રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆપણા ગુજરાતની વાત છે.
આપણા ગુજરાતમાં અમુક ગામો નદીના કાંઠા (કિનારા) પર વસેલાં છે.
આપણા ગુજરાતની મોટામાં મોટી નદી નર્મદા.
એ નર્મદામૈયાના કાંઠે આવેલ ગામની વાત છે. એ બધો ‘કાંઠા-પ્રદેશ’ ગણાય છે. એ કાંઠા-પ્રદેશની આ કહાણી છે.
કાંઠા-પ્રદેશના એક ગામથી બીજે ગામ જવું હોય તો હોડકાંનો ઉપયોગ થાય છે.
કાંઠે રહેનાર ગામના ઘણાખરા લોકો પોતપોતાનું નાનું સરખું હોડકું રાખે છે.
જ્યારે એક ગામથી બીજે ગામ જવું હોય ત્યારે પોતાનું આ હોડકું લઈને નીકળી પડે. હોડકાને હલેસાં મારતા નીકળી પડે.
માછલાં પકડવામાં પણ આ જ હોડકાનો ઉપયોગ કરે.
એવું એક કાંઠા-પ્રદેશનું ગામ.
ગામમાં એક ગરીબ માણસ રહે.
તેનું નામ તો હતું શંકર. પરંતુ આ શંકર ખાવાનો જબરો શોખીન હતો; ખટ-સવાદિયો હતો; ‘ચાટૂડિયો’ હતો. એટલે બધા તેને શંકર ‘ચાટૂડિયા’ તરીકે ઓળખતા હતા.
આ શંકર ચાટૂડિયાને એક છોકરો હતો — નવ-દશ વર્ષનો. તેનું નામ ગણેશ. આ ગણેશ પણ બાપ જેવો બેટો હતો. તેને પણ ગળ્યું એ ગળ્યું ને બીજું બધું બળ્યું હતું!
શંકર તેની સ્ત્રી પાર્વતીને ઘણી વાર કહેતો : ‘મને સારું સારું ખાવાનું બહુ મન થાય છે! પરંતુ તું તો હરીફરીને ભાણામાં રોટલો ને ડુંગળી જ પીરસે છે! રોજ ઊઠીને રોટલો ને ડુંગળીનો દડો!’
પાર્વતી બિચારી સીધીસાદી સ્ત્રી હતી; પરંતુ એ સાથે જ તે ઘરરખુ હતી. તે વિચારતી : ‘ઘરમાં હોય તે પ્રમાણે રાંધું ને!’
પરંતુ શંકર પાર્વતીની પાછળ બરાબર પડતો, ત્યારે તે ચિડાતી ને છણકીને કહેતી : ‘તો શું રાંધું મારું કપાળ? તમે ઘરમાં લાવો તે પ્રમાણે રાંધું! જેવા મિયાંના મસાલા તેવા બીબીના વઘાર!’
હવે શંકરને કમાવાની એવી ત્રેવડ નહોતી, એટલે આગળ શું બોલે? ને વાત અહીં જ અટકતી.
છતાં સારું સારું ખાવા પાછળ શંકરનો ડોળો હંમેશાં ભટકતો રહેતો.
*
એક દિવસની વાત. પવિત્ર પર્વનો દિવસ હતો. પડખે ટાપુના કાંઠે વખતપુર કરીને એક ગામ હતું. તેમાં એક શેઠ રહેતા હતા. તેમનું નામ વખતચંદ.
આ વખતચંદ શેઠે એક વાર પોતાના ઘરઆંગણે મોટો જમણવાર યોજ્યો હતો. સાર્વજનિક જમણનાર યોજ્યો હતો. સર્વ જણને નોતરું હતું.
આ વાત શંકરના કાને આવી. તેને થયું : ‘વખતચંદ તો મોટો શેઠ છે! તે જમણવારમાં તો સારું સારું જમવાનું હશે! સાંભળ્યું છે – લાડુનું જમણ છે! એટલે ગણેશને લઈને જઉં! હોડકામાં બેસીને બંને જઈશું!’
