રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમાખણલાલ મુનીમ માંદા પડ્યા હતા. એટલે પૂનમચંદ શેઠની દુકાને આવતા નહોતા. શેઠ એમની ખબર કાઢી આવ્યા અને આઠદશ દિવસ આરામ કરવાનો હુક્મ પણ આપી આવ્યા. અજવાળી શેઠાણીએ અડવાને કહ્યું : “તું પણ એક વાર મુનીમની ખબર કાઢી આવ ને! એમને બિચારાને સારું લાગે.”
શેઠે પણ અડવાને કહ્યું : “હવે તો એમને સારું છે પણ કાલે દુકાનથી એમને ઘેર જતો આવજે. એમને કંઈ જોઈતુંકરતું હોય તો પૂછજે.” અડવો બીજે દિવસે બપોરે દુકાનેથી એમને ઘેર જવા નીકળ્યો. રસ્તામાં એને બેચરભાઈ મળ્યા. બેચરભાઈ ચરોતરના પટેલ અને અનાજના વેપારી હતા. પૂનમચંદ શેઠની દુકાને ઘણી વાર આવતા. એમણે અડવાને પૂછ્યું. “નાના શેઠ! ક્યાં હીંડ્યા?”
અડવો કહે : “માખણલાલની ખબર લેવા.”
બેચરભાઈ કહે : “માખણલાલ હમણાં જ મરી ગયા...”
અડવો : “ચમક્યો હેં? ક્યારે?”
બેચરદાસ એમની જવાની ધૂનમાં હતા. એ કહે : “હમણાં બાર વાગ્યે જ મરી ગયા. હું બજારમાં જતો હતો ત્યારે જ મરી ગયા.”
અડવો તો બાઘા જેવો ઊભો જ રહી ગયો. બેચરભાઈ તો ચાલતા થઈ ગયા. અડવો માખણલાલને ઘેર જવાને બદલે સીધો પોતાની દુકાને ગયો. શેઠને કહે, “માખણલાલ મરી ગયા...!”
પૂનમચંદ શેઠ ગાદી પર બેઠા હતા તે એકદમ ઊભા થઈ ગયા. “હેં...હેં!”
અડવો કહે : “હા...બપોરે બાર વાગ્યે મરી ગયા...” શેઠે એકદમ એમની પાઘડી નીચે ફેંકી. “અરરર... બિચારા... આમ તો સાજાસમા હતા. એકદમ શું થઈ ગયું?”
અડવો કહે : “હારટ બંધ થઈ ગયું હશે.”
શેઠને અડવાનો વિશ્વાસ ના બેઠો. તેમણે એને પૂછ્યું : “તું જાતે ગયો હતો?”
અડવો કહે : “રસ્તામાં જ બેચરભાઈ પટેલ મળ્યા...એમણે જ કહ્યું કે, માખણલાલ મરી ગયા. એટલે હું સીધો અહીં આવ્યો.”
શેઠે એકદમ દુકાન બંધ કરી. બધા કારીગર ગુમાસ્તાને માખણલાલના માનમાં રજા આપી દીધી. ઘેર શેઠાણીને ફોન કરી દીધો : “તમે માખણલાલને ઘેર પહોંચી જાઓ. એમનું અચાનક અવસાન થયું છે.”
અજવાળી શેઠાણી પણ બિચારાં રોઈ પડ્યાં. પૂનમચંદ શેઠ અડવાને લઈને ટોપી પહેરીને રિક્ષામાં નીકળ્યા. માખણલાલને ઘેર પહોંચ્યા. કોઈ મળે નહિ. શેઠને અજાયબી લાગી. ત્યાં તો માખણલાલ ઓટલા પર આવ્યા. “અરે આવો આવો! તમે ફરી ધક્કો ખાધો ને?”
અડવાનું ડાચું પહોળું થઈ ગયું. શેઠ અડવા સામું જોઈ રહ્યા.
અડવો બોલવા જતો હતો : “માખણલાલ! હમણાં બેચરભાઈ પટેલ મળ્યા તેમણે તો એવું કહ્યું...”
પણ શેઠે એકદમ વાત વાળી દીધી. અને કહે : “એમણે જ કહ્યું કે માખણલાલ મજામાં છે...મને આનંદ થયો. એટલે મળવા આવ્યો.”
માખણલાલ બિચારા અડધા થઈ ગયા...પણ શેઠને અચાનક ફાળ પડી. “કદાચ શેઠાણી આવી ચડે તો?”
એટલે માખણલાલને કહે : “હજુ આરામ કરજો...ઉતાવળ કરીને દુકાને આવશો નહિ.” એમ કહીને ઘેર દોડ્યા. શેઠાણી મોટરમાં બેસવા જ જતાં હતાં...એમને ઉતાર્યાં.
અડવાને ખૂબ ધમકાવ્યો. અડવો કહે : “મને તો બેચરબાઈએ કહ્યું કે માખણલાલ મરી ગયા...હું શું જાણું?”
શેઠે બેચરબાઈને ફોન કર્યો. બેચરભાઈ કહે : “હાસ્તો...માખણલાલ તો સાજાંસમા જ છે. બપોરે જ મને મરી ગયા...અમે રસ્તામાં જ મરી ગયા…”
શેઠ હસી પડ્યા : “અરે તમારું ભલું થાય! મળી ગયા એમ? રસ્તામાં મળી ગયા?”
બેચરભાઈ કહે : “હા...હા. રસ્તામાં જ મરી ગયો...”
શેઠે હસતાં-હસતાં ફોન મૂકી દીધો.
શેઠાણીને કહે : “ચરોતરના એ પટેલે ‘મળી ગયા’ને બદલે ‘મરી ગયા’ કહ્યું એમાં આ હીરાએ બાફ્યું!”
સ્રોત
- પુસ્તક : મધુસૂદન પારેખની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 47)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2022