shane? - Children Poem | RekhtaGujarati

મને કહોને ઓ કોઈ તમે, શાને આ રંગ જુદા જુદા?

વૃક્ષોનાં ફળફૂલને હૈયે હીંચોળીને

હોંશેથી હેત કરી લેતા,

કો’ દિન તો સૂસવતા આવી થથરાવતા

સર્વેને દૂર ફૂંકી દેતા.

પવનદેવ! શાને આ રંગ જુદા જુદા?

સાગરનાં નીર! તમે ધીમે સરકતી

હોડીને હાસ્ય કરી જોતાં,

ઘૂઘવતાં આવીને કંપાવી કો વાર

એને કાં પાય નીચે લેતાં?

સાગરનીર! શાને આ રંગ જુદા જુદા?

ધરતીને ભીંજવવા તમે મેહુલિયા!

સાથે જળધાર લઈ આવો,

તરસે રિબાતી ધરતીનો કોઈ વાર

સાદ ના કેમ યાદ લાવો?

મેહુલિયા! શાને આ રંગ જુદા જુદા?

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945