જમણવાર સાંજનો હતો, એટલે શંકર તો બપોર પછી ઊપડ્યો. પોતાના હોડકાને હલેસાં મારતો મારતો ઊપડ્યો. સાતે ગણેશને પણ લીધો. બંનેએ સારાં કપડાં પણ પહેર્યાં હતાં. ઊપડ્યા શેઠ વખતચંદના ગામ ભણી સ્તો!
શંકર પાણીમાં થોડેક સુધી પોતાનું હોડકું લઈ ગયો ગશે, ત્યાં તેનો કોઈ ઓળખીતો મળ્યો. તે તેની સામી દિશાએ પોતાનું હોડકું હંકારતો હતો. શંકરે તેને પૂછ્યું : ‘કેમ ભાઈ, આ બાજુ ક્યાં ચાલ્યા?’
પેલાએ કહ્યું : ‘સામેના પાનપુર ગામમાં પેલા પાનાચંદ શેઠ નથી? તેમને ત્યાં આજ સાંજનું જમણ છે!’
શંકરે ઝીણી આંખ કરી પૂછ્યું : ‘શેનું જમણ છે?’
પેલાએ કહ્યું : ‘સાંભળ્યું છે મોહનથાળ ને પૂરીનું જમણ છે!’
મોહનથાળ ને પૂરી! તરત જ બાપદીકરાના મોંમાં પાણી છૂટ્યું.
શંકર મનમાં બબડ્યો : ‘લાડુમાં શું ખાવું તું ધૂળ! ચાલ જીવ, મોહનથાળના જમણમાં!’
નાનકડા ગણેશે પણ ટાપશી પૂરી : ‘હા બાપુ, ચાલો પાનપુર! વાળી લો હોડકું!’
ને પછી તો શંકરે પોતાનું હોડકું લીધું ને પેલા મિત્રના હોડકા સાથે પોતાનું હોડકું હંકારવા માંડ્યું.
આમ થોડુંક દૂર તે ગયો હશે, ને સામે તેનો એક બીજો ઓળખીતો મળ્યો. તેને શંકરે પૂછ્યું : ‘કેમ ભાઈ, કંઈ બાજુ હંકાર્યું?’
પેલો કહે : ‘કેમ ભાઈ, ખબર નથી? પેલા સીમે સાકરપુર ગામે જમણવાર છે. સાંકળચંદ શેઠને ત્યાં મોટો સાર્વજનિક જમણવાર છે.’
ઝીણી આંખ કરી શંકરે પૂછ્યું : ‘શેનું જમણ છે, ભાઈ?’
‘કેમ વળી, કાળી રોટી ને ધોળી દાળ!’
કાળી રોટી એટલે માલપૂડા, ને ધોળી દાળ એટલે દૂધપાક!
એડલે શંકરનું મન પાછું ચલિત થયું : ‘મોહનથાળ કરતાં દૂધપાક-માલપૂડા શું ખોટા ચાલ ત્યાં જ ઊપડું!’
નાનકડા ગણેશે પણ ટાપશી પૂરી. એટલે ફરી પોતાના હોડકાને વાળ્યું પેલા સાકરપુર ગામ તરફ હંકાર્યું.
આમ તેણે જળમાં ઠીક ઠીક હંકાર્યું હશે – ને પાછો એક બીજો ઓળખીતો તેને મળ્યો.
તે વળી બીજી દિશામાં પોતાનું હોડકું હંકારતો હતો. – ને શંકરે તેને પૂછ્યું : ‘કેમ ભાઈ, સાકરપુર ગામ નથી આવવું?’
પેલો બોલ્યો : ‘ના, ભાઈ ના, મારે પેલા સામે કાંઠે ગામ દેખાય છે – ગોપાળપુર? –એ ગોપાળપુરના ગોપાળચંદ શેઠને ત્યાં મારે સંબંધ છે. આજે તો ઉત્તરાયણનો દિવસ છે ને!’ મકરસક્રાંતિનું મહાપર્વ છે ને! આજે જેટલું દાન થાય તેટલું ઓછું! આજે ગોપાળચંદ શેઠે તેમની બાના નિમિત્તે મોટા જમણવાર યોજ્યો છે! સાર્વજનિક જમણવાર છે!’
