patangiyaane - Children Poem | RekhtaGujarati

પતંગિયાને

patangiyaane

પૂજાલાલ દલવાડી પૂજાલાલ દલવાડી
પતંગિયાને
પૂજાલાલ દલવાડી

પતંગિયાને

આંગળી અડાડતો ભાઈ!

પતંગિયાને આંગળી અડાડતો ભાઈ!

નર્યું નાજુક છે નાનું,

મીઠડું મીઠડું મજાનું,

એને નાહક સતાવતો ભાઈ! –પતંગિયાને...

ફૂલેથી ફૂલે ફરી ફરીને

છે બેઠું જોને જરા ઠરીને,

કેવું લાગે છે દેવતાઈ! –પતંગિયાને...

ભલી ભોળી છે શી આંખ!

રંગ રંગ રૂપાળી પાંખ!

રૂડા રંગોની છાંટ શી છવાઈ! –પતંગિયાને...

એને અંગે રજોટી

છે મખમલી શી ચોટી,

એને લૂછવા જતો લલચાઈ! –પતંગિયાને...

મીટ માંડી મેર

રાચ આનંદભેર,

પ્રેમે જોતો રહે તું પુલકાઈ! –પતંગિયાને...

લાગે છે વહાલું

કોડીલું કાલું કાલું,

એની સાથે છે સ્નેહની સગાઈ! –પતંગિયાને...

સ્રોત

  • પુસ્તક : બાલ ગુર્જરી (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સર્જક : પૂજાલાલ દલવાડી
  • પ્રકાશક : શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરી
  • વર્ષ : 1980