Patangiaa Ne - Children Poem | RekhtaGujarati

દીપક બુઝાવા ન જા, પતંગીઆ

દીપક બુઝાવા ન જા

તેજસનો દ્વેષી ન થા, પતંગીઆ

દીપક બુઝાવા ન જા

જ્યોતિર્ધર પૂર્વજ છે દીપનો દીવાકર

તું તો તિમિરની પ્રજા, પતંગીઆ

દીપક બુઝાવા ન જા.

આંખો અંજાય તો દૂર રહે ઉડતો

એના પ્રકાશમાં ન જા, પતંગીઆ

દીપક બુઝાવા ન જા.

તું તારી પાંખના ઝાંખા ચમકાટથી

અમથો ઉછાંછળો ન થા, પતંગીઆ

દીપક બુઝાવા ન જા.

જ્વાળામાં ઝંપલાઈ શાને તું જીવડા!

જીવનની હારે મજા, પતંગીઆ

દીપક બુઝાવા ન જા.

સ્રોત

  • પુસ્તક : શારદા : ફેબ્રુઆરી, 1935 (પૃષ્ઠ ક્રમાંક 922)
  • સંપાદક : ગોકુલદાસ દ્વારકાદાસ રાયચુરા
  • પ્રકાશક : શારદા કાર્યાલય, વડોદરા