samdukhiyo - Children Poem | RekhtaGujarati

માડી! ધાર કે તારો દીકરો નહિ ને

હું કુરકુરિયું થયો હોત, તો?

રખેને તારા પીરસેલા ભાણામાં

ભાત ખાવાને મોં નાખું...

બીકે શું તું હાંકી કાઢતે મને?

ખરું કહે હોં માડી!

મને ફોસલાવવાની વાત

તું લગીરેય કરતી ના.

તું એમ કહેતે મને,

‘હડે, હડે, હડે...

કૂતરું વળી અહીં ક્યાંથી?’

તો, જા, મા! જા,

મને તારે ખોળેથી ઉતાર

તારા હાથે હું ભાત નહિ ખાઉં,

તારા ભાણાનો કોળિયો હું નહિ લઉં.

ને મા....!

માન કે તારો દીકરો નહિ

ને હું જો તારું પોપટપંખી હોત, તો?

રખેને હું ઊડી જાઉં,

બીકે શું તું મને

સાંકળે બાંધી રાખત?

ખરું કહેજે માડી!

મને પટાવવાની વાત

તું લગીરેય કરતી ના.

તું મને એમ કહેતે કે,

‘ઓ રે, અભાગિયા પંખી!

સાકળ તોડીને,

મને ઉલ્લુ બનાવીને

ઊડી જવું હતું તારે...

એમ ને?’

જો એમ કરવાની હો :

તો મને તારી ગોદેથી ઉતાર,

મને તારાં વ્હાલ ખપે,

ખપે તારો ખોળો...

હું તો મારે વનમાં જઈને રહીશ.

(અનુ. સુભદ્રા ગાંધી)

સ્રોત

  • પુસ્તક : શિશુ (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સર્જક : રવિન્દ્રનાથ ટાગોર
  • સંપાદક : સુભદ્રા ગાંધી
  • પ્રકાશક : વિશ્વમાનવ સંસ્કાર શિક્ષણ ટ્રસ્ટ, વડોદરા
  • વર્ષ : 1978