શંકરે ધીરે રહીને પૂછ્યું : ‘ત્યાં શેનું જમણ છે, ભાઈ?’
પેલો બોલ્યો : ‘સૂતરફેણીનું જમણ સાંભળ્યું છે! કહે છે, શેઠે છેક ખંભાતથી સૂતરફેણી મગાવી છે!’
સૂતરફેણીનું નામ સાંભળતાં શંકર ને ગણેશ બન્નેનાં મોંમાં પાણી આવ્યું.
શંકરે ગણેશને પૂછ્યું : ‘કેમ કરીશું, બેટા?’
ગણેશ કહે : ‘બાપુજી, દૂધપાક ને માલપૂડા તો આપણા ઘેર પણ થાય! પરંતુ આપણને સૂતરફેણી ક્યાંથી મળવાની છે? ને તેય અસલ ખંભાતની! ચાલો, આ કાકાની સાથે!’
શંકરે હોડકું એ બાજુ વાળ્યું.
ફરી બાપદીકરો એ દિશામાં હોડકું હંકારવા લાગ્યા.
ત્યાં વળી બીજો એક માણસ મળ્યો. તે વળી કોઈ ત્રીજી જ દિશામાં પોતાનું હોડકું હંકારી રહ્યો હતો.
શંકરે પૂછ્યું : ‘કેમ ભાઈ, કઈ બાજુ?’
પેલો માણસ : ‘કેમ ભાઈ, સામે કાંઠે નારણપુર દેખાય છે ને! ત્યાં નારણદાસ શેઠના ઘેર મોટો જમણવાર છે. સાર્વજનિક જમણવાર છે!’
શંકરે ઝીણી આંખ કરીને પૂછ્યું : ‘શેનું જમણ રાખ્યું છે, શેઠે?’
પેલો માણસ કહે : ‘પાંચ પકવાનનું જમણ સાંભળ્યું છે! કહે છે, શેઠે પાંચ પકવાન ઘેર પડાવ્યાં છે – કંદોઈ બોલાવીને – ચોખ્ખા ઘીનાં!’
શંકર ફરી વિચારમાં પડી ગયો : ‘આ જમણ નહીં સારું? પાંચ પકવાન! મોહનથાળ, બરફી, સૂતરફેણી બધું આવી જાય! ચાલ જીવ ત્યાં!’
ગણેશને પૂછતાં તેણે કહ્યું : ‘જી હા બાપુજી, હોડકું વાળો ત્યારે એ બાજુ!’
વળી પાછું શંકરે હોડકું વાળ્યું.એમ એ લોકો થોડે ગયા હશે, ને બીજો માણસ સામો મળ્યો. તે પોતાના હોડકામાં સામી બાજુ જતો હતો.
શંકરે તેને પૂછ્યું : ‘કેમ ભાઈ, ક્યાં ચાલ્યા?’
પેલો બોલ્યો : ‘સામે કાંઠે નથી પેલું ગામ – લલ્લુપુરગામ! ત્યાં લલ્લુચંદ શેઠે મોટો જમણવાર યોજ્યો છે. કહે છે અગિયાર પકવાનનું જમણ રાખ્યું છે. શેઠ મોટા જીવના! છે તેમને ઘેર મોટી ઉંમરે દીકરો જન્મ્યો છે! ઘરડે ઘડપણ ઘોડિયું બંધાયું છે! તેના નિમિત્તે જમણવાર કર્યો છે.’
શંકરને થયું છે પાંચ કરતાં અગિયાર વધારે નહીં! માટે પાંચને મૂકો પડતાં! ને ચાલો અગિયાર ભણી!’
ગણેશને પૂછતાં એ ટીણિયાએ પણ ટાપશી પૂરી.
એટલે ફરી પાછું હોડકું વાળી લીધું.
શંકર પાણીમાં થોડેક દૂર સુધી હોડકું લઈ ગયો હશે, ત્યાં તેને બીજો એક માણસ સામો મળ્યો. તે પોતાના હોડકામાં કોઈ જુદી જ દિશામાં જઈ રહ્યો હતો.
શંકરે તેને પૂછ્યું : ‘કેમ ભાઈ, કઈ બાજુ હંકાર્યું?’
પેલો માણસ કહે : ‘પેથાપુર બાજુ જ સ્તે! સામે કાંઠે પેલું દેખાય તે પેથાપુર! ત્યાં પેથાભાઈ શેઠે મોટો જગન માંડ્યો છે. તે અંગે મોટો સાર્વજનિક જમણવાર છે. શેઠે પંદર પકવાનનું જમણ રાખ્યું છે.’
શંકરને થયું : ‘અગિયાર કરતાં પંદર વધારે નહીં? તો મારો અગિયારને હડરસેલો ને પકડો પંદરને!’
ગણેશને પૂછતાં તેણે પણ હા ભણી. ફરી પોતાનું હોડકું એ દિશા ભણી વાળ્યું.
આગળ જતાં તેને વળી એક માણસ સામે મળ્યો. એ વળી પોતાનું હોડકું બીજી દિશામાં હંકારતો હતો.
શંકરે તેને પૂછ્યું : ‘કેમ ભાઈ, કઈ બાજુ?’
પેલો માણસ : ‘કેમ ભાઈ, ખબર નથી? સામે કાંઠે દેખાય છે ને, પેલું કમળાપુર ગામ? એ ગામનાં કમળા શેઠાણી ગંગાપૂજન કરે છે. એ નિમિત્તે આજે મોટો જમણવાર છે! શેઠાણી બહુ મોટાં જીવનાં છે. જમણમાં એકવીસ તો પકવાન રાખ્યાં છે!’
શંકરને થયું : ‘પંદર કરતાં એકવીસ વધારે! ચાલ જીવ, મૂક પંદરને પડતું ને હંકાર એકવીસ ભણી!’
ગણેશે પણ હોંશભેર આમાં હા ભણી.
એટલે ફરી પાછું શંકરે પોતાના હોડકાને વાળ્યું.
આમ ફરી શંકરે પાણી ડહોળવા માંડ્યું. ત્યાં વળી પાછો એક માણસ તેમને સામે મળ્યો. એ તેનું હોડકું સાવ જુદી જ દિશામાં હંકારી રહ્યો હતો.
શંકરે તેને પૂછ્યું : ‘કેમ ભાઈ, કઈ બાજુ હંકાર્યું?’
પેલો માણસ : ‘સામે કાંઠે પેલું ગામ નથી, મેનાપુર? તેના મેના શેઠાણી હમણાં રાંડ્યાં છે. શેઠને કોઈ વસ્તાર નથી. એટલે શેઠ પાછળ શેઠાણી મોટો વરો કરે છે. સર્વ જણને તેમાં નોતરાં છે!’
શંકરને વાતમાં રસ પડ્યો. ધીમેથી પૂછ્યું : ‘ત્યારે મેના શેઠાણીએ જમણ પણ સારું રાખ્યું હશે!’
પેલો માણસ : ‘કેમ ન રાખે? જમણમાં પચીસ પકવાન રાખ્યાં છે! ચાલો, તમારેય આવવું હોય તો એકથી બે ભલા!
શંકર ગણેશને પૂછ્યું : ‘દીકરા, કેમ કરીશું?’
ગણેશ બોલ્યો : ‘બાપુજી, એકવીસ કરતાં પચીસ વધારે! ચાલો ને મેનાપુર! હજુ વેળા છે! કમળા શેઠાણીને આપણે શું કરવાં છે?’
પાછું શંકરે પોતાનું હોડકું એ દિશામાં વાળ્યું. પેલો માણસ પોતાનું હોડકું આગળ આગળ હંકારી જતો હતો; ને શંકર તેની પાછળ પાછળ હંકારતો હતો.
