kaluDo rang - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હાં રે મને વા’લો છે.

આભમાં ઊભેલી કો વાદળીનો કાળુડો રંગ.

હાં રે બીજો વા’લો છે.

હીરલે મઢેલી મધરાતડીનો કાળુડો રંગ.

હાં રે મને વા’લો છે.

ભાભી તણા ઘાટા અંબોડલાનો કાળુડો રંગ,

હાં રે બીજો વા’લો છે.

માવડીનાં નેણાંની કીકીઓનો કાળુડો રંગ.

હાં રે મને વા’લો

ગોવાલણીની જાડેરી કામળીનો કાળુડો રંગ,

હાં રે બીજો વા’લો

ગોવાળ! તારી દાઢી ને મૂછ કેરો કાળુડો રંગ.

હાં રે મને વા’લો છે.

કાગડા ને કોયલની પાંખ તો કાળુડો રંગ,

હાં રે બીજો વા’લો છે.

સીદી! તારાં બાળુડાં સીદકાંનો કાળુડો રંગ.

હાં રે મને વા’લો છે.

ઈશ્વરે રચેલો રૂડો રૂપાળો કાળુડો રંગ,

હાં રે એક દવલો છે

માનવીના મેલા કો કાળજાનો કાળુડો રંગ

(1928)

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 213)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997