bahenDi mari - Children Poem | RekhtaGujarati

બહેનડી મારી

bahenDi mari

ભાનુશંકર પંડ્યા ભાનુશંકર પંડ્યા

(ઢાળ : ‘મેંદી લેશું, મેંદી લેશું’ જેવો)

રાતની રાણી,

રાતની રાણી,

મહેકે મારે બાગ,

નાનકડો એનો છોડ તો જાણે વાસ તણો ભંડાર;

રસીલી રાતની રાણી રે,

રાતની રાણી રે.

વીજળી ચમકે,

વીજળી ઝબકે,

ઊંચે આભઆવાસ.

એક એના ઝબકારમાં પ્રગટે નભવિસ્તાર;

વીજળી તેજની રાણી રે,

તેજની રાણી રે.

બહેનડી મારી,

બહેનડી નાની,

રેલતી મીઠું હાસ,

મધભર્યા એના બોલથી ઊડે આંગણિયે ઉલ્લાસ;

બહેનડી હાસની દેવી રે,

હાસની દેવી રે.

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 26)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945