એટલામાં વળી સામેથી કોઈ બીજું હોડકું શંકરને સામે અથડાયું. તે હોડકાવાળો પણ તેનો એક મિત્ર હતો. હેતપ્રીતમાં તેણે પોતાનું હોડકું શંકરના હોડકા સાથે અથડાવ્યું હતું, જાણી જોઈને. શંકરે તેને પૂછ્યું : ‘કેમ દોસ્ત, ક્યાં હંકાર્યું?’
પેલો મિત્ર : ‘શંકર, તને ખબર નથી? સામે કાંઠે પેલું ગામ નથી મણિનગર? મણિનગરના મણિશેઠાણી આજે મોટો જમમવાર કરે છે! સત્તાવીસ તો પકવાન છે! ચાલ તારેય આવવું હોય તો!’
સત્તાવીસ પકવાન!
તરત જ શંકરે સાદી ગણતરી કરી :
‘પચીસ કરતાં સત્તાવીસ વધારે! ચાલ જીવ, પચીસને મૂક બાજુ ને પકડ સત્તાવીસને!’
ગણેશને પણ આ વાત બહુ ગમી.
એટલે ફરી પાછું શંકરે પોતાનું હોડકું એ દિશામાં વાળ્યું.
પેલો મિત્ર હોડકું હંકારવામાં બહુ કુશળ હતો. એટલે તેણે તો શંકરથી ક્યાંય આગળ પોતાના હોડકાને હંકારી મૂક્યું.
શંકર પાછળ પાછળ આવતો હતો, ત્યાં વળી એક બીજો ઓળખીતો મલ્યો.
એ તેનું હોડકું સાવ જુદી જ દિશામાં હંકારતો હતો. શંકરે પૂછ્યું : ‘કેમ ભાઈ, કઈ બાજુ હંકાર્યું તમારું હોડકું?’
પેલો આજે ખુશમિજાજમાં હતો ને વારતહેવારે પહેરાય તેવો પોશાક તેણે પહેર્યો હતો.
આંગળીથી દિશા બતાવીને તે બોલ્યો : ‘પેલું દેખાય છે ને કાંઠા પરનું ગામ ખાનપુર? એ ખાનપુરમાં આજે આખા ગામ તરફથી મોટો જમણવાર છે! ગામનાં માણસોએ એક મોટો જગન કર્યો છે. ગામના માણસો બહુ હોંશીલા છે. જમણવારમાં ત્રીસ તો પકવાન પાડ્યાં છે. ચાલો તમારેય આવવું હોય તો!’
શંકરે તો સાદી જ ગણતરી કરી : ‘સત્તાવીસ કરતાં ત્રીસ વધારે !’
ગણેશે પણ આમાં સંમતિ આપી, એટલે ફરી બાપદીકરાએ હોડકું ખાનપુરની દિશામાં વાળી લીધું.
આ રીતે તેઓ હોડકું હંકારી રહ્યા હતા, ને વળી એક બીજું હોડકું તેમને સામું મળ્યું. તેમાં સારાં કપડાં પહેરેલો એક માણસ બેઠો બેઠો હોડકું હંકારી રહ્યો હતો.
શંકરે તેને ઝીણી આંખ કરીને પૂછ્યું : ‘કેમ ભાઈ, કઈ બાજુ?’
પેલા માણસે કહ્યું : ‘સામે કાંઠે પેલું ગામ નથી દેખાતું હરિનગર? એ હરિનગરમાં હરિબા કરીને ભક્તાણી રહે છે. તેમણે લાગલગાટ પાંચ વરસ નકોરડી અગિયારસ કરી હતી. હરિબાને ભગવાને ઘણું ધન આપ્યું છે; ને તેમની પાછળ કોઈ ખાનાર નથી. એટલે પછી એ નિમિત્તે તેમણે મોટો જમણવાર યોજ્યો છે. જમણમાં એકત્રીસ તો પકવાન પાડ્યાં છે!’
શંકરે સાદી ગણતરી કરી :
‘ત્રીસ કરતાં એકત્રીસ વધારે!’
ગણેશે પણ આમાં ટાપશી પૂરી.
એટલે બન્ને જણાએ પોતાનું હોડકું હરિનગર ભણી વાળી લીધું; ને હવે એ દિશામાં તેઓ હંકારવા લાગ્યા.
આગળ થોડું પાણી તેમણે કાપ્યું હશે ને વળી એક હોડકું તેમને સામું મળ્યું. હોડકામાં બનીઠનીને માણસો બેઠા હતા. તેમાંના આગેવાનને શંકરે પૂછ્યું :
‘કેમ ભાઈ, કઈ બાજુ હોડકું હંકાર્યું?’
પેલો આગેવાન બોલ્યો : ‘કેમ ભાઈ, ખબર નથી? સામે કાંઠે પેલું ગામ નથી! બળ્યું શું તેનું નામ? જમાલપુર! હા, જમાલપુર! જમાલપુરના જમના શેઠાણી ચાર ધામની જાત્રા કરી આવ્યા છે. એ નિમિત્તે તેમણે મોટો જમણવાર યોજ્યો છે. તેમાં અમે બધા જમવા જઈએ છીએ, ચાલો, તમારે આવવું હોય તો! જમના શેઠાણી મોટાં જીવનાં છે. સર્વે જણને તેમાં નોતરું છે! જમના શેઠાણીના જમણમાં બત્રીસાં ભોજન અને તેત્રીસાં શાક છે!’
ફરી શંકરનું મન પલળ્યું. તેને થયું : એકત્રીસ કરતાં બત્રીસ વધારે ને બત્રીસ પકવાન એટલે બધી મીઠાઈઓ અંદર આવી ગઈ. ચાલ જીવ, બત્રીસ પકવાન ઉપર!’
ગણેશે પણ ટાપશી પૂરતાં કહ્યું : ‘બાપુજી, વળી પાછાં તેત્રીસ જાતનાં શાક પણ છે! આપણા ઘેર મારી બા ડુંગળીના શાક વગર બીજું કોઈ શાક જ કરતી નથી!’
બાપદીકરાએ જમાલપુર ભણી હોડકું વાળી લીધું; ને પછી એ દિશામાં એ લોકોએ હંકારવા માંડ્યું.
થોડેક દૂર ગયા હશે, ને તેમને પાંચ હોડકાંની લંગાર સામી મળી. પાંચેય હોડકામાં રંગબેરંગી વસ્ત્રો પહેરેલી છ સ્ત્રીઓ ને બાળકો હતાં જે પુરુષો હાંકતા હતા; તેમણેય સરસ પોશાક પહેરેલો હતો.
પહેલા જ હોડકાવાળા પુરુષને શંકરે પૂછ્યું :
‘કેમ ભાઈ કઈ બાજુ હંકાર્યું?’
પેલા પુરુષ કહ્યું : ‘ભાઈ જરા જવું છે દૂર! સુરત જિલ્લાનું પેલું ગામ નથી? આમ તો ગામને લોકો “ગધેડું” કહે ચે, પરંતુ એ ગામના લોકોને એ પસંદ નથી. ગામનાં એક આગેવાન શેઠાણી છે – શાંતા શેઠાણી! તેમણે ગામનું નામ બદલવા એક મોટો જગન કર્યો છે! બધો ખર્ચ શાંતા શેઠાણી આપવાનાં છે. કરોડપતિ શેઠાણી! તેમના ઘેર લાખે લેખાં છે.’
“એ ગામનું નામ ‘ગધેડું’ બદલીને ‘શાંતાગ્રામ’ રાખવામાં આવ્યું છે. એ નિમિત્તે મોટો જમણવાર છે.”
‘તેમાં બત્રીસાં ને તેત્રીસાં શાક તો છે જ; ઉપરાંત જમનાર દરેક મોટા માણસને બશેર ભાર મીઠાઈ ને જમનાર દરેક છોકરાને શેર ભાર મીઠાઈ આપવાની છે. વળી શાંતા શેઠાણી બહુ હોશીલાં છે. દરેક જમનારને દક્ષિણા રૂપે પાંય પાંચ રૂપિયા આપવાનાં છે. એટલે અમે લોકો ત્યાં જઈએ છીએ.’
શંકરને થયું છે આ માળું બધાંથી શ્રેષ્ઠ!’
આપણું પેટ ભરાય ને પાછું ઉપરથી મીઠાઈનું પોટલું મળે! પેટ ઉપર પોટલું ને પાછા પાંચ રૂપિયા દક્ષિણાના રોકડા મળે!
વળી શાંતાગ્રામ સુરત જિલ્લાનું ગામડું છે ને સુરતનું જમણ એટલે કહેવું પડે. કહેવતમાં કહ્યું છે કે સુરતનું જમણ ને કાશીનું મરણ! માટે ચાલો ને ત્યાં જ. આમે બહાર તો નીકળ્યા છીએ જ; વળી રૂપાળા સંગાથ છે!
ગણેશ તો આ બધી વાત સાંભળીને જ રાજી રાજી થઈ ગયો હતો.
એટલે તેણે તો શંકરના પહેલાં જ હોડકું શાંતાગ્રામ બાજુ વાળવા માટે તજવીજ કરવા માંડી હતી.
પરંતુ આમ હોડકાને વારેઘડીએ વાળવા કરવામાં શંકરને ખૂબ થાક લાગ્યો હતો. નર્મદાના જળમાં આમ અથડાકૂટમાં ખાસ્સો સમય પણ નીકળી ગયો હતો ને શંકરને ચાની જબરી આદત હતી.
એટલે તેણે ગણેશને કહ્યું છે બેટા, કાંઠા પર કોઈ ગામ આવે તો કહેજે. ચાપાણી કરીને પછી આગળ વધીએ. થોડોક વિસામો પણ ખાઈ લઈએ એ બહાને!’
ગણેશે કહ્યું છે ભલે, મનેય ચાની તલપ લાગી છે.’
ને નજીકમાં જ એક ગામ આવ્યું. તેના કાંઠે બાપદીકરાએ હોડકાને લંગાર્યું.
હોડકાને આમ કાંઠે લંગારીને તો ગામમાં ગયા; ગામમાં હોટલ ઊંડાણમાં હતી.
ચાની તલપ લાગી હતી. એટલે બાપદીકરાએ ગમે તેમ કરીને હોટલ શોધી કાઢી ચા પીધી. શંકરે બીડી પણ સળગાવી ને ખાસ્સો સમય થાક પણ ખાધો.
એટલી વારમાં સાંજ પણ પડી ચૂકી હતી.
એટલે મોડું તો થયું જ હતું, પરંતુ બન્નેના મનમાં હતું : ‘શાંતાગ્રામે પહોંચી જઈશું. આપણને પેલા પાંચ હોડકાવાળાએ મહાદેવજીની ભગવી ધજાની નિશાની આપી છે. એ નિશાની આવશે, એટલે હોડકાને લંગારીશું. ભગવી ધજાવાળું ગામ એ જ શાંતાગ્રામ!’
ને એમ એ લોકો આગળ વધ્યા. વચમાં એવી જ કોઈ ધજા તેમણે જોઈ, એટલે એ ગામે તેમણે હોડકું લંગાર્યું. પરંતુ એ તો બીજું જ ગામ નીકળ્યું.
ઊલટાનું મોડું થયું! ફરી હોડકામાં આવીને બેઠા. હોડકું જોર જોરથી હંકાર્યું.
ને છેક સુરત જિલ્લાના ગામે જવાનું હતું ને? એટલે અંતર ખાસ્સું નીકળ્યું. છેક રાતના દશ વાગ્યે શાંતાગ્રામે તેઓ પહોંચ્યા!
તેઓ કાંઠા પર ઊતર્યા, ત્યાં પેલા પાંચ હોડકાંવાળા માણસો તેમને સામે મળ્યા.
