એવી મજા આવે! હું પણ હવે ભલો બનીશ. હઠ નહીં કરું અને કજિયા નહીં કરું.]
સ્રોત
- પુસ્તક : રક્ષાબહેન દવેની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 33)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2023