
એક વખત એક વાદળ હતું. ઉંમરમાં એ સાવ નાનું હતું. એનું નામ હતું ‘હુતુતુ’.
હુતુતુ પોતાનાં પપ્પા, મમ્મી ને કાકાના કુટુંબ સાથે જૂનાગઢ શહેરના આકાશમાં રહેતું હતું. જૂનાગઢમાં ડુંગરાઓ ઘણા. ગિરનારનો ડુંગરો તો ઊંચામાં ઊંચો. એ વાદળોની સાથે આખો વખત વાતો કર્યા કરે.
હુતુતુને ઊડવાની બહુ બીક લાગે, હોં! કારણ કે એ તો સાવ નાનું વાદળ હતું. એટલે ગીરના ડુંગરા ઉપર એક સરસ જગ્યા શોધીને એ આખો વખત ત્યાં જ બેસી રહેતું.
જૂનાગઢનાં બધાં વાદળો એક દિવસ ભેગાં મળ્યાં. એમણે બધાંએ બહારગામ પિકનિક પર જવાનો પ્રોગ્રામ નક્કી કર્યો. રવિવારે જૂનાગઢથી નીકળવાનું. સોમનારે અમદાવાદ આવી જાય. અમદાવાદ પર પાણી છાંટવાનું. બધાં છોકરાંઓને ખુશ કરવાનાં. છાપરાંઓને, કબૂતરોને, કાગડાઓને, ઝાડ-પાનને – બધાંયને ભીંજવવાનાં આકાશમાંથી ગાંધીજીનો સાબરમતી આશ્રમ જોવાનો. કાંકરિયાના બગીચામાં બકરાગાડી જોવાની. ઝૂલતો મિનારો જોવાની. પછી પાછા જૂનાગઢ. કેમ, કેવો લાગ્યો પ્રોગ્રામ?
રવિવારની સવાર પડી. બધાં વાદળો વહેલાં-વહેલાં જાગી ગયાં. “છોકરાંઓ ચાલો, અમદાવાદ જવાનું છે!” હુતુતુની મમ્મી ગરજી. પણ હુતુતુ તો બેસી જ રહ્યું. થોડાં વાદળોએ ઊડવાનું શરૂ કર્યું. હુતુતુના પપ્પા બોલ્યા, “ચાલ રે આળસુ, બગાસાંખાઉ! ડુંગરા પરથી ઊઠ, ને ઊડવા માંડ!” પણ હુતુતુ બોલ્યું, “પપ્પા, મને તો બીક લાગે છે.”
પછી તો હુતુતુનાં કાકા-કાકી, મોટી બહેન, બધાંએ એને સમજાવ્યું : “ભઈ, વાદળને તે કંઈ ઊડવાની બીક લાગે? જો, અમે બધાં કેવાં ઊડીએ છીએ?” પણ હુતુતુ એકનું બે ન થયું. હુતુતુના મોટા ભાઈએ ગડગડાટ કર્યો, “બાયલો છે... આટલું અમથું ઊડી પણ શકતો નથી!” તોપણ હુતુતુ તો ડુંગરા પરથી ચસકે નહિ. પપ્પા બોલ્યા, “આ ડરપોક એમ નહીં માને.” એમ કહીને એમણે તો હુતુતુને ડુંગરા પરથી ધક્કો મારી દીધો. બાપ રે!
“ઊડવા માંડ, ઊડવા માંડ!” બધાંએ બૂમ મારી. પણ હુતુતુ “બચાવો, બચાવો...” કહીને ગબડવા લાગ્યું. નીચે ગામમાં એક અગાસી દેખાતી હતી. હુતુતુ ધબાક દઈને એ અગાસીમાં પછડાયું.
એ ઘરમાં રાજ ખાંડવાળો રહેતો હતો. તમે પૂછશો કે રાજ વળી જૂનાગઢમાં ક્યાંથી? વાત એમ બની હતી કે વૅકેશનમાં હવાફેર કરવા ખાંડવાળો પોતાની માસીને ઘેર જૂનાગઢ આવ્યો હતો. તોફાની બારકસ છોકરો. બહારગામ જાય ત્યારે તોફાનના પ્રસંગો પણ એના લગેજમાં ભરાઈને જોડે જોડે બહારગામ આવે છે. એટલે વાદળ પણ બીજા કોઈની નહિ ને રાજની જ અગીસીમાં પડ્યું.
રાજે બૂમ પાડી, “આપણી અગાસીમાં એક વાદળું આવ્યું છે.” એમ કહીને તરત એ અગાસીમાં દોડ્યો. જોયું તો ખૂણામાં એક વાદળ ડરીને બેઠું હતું.
“હૈલા! તું આકાશમાંથી અગાસીમાં આવી ગયું!” રાજે કહ્યું.
“હા, મને ઊડવાની બીક લાગે છે ને, એટલે. મને તારી અગાસીમાં રાખશે?”
“હા, હા,” રાજે કહ્યું, “પણ તારે મારા દોસ્તારો જોડે રમવાનું, હં... ગોટી રમવાની, વિડિયો ગેમ્સ રમવાની, હુતુતુ રમવાનું...”
“પણ મારું તો નામ જ હુતુતુ છે.”
“શું વાત કરે છે?” રાજ બોલ્યો. પછી રાજ ને હુતુતુ બહુ હસ્યાં.
“જો તને કંઈ બતાવું.” રાજે કહ્યું, “આ પાંચમા પગથિયા પરથી હું સી...ધો નીચે ભૂસકો મારું છું.”
હુતુતુએ પૂછ્યું, “આટલાં બધાં પગથિયાં પરથી ભૂસકો?”
“એમાં શું યાર!” કહીને રાજે તો છલાંગ લગાવી.
આ જોઈને હુતુતુને શૂરાતન ચડ્યું. “રાજ, હું પણ તારી જેમ બહાદુર છું. હવે જો, હું કેવું ઊડું છું તે...” એમ કહીને હુતુતુ તો ઊડવા માંડ્યું. રાજ તાળીઓ પાડવા લાગ્યો, “આવજે, આવજે...”
હુતુતુ પોતાનાં મમ્મી-પપ્પા પાસે ઉપર પહોંચી ગયું. આકાશમાંથી રાજ ઝીણો ઝીણો દેખાતો હતો. હુતુતુએ રાજની અગાસી પર મસ્તીમાં પાણી છાંટ્યું. રાજ બોલ્યો, “અરે, બસ, બસ...”
બધાં વાદળો પકડાપકડી રમતાં રમતાં અમદાવાદ તરફ આગળ વધતાં હતાં. પવન લાગવાથી હુતુતુના પેટમાં ગલીપચી થતી હતી. હવે તો હુતુતુ ઊડવાનું ચૅમ્પિયન થઈ ગયું છે અને દરરોજ હવામાં હીંચકા ખાય છે.



સ્રોત
- પુસ્તક : ઉદયન ઠક્કરની મનપસંદ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 10)
- સંપાદક : સાંકળચંદ પટેલ
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2012