Pankho, pavan ne patangiyu - Children Poem | RekhtaGujarati

પંખો, પવન ને પતંગિયું

Pankho, pavan ne patangiyu

હર્ષદ ચંદારાણા હર્ષદ ચંદારાણા
પંખો, પવન ને પતંગિયું
હર્ષદ ચંદારાણા

એક દિવસ આ પંખો બોલ્યો

કાન ધર્યા ને કમરો ડોલ્યો

હું છું ભૈ પવનોનો રાજા

ઝટ આવે, જ્યાં કહું કે : આ જા

મારી આણને માને સૌ

હું ન હોઉં તો ગરમી બૌ

પવન કહે નંબર વન હું

હું ન હોઉં તો તું છે શું?

ફેરા ફરી તું ક્યાંય ન જાય

મારા ગુણ તો દુનિયા ગાય!

મારે કારણ તારો વટ

મારે કાજ તું લટકે છત

પતંગિયું, આ છોડી વગડો

આવી કહે કે મિત્ર ન ઝઘડો

પંખો પાંખો ખૂબ દોડાવે

તને પવન કેવો ફેલાવે

પવન આવે તો પંખો રાજી

કામ તો જ છે એનું, હાજી

હું પંખાની પાંખે બેસું

ગાઉં પવનમાં કરતો ટેસું

કોઈ નથી કોઈનું માલિક મળ-હળી રહીએ તો ઠીક

બાળ-મિત્રો વાત છે સાચી સૌ સંપીને રહેજો રાજી

૧-૯-૧૯૯૭

સ્રોત

  • પુસ્તક : પંખો, પવન ને પતંગિયું (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સર્જક : હર્ષદ ચંદારાણા
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 2002