ને આગેવાને મોકાણના સમાચાર આપતાં કહ્યું : ‘ભાઈ તમે તો બહુ મોડા પડ્યા છો! હવે શું કામ જાઓ છો? અમારી છેલ્લી પંગત હતી! દાળશાક પણ ખૂટ્યાં હતાં! કેટલાક પક્વાન પણ ખૂટ્યાં હતાં! વળી અમને જમ્યાને ખાસ્સો કલાક થયો હશે. જમી- કરીને અમે ગામમાં અમારા સગાંવહાલાંને ત્યાં રોકાયાં હતાં. હવે જવું નકામું છે! તમેય ભલા આદમી છો ને! આટલું બધું મોડું કરાતું હશે?’
શંકર ને ગણેશના હૈયામાં મોટી ફાળ પડી. છતાં તેઓ જમણવારની જગાએ પહોંચ્યા – ત્યાં તેમણે શું જોયું?
બધું શાંત હતું. પેટ્રોમેક્સના છેલ્લા દીવા પણ ઓલવાઈ ગયા હતા. દાળોની ખાલી દેગો હવે તો ખખડતી હતી. જમણવાર તો ક્યારનોય પતી ગયો હતો.
બિચારા શંકર ને ગણેશ! વીલે મોંએ પાછા ફર્યા! તેમનાં બત્રીસાં ભોજન ક્યાંયે ચાલ્યાં ગયાં! ને તેત્રીસાં શાક પણ ક્યાંયે છુપાઈ ગયાં!
પેટ જ જ્યાં ના ભરાયું ત્યાં પોટલાની તો વાત જ શી? ને દક્ષિણાની તો વાત જ કોણ સંભારે! ભૂખ્યાં ને ભૂખ્યાં બાપદીકરો પાછા હોડકામાં બેસી ગયા ને ઊંઘું ઘાલીને ઘરભણી હોડકું હંકારવા લાગ્યા!
બાપદીકરાને પાછાં વળતાં મધરાત વીતી ગઈ. એ તો સારું હતું કે પાછલી રાતનું અજવાળિયું હતું. એટલે, બન્ને જણા ચંદ્રના અજવાળે અજવાળે હોડકાને ઘર ભણી હંકારી લાવ્યા.
તેમની રાહ જોઈને પાર્વતી બિચારી મોડી રાતે સૂઈ ગઈ હતી; થાકીપાકી સૂઈ ગઈ હતી.
એક બાજુ બાપદીકરાને કકડીને ભૂખ લાગી હતી પેટમાં બિલાડા બોલવા લાગ્યાં હતાં.
બીજી બાજુ પાર્વતીએ એ લોકો માટે કશું રાંધ્યું નહોતું; કેમ કે એ લોકો જ બત્રીસાં ભોજન, તેર્તીસાં શાક જમવા ગયા હતા ને...?
છતાં શીંકામાં કાંઈ પડ્યું હોય તેની બન્ને ખાંખાખોળ કરવા લાગ્યા. છેવટે તેમના હાથમાં સૂકોપાકો એક રોટલો હાથ લાગ્યો ને ઘરના ખૂણે ડુંગળી પાર્વતીએ લાવી નાંખી હતી. તેમાંથી બે ડુગળીના દડા લઈ આવ્યા.
બાપદીકરાએ આમ રોટલો ને ડુંગળીના દડાનું શિરામણ કર્યું – પોતાનું રોજનું જમણ જમ્યા – મને કે કમને.
પછી સૂઈ ગયા ને સવાર પડે વહેલું! હા! સુરતનું જમણ તેમના સ્વપ્નમાં આવ્યું હતું ખરું! પરંતુ સ્વપ્નું એ છેવટે સ્વપ્ન કહેવાય! એ કાંઈ પડે ખરું?
સવારમાં પાર્વતીએ બધી બાત જાણી આખા ગામે આ વાત જાણી.
પછી તો શંકર ને ગણેશનું આ સુરતનું જમણ એક કહેણીરૂપ બની રહ્યું.
સ્રોત
- પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 261)
- સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
- વર્ષ